તાજેતરની પોસ્ટસ

નવેમ્બર 18, 2020

યુકેથી ભારત પાછા કેમ આવ્યા? : 7 વર્ષ વિદેશ રહીને સ્વદેશ પાછા ફરેલા યાયાવરના મનની વાત

આજે (18/11/2020)ના રોજ યુકેથી ભારત પાછા આવ્યાને 8 વર્ષ પૂરા થઈ ગયા. સાતેક વર્ષ ત્યાં રહ્યો, ઘણું શીખ્યો, દુનિયા જોઈ અને પુત્રીરત્ન પામીને પાછો ફર્યો, એ ઘટના આજે પણ એટલી જ તાજી છે, જાણે કે કાલે જ પાછો ફર્યો હોઉં.

UK Return, NRI, Migration, India, Social System, Chirag Thakkar 'Jay'
ઉપરની તસવીરમાં હીથ્રો એરપોર્ટ પર રિસાયેલી આર્ના સાથે (17/11/2012) અને નીચેની તસવીરમાં પુત્રીની શાળાએ યોજેલી નવરાત્રિની ઓનલાઇન ઉજવણી સમયે (23/10/2020)

પાછો આવ્યો ત્યારથી આજ સુધી અઢળક મિત્રો, પરિચિતો અને સ્નેહીજનોએ પાછા આવવાનું કારણ મને અલગ અલગ રીતે પૂછે રાખ્યું છે. બધાના મનમાં એવી જ છાપ છે કે વિદેશનું જીવન છોડીને કોઈ આવે નહીં (અથવા તો આવી શકે નહીં.) બધાને સમય અનુસાર લાંબા-ટૂંકા જવાબ તો આપ્યા જ છે. આજે એકવાર વિગતવાર એ કારણો ભૂમિતિના 'રાઇડર'ની જેમ 'ના-ના-ના-માટે હા' કરીને ગણાવી દઉં જેથી મારે કાયમની શાંતિ.

વિદેશથી પાછા નહીં ફરવાના ભારતીય યુવાનોના મુખ્ય આટલા કારણો હોય છેઃ

કાયદેસર ગયા હોય અને વિઝા પૂરા થઈ જવાના હોય જે રિન્યૂ થઈ શકે એમ ન હોય કે ગેરકાયદેસર રહેવાની ગણતરી ન હોય

મારી પાસે રેસિડેન્ટ પરમિટ હતી અને બીજા 2 વર્ષ રોકાયો હોત, તો બ્રિટિશ પાસપોર્ટ મળે તેમ હતો, એટલે એ કારણ નહોતું.

પાછા ફર્યા પછી ઘર-પરિવાર-સમાજનો ચંચૂપાત સહન કરવાની તૈયારી કે તેવડ ન હોય

50%થી વધારે કિસ્સામાં ભારત પાછા નહીં ફરવા માટે આ કારણ જ મુખ્ય હોય છે. ભારતમાં યુવાધનને સુખેથી જીવવા દેવામાં જ નથી આવતું. તેમને દરેક વાત પર હુકમ, પરંપરા, સલાહ કે શિખામણ આપવામાં આવે છે, માત્ર સ્વાતંત્ર્ય જ નથી અપાતું.

જોકે એ બાબતે મેં પૂરતી તૈયારી રાખી હતી. એક ઘાને બે કટકા કરતા મને કેવા સરસ આવડે છે, એ મને ઓળખતા તમામ સ્નેહીજનો-મિત્રો જાણે જ છે. મારો તો સીધો જ હિસાબ કે હું મારા સ્થાને યોગ્ય છું, તો સામે ભીષ્મ પિતામહ લડવા ઉભા હોય, તો પણ લડી લેવાનું.

સન્માન આપવું અને ગુલામી કરવી એ બે અલગ વસ્તુ છે, એમ હું દ્રઢ રીતે માનું છું અને મનાવું પણ છું. પછી જેને ખોટું લાગવું હોય, તેને લાગે. એના કારણે ઘણાના મુવાડા બળી ગયા છે પણ હું મારા અંતરાત્માને વફાદાર છું માટે ખુશ રહી શકું છું. સાથે જ પેલી આફ્રિકન કહેવત પણ યાદ રાખી છે, "Beware of the naked man who offers you his shirt!"

ત્યાં જઇને શું કરીશું?

આ અત્યંત મહત્વનો પ્રશ્ન છે. પણ તમારી પાસે કોઇ એક કૌશલ્ય હોય (ગુજરાતીમાં કહીએ તો સ્કીલ!), થોડી-ઘણી આત્મવિશ્વાસની મૂડી હોય અને મહેનત કરવાની દાનત હોય, તો દુનિયાના કોઈ પણ ખૂણે તમે તમારા પરિવાર પૂરતું તો કમાઇ જ શકશો. અને સંતોષથી મોટી મૂડી તો કઇ હોય? એટલે સદ્ભાગ્યે મને આ પ્રશ્ન પણ નડ્યો નથી.

પાઉન્ડ અને ડૉલરનું ચુંબકત્વ


UK Return, NRI, Migration, India, Social System, Chirag Thakkar 'Jay'

આ અત્યંત પ્રબળ કારણ છે પરંતુ લક્ષ્મીદેવી કરતા સરસ્વતીદેવીની દિશામાં ગતિ હંમેશા વધારે રહી છે એટલે ન તો હું લોઢાનો થઈ શક્યો છું કે ન તો એ ચુંબકત્વ મને આકર્ષી શક્યું છે. 

મારા માટે પાછા ફરવાના બે કારણો છો અને બંને અંગત છેઃ

(1) મારું બાળપણ મહ્દઅંશે માતા-પિતા વિના જ વીત્યું છે.

મમ્મી સરકારી કર્મચારી એટલે જ્યાં એનું પોસ્ટિંગ હોય, તેને ત્યાં જ રહેવું પડે. એ પોસ્ટિંગ ગામડાઓમાં જ મળતું. અમને ભણવાની તેમજ અન્ય સુવિધાઓ સારી મળી રહે, તે માટે પપ્પાએ અમને અમદાવાદમાં જ રાખ્યા. એ પોતે પોતાના કામમાં વ્યસ્ત હોય અને પાછા ઓછાબોલા. એટલે એમનો ખૌફ જરૂર વર્તાય પણ હાજરી નહીં.

આમ તો એ સમયે તોફાન-મસ્તી કરવાની મજા આવી જ હશે પણ અત્યારે એમ અવશ્ય લાગે છે કે માતા-પિતાની અનુપસ્થિતિવાળું બાળપણ વાસ્તવમાં તો અભિશાપ જ કહેવાય. એ તમને જવાબદારીઓનું ભાન ઘણું વહેલું કરાવી દે છે અને બાળપણ પૂરતું માણી શકાતું નથી. ઉપરાંત, એ કાચી ઉંમરે માર્ગદર્શકની સતત અનુપસ્થિતિમાં ઘણા માર્ગોની માહિતી મળતી નથી તેમજ ઘણા ન મળવા જેવા માર્ગોની માહિતી વહેલી પણ મળી જાય છે. અને હા, Social Quotientની દ્રષ્ટીએ મને ઘણા ઓછા પોઇન્ટ્સ મળે, એ તો નફામાં. 

હું એમ નહોતો ઇચ્છતો કે એ અભિશાપ મારી પુત્રીના જીવનમાં પણ પ્રસરે. જો અમે યુકે રહ્યા હોત, તો ત્યાં પોતાના મૂળ રોપવા માટે મારે અને શ્રીમતીજીએ, એટલે કે બંને જણે નોકરી-ધંધો કરવો જ પડે. છેવટે પુત્રીનું બાળપણ મારી જેમ માતા-પિતાની અનુપસ્થિતિમાં જ વીતે. મારા માતા-પિતાએ એમના સંજોગો અનુસાર એમને જે શ્રેષ્ઠ લાગ્યો એ નિર્ણય લીધો અને મેં મારા સંજોગો અનુસાર મને જે શ્રેષ્ઠ લાગે એ નિર્ણય લીધો. અર્થાત્ પુત્રીને પૂરતો સમય આપવા અને માતા-પિતાના એકના એક પુત્ર તરીકેની જવાબદારી નિભાવવા માટે હું સ્વેચ્છાએ જ પાછો ફર્યો છું. 

હા, સન્માનના નામે કોઇની (એટલે કે કોઇની પણ) ગુલામી ન કરવી પડે એ માટે મેં મારું પોતાનું ઘર બનાવ્યું છે, જે મારું અંગત અભ્યારણ્ય છે અને પાછલા 8 વર્ષથી હું ચુસ્તપણે એવા લોકોથી social distancing જાળવું છું, જે આ કોરોના જેવા જ છે. મારા અભ્યારણ્યમાં મારી મંજૂરી વિના કોઈ વ્યક્તિ કે તેમના અભિપ્રાયો પ્રવેશી ન શકે, એટલે હું અહીં પણ યુકેની જેમ સંપૂર્ણ સ્વાતંત્ર્યથી જીવી શકું છું અને કોઈ શું કહેશેની જરા પણ પરવા મારે કરવી પડતી નથી.

ઉપરાંત, યુકે જવાનો નિર્ણય પણ મારો એકલાનો જ હતો અને શ્રીમતીજીએ સાથ આપ્યો હતો, એમ પાછા ફરવાનો નિર્ણય પણ મારો એકલાનો જ હતો અને તેમાં પણ શ્રીમતીજીએ ખચકાટ-સહ સાથ આપ્યો છે.

(2) ઉર્ધ્વમૂલ હોવાની લાગણી

બીજું કારણ તો કોઈ પણ સમજી શકે તેમ છે. દેશ તો એ પણ સારો છે અને આ પણ સારો જ છે. પણ માણસનો જન્મ, અને ખાસ કરીને ઉછેર, જ્યાં થયો હોય ત્યાં તેના મનને જે શાંતિ મળે અને જે પોતીકાપણાનો અનુભવ થાય, તેવો અન્ય ક્યાંય ન થાય. બીજે બધે તો યાયાવર હોવાની લાગણી પ્રચ્છન્ન કે પ્રગટ પણે સતત અનુભવાતી જ રહે છે. બીજે મૂળ રોપ્યા છતાં ઉર્ધ્વમૂલ હોવાની લાગણી ભૂંસાતી નથી. એટલે એ યાયાવરીમાંથી મુક્તિ મેળવવા માટે, હિજરતીની છાપ ભૂંસીને મનને પાછું વતનના રંગે રંગવું મારા માટે અનિવાર્ય થઇ પડ્યું હતું.

ત્યાં મળેલા અણમોલ મિત્રો અને ત્યાંની નિયમપાલનની આગ્રહી પ્રજાને હું સૌથી વધારે સ્મરું છું. કંઇક મૂકીને આવ્યાનો તલસાટ તો ત્યારે પણ હતો અને હજું પણ છે, છતાં પુત્રીને ઉછરતી જોવાનો અને તેના ઘડતરમાં યથાશક્તિ ફાળો આપવાનો અનહ્દ સંતોષ છે.

(પ્રિય મિત્ર તાહા મન્સુરીએ આજે સ્ટેટસમાં મૂકેલો ઉપરનો ફોટો જોયો અને એમ પ્રશ્ન કર્યો કે "UK છોડવાનું કોઈ કારણ દાદા?? મોટેભાગે ત્યાં જનારા પાછા આવતાં નથી હોતા એટલે પૂછ્યું." તેને જવાબ આપવા માટે WhatsAppમાં જ કંઇક લખવા બેઠો અને પછી દિલનો ઉભરો એટલો લાંબો થઈ ગયો કે એમ થયું કે એને બ્લોગ પર મૂકી દેવો યોગ્ય રહેશે. એટલે એવો ધક્કો મારવા માટે તાહાનો આભાર.) 

53 ટિપ્પણીઓ:

 1. મારા મનમાં પણ આ પ્રશ્ન ઘણા સમયથી રમતો હતો ....પણ પુછી નોહતો શક્યો , જોકે જવાબ આજે વાંચી જ લીધો.

  જવાબ આપોકાઢી નાખો
 2. જવાબો
  1. આભાર દોસ્ત. તમારા જેવા મિત્રો જ તો આ દેશ પ્રત્યેનું સૌથી મોટું ખેંચાણ છે મારા જેવા લોકો માટે.

   કાઢી નાખો
 3. વિવેકપૂર્ણ નિર્ણય અને સુંદર લખાણ!

  જવાબ આપોકાઢી નાખો
 4. જીવન ના અલગ અલગ મુકામ ઉપર દરેકે નિર્ણય લેવો પડતો હોય છે...અને તમારો પાછા અવાનો નિર્ણય ઉમદા છે, જેના માટે તમારી દીકરી તમારા આ નિર્ણય માટે ગર્વ અનુભવશે.

  જવાબ આપોકાઢી નાખો
 5. જીવન ના અલગ અલગ મુકામ ઉપર દરેકે નિર્ણય લેવો પડતો હોય છે...અને તમારો પાછા અવાનો નિર્ણય ઉમદા છે, જેના માટે તમારી દીકરી તમારા આ નિર્ણય માટે ગર્વ અનુભવશે.

  જવાબ આપોકાઢી નાખો
 6. Excellent answer.... after all peace of mind and mental satisfaction is more important then dollers or pounds

  જવાબ આપોકાઢી નાખો
 7. જીવનના દરેક નિર્ણય તમારા સાચા છે એના માટે મને ગર્વ છે

  જવાબ આપોકાઢી નાખો
 8. તમારી લાગણી ને વંદન. વિદેશ મા રેહતા બધા એવું નથી વિચારતા.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. હા અને એના કારણો પણ ઉપર જણાવ્યા અનુસાર જ હોય છે.

   કાઢી નાખો
 9. બહુજ સરસ...દરેક નિર્ણયો જાતે લેવા અને કોઈ પણ સંજોગોમાં માં એ નિર્ણયને વળગી રહેવું એજ મહત્વનું છે..જે આપની પાસે થી શીખવા મળે છે...ખૂબ ખૂબ....આભાર...,🙏

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર. જોકે જ્યારે એમ સમજાય કે નિર્ણય ખોટો છે, ત્યારે તેને સુધારવામાં પણ હું નાનમ નથી અનુભવતો.

   કાઢી નાખો
 10. Chirag Bhai...as I always said...it takes courage to be different and to make that difference....you sincerely had that courage and I am proud to be your friend and you are a inspiration for many....

  જવાબ આપોકાઢી નાખો
 11. હું તો એક જ વાતમાં માનું છું. દરેકને પોતાની રીતે સુખી થવાનો હક્ક છે.જિંદગીમાં પોતાના મનગમતા રંગો પૂરવાનો સૌને હક્ક છે.અને જે એ પૂરી શકે એ અભિનંદનના હક્કદાર છે.એ રંગો પૂર્યા પછી ચિત્ર જેવુ પણ બને એ સ્વીકારવાની જવાબદારી પણ પોતાની જ.
  ખૂબ ખૂબ અભિનંદન, ચિરાગભાઈ.
  અનેક લોકોને ડોલર ને પાઉન્ડની માયાજાળમાંથી પાછા ફરતા જોયા છે તો અનેકને અહીં જ રહીને લીલાછમમ બનીને આનંદ માણતા પણ જોયા છે
  એમાં કોણ સાચું ને કોણ ખોટું એવું જજમેન્ટ આપવાનું ન જ હોય.
  સૌને પોતપોતાનુ અંગત અભયારણ્ય મુબારક.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર નીલમબેન. સૌને પોતપોતાનું અભયારણ્ય મુબારક!

   કાઢી નાખો
 12. આખી પોસ્ટ વાંચી, વિગતવાર તમે સરસ રીતે દેશ પરત ફરવાના કારણો સમજાવ્યા. તમારી વાતો જાણીને તમારા માટે માન જાગે, મિત્ર. તમે જે લખ્યું, તેમાં અનુવાદક (દ્વિભાષી જાણકાર) જ કરી શકે તે ચમકારો ય - "તમારી પાસે કોઇ એક કૌશલ્ય હોય (ગુજરાતીમાં કહીએ તો સ્કીલ!" વાક્યમાં અનુભવ્યો. હવે બધાના મનમાં ફૂટતા તરંગો શાંત થઈ ગયા હશે. નવા વર્ષ પર એક અપેક્ષા જન્મે - બ્લોગપોસ્ટમાં થોડી નિયમિતતા આવે તો મજા આવે. અલબત્ત તમારી વ્યસ્તતા સમજુ છું જ, પણ એક વાચક તરીકે અમે તો લાલચુ જ બની રહેવાના.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર ભરતકુમાર. હું પણ બ્લોગને વધારે સક્રિય બનાવવા ઇચ્છુક તો છું જ. જોઇએ કેવી રીતે શક્ય બનશે!

   કાઢી નાખો
 13. જવાબો
  1. આભાર દીપકભાઇ. તમને પહેલીવાર આ બ્લોગ પર જોયા એનો આનંદ છે. તમને તો હું કાયમ વાંચતો રહું છું. છેલ્લે 'સિટિઝન કેન' વાળો લેખ વાંચ્યો હતો અને ગમ્યો પણ હતો. એટલે તમને મારું લખાણ ગમ્યું તેનો વિશેષ આનંદ છે.

   કાઢી નાખો
 14. તારા દરેક નિર્ણય પર મને હંમેશા અથાગ વિશ્વાસ રહ્યો છે.મે તારી દિકરી ના ઉછેર માટે લીધેલા તારા નિર્ણય ને સંપૂર્ણ શ્રધ્ધાથી નિભાવતા તને જોયો છે.તારી મિત્ર હોવાનો મને ગૌરવ છે.

  જવાબ આપોકાઢી નાખો
 15. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 16. We often miss you in our monthly sessions. We wish you all well and hope to see you in the next trip to India which is uncertain in this Corona circumstances. Take care.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. મને પણ તમારી, વિપુલભાઈની અને અનિલભાઇની ખોટ વર્તાય છે. તમને મળવા માટે તત્પર.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.