તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 24, 2020

શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?

પ્રતિક્રિયાઓનો વરસાદ

પુસ્તકોના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાના કારણો વાળા મારા લેખના જવાબમાં પ્રતિક્રિયાઓનો વરસાદ વરસી ગયો. બ્લોગ પર કોમેન્ટ સ્વરૂપે તેમજ અંગત ઇમેલ અને વિવિધ સોશિયલ મીડિયા તેમજ વોટ્સએપ મેસેજ સ્વરૂપે પણ. ઘણાએ તો ફોન કરીને પણ એ અંગે ચર્ચા કરી અને પોતાની હૈયાવરાળ ઠાલવી. એ બદલ આપ સૌનો આભાર. આથી વધારે આનંદની ક્ષણ તો કઈ હોઈ શકે? 

આ પ્રતિક્રિયાઓમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રતિક્રિયાઓ રહી. પ્રથમ પ્રકારની પ્રતિક્રિયા આ ક્ષેત્રમાં કામ કરનારાઓ મિત્રોની. તેમણે પોતાની સહમતિ દર્શાવી અને એવા અંગત અનુભવો પણ વહેંચ્યા કે જે જાહેરમાં મૂકી શકાય નહીં.

બીજા પ્રકારની પ્રતિક્રિયા આવી યુવામિત્રો તરફથી. તેમણે અલગ અલગ રીતે એમ પૂછ્યું છે કે "શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?" આજે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

English To Gujarati Translation, Gujarati To English Translation


અનુવાદની કોણ કરી શકે?

અનુવાદ કોણ કરી શકે? અનુવાદક બનવા માટે શું કરવું જોઈએ? ક્વોલિફિકેશન્સ? કોર્સ? કોઇ ડાઉનસાઇડ? તકો?

આ પ્રશ્નોનો ટૂંકો જવાબઃ કોઈ પણ બે ભાષાઓનું (Source Language & Target Language) પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિ અનુવાદ કરી શકે છે. એના માટે અન્ય કોઈ જ વિશેષ લાયકાતની જરૂરિયાત નથી.

આ પ્રશ્નોનો સવિસ્તર જવાબ હવે આપું.

આ ક્ષેત્રમાં ફુલ ટાઇમ - પાર્ટ ટાઇમ નોકરી પણ કરી શકાય છે તેમજ ઘરે બેસીને પણ કામ કરી શકાય છે. ઘણા લોકો ઘરે પાર્ટ ટાઇમમાં આ કામ કરે જ છે. અનુવાદને કારકિર્દી તરીકે અપનાવવા માટે અને તેમાં સફળ થવા માટે નીચે દર્શાવેલી 4 શરતોનું પાલન કરવું આવશ્યક છે. 

શરત નંબર 1

સૌ પ્રથમ શરત તો એ કે જેને શબ્દો અને ભાષામાં રમવું ગમતું હોય, માત્ર તે જ વ્યક્તિ અનુવાદને કારકિર્દી તરીકે અપનાવી શકે છે. હા, ક્યારેક કામ પડ્યું અને બે-ચાર પાનાનો અનુવાદ કરવો હોય, તો એના માટે આ મુદ્દો જરૂરી નથી. પણ જો તમારે સતત એ કામમાં જ રચ્યા-પચ્યા રહેવું હોય, તેમાંજ કારકિર્દી બનાવવી હોય અને તેનાથી જ તમારું ઘર ચલાવવું હોય, તો એમાં તમને વિશેષ રસ હોય એ પ્રથમ શરત.

શરત નંબર 2

તમને બે ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જે ભાષામાંથી અનુવાદ કરવાનો છે (Source Language) અને જે ભાષામાં અનુવાદ કરવાનો છે (Target Language) એ બે ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જુઓ, એ જ્ઞાન ન હોય, તો કેવા લોચા પડે એનું એક નાનકડું ઉદાહરણ.

ઉદાહરણ 1

દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ટ્રિલોજીમાંની એક 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની પહેલા ભાગની પહેલી બે મિનિટમાં જ અંગ્રેજીમાં આવો એક સંવાદ આવે છેઃ

English To Gujarati Translation, Gujarati To English Translation


"...The Dark Lord Sauron forged in secret a master ring...". તેના સબટાઇટલ્સનો અનુવાદ કરનાર અનુવાદક મિત્રએ હિન્દી અનુવાદ આ મુજબ કર્યો છેઃ "...डार्क लोर्ड सोरोन ने गुप्त रुप से असली रिंग की एक नकल बनाई...". અહીંયા 'forge' શબ્દનો અર્થ 'ઘડવું' કરવાનો છે પણ તેમણે તેનો બીજો અર્થ 'નકલ' કર્યો છે. (ફિલ્મની હિંદી આવૃત્તિની પહેલી 2 મિનિટમાં જ એ આવશે.) એના કારણે માત્ર હિન્દીમાં આ ફિલ્મ જોનારા ઘણા લોકોએ અર્થનો અનર્થ કર્યો છે. તેમને છેક સુધી એમ જ લાગ્યું છે કે બે માસ્ટર રિંગ છેઃ એક અસલી અને એક નકલી!

ઉદાહરણ 2

બીજું એક નાનકડું ઉદાહરણ. યુનેસ્કો દ્વારા ભારતના હેરિટેજ સ્થળો વિષે બાળકો માટે અંગ્રેજીમાં સચિત્ર પુસ્તિકાઓ કરવામાં આવી છે. ગુજરાતીમાં તેનો અનુવાદ કરનાર સન્નારીએ 'Illustrated Books'નો અનુવાદ 'ઉદાહરણ સાથેના પુસ્તકો' કર્યો હતો! તેઓ પોતે ભારતીય જ છે અને ભારતમાં જ રહે છે પરંતુ 'Descent of Ganges'નો અનુવાદ તેમણે 'ગંગાના ઢોળાવો' કર્યો હતો. ગંગા નદીના અવતરણની કથાથી તો તેઓ પરિચિત હશે જ પરંતુ ભાષાની અપૂરતી સમજને કારણે આવું બન્યું હશે, એમ માનવું રહ્યું. 

આવા તો અઢળક ઉદાહરણો છે પણ આટલા પૂરતા છે.

શરત નંબર 3

ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે અભિન્ન રીતે વણાયેલા છે એટલે એ બંને ભાષા જે સંસ્કૃતિઓ સાથે વણાયેલી છે, તે સંસ્કૃતિની પણ પૂરતી માહિતી હોવી આવશ્યક છે. સાહિત્યના પુસ્તકોના અનુવાદ માટે તો તેને અનિવાર્ય માનવી જ રહી.

જેમ કે, મારા ગુરુઓમાંના એક અને અત્યંત સમ્માનનીય એવા એક નિવૃત્ત સજ્જન સાહિત્યના રસિકજન છે. તેમણે સરકારી નોકરી કરતાં કરતાં ઘણા સારા અનુવાદ આપ્યા છે. અત્યારે નિવૃત્તિ પછી સાહિત્યમાં જ ગળાડૂબ રહેતા એ સજ્જનની અંગ્રેજી અને ગુજરાતી ભાષાની સમજ અંગે તો કોઈ આંગળી ચીંધી જ ન શકે. પણ એમની પાશ્ચાત્ય સંસ્કૃતિની સમજ ક્યાંક કાચી રહી ગઈ હશે. એક ટૂંકી અંગ્રેજી વાર્તાના અનુવાદમાં તેમણે 'sunday school'નો અનુવાદ 'રવિવારની શાળા' તરીકે જ કર્યો. અનુવાદ છપાઈ ગયાને પણ વર્ષો થઈ ગયા પણ આ સમજફેર કોઈના ધ્યાનમાં આવ્યો નથી. ભારતમાં, અને વિશેષતઃ ગુજરાતમાં, દેરાસરો કે સ્વામિનારાયણ મંદિરોમાં બાળકો માટે વિશેષ વર્ગો ચાલતા હોય છે જેમાં તેમને જે તે ધર્મની વિશેષ સમજ મળી રહે તેવી વ્યસ્થા કરવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખ્રિસ્તિ બહુમતી ધરાવતા દેશોના ચર્ચમાં પણ એવા જ હેતુસર રવિવારે બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જ્યાં તેમને 'સન્ડે સરમન' પછી મનોરંજનની ઓથે ધર્મરસના ઘૂંટ ભરાવવામાં આવે છે. એટલે 'sunday school'નો અનુવાદ એ સંદર્ભમાં કરવામાં આવે તો તે વાર્તાતત્વ માટે ઉપકારક બની રહે પણ એમ બન્યું નથી. એટલે જે તે સંસ્કૃતિઓનું જ્ઞાન પણ મહત્વનું બની રહે છે.

શરત નંબર 4

English To Gujarati Translation, Gujarati To English Translationછેલ્લી અને ઉપરની ત્રણેય શરતો કરતા પણ મહત્વની શરત એ કે તમારી 'મજૂરી' (drudgery) કરવાની તૈયારી હોવી જોઇએ. તમારે ખાડા નથી ખોદવાના છતાં કાળી મજૂરી તો કરવાની જ છે.

જો તમારે 300 પાનાનું એક પુસ્તક પ્રકાશકને 1 મહિનામાં અનૂદિત કરી આપવાનું હોય, તો દરરોજ 10 પાના એટલે કે અંદાજે 3000 શબ્દો સાથે બથોડા ભરવા પડે. એટલે કે દરરોજ સરેરાશ 4થી 8 કલાક સતત કામ કરવું પડે. તેમાં તમને કોઈ જ કંપની નહીં આપે. (વાસ્તવમાં કોઈ કંપની આપવા આવે તો પણ તેમને ના પાડવી પડે કારણ કે આ કામમાં ધ્યાનસ્થ થઈ જવું જરૂરી છે.) એકલા બેઠા બેઠા, મૂળ પુસ્તકના એક એક વાક્યને વાંચીને, શબ્દકોષોના ઢગલા ઉથલાવીને, કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠા બેઠા આંગળીઓ દુઃખી જાય કે આંખો બળવા માંડે ત્યાં સુધી ટાઇપ કરે રાખવું પડે છે. (જી હા, પ્રકાશકો અને વિદેશના ક્લાયન્ટ ફરજિયાત સોફ્ટ કૉપી જ માંગે છે એટલે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના પ્રાથમિક જ્ઞાનને પણ આ શરતમાં ઉમેરી લેવું.)

અને માત્ર એકવાર અનુવાદ મોકલી આપ્યાથી કામ પતી નથી જતું. તેના પછીના તબક્કામાં પણ તમારે બે-ત્રણ વાર એજ વસ્તુઓ વાંચવી પડે છે જેથી અનુવાદ, ટાઇપિંગ, પ્રૂફ રીડિંગ કે પેજ સેટિંગ દરમિયાન રહી ગયેલી કચાશ દૂર થઈ શકે.

કોઈ કોર્સ ખરા?

છે ને. આપણા દેશમાં શેના કોર્સ નથી હોતા? પણ આદરણીય શાહબુદ્દીન રાઠોડે આપેલા ઉદાહરણ અનુસાર, તરવા માટેનું પુસ્તક વાંચીને તરવા પડે એ માણસ અને તેનું જ્ઞાન બંને એક સાથે તળિયે પહોંચી જાય છે. જેમ તરવા માટે પાણીમાં પડવું પડે એમ અનુવાદ શીખવા માટે અનુવાદ કરવો જ પડે. એ પ્રક્રિયામાંથી વારંવાર પસાર થયા પછી જ તેમાં નિપુણતા આવે છે.

હા, સારી સંસ્થામાં અનુભવી ગુરુજનોના માર્ગદર્શન હેઠળ અનુવાદની પ્રક્રિયા શરૂ થાય, તો ઘણા પ્રશ્નોના જવાબ મળી શકે છે માટે કોર્સ કરવો લાભદાયક ખરો પણ એ અનિવાર્ય ન કહેવાય. મેં અનુવાદ શરૂ કર્યો અને ડઝનેક પુસ્તકો થઈ ગયા એ પછી આવો એક નાનકડો કોર્સ કર્યો છે અને મને તેમાં ઘણું શીખવા મળ્યું છે.

એક નુકસાન પણ નોંધી લેવું

અનુવાદ શારીરિક કરતા માનસિક શ્રમ વધારે માંગી લે છે એટલે એ ક્ષેત્રમાં આવનારે સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવધાની રાખવી પડતી હોય છે. સતત બેસી રહેવાથી કમર અને મણકાનો દુખાવો થવો તેમજ પુસ્તક અને કોમ્પ્યુટર સ્ક્રીન સામે વારંવાર નજર ફેરવતા રહેવાથી સ્પોન્ડિલાઇટિસ (ગરદનના મણકાનો દુખાવો) થવો એ એકદમ સામાન્ય વસ્તુઓ છે. જોકે, બહુ ઓછા ખર્ચે વિશેષ વ્યવસ્થાઓ કરીને તેનાથી બચી શકાય છે.

પરંતુ વધતા કોલેસ્ટ્રોલ અને ચરબીનું શું કરવું? તેના માટે તો તમારે ડાયેટમાં ધ્યાન રાખવું જ પડે છે અને દૈનિક ધોરણે અમુક કસરતો પણ કરવી પડે છે.

આ ક્ષેત્રમાં રહેલી તક

સૌથી છેલ્લી વાત આ ક્ષેત્રમાં રહેલી તકોની. ટૂંકમાં કહું, તો આ ક્ષેત્રમાં અઢળક તકો રહેલી છે. વિશ્વ હવે વાસ્તવમાં એક ગ્લોબલ વિલેજ બની ગયું છે, એવા સમયમાં તો તકો સાચે જ વધી છે.

English To Gujarati Translation, Gujarati To English Translation

પ્રિન્ટ મીડિયા

 • સૌ પ્રથમ, જેનાથી તમે બધા જ પરિચિત છો, એ પ્રિન્ટ મીડિયાની વાત કરીએ. તો ફિક્શન અને નોન-ફિક્શન પુસ્તકોના અનુવાદ તો સતત થતા જ રહે છે. એ કામ સતત ચાલતુ જ રહે છે.
 • દૈનિક વર્તમાનપત્રોને પણ ફુલ ટાઇમ અનુવાદકો રાખવા જ પડે છે.
 • શૈક્ષણિક પુસ્તકોનું પણ એવું જ વિશાળ બજાર છે અને તેમાં પણ અનુવાદકોની માંગ સતત રહે છે. ઉપરાંત તેમાં તો જે તે વિષયના નિષ્ણાતોની પણ માંગ રહે છે. જેમ કે એન્જીનિયરિંગના પુસ્તકો, કાયદાના પુસ્તકો, સરકારી પરીક્ષાને લગતા પુસ્તકો વગેરે.
 • કાયદાની ભાષા જાણનારા અનુવાદકોને આવકારવા વકીલો અને અદાલતો સતત તત્પર રહેતી હોય છે.
 • મેડિકલ ટર્મિનોલોજી જાણનારા માટે પણ આ ક્ષેત્રમાં અઢળક મલાઇદાર તકો રહેલી છે.
 • અને હા, સરકારી ક્ષેત્રમાં તેમજ મોટા કોર્પોરેટ હાઉસિઝમાં પણ અનુવાદકોને નોકરીએ રાખવામાં આવતા હોય છે.

ઇલેકટ્રોનિક એન્ડ ડિજિટલ મીડિયા

 • ન્યૂઝ ચેનલોમાં ફુલ ટાઇમ અનુવાદકો રખાતા હોય છે એ તો બધા જાણે જ છે. ન્યૂઝ પોર્ટલ્સમાં પણ તેમની ફુલ ટાઇમ હાજરી અનિવાર્ય છે.
 • ફિલ્મો અને સીરિયલોના સબટાઇટલ્સ અને ડબિંગ માટે અનુવાદકો અનિવાર્ય છે.
 • વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન્સમાં સારું કન્ટેન્ટ લાવવા માટે પણ અનુવાદકો રાખવામાં આવે છે.
 • તમે જાણીતી મોબાઇલ એપ્લિકેશન્સમાં UIની ભાષા બદલવાના વિકલ્પ જોયા જ હશે. જેમ કે, તમે ફેસબુક એપ ગુજરાતીમાં પણ વાપરી શકો છો. એને લોકલાઇઝેશન કહેવાય છે. વેબસાઇટ અને એપ્લિકેશનના લોકલાઇઝેશનમાં પણ ડેવલોપમેન્ટ સ્તરે અનુવાદકોની જરૂર પડતી હોય છે.

વિદેશનું કામ

ટેક્નોલોજીની મદદથી તમે વિદેશથી પણ કામ સરળતાથી મેળવી શકો છો. એટલે ઉપર જણાવેલી તમામ તકોને વિવિધ ઓનલાઇન વર્કપ્લેસિસની મદદથી તમે બેવડાવી શકો છો.

અને આ યાદીમાં હજું પણ અમુક વસ્તુઓ ઉમેરી શકાય તેમ છે. પણ અત્યારે તો આને પૂરતું માનીએ.

અંતમાં

અને હા, પેલો 10,000-hours rule યાદ રાખવાનું ભૂલતા નહીં. કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે તમારે દસ હજાર કલાક (ભારતીય ગણતરી મુજબ કહીએ, તો 5 વર્ષ) આપવા પડતા હોય છે. જરૂરી નથી કે બધાને એટલો જ સમય લાગે. કોઇને વધારે તો કોઇને ઓછો સમય જોઇએ પણ રાતોરાત તમે એટલા સક્ષમ તો નહીં જ બની શકો કે માત્ર અનુવાદના આધારે તમારું ઘર ચલાવી શકો. એટલે ધીરજ અને ખંતને તમારા ભાથામાં અવશ્ય રાખવા.

તો, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

36 ટિપ્પણીઓ:

 1. બહુ ઉપયોગી માહિતી, ચિરાગભાઈ.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર બિરેનભાઈ. આપની હાજરી હંમેશા ઉત્સાહજનક લાગતી હોય છે.

   કાઢી નાખો
 2. Please arrange a course or seminar or worshop online so that we can have benefits of your experience sir.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આપનું સૂચન ગમ્યું મિત્ર. એ અંગે યોગ્ય સમયે કંઇક અવશ્ય ગોઠવીશું.

   કાઢી નાખો
 3. ઘણી કામની બાબતો જાણવા મળી. ધન્યવાદ.

  જવાબ આપોકાઢી નાખો
 4. વિગતવાર અને બહુ ઉપયોગી લેખ ! ખૂબ આભાર.

  જવાબ આપોકાઢી નાખો
 5. 'Two roads diverged in woods
  And I took the less traveled one'
  Translation is like that. Thanks a lot for your comprehensive guidance on this field.

  જવાબ આપોકાઢી નાખો
 6. ખૂબ સરસ ઉપયોગી આને વ્યવહારુ પાસાંને પણ દર્શાવતો લેખ.અભિનંદન.

  જવાબ આપોકાઢી નાખો
 7. Your article is useful as always. But here I can't stop myself asking a question to you.
  Humour is least translated genre as I have observed it for these long years. Is it anyhow possible to translate humorous articles keeping the quality and humour intact?

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. મૂળે ગુજરાતીમાં હાસ્યપ્રચૂર લખાણ જ ઓછું લખાયું છે. અને જે લખાયું છે તેમાં પણ રમૂજ ઉત્પન્ન થવાની કોઈ ગેરંટી હોતી નથી. ઉપરાંત, હાસ્ય નિષ્પન્ન કરવામાં ભારતમાં લોકોની લાગણીઓ દુભાઈ જવાનું જોખમ વધારે હોય છે એટલે અહીં એ પ્રકારને વધારે પ્રોત્સાહન મળ્યું નથી. જોકે અપવાદો પણ છે. આ લેખ વાંચવા વિનંતીઃ http://www.chiragthakkar.me/2012/02/blog-post_20.html

   કાઢી નાખો
 8. Your article is useful as always. But here I can't stop myself asking a question to you.
  Humour is least translated genre as I have observed it for these long years. Is it anyhow possible to translate humorous articles keeping the quality and humour intact?

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. મૂળે ગુજરાતીમાં હાસ્યપ્રચૂર લખાણ જ ઓછું લખાયું છે. અને જે લખાયું છે તેમાં પણ રમૂજ ઉત્પન્ન થવાની કોઈ ગેરંટી હોતી નથી. ઉપરાંત, હાસ્ય નિષ્પન્ન કરવામાં ભારતમાં લોકોની લાગણીઓ દુભાઈ જવાનું જોખમ વધારે હોય છે એટલે અહીં એ પ્રકારને વધારે પ્રોત્સાહન મળ્યું નથી. જોકે અપવાદો પણ છે. આ લેખ વાંચવા વિનંતીઃ http://www.chiragthakkar.me/2012/02/blog-post_20.html

   કાઢી નાખો
 9. ખૂબજ ઉપયોગી માહિતી જાણવા મળી ખૂબ આભાર

  જવાબ આપોકાઢી નાખો
 10. આપના લેખમાં આપના વિશાળ અનુભવનો નિચોડ નીતરે છે. ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી સામગ્રી પીરસી છે આપે. હું પણ છેલ્લા દસેક વર્ષથી અનુવાદ કાર્ય સાથે સંકળાયેલ છું.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર મિત્ર. મારા ઇમેલ chirag@chiragthakkar.me પર સંપર્ક કરો. ક્યારેક આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીશું.

   કાઢી નાખો
 11. ચાલો.. આજે શબ્દશઃ લેખ વાંચ્યો... મુદ્દાસર લેખ ખરેખર ઉપયોગી થાય તેવો છે...આભાર

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.