તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 31, 2020

2020 વીત્યા પછીની સૌથી મોટી ચિંતા અને 2021નો સૌથી મહત્વનો સંકલ્પઃ સંબંધોનું પંચામૃત

2020 તો આજે વીતી જશે અને જતાં જતાં સર્વેના મનની પાટી પર ન ભૂંસાય એવા લિસોટા પાડીને જશે. 2021માં ધીમે-ધીમે બધું થાળે પડી જશે અને આપણે 2020ને ભૂલી જઇશું. ન ભૂલાય તો પણ ભૂલવું જ જોઇએ. ભૂતકાળના ભાર સાથે કોણ સુખેથી જીવી શક્યું છે?

જોકે સૌથી મોટી ચિંતાની વાત પણ એજ છે કે આપણે બધું જ ભૂલી જઇશું અને પહેલા જેવા જ બની જઇશું. કહેવાય છે ને કે કંઇક પામવા કંઇક ગુમાવવું પડે. આપણે તો આ વર્ષમાં ઘણું ગુમાવ્યું છે, તો સામે મેળવ્યું શું એની યાદી બનાવવી રહી. 2020માંથી આપણને પાંચ અમૂલ્ય બોધપાઠ મળ્યા છે અને તેને આપણે વિસ્મૃતિના પટારામાં પૂરી દેવાની ભૂલ કરવા જેવી નથી. એ તો સતત સ્મરણમાં રાખવા જ રહ્યા.

આ વર્ષ આપણને સંબંધોનું પંચામૃત સમજાવીને જઈ રહ્યું છે.

Goodbye 2020 Welcome 2021 5 Things to Remember From The Past Year 001

પ્રકૃતિ અને માનવજાતનો સંબંધ

સજ્જડ પુરાવા તો નથી મળ્યા તેમ છતાં વ્યાપક રીતે સ્વીકૃત મત તો એજ છે કે ચીનના વુહાન પ્રાંતમાં સર્વાહારી લોકોએ ન ખાવાં જેવા જીવો ખાઇને આ આફતને પ્રાણી જગતમાંથી માનવ જગતમાં પ્રવેશવાનો મોકો આપ્યો છે.

ઉપરાંત, મહત્તમ ઉત્પાદકતા મેળવવા માટે નાનકડી જગ્યામાં એક સાથે પશુ-પક્ષીઓ અને માછલીઓના ઉછેરની સાથે સાથે ખેતી કરીને ચીને જે 'ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ'ની કૃત્રિમ પદ્ધતિ વિકસાવી છે તેને કારણે આ પ્રકારના વાઇરસોને નવાં રૂપ ધારણ કરવાનો આ પહેલા ક્યારેય ન મળ્યો હોય, તેવો અવસર મળી રહ્યો છે.

ટૂંકસાર એ કે પ્રકૃતિ સાથે કરેલી છેડછાડનું પરિણામ આપણે બધાં ભોગવી રહ્યા છીએ. લોકડાઉન દરમિયાન જ્યારે પ્રકૃતિમાં માનવજાતનો હસ્તક્ષેપ લઘુત્તમ હતો ત્યારે આપણે કેવાં અનુપમ દ્રશ્યો જોયાં એ યાદ છે ને? અને પ્રદૂષણનું સ્તર કેટલું ઘટ્યું છે એ પણ આપણે ક્યાં નથી અનુભવ્યું?

એટલે સૌ પ્રથમ તો એ વાતનું સતત સ્મરણ રાખવાનું છે કે સમગ્ર માનવજાત પણ આ પ્રકૃતિનો જ એક ભાગ છે. પ્રકૃતિ સાથે અડપલાં કરીએ તો તેના સીધાં પરિણામો આખી પૃથ્વીએ ભોગવવા પડે છે અને તેની સૌથી વ્યાપક અસર માનવજાત પર જ પડે છે.

માનવનો માનવ સાથેનો સંબંધ

Goodbye 2020 Welcome 2021 5 Things to Remember From The Past Year 002

આ કપરા દિવસોમાં માણસ જ માણસનો આધાર બની રહ્યો છે. માત્ર પરિવાર, સ્નેહીજનો કે પરિચિતોની વાત નથી. એ બધાં તો આપણા અસ્તિત્વનો અભિન્ન હિસ્સો છે જ! એમના વિના તો આમ પણ સભર જીવન પામવું શક્ય જ નથી.

પણ આ સંજોગોમાં સૌથી વધું મદદ તો અજાણ્યા લોકોએ કરી છે. ડૉકટર, નર્સ, અને હોસ્પિટલો સાથે સંકળાયેલા લોકો, સફાઇકર્મીઓ, એમ્બ્યુલન્સ અને શબવાહિનીના ચાલકો, પોલીસ અને નગરપાલિકાના તમામ કર્મીઓ, સરકારી શિક્ષકો અને સરકારના અન્ય વિભાગના કર્મચારીઓ તેમજ દવા, દૂધ, કરિયાણું, શાકભાજી અને ફળો વેચનારા લોકો - હંમેશા 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેવાતા આ બધાની ઉપસ્થિતિનું મૂલ્ય કેટલું છે તે વાત આ ગાળામાં સારી રીતે સમજાઈ છે.

બીજું, આ મહામારીને અમીર-ગરીબ, જ્ઞાતિ-જાતિ-ધર્મ કે વિચારધારાઓનો કોઈ જ ભેદ નડ્યો નથી. બધાં પર તેની સરખી અસર પડી છે. એટલે આપણે જેને જળોની જેમ વળગી રહીએ છીએ એ ભેદભાવો કેટલા નિરર્થક છે તેનું આનાથી મોટું ઉદાહરણ તો કયું હોઈ શકે?

ટૂંકમાં, તમામ માનવીઓ એક સમાન છે અને માણસને માણસ વિના ચાલવાનું નથી, એ આ સમયનો બીજો બોધપાઠ છે.

સ્વાસ્થ્યનો સુખાકારી સાથેનો સંબંધ

આમ તો 'પહેલું સુખ તે જાતે નર્યા' અને 'Health is wealth' જેવા સુવાક્યો આપણે જાણીએ જ છીએ પરંતુ વાસ્તવમાં આપણે સ્વાસ્થ્ય અંગે મોટાભાગે સભાન નથી હોતા. એમાં પણ, જેમની પરંપરામાં જ યોગાસનો વણી લેવામાં આવ્યાં છે તેવા આપણે, એટલે કે ભારતીયો, તો સ્વાસ્થ્ય પ્રત્યેની બેદકારીમાં અગ્રેસર હોઇએ છીએ. જ્યારે આખી દુનિયા ધીમે ધીમે યોગાસનો શીખવા માંડી છે ત્યારે આપણા દૈનિક જીવનમાંથી તે અદ્રશ્ય થતાં ગયાં છે. શારીરિક શ્રમ તો સમગ્ર માનવજાતનો ઘટ્યો જ છે પરંતુ એ સિવાય પણ ઘણી બેદકારીઓ દાખવવામાં આપણે અગ્રેસર છીએ.

જેમ કે, પ્લાસ્ટિકની પ્યાલીઓમાં ઉકળતી ચા પીરસવાની મનાઇ ફરમાવવામાં આવી, તો આપણે જાડા કાગળના એવા કપ બનાવી કાઢ્યા કે જેની અંદર પ્લાસ્ટિકનું એકદમ પાતળું આવરણ હોય જે વધારે સરળતાથી ઉકળતી ચા સાથે આપણા પેટમાં જાય છે. ખેતરોમાં વપરાતા જંતુનાશકો અને ખાદ્યપદાર્થોની ભેળસેળમાં તો આપણી સ્પર્ધા (ચીન સિવાય!) કોણ કરી શકે?

જોકે આ મહામારીમાં આપણે એ પણ જોઇ લીધું કે નબળું સ્વાસ્થ્ય કેટલું નુકસાનકારક બની શકે છે. ગમે એટલા રૂપિયા ખર્ચતા પણ સ્વાસ્થ્ય કે સુખ મળતા નથી, એ આપણે બધાએ અનુભવી લીધું છે.

માટે ત્રીજી યાદ રાખવા જેવી વાત એ કે સ્વાસ્થ્ય અને સુખાકારીનો એકદમ સીધો સંબંધ છે.

સર્જનાત્મકતાનો અસ્તિત્વ સાથેનો સંબંધ

લોકડાઉન દરમિયાન જ્યારે સતત ઘરમાં જ રહેવાનું આવ્યું, ત્યારે એવા લોકોને વાંધો નથી આવ્યો જેમણે જીવનમાં કોઇ શોખ કેળવ્યો હોય. બાકીના લોકો કંટાળીને જોખમ લઇને પણ ઘરની બહાર નીકળી પડતાં હતાં, તે પણ આપણે જોયું છે.

કોઇને ટીવી જોવાનો શોખ હોય, તો તેમણે આ સમય આનંદથી જ વીતાવ્યો હશે. પરંતુ સર્જનાત્મક શોખ હોય, તે માણસને તો આ સમયમાં એક પણ ક્ષણ વ્યર્થ જતી લાગી નહીં હોય કારણે કે સર્જનનો આનંદ અજોડ હોય છે. ખાવાના શોખ કરતા ખાવાનું બનાવવાનો શોખ વધારે સંતોષજનક હોય છે, એ તો અનુભવે જ સમજાય એવી વાત છે.

Goodbye 2020 Welcome 2021 5 Things to Remember From The Past Year 003

સર્જનાત્મકતાથી પ્રાપ્ત થતો સંતોષ પંચેન્દ્રિયોના સંતોષથી પણ વિશેષ અનુભૂતિ કરાવતો હોય છે. એટલે, જો કોઇ સર્જનાત્મક શોખ ન હોય, તો એકવાર કેળવી જોજો. અને માત્ર લેખન, ગાયન, વાદન કે ચિત્રકામ જ સર્જનાત્મક શોખ નથી. કૂંડામાં બટાકાં ઉગાડવા કે જૂની પ્લાસ્ટિકની બાટલીમાંથી 'બર્ડ ફીડર' બનાવવું પણ સમયનો સર્જનાત્મક ઉપયોગ જ છે. જો એમ ન કરી શકાય, તો કોઇનું સર્જન માણવાનો શોખ પણ જરાય અયોગ્ય નથી. જોકે તેમાં પણ શબરી જેવી મીઠાં અને ખાટાં બોર પારખવાની સૂઝ કેળવવી જરૂરી છે.

આમ, યાદ રાખવા જેવી વાત નંબર ચાર એ કે સર્જનાત્મકતાનો અસ્તિત્વ સાથે ઊંડો સંબંધ છે કારણ કે 'શૌક બડી ચીઝ હૈ'.

વિજ્ઞાન અને માનવજાતનો સંબંધ

જ્ઞાનમાં ઊંડાણ અને પરિમાણ ઉમેરાય ત્યાર તે વિજ્ઞાન બને છે. એ વિજ્ઞાન વિના આ સમયમાં કેટલું બધું અટકી પડ્યું હોત, એ તો વિચારી પણ શકાય એમ નથી. આદિમાનવે ચક્ર(પૈડું) શોધ્યું ત્યારથી ટેક્નોલોજી અને માનવજાતનો સંબંધ સતત વધતો રહ્યો છે. જોકે વિજ્ઞાન અને ટેક્નોલોજીને આપણા જીવનમાં યોગ્ય સ્થાન આપવું જરૂરી છે અને એ યોગ્ય સ્થાન એટલે સેવકનું સ્થાન. ટેક્નોલોજી આપણી સેવક બની રહે, ત્યાં સુધી એ સંબંધ ફળદાયી રહેશે. જો પરિસ્થિતિ ઉલટાઇ, તો આવી બન્યું સમજો.

માટે યાદ રાખવા જેવી છેલ્લી વાત એ જ કે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિના હવે કોઇને ચાલવાનું નથી માટે બધાએ તેમને જીવનમાં સ્થાન આપવું. અને એ સ્થાન પર્સનલ સેક્રેટરીનું હોવું જોઇએ, બોસનું નહીં, તે વાત અત્યંત મહત્વની છે.

હે 2021, ખાંડ ન ખાતું કે...

હે વર્ષ 2021, દહીં-ખાંડ ખાઇને આવજે પણ એવી ખાંડ ન ખાતું કે તું માનવજાતને હરાવી શકીશ! અમે તો સર્જાયા જ છીએ રાખ થવા કે જેથી ફિનિક્સની જેમ પુનર્જન્મ લઇ શકીએ. અમે પડીશું, આખડીશું, બાખડીશું પણ પાછા ઊભા થઇને, એક થઇને તારાથી આગળ વધી જઇશું. અમે 2022માં આવીશું, તું નહીં આવે કારણ કે અમારી પાસે છે સંબંધોનું પંચામૃત!

8 ટિપ્પણીઓ:

  1. ખુબજ સુંદર લખાણ ખરેખર સરસ આલેખન 👌

    જવાબ આપોકાઢી નાખો
  2. પ્રેરક લખાણ. નવી ઉર્જા ભરી દીધી. વાહ

    જવાબ આપોકાઢી નાખો
  3. સંબંધો નું પંચામૃત,, બહુ સરસ લેખ..

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.