તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 24, 2020

શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?

પ્રતિક્રિયાઓનો વરસાદ

પુસ્તકોના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાના કારણો વાળા મારા લેખના જવાબમાં પ્રતિક્રિયાઓનો વરસાદ વરસી ગયો. બ્લોગ પર કોમેન્ટ સ્વરૂપે તેમજ અંગત ઇમેલ અને વિવિધ સોશિયલ મીડિયા તેમજ વોટ્સએપ મેસેજ સ્વરૂપે પણ. ઘણાએ તો ફોન કરીને પણ એ અંગે ચર્ચા કરી અને પોતાની હૈયાવરાળ ઠાલવી. એ બદલ આપ સૌનો આભાર. આથી વધારે આનંદની ક્ષણ તો કઈ હોઈ શકે? 

આ પ્રતિક્રિયાઓમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રતિક્રિયાઓ રહી. પ્રથમ પ્રકારની પ્રતિક્રિયા આ ક્ષેત્રમાં કામ કરનારાઓ મિત્રોની. તેમણે પોતાની સહમતિ દર્શાવી અને એવા અંગત અનુભવો પણ વહેંચ્યા કે જે જાહેરમાં મૂકી શકાય નહીં.

બીજા પ્રકારની પ્રતિક્રિયા આવી યુવામિત્રો તરફથી. તેમણે અલગ અલગ રીતે એમ પૂછ્યું છે કે "શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?" આજે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

English To Gujarati Translation, Gujarati To English Translation


અનુવાદની કોણ કરી શકે?

અનુવાદ કોણ કરી શકે? અનુવાદક બનવા માટે શું કરવું જોઈએ? ક્વોલિફિકેશન્સ? કોર્સ? કોઇ ડાઉનસાઇડ? તકો?

આ પ્રશ્નોનો ટૂંકો જવાબઃ કોઈ પણ બે ભાષાઓનું (Source Language & Target Language) પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિ અનુવાદ કરી શકે છે. એના માટે અન્ય કોઈ જ વિશેષ લાયકાતની જરૂરિયાત નથી.

આ પ્રશ્નોનો સવિસ્તર જવાબ હવે આપું.

આ ક્ષેત્રમાં ફુલ ટાઇમ - પાર્ટ ટાઇમ નોકરી પણ કરી શકાય છે તેમજ ઘરે બેસીને પણ કામ કરી શકાય છે. ઘણા લોકો ઘરે પાર્ટ ટાઇમમાં આ કામ કરે જ છે. અનુવાદને કારકિર્દી તરીકે અપનાવવા માટે અને તેમાં સફળ થવા માટે નીચે દર્શાવેલી 4 શરતોનું પાલન કરવું આવશ્યક છે. 

શરત નંબર 1

સૌ પ્રથમ શરત તો એ કે જેને શબ્દો અને ભાષામાં રમવું ગમતું હોય, માત્ર તે જ વ્યક્તિ અનુવાદને કારકિર્દી તરીકે અપનાવી શકે છે. હા, ક્યારેક કામ પડ્યું અને બે-ચાર પાનાનો અનુવાદ કરવો હોય, તો એના માટે આ મુદ્દો જરૂરી નથી. પણ જો તમારે સતત એ કામમાં જ રચ્યા-પચ્યા રહેવું હોય, તેમાંજ કારકિર્દી બનાવવી હોય અને તેનાથી જ તમારું ઘર ચલાવવું હોય, તો એમાં તમને વિશેષ રસ હોય એ પ્રથમ શરત.

શરત નંબર 2

તમને બે ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જે ભાષામાંથી અનુવાદ કરવાનો છે (Source Language) અને જે ભાષામાં અનુવાદ કરવાનો છે (Target Language) એ બે ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જુઓ, એ જ્ઞાન ન હોય, તો કેવા લોચા પડે એનું એક નાનકડું ઉદાહરણ.