તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 07, 2020

મરણ નોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

વર્તમાનપત્રોમાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિ આપતા પહેલા તેના દુરુપયોગનો આ કિસ્સો અવશ્ય વાંચી લેજો.

Obituary Homage Advert Misuse

એક અંગત મિત્રના પપ્પા કોરોનાનો ભોગ બનીને સ્વર્ગવાસી થયા. એના મમ્મી હજું (આ લખતી વખતે, 7/12/2020ના રોજ) હોસ્પિટલમાં જ ઝઝૂમી રહ્યાં છે અને એ પોતે પણ સેવા કરવા જતા કોરોનાનો ભોગ બની છે. એટલે પિતાના અવસાનની નોંધ એક જાણીતા ગુજરાતી દૈનિકમાં એક સપ્તાહ પછી આપી શકી. તેના સહોદરો વિદેશમાં હોવાથી અહીં હાજર એક માત્ર સંતાન તરીકે બધી જ જવાબદારી ઉપાડી લઇને દોડાદોડ પણ તેણે કરી અને આ અવસાન નોંધમાં તેનો નંબર પણ છપાવ્યો.

અવસાન નોંધ આવી એ દિવસે સવારે 6 વાગ્યાથી 'માનવ સહાય મંડળ'ના ફોન આવવા માંડ્યાં. એ લોકોએ સવાર-સવારમાં જ કુલ 6થી 7 વાર ફોન કર્યાં. દરેક વખતે અલગ અલગ વ્યક્તિએ વાત કરી અને દરેક વખતે અલગ અલગ દાવા કર્યાં. જેમ કે, એ લોકો સ્વર્ગસ્થના નામની તકતી મૂકવાના છે કે પછી સ્વર્ગસ્થના નામે રામધૂન કરવાના છે કે બટુક ભોજન (આવા સમયમાં?!) કરાવવાના છે કે પછી અનાથ આશ્રમમાં સહાય કરવાના છે. પણ દરેક વખતે રૂપિયાની માંગણી અચૂક કરી. અને ફોન કરી કરીને માથું ખાઇ ગયા, સમય બગાડ્યો અને ખરાબ મૂડને વધારે ખરાબ કર્યો, એ તો ખરું જ!

આ બધાં તકવાદીઓને એટલું જ કહેવાનું કે અત્યારે જ્યારે સમગ્ર માનવજાત કોરોના સામે ઝઝૂમી રહી છે ત્યારે તો મોતનો મલાજો જાળવો! કોઇની નબળી ક્ષણનો ગેરલાભ ઉઠાવતા જરા પણ શરમ નથી આવતી?

આના પરથી આપણે એટલો બોધપાઠ લેવાનો કે,

 • અવસાન નોંધ કે બેસણાની જાહેરખબરમાં તમારો ફોન નંબર આપવાની કોઇ જ જરૂર નથી. જે સંપર્કમાં હોય તે તમામ સગાં, મિત્રો, પરિચિતો પાસે તો અવશ્ય કોઇને કોઇ સંપર્ક નંબર હોય જ. અને ન હોય તો પણ એ ગમે તેમ કરીને, બે-ચાર જણાને પૂછીને, મેળવી શકશે. બધું કરતા પણ ન મેળવી શકે તો છેવટે પોતાના ઘરે બેસીને આંખો મીંચીને 1 મિનિટ પ્રાર્થના તો કરી જ શકશે. એથી વિશેષ કશાયની જરૂર પણ નથી હોતી આવા સમયમાં.
 • સારી સંસ્થાઓને પોતાના કામના આધારે સહાય મળતી જ રહે છે. તેમને આવી રીતે ફોન નથી કરવા પડતા કે ઘરે ઘરે રજીસ્ટર લઇને ફરવું પણ નથી પડતું. માટે આવા સંવેદનહીન ઠગભગતોથી ચેતો. ઉપરાંત, તમારા ફોનમાં TRAI DND એપ ઇન્સ્ટોલ કરી આવા નંબરો એક ક્લિકમાં જ TRAIને રિપોર્ટ કરો. એની પર વહેલા-મોડા પગલાં તો લેવાય જ છે.

હિંદુ ધર્મમાં તો એમ જ કહ્યું છે ને કે મૃત્યુ પછી માણસને પોતાના કર્મો અનુસાર જ ગતિ પ્રાપ્ત થતી હોય છે? અર્થાત્ પાછળ રહી ગયેલા લોકો જે પણ કરે તે પોતાના મનની શાંતિ માટે જ કરતા હોય છે. તો એવા માણસો શોધો જેમને સાચે જ મદદની જરૂર છે અને તેમની મદદ કરો તો વધારે શાંતિ અને સદ્ગતિ પ્રાપ્ત થશે. (જેમ કે, અત્યારે સ્કૂલની ફી ન ભરી શકતા વાલીઓ કે હોસ્પિટલાઇઝેશનના ખર્ચામાં ડૂબી ગયેલા માણસોની સંખ્યા નાની નથી.)

માણસ માણસની મદદ નહીં કરે, તો કોણ કરશે? અરે, મદદ ન કરે તો કંઇ નહીં, આમ હેરાન નહીં કરે તો એ પણ મોટી મદદ ગણાશે. 🙏🙏🙏🙏

અપડેટઃ

અમુક મિત્રોએ આ પોસ્ટના પ્રતિભાવમાં એમ જણાવ્યું છે કે આવા તિકડમ તો વર્ષોથી ચાલે છે. સ્મશાનના રેકોર્ડ્સમાંથી કે બેસણાના સ્થળના સરનામે જઇને એ લોકો ઘરનું સરનામું મેળવી લે છે અને પછી ઘરે પણ પૈસા માંગવા આવી ચડે છે. જો કંઇ મેળ ન પડે, તો છેવટે પોસ્ટકાર્ડ્સ લખે રાખે છે. માટે સાવચેત રહેવું અને ઘરના અન્ય સભ્યોને પણ સાવચેત કરી દેવા હિતાવહ છે.

13 ટિપ્પણીઓ:

 1. હેલ્લો ચિરાગ ભાઈ ઠાકર,
  અવસાનના ટેલેફોન બેસણાની વાત વિષે તમે જે ટિકાટિપ્પણી તમી લખી છે તે સત્ય હકીકત છે.
  લોકો પાસે મોબાઈલ ફોનની સવલતો હોઈને જેને તેને ફોન કરનારની સંખ્યા પણ ઓછી નથી,
  જે લોકોને ખરી હાનુભૂતિ દર્શાવવાની હોય છે તે લોકોની વાત ના કરતાં જે લોકોને 'ચાલતી ગાડીમાં બેસવાની'
  આદત છે તે લોકોએ આ વાત સમજવાની છે.

  જવાબ આપોકાઢી નાખો

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. ચિરાગભાઈ જન જાગૃતિનો આપનો આ પ્રયાસ પ્રશંસનીય છે.
   આ ઉપરાંત સારા પ્રસંગો તથા બાળકના જન્મ વખતે પણ એવા ખરાબ અનુભવ થતા હોય છે.

   કાઢી નાખો
 2. ����������������ખુબ સરસ વિચાર...

  જવાબ આપોકાઢી નાખો
 3. મારા પપ્પાના અવસાન વખતે પણ આવા ફોન સવાર સવારમાં બે વખત આવેલા. એ કહે કે- 'અમારો માણસ તમારે ત્યાં આવવા નીકળી ગયો છે.' આવું કહ્યું એટલે મને ચીડ ચડી અને શંકા ગઈ. મેં કહ્યું કે 'અમે કોઈ ઘેર નથી.' એ કહે, 'ક્યારે આવશો?' મેં કહ્યું, 'એનું તમારે શું કામ છે? અમને પૂછીને તમે નીકળેલા?' થોડી વાર પછી બીજા માણસનો ફોન આવ્યો અને આ જ વાત કહી. મેં કહ્યું, 'અગાઉ ફલાણાભાઈને મેં કહ્યું તો ખરું.' તો એ કહે, 'કોની સાથે તમારે વાત થઈ?' મેં કહ્યું, 'તમારી ઑફિસમાં કેટલા માણસો કામ કરે છે? એટલો બધો સ્ટાફ સવારે આઠ વાગ્યામાં હાજર છે કે એકની સાથે મારે વાત થઈ હોય ને બીજાને ખબર પણ ન પડે?' આવું કહ્યું એટલે એ માણસ સહેજ ગલવાયો. એ પછી મેં એને ધમકાવ્યો અને કહ્યું કે - 'ખબરદાર, સદગતના સ્વજનોની લાગણી સાથે રમત કરી છે તો! ફરી ફોન કરતા નહીં.' એ પછી એનો ફોન આવ્યો નહીં. મને સમજાયું કે આ લોકો સવારસવારમાં છાપું ખોલીને બેસતા હશે અને આ રીતે બધાને ફોન કરતા હશે. બે-ચાર સ્થળે મેળ પડી જાય તોય બહુ.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. એવું જ છે બીરેનભાઇ. અમુક મિત્રોએ એમ પણ જણાવ્યું કે સ્મશાનના રેકોર્ડ્સમાંથી કે બેસણાના સ્થળના સરનામા પરથી એ લોકો ઘરનું સરનામું મેળવી લે છે અને પછી ઘરે પણ પૈસા માંગવા આવે છે. જો કંઇ મેળ ન પડે, તો છેવટે પોસ્ટકાર્ડ્સ લખે રાખે છે.

   કાઢી નાખો
  2. ખરી વાત છે, મારા ધ્યાનમાં આ વાત તમારા લેખ પરથી જ આવી. ચેતવા જેવું ખરું. આભાર આ માહિતી માટે.

   કાઢી નાખો
  3. આભાર કવિ. સાથે સાથે મને એમ પણ વિચાર આવે કે આવાં તિકડમ કરતાં લોકો સ્વભાવે જ બદમાશ હશે કે કોઇ મજબૂરી તેમને આ માર્ગે ઢસડી લાવી હશે?

   કાઢી નાખો
 4. Those all people seems to be FRAUD. Just to get Money for own use. Otherwise real People just send one letter of their work, if you want to respond, you can, otherwise Ignore, No second reminder. that's all.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.