ખાંટુ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ
વર્ષ 2001માં જ્યારે આ યુગના સૌથી પ્રભાવક ફિલ્મ દિગ્દર્શકોમાંના એક એવા સ્ટીવન સ્પીલબર્ગ 'A.I. Artificial Intelligence' ફિલ્મ લઇને આવ્યા, ત્યારે દર્શકો અને વિવેચકોને તેણે હલબલાવી નાખ્યા હતા. સાયન્સ ફિક્શન સ્વરૂપે રજૂ થયેલી એ ફિલ્મના અંતમાં બહુ જ ખૂબીથી માનવતા વ્યાખ્યાયિત થતી હતી. એ સમયે એમ લાગતું હતું કે માનવતાની આનાથી વધારે સારી અને પ્રેરણાત્મક વ્યાખ્યા કોઈ આપી શકશે નહીં.
A.I. Artificial Intelligence
એ ફિલ્મની વાર્તા ટૂંકમાં કંઇક આવી હતી. બહુ દૂરના નહીં એવા ભવિષ્યમાં એક દંપતીનું બાળક અસાધ્ય રોગથી પીડાતું હોવાથી તેને ઘણા સમયથી મૂર્છિત અવસ્થામાં રાખવામાં આવ્યું છે. સંતાનની ખોટ પૂરવા એ દંપતી ડેવિડ નામના એક રોબોટિક બાળકને દત્તક લે છે. આ રોબોટ દેખાવમાં તમામ રીતે સામાન્ય બાળક જેવો જ છે. થોડાક સમય પછી દંપતીના બાળકના રોગની સારવાર શોધાઇ જાય છે અને તે સાજું થઇને ઘરે પાછું આવે છે. એ પછી સાચા બાળક અને રોબોટિક બાળક વચ્ચે માતાનો પ્રેમ પામવાની જે સ્પર્ધા થાય છે તે ડેવિડને એવી યાત્રાએ લઈ જાય છે જે અંતમાં માનવ હોવાની વ્યાખ્યા સુધી પહોંચે છે.
E.T. The Extra-Terrestrial
આ સ્ટીવન સ્પીલબર્ગે જ 1982માં 'E.T. The Extra-Terrestrial' નામની સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવી હતી. તેના બે દસક પછી ભારતમાં 2003માં 'કોઇ મિલ ગયા' નામે E.T.ની ભારતીય નકલ બનાવવામાં આવી. ભારતીય પડદા માટે મનોરંજક અને સફળ નીવડેલી એ ફિલ્મ જોકે સ્પીલબર્ગની બરાબરી કોઇ રીતે કરી શકી નહોતી. માટે 'A.I. Artificial Intelligence' ફિલ્મ જોયા પછી ઘણા સમય સુધી એમ જ વિચાર આવતો હતો કે માનવતાને વ્યાખ્યાયિત કરવામાં કોઇ સર્જક આ ફિલ્મની બરાબરી કરી શકશે ખરો?
Super Deluxe
પણ જ્યારે 2019માં તમિલમાં બનેલી 'Super Deluxe' તાજેતરમાં (અંગ્રેજી સબટાઇટલ સાથે) જોવામાં આવી ત્યારે આનંદ અને આશ્ચર્યની અદ્ભુત અનૂભૂતિ એકસાથે થઈ. મૂળે વિજય સેતુપતિના આકર્ષણથી જોવાનું શરૂ કર્યું હતું એ ફિલ્મે માત્ર સ્ટીવન સ્પીલબર્ગની બરોબરી કરી એટલું જ નહીં, તેનાથી પણ એક ડગલું આગળ વધીને 'માનવ હોવાને' નહીં પરંતુ આ 'હોવાને' એટલે કે અસ્તિત્વને વ્યાખ્યાયિત કરી આપ્યું, એમ લાગ્યું.
બંને ફિલ્મોની તકનીકી સરખામણી નથી કરતો કારણકે એ બાબતમાં તો મારો પનો ઘણો ટૂંકો પડે. હું તો વાર્તા નામના તત્વનો આકંઠ રસ પીનારો એક એવો ભાવક છું કે જેને અર્થબોધનો નશો ચડતો હોય છે અને જ્યારે એ નશો ઉન્માદ બની જાય, ત્યારે અભિવ્યક્તિનો પણ આફરો ચડતો હોય છે.
ચાર વાર્તાઓઓનું અસ્તિત્વ
ટ્વેન્ટી-ટ્વેન્ટી અને ટ્વિટરના આ સુપર ફાસ્ટ જમાનામાં 'Super Deluxe' એકદમ શાંતિથી વિગતે કહેવાયેલી વાર્તા છે. હવે જ્યારે દોઢથી બે કલાકમાં ફિલ્મો પૂરી કરવાનું ચલણ (યોગ્ય રીતે) વ્યાપક બનતું જાય છે, ત્યારે આ કથા એકદમ શાંતિ અને ઝીણવટથી 3 કલાકમાં કહેવાઇ છે. ક્યાંય બિનજરૂરી લંબાણ નથી કે નથી કહી નાખવાની ઉતાવળ. અનાવશ્યક ગીતો પણ નથી. 2 કલાક 54 મિનિટની લંબાઇ ધરાવતી આ ફિલ્મ સહજતાથી આગળ વધતી જાય છે અને અંતમાં અસ્તિત્વનો અર્થબોધ કરાવે છે.
તાજેતરમાં નેટફ્લિક્સ પર રજૂ થયેલી ફિલ્મ 'Ludo'ની જેમ લેખક-દિગ્દર્શક Thiagarajan Kumararajaની 'Super Deluxe'ની શરૂઆતમાં પણ ચાર અલગ અલગ વાર્તાઓ આવે છે, જેમાં તદ્દન અલગ-અલગ ઘટનાઓનો સંપુટ રજૂ થાય છે અને અંતમાં એ કથાનકો વિશેષ રીતે એકબીજા સાથે ગૂંથાઈ જાય છે.
વેમ્બુ અને મુગિલનું કથાનક
જેના અરેંજ મેરેજ થયા છે તેવી વેમ્બુ પોતાના લગ્નના ઘણા સમય પછી પહેલી વાર પોતાના કોલેજકાળના પ્રેમી સાથે ફોન પર વાત કરે છે. બંને વેમ્બુના ફલેટમાં જ મળે છે, વાત સંભોગ સુધી પહોંચે છે અને સંભોગના અંતમાં એ પ્રેમી મૃત્યુ પામે છે. મૃતદેહ ઘરમાં જ હોય છે અને વેમ્બુનો પતિ મુગિલ પણ આવી પહોંચે છે. નીચેના ઘરમાં પ્રસંગ હોવાથી અને બધાના ફલેટ નાના હોવાથી ત્યાંથી અમુક લોકો પણ વેમ્બુ-મુગિલના ફ્લેટમાં આરામ કરવા આવી પહોંચે છે. (ભારતીય સમાજનો અજોડ પડોશીધર્મ!) એ બધાથી બચીને તેઓ મૃતદેહને કારમાં લઈને તેનો નાશ કરવા જાય છે. 'જાને ભી દો યારો' ફિલ્મની જેમ આ મૃતદેહ પણ એક પાત્ર બની રહે છે અને વેમ્બુ-મુગિલ-મૃતદેહની ત્રિપુટી ફિલ્મના અંત સુધી દેખાયા કરે છે. મૃત્યુ પછી પણ અસ્તિત્વની અસર કેવી પડી શકે છે, તેનો બોધ આ કથાનક દ્વારા કરાવવામાં આવ્યો છે.
પાંચ કિશોરો અને બ્લૂ ફિલ્મનું કથાનક
ગાજી, સૂરી, મોહન, વસંત અને તુયવન નામના પાંચ કિશોરો યુવાવસ્થાના ઉંબરે આવીને ઊભા છે. તન-મનના તરંગો શમાવવા ઘણા બધા અંતરાયો પાર કરીને તેઓ બ્લૂ ફિલ્મ જોવાનું આયોજન કરે છે. (ભારતીય સમાજની એ સમયની લાક્ષણિકતા કે જ્યારે પોર્ન મોબાઇલવગું નહોતું!) બ્લૂ ફિલ્મની શરૂઆતના દ્રશ્યમાં જ તેમને ખ્યાલ આવી જાય છે કે એ ફિલ્મની અભિનેત્રી પાંચમાંથી જ એક કિશોર સૂરીની મા છે, જેનું નામ છે લીલા. ગુસ્સામાં આવીને સૂરી ટીવી ફોડી નાખે છે અને પોતાની મા લીલાનું ખૂન કરવા દોડે છે. બીજો કિશોર તેને અટકાવવા તેની પાછળ દોડે છે અને બાકી રહેલા ત્રણ કિશોરો તૂટેલા ટીવીની જગ્યાએ કઈ રીતે નવું ટીવી લાવવું તેની ફિરાકમાં પડે છે.
આમ આ પાંચ મિત્રોની કથામાંથી બે ઉપકથાઓ સર્જાય છે. એક બાજુ બ્લૂ ફિલ્મોમાં કામ કરનારી સ્ત્રી અને તેના પુત્રની કથા ચાલે છે, તો બીજી બાજુ ત્રણ કિશોરો જે રીતે ટીવી માટે રૂપિયા કમાવાનો 'શોર્ટકટ' અપનાવે છે, તેની વાત છે. તેમની મુસાફરી તો તેમને છેક પરગ્રહવાસી, એટલે કે એલિયનના અસ્તિત્વ સુધી ખેંચી જાય છે.
કિન્નર બની ગયેલા પિતા અને તેને ઝંખતા પુત્રનું કથાનક
આઠ-નવ વર્ષના રાસકુટ્ટિએ તેના જન્મ પછી-પછીના ગાળામાં ઘર છોડીને ભાગી ગયેલા પિતા મણિકમને જોયા જ નથી. હવે તે પાછા ફરવાના છે, એ સમાચારથી તે અત્યંત ઉત્સાહિત છે. સ્કૂલમાં તેના મિત્રો તેને 'ટેસ્ટ ટ્યૂબ બેબી' કહીને ચીડવતા હોય છે (અંગત વાતો પર જાહેરમાં મેણાં મારવાની ભારતીય સમાજની અસહ્ય લાક્ષણિકતા!) એટલે તે પોતાના પિતાને સ્કૂલે લઈ જઈને એ બધાનું મોઢું પણ બંધ કરાવવા માંગે છે. રાસકુટ્ટિની માતા જ્યોતિ પણ પોતાના પતિના આગમન અંગે ઉત્કંઠિત છે અને થોડીક મૂંઝાયેલી પણ છે.
જોકે રાસકુટ્ટિનો બાપ મણિકમ તો જન્મથી જ મૂંઝાયેલું પાત્ર છે. પુરુષના દેહમાં સ્ત્રીનો આત્મા આવી ગયાની પીડાથી છૂટકારો પામવા પહેલા તો તે દરિયામાં ડૂબવા જાય છે પણ છેવટે મુંબઈ ભાગી જાય છે અને હવે શિલ્પા બનીને પાછો ફરે છે કે પાછી ફરે છે. આ પિતા-પુત્રની યાત્રા આમ તો ઘરથી સ્કુલ સુધીની જ છે પરંતુ તેમાં પણ એવી ઘટનાઓ બને છે, જે એવો બોધ કરાવે છે કે 'અસ્તિત્વ' શબ્દ સ્ત્રીલિંગ કે પુલ્લિંગમાં નહીં પરંતુ નપુંસક લિંગમાં કેમ આવે છે.
ધર્મગુરુ અર્પુતમનું કથાનક
2004માં આવેલી સુનામીમાં લાખો લોકો મૃત્યુ પામ્યાં હતાં પરંતુ દરિયાકિનારે આત્મહત્યા કરવા ગયેલો ધનશેખરમ બચી જાય છે. તેને વિશ્વાસ થઈ જાય છે કે સુનામી દેવે જ તેને બચાવ્યો છે એટલે તે નવું નામ અર્પુતમ ધારણ કરીને નવા પંથની (કે ધર્મની) સ્થાપના કરે છે. તે સુનામીદેવને પ્રાર્થના કરીને લોકોને સાજા કરતો હોય છે. (ભારતીય સમાજની સર્વકાલીન લાક્ષણિકતા!) પણ જ્યારે તેનો જ પુત્ર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય છે, ત્યારે તેની પ્રાર્થના કામ આવે છે કે નહીં તેની વાત છે આ ચોથા કથાનકમાં. સુનામીદેવ કઇ રીતે મદદરૂપ બની રહે છે કે નથી બનતા તે નક્કી કરવાનું દર્શકો પર છોડી દેવામાં આવ્યું છે પરંતુ આ અર્પુતમનું પાત્ર અન્ય બે કથાનકને સાંકળવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ઉપસંહાર
ફિલ્મની છેલ્લી દસ મિનિટમાં વોઇસ ઓવર દ્વારા જે ઉપસંહાર રજૂ કરવામાં આવે છે, તેમાં ચારે કથાનકનો અંત તો આવે જ છે પરંતુ તેનાથી આ ફિલ્મનું કદ ઘણું વધી જાય છે અને આપણને સમજવા મળે છે કે ચાર (કે ત્રણ) વેગળી કથાઓ વડે કહેવાયું છે શું.
- પૃથ્વી પર કરોડો જીવો વસે છે એટલે ગમે તે એકની કોઇ પણ ક્રિયાની અસર અન્ય કોઇ પર ગમે તે રીતે પડતી હોય છે, તે સંયોગ માત્ર છે પણ અસર પડે છે ખરી. ફિલ્મની એકબીજાથી તદ્દન અલગ અલગ ચાલતી કથાઓ પણ એ રીતે સંયોગે જ એકબીજાને અસર કરે છે.
- વિજ્ઞાનની બહુમાન્ય થિયરી અનુસાર 'પ્રિમોર્ડિઅલ સૂપ'માં વીજળી પડી અને જીવનું સર્જન થયું હતું એ પણ સંયોગ જ હતો. પરંતુ એ પછી બે જીવોના મિલનથી જ ત્રીજો જીવન સર્જાય છે. એટલે એ મિલન જ અસ્તિત્વનું આરંભબિંદુ છે. માટે તમામ કથાનકોમાં કામવાસના જ ચાલકબળ બની રહે છે અને ફિલ્મનો અંત પણ કંઇક એવા જ દ્રશ્ય સાથે આવે છે. કામને ભારતીય સંસ્કૃતિમાં તો દેવનું સ્થાન અપાયું છે, પણ આપણે તેની પર જે લજ્જા અને સંસ્કારના આવરણો ચડાવ્યા છે, તે મોટાભાગની સમસ્યાઓનું મૂળ છે.
- જીવનનું અસ્તિત્વ માત્ર પૃથ્વી પર જ હોય એવું શક્ય નથી કારણ કે આ બ્રહ્માંડ તો અનંત છે અને આટલા વિશાળ બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ અસ્તિત્વના સર્જન, પોષણ અને વર્ધનના સંયોગો સર્જાયા હોય, તેમ માની લેવું તાર્કિક નથી. અને જો પરગ્રહવાસી હોય, તો તેઓ માત્ર અમેરિકામાં જ શું કામ આવે? ભારતમાં પણ આવી શકે છે, એવો રોચક કટાક્ષ પણ આ ફિલ્મમાં છે.
- માનવજાત તર્ક-વિતર્ક કરી શકે છે એટલે પ્રકૃતિના ગૂઢ રહસ્યોને પામવાનો પ્રયત્ન કરતો રહે છે અને ઉત્ક્રાંત થતો રહે છે. પરંતુ જ્યારે એજ માનવ કંઇક સમજી નથી શકતો, ત્યારે તેનાથી તે ભય પામે છે. એ અસલામતીની ભાવના તેને એ ગૂઢ તત્વને ધિક્કારવાની કે પૂજવાની દિશામાં લઈ જાય છે. એક માણસ પોતાના ગૂઢ તત્વને સમજી નથી શકતો એટલે કિન્નર બની જાય છે અને સમાજ પણ તેને સમજ્યા વિના ધિક્કારવા માંડે છે. બીજો માણસ પોતાને બચાવનાર ગૂઢ તત્વને સમજી નથી શકતો એટલે તેને પૂજવા માંડે છે. પણ અંતે તો બંનેનાં અસ્તિત્વ એટલાં જ મહત્વનાં છે, જેટલાં અન્ય કોઇનાં પણ હોય.
- અસ્તિત્વ કોઇનું પણ હોય, પણ હોય છે અત્યંત મહત્વનું, એ વાત એકદમ પ્રગટપણે આખી ફિલ્મમાં અનુભવાતી રહે છે. માનવ હોય કે પશુ, પૃથ્વીવાસી કે પ્રરગ્રહવાસી, સ્ત્રી હોય કે પુરુષ કે પછી કિન્નર, આસ્તિક હોય કે નાસ્તિક હોય, યોગી હોય કે ભોગી હોય, જીવંત હોય કે મૃત હોય, અસ્તિત્વ માત્ર આ બ્રહ્માંડ માટે મહત્વનું છે કારણ કે એક અસ્તિત્વની અસર સીધી કે આડકતરી રીતે બીજા અસ્તિત્વ પર પડતી જ હોય છે.
- બ્રહ્માંડ અણુઓનો બનેલો છે અને દરેક અણુનું આગવું બ્રહ્માંડ છે. તમે તેમાંથી શું પામો છો, તે તમારી દ્રષ્ટિ પર છે. એટલે જ કહેવાયું છેને કે 'દ્રષ્ટિ એવી સૃષ્ટિ'. જેમ શરીરના તમામ કોષનું અલગ અલગ અસ્તિત્વ છે પરંતુ એ અલગ અલગ કોષ ભેગા થઇને એક જીવનું સર્જન કરે છે, એમ જ આપણે બધા જ માણસો, જીવો, વૃક્ષો, પૃથ્વી, આકાશ ભલે અલગ અલગ હોઇએ પરંતુ આપણા સર્વેના સંયોજનથી જે સર્જાય છે, તે એક જ છે. પંચમહાભૂતનો સરવાળો એટલે અસ્તિત્વ અને તમામ અસ્તિત્વનો સરવાળો એટલે પંચમહાભૂત.
- આ જગતમાં આટલું બધું ઇષ્ટ છે, તો પછી અનિષ્ટ શા માટે છે? કારણ કે ઇષ્ટ અને અનિષ્ટ એક જ સિક્કાની બે બાજુઓ છે. કોઇનો દિવસ કોઇની રાત હોય છે ને કોઇનું સત્ય કોઇનું અસત્ય હોય છે. અંતમાં સત્ય એક જ છે - અસ્તિત્વ. તમારા માટે આ બ્રહ્માંડનો જન્મ તમારા અસ્તિત્વની સાથે જ થયો અને તમારું અસ્તિત્વ પંચમહાભૂતમાં મળી જશે એ સાથે જ તમારા માટે આ બ્રહ્માંડનો અંત આવશે પરંતુ બ્રહ્માંડનું અસ્તિત્વ ભૂંસાવાનું નથી.
- આપણે હંમેશા શું સાચું છે અને શું ખોટું છે, તેની ચર્ચા કરતા રહીએ છીએ પણ આપણા માપદંડો આપણી સગવડ અનુસાર બદલતા રહીએ છીએ. એ દંભની પેલે પાર, માનવજાતની તમામ સમજને અતિક્રમી જતું કોઇ એક સત્ય હોય, તો એ છે અસ્તિત્વ. જીવનનો અર્થ શું કે હેતુ શું એ બધા કરતા મહત્વનું કંઈ હોય, તો એ છે સ્વયં જીવન!
- બ્લૂ ફિલ્મની અભિનેત્રી અને સૂરીની મા લીલા પોતાના પુત્રને ફિલ્મના અંતે કહે છે કે મેં પોર્નસ્ટાર તરીકે કામ કર્યું છે, તો એક ફિલ્મમાં શક્તિદેવીનો પણ અભિનય કર્યો છે. કોઈ મને શક્તિ તરીકે જુવે છે અને કોઈ પોર્ન સ્ટાર તરીકે, પણ હું તો માત્ર લીલા છું, બીજું કશું જ નહીં. અભિધાથી આગળ વધતા આ વિધાન કેટલું સૂચક લાગે છે!
જગતના રંગમંચ પર સતત ચાલતી રહેતી અસ્તિત્વની આ લીલાને જોવા માટે આપણને અપર, મિડલ, લોઅર કે બાલ્કનીની નહીં પરંતુ 'સુપર ડિલક્ષ' ટિકિટ મળી છે!
સરસ રીતે આસ્વાદ કરાવ્યો.ચિરાગભાઈ.
જવાબ આપોકાઢી નાખોહવે જોવી પડશે.
આભાર નીલમ બહેન. અવશ્ય જોજો.
કાઢી નાખોસરસ નિરૂપણ કર્યું.ફિલ્મ બનાવનાર અને તમારા જેવા આંગળી ચીંધનાર બંને ને સલામ.
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કાઢી નાખોખૂબ સુંદર વિશ્લેષણ, ચિરાગભાઈ. વિજય સેતુપતિની એક અન્ય ફિલ્મ: "૯૬" મારી પ્રિય ફિલ્મોમાંની એક છે. "સુપર ડિલક્ષ" પણ એકવાર ઉતાવળે જોઈ છે. કેટલીક ખૂટતી કડીઓ તમે જોડી આપી. હવે નિરાંતે જોઇશ. ધન્યવાદ.
જવાબ આપોકાઢી નાખોઆભાર દશરથભાઇ. '96'નો હીરો વિજય સેતુપતિ છે. 'સુપર ડિલક્ષ'નો હીરો તેની વાર્તા અને દિગ્દર્શક છે.
કાઢી નાખોવાહ, આખી ફિલ્મનું ખૂબ સફળતાપૂર્વક ઓપરેશન કરી નાખ્યું. હવે ખાસ જોઈશ જ. એક નમ્આર સૂચન પણ છે -આપણી ગુજરાતી ભાષાની પણ કોઈ ફિલ્મ ક્યારેક સારી લાગે તો એની પણ ટિપ્પણી લખજો.
જવાબ આપોકાઢી નાખોચોક્કસ. લખવું જ છે. ગુજરાતીમાં પણ ઘણી સારી ફિલ્મો બની છે અને બની રહી છે.
કાઢી નાખોજોવાલાયક એક નવી ફિલ્મ શોધી બતાવો. પહેલી ફુરસદે અચૂક જોઇશ.
જવાબ આપોકાઢી નાખોજોઈને કહેજો કેવી લાગી.
કાઢી નાખોConclusion નું વર્ણન અદ્ભુત!
જવાબ આપોકાઢી નાખોઆભાર મિત્ર. જોકે ફિલ્મની અંતની 10 મિનિટમાં એ બધું આવે જ છે. અમુક શબ્દો/વાક્યો તો ફિલ્મમાંથી જ લીધા છે.
કાઢી નાખોખુબ જ સુંદર રીતે આલેખન અને આમાંથી અમુક મુવી ચોક્કસ જોઈશ...👍👌
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કાઢી નાખોવાહ... મસ્ત👍👌
જવાબ આપોકાઢી નાખોકેટલાક કારણોને લીધે હજુ પુરી નથી જોઈ.
તમે આટલાં વખાણ કર્યા પછી સિનેમાપ્રેમી અને સ્ક્રિપ્ટ રાઈટિંગના સ્ટડી કેસ બંને દ્રષ્ટિએ જોવી જ રહી.
જોઇને જણાવજો. આભાર.
કાઢી નાખો