તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 31, 2020

2020 વીત્યા પછીની સૌથી મોટી ચિંતા અને 2021નો સૌથી મહત્વનો સંકલ્પઃ સંબંધોનું પંચામૃત

2020 તો આજે વીતી જશે અને જતાં જતાં સર્વેના મનની પાટી પર ન ભૂંસાય એવા લિસોટા પાડીને જશે. 2021માં ધીમે-ધીમે બધું થાળે પડી જશે અને આપણે 2020ને ભૂલી જઇશું. ન ભૂલાય તો પણ ભૂલવું જ જોઇએ. ભૂતકાળના ભાર સાથે કોણ સુખેથી જીવી શક્યું છે?

જોકે સૌથી મોટી ચિંતાની વાત પણ એજ છે કે આપણે બધું જ ભૂલી જઇશું અને પહેલા જેવા જ બની જઇશું. કહેવાય છે ને કે કંઇક પામવા કંઇક ગુમાવવું પડે. આપણે તો આ વર્ષમાં ઘણું ગુમાવ્યું છે, તો સામે મેળવ્યું શું એની યાદી બનાવવી રહી. 2020માંથી આપણને પાંચ અમૂલ્ય બોધપાઠ મળ્યા છે અને તેને આપણે વિસ્મૃતિના પટારામાં પૂરી દેવાની ભૂલ કરવા જેવી નથી. એ તો સતત સ્મરણમાં રાખવા જ રહ્યા.

આ વર્ષ આપણને સંબંધોનું પંચામૃત સમજાવીને જઈ રહ્યું છે.

Goodbye 2020 Welcome 2021 5 Things to Remember From The Past Year 001

પ્રકૃતિ અને માનવજાતનો સંબંધ

સજ્જડ પુરાવા તો નથી મળ્યા તેમ છતાં વ્યાપક રીતે સ્વીકૃત મત તો એજ છે કે ચીનના વુહાન પ્રાંતમાં સર્વાહારી લોકોએ ન ખાવાં જેવા જીવો ખાઇને આ આફતને પ્રાણી જગતમાંથી માનવ જગતમાં પ્રવેશવાનો મોકો આપ્યો છે.

ઉપરાંત, મહત્તમ ઉત્પાદકતા મેળવવા માટે નાનકડી જગ્યામાં એક સાથે પશુ-પક્ષીઓ અને માછલીઓના ઉછેરની સાથે સાથે ખેતી કરીને ચીને જે 'ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ'ની કૃત્રિમ પદ્ધતિ વિકસાવી છે તેને કારણે આ પ્રકારના વાઇરસોને નવાં રૂપ ધારણ કરવાનો આ પહેલા ક્યારેય ન મળ્યો હોય, તેવો અવસર મળી રહ્યો છે.

ટૂંકસાર એ કે પ્રકૃતિ સાથે કરેલી છેડછાડનું પરિણામ આપણે બધાં ભોગવી રહ્યા છીએ. લોકડાઉન દરમિયાન જ્યારે પ્રકૃતિમાં માનવજાતનો હસ્તક્ષેપ લઘુત્તમ હતો ત્યારે આપણે કેવાં અનુપમ દ્રશ્યો જોયાં એ યાદ છે ને? અને પ્રદૂષણનું સ્તર કેટલું ઘટ્યું છે એ પણ આપણે ક્યાં નથી અનુભવ્યું?

એટલે સૌ પ્રથમ તો એ વાતનું સતત સ્મરણ રાખવાનું છે કે સમગ્ર માનવજાત પણ આ પ્રકૃતિનો જ એક ભાગ છે. પ્રકૃતિ સાથે અડપલાં કરીએ તો તેના સીધાં પરિણામો આખી પૃથ્વીએ ભોગવવા પડે છે અને તેની સૌથી વ્યાપક અસર માનવજાત પર જ પડે છે.

માનવનો માનવ સાથેનો સંબંધ

Goodbye 2020 Welcome 2021 5 Things to Remember From The Past Year 002

આ કપરા દિવસોમાં માણસ જ માણસનો આધાર બની રહ્યો છે. માત્ર પરિવાર, સ્નેહીજનો કે પરિચિતોની વાત નથી. એ બધાં તો આપણા અસ્તિત્વનો અભિન્ન હિસ્સો છે જ! એમના વિના તો આમ પણ સભર જીવન પામવું શક્ય જ નથી.

પણ આ સંજોગોમાં સૌથી વધું મદદ તો અજાણ્યા લોકોએ કરી છે. ડૉકટર, નર્સ, અને હોસ્પિટલો સાથે સંકળાયેલા લોકો, સફાઇકર્મીઓ, એમ્બ્યુલન્સ અને શબવાહિનીના ચાલકો, પોલીસ અને નગરપાલિકાના તમામ કર્મીઓ, સરકારી શિક્ષકો અને સરકારના અન્ય વિભાગના કર્મચારીઓ તેમજ દવા, દૂધ, કરિયાણું, શાકભાજી અને ફળો વેચનારા લોકો - હંમેશા 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેવાતા આ બધાની ઉપસ્થિતિનું મૂલ્ય કેટલું છે તે વાત આ ગાળામાં સારી રીતે સમજાઈ છે.

બીજું, આ મહામારીને અમીર-ગરીબ, જ્ઞાતિ-જાતિ-ધર્મ કે વિચારધારાઓનો કોઈ જ ભેદ નડ્યો નથી. બધાં પર તેની સરખી અસર પડી છે. એટલે આપણે જેને જળોની જેમ વળગી રહીએ છીએ એ ભેદભાવો કેટલા નિરર્થક છે તેનું આનાથી મોટું ઉદાહરણ તો કયું હોઈ શકે?

ટૂંકમાં, તમામ માનવીઓ એક સમાન છે અને માણસને માણસ વિના ચાલવાનું નથી, એ આ સમયનો બીજો બોધપાઠ છે.

સ્વાસ્થ્યનો સુખાકારી સાથેનો સંબંધ

આમ તો 'પહેલું સુખ તે જાતે નર્યા' અને 'Health is wealth' જેવા સુવાક્યો આપણે જાણીએ જ છીએ પરંતુ વાસ્તવમાં આપણે સ્વાસ્થ્ય અંગે મોટાભાગે સભાન નથી હોતા. એમાં પણ, જેમની પરંપરામાં જ યોગાસનો વણી લેવામાં આવ્યાં છે તેવા આપણે, એટલે કે ભારતીયો, તો સ્વાસ્થ્ય પ્રત્યેની બેદકારીમાં અગ્રેસર હોઇએ છીએ. જ્યારે આખી દુનિયા ધીમે ધીમે યોગાસનો શીખવા માંડી છે ત્યારે આપણા દૈનિક જીવનમાંથી તે અદ્રશ્ય થતાં ગયાં છે. શારીરિક શ્રમ તો સમગ્ર માનવજાતનો ઘટ્યો જ છે પરંતુ એ સિવાય પણ ઘણી બેદકારીઓ દાખવવામાં આપણે અગ્રેસર છીએ.

જેમ કે, પ્લાસ્ટિકની પ્યાલીઓમાં ઉકળતી ચા પીરસવાની મનાઇ ફરમાવવામાં આવી, તો આપણે જાડા કાગળના એવા કપ બનાવી કાઢ્યા કે જેની અંદર પ્લાસ્ટિકનું એકદમ પાતળું આવરણ હોય જે વધારે સરળતાથી ઉકળતી ચા સાથે આપણા પેટમાં જાય છે. ખેતરોમાં વપરાતા જંતુનાશકો અને ખાદ્યપદાર્થોની ભેળસેળમાં તો આપણી સ્પર્ધા (ચીન સિવાય!) કોણ કરી શકે?

જોકે આ મહામારીમાં આપણે એ પણ જોઇ લીધું કે નબળું સ્વાસ્થ્ય કેટલું નુકસાનકારક બની શકે છે. ગમે એટલા રૂપિયા ખર્ચતા પણ સ્વાસ્થ્ય કે સુખ મળતા નથી, એ આપણે બધાએ અનુભવી લીધું છે.

માટે ત્રીજી યાદ રાખવા જેવી વાત એ કે સ્વાસ્થ્ય અને સુખાકારીનો એકદમ સીધો સંબંધ છે.

ડિસેમ્બર 07, 2020

મરણ નોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

વર્તમાનપત્રોમાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિ આપતા પહેલા તેના દુરુપયોગનો આ કિસ્સો અવશ્ય વાંચી લેજો.

Obituary Homage Advert Misuse

એક અંગત મિત્રના પપ્પા કોરોનાનો ભોગ બનીને સ્વર્ગવાસી થયા. એના મમ્મી હજું (આ લખતી વખતે, 7/12/2020ના રોજ) હોસ્પિટલમાં જ ઝઝૂમી રહ્યાં છે અને એ પોતે પણ સેવા કરવા જતા કોરોનાનો ભોગ બની છે. એટલે પિતાના અવસાનની નોંધ એક જાણીતા ગુજરાતી દૈનિકમાં એક સપ્તાહ પછી આપી શકી. તેના સહોદરો વિદેશમાં હોવાથી અહીં હાજર એક માત્ર સંતાન તરીકે બધી જ જવાબદારી ઉપાડી લઇને દોડાદોડ પણ તેણે કરી અને આ અવસાન નોંધમાં તેનો નંબર પણ છપાવ્યો.