તાજેતરની પોસ્ટસ

જુલાઈ 30, 2020

પુસ્તકોના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાના કારણો

પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો નિર્ધાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 100થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણા તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!

કાયમ પૂછાતો પ્રશ્ન

Gujarati to English Translation ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ

એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ કેટલાય સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય જ પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.

ભારતદેશનું બહુભાષીય પોત

ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની ચલણી નોટ પર 15 ભાષા છાપવી પડે છે. વસતીની સરખામણીએ વિશ્વના બીજા સૌથી વિશાળ રાષ્ટ્રને એકસૂત્રે બાંધે એવી સ્વીકૃતિ કોઈ એક ભારતીય ભાષાને મળી નથી. દક્ષિણ ભારતમાં હિન્દી સ્વીકાર્ય નથી અને બાકીના ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓને ‘જલેબી જેવી’ કહીને ઉતારી પાડવાનું ચલણ છે.

આવા સંજોગોમાં સર્વસ્વીકૃત ભાષા તરીકે અંગ્રેજીને દક્ષિણ ભારતમાં તો ઘણી વહેલી સ્વીકારાઈ હતી. તેમ કરવાથી તેમની માતૃભાષાઓ અને સંસ્કૃતિનો વિનાશ થયો નથી. આપણે ગુજરાતમાં માતૃભાષા અને સંસ્કૃતિના વિનાશની વાતો કરીને અંગ્રેજીનો સ્વીકાર બહુ મોડો કર્યો છે. (અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના શિક્ષણની વાત કરવા જતા વાત આડા પાટે ફંટાઈ જશે, એટલે એ મુદ્દાને કારણે જે પરિસ્થિતી સર્જોઈ માત્ર તેની જ વાત કરવી છે.)

અંગ્રેજી એટલે કૌશલ્ય નહીં પરંતુ ચલણી નાણું

2006માં હું વિદેશ ગયો ત્યાં સુધી અભ્યાસમાં ગુજરાતી માધ્યમનું જ પ્રભુત્વ હતું અને અંગ્રેજી વિષયના ઉત્તમ શિક્ષકોની ખોટ ત્યારે પણ હતી (અને આજે તો ઘણી વધારે છે). એટલે એ સમયે જે ગણી-ગાંઠી અંગ્રેજી માધ્યમની શાળાઓ હતી, તેમાં દક્ષિણ ભારતના શિક્ષકોનું વર્ચસ્વ રહેતું હતું અને હજું પણ તેમની માંગ તો વધારે જ છે.

વાતનો ટૂંકસાર એટલો કે જે પણ ગુજરાતી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં કુશળ બને છે, તેમને અન્ય વિદ્યાર્થીઓ કરતા ઘણી વધારે તક મળી રહેતી હતી અને આજે પણ મળી રહે છે. એટલે ઉત્તમ અંગ્રેજી જાણતા લોકો શિક્ષણના વ્યવસાય કરતા ઘણું વધારે રળી આપતી જગ્યાઓએ ગોઠવાતા હોય, એ તો સ્વાભાવિક જ છે. શિક્ષક કે અધ્યાપક તરીકેની કારકિર્દી તેમને ઓછી ફળદાયી લાગતી હોય છે. આમ, ગુજરાતમાં અંગ્રેજીના તજજ્ઞોના અભાવે અંગ્રેજી કૌશલ્ય કરતા ચલણી નાણું વધારે મનાય છે.

ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ

હવે જ્યારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદની વાત આવે, ત્યારે એવા માણસોની જ જરૂર પડે કે જેમનું અંગ્રેજી પર પ્રભુત્વ હોય. અને એવું પ્રભુત્વ ધરાવનારા લોકો નવરા તો બેઠા હોય નહીં. એ લોકો કોઈને કોઈ સારી જગ્યાએ ઉચ્ચ પદ પર બેઠા હોય, કે સારી આવક ધરાવતા હોય. એમને તમે ચણા-મમરાના ભાવે અનુવાદનું કામ કરવાનું કહો, તો એ નથી જ કરવાના. અને શું કામ કરે?

પ્રાચીન માન્યતાઓનું ભારણ

હવે જ્યારે હું એમ પ્રશ્ન પૂછું કે 'શું કામ કરે?' ત્યારે ઘણા લોકોના મનમાં એમ જવાબ ઉગશે કે સાહિત્યની સેવા કરવા માટે. અને એવો જવાબ ઉગવા પાછળનું કારણ છે પેલી પ્રાચીન અને પારંપરિક માન્યતાઓ જેમાં વૈદ્ય, ગુરુ અને કલાકાર પોતાની આવડત વેચે, તે યોગ્ય મનાતું નહીં. ત્યારથી આપણે એ ત્રણેય વ્યવસાયોને સામાજિક સેવા ગણી લીધા છે અને તેમાં વળતરની અપેક્ષા રાખનારને કનિષ્ઠ માનવામાં આવે છે.

એટલે જ જો કોઈ MD ડૉકટર 30થી 32 વર્ષની ઉંમર સુધી તમામ અગવડો વેઠીને ભણે અને પછી કન્સલ્ટેશન માટે ₹ 500 લે, તો બધા કહેતા હોય છે કે બે મિનિટ જોવાના ₹ 500 લઈ લીધા. અત્યારે શાળાની ફી અને શિક્ષકના પગાર પર એટલે જ વિવાદ થઈ રહ્યા છે. બાકી ગુરુકુળમાં વિનામૂલ્યે શિક્ષા આપનારા ગુરુઓ આખા રાજ્યો કે અંગૂઠાઓ ગુરુદક્ષિણા સ્વરૂપે ક્યાં નહોતા લેતા? તમામ ઉત્તમ કલાકારો પણ પ્રાચીન સમયમાં રાજ્યાશ્રય પામતા અને તેમને જીવન નિર્વાહની ચિંતા નહોતી રહેતી, એટલે તેઓ પોતાની કલા વેચતા નહોતા. હવે કલાકારો માટે રાજ્યાશ્રયનો વિકલ્પ નથી, તો એ લોકો પોતાનો જીવનનિર્વાહ ક્યાંથી કરશે?

અનુવાદ એટલે પારાવાર ખંત, પરિશ્રમ અને ધીરજ

એ કલાકારોએ પોતાની કલાની અવેજીમાં રૂપિયા લેવા જ પડશે અને જો અન્ય જગ્યાએ ઓછી મહેનતમાં વધારે વળતર મળતું હોય, તો કોઈ અનુવાદ જેવા પારાવાર ખંત, પરિશ્રમ અને ધીરજ માંગી લેતા કામમાં શા માટે જોડાય? સાહિત્ય માટે પ્રીતિ હોવી આવશ્યક છે પરંતુ જેને પોતાના પરિવારનો નિર્વાહ કરવાનો છે, તે મા સરસ્વતીના ખોળે મસ્તક મૂકીને કેટલો સમય ટકી શકશે? આજના સમયમાં તો તે અઘરું જ છે. હા, અમુક અધ્યાપકો, શિક્ષકો અને રસિક જીવો પોતપોતાની રીતે આ કામ કરે છે, પણ એ લોકો છે કેટલા? ગુજરાતી સાહિત્યમાં અઢળક ઉત્તમ પુસ્તકો છે અને તે તમામને અંગ્રેજી અને અન્ય ભાષામાં લઈ જવા હોય, તો એ માટે તો એ સંખ્યા સાવ જ ઓછી છે.

અંગત અનુભવો

હવે અમુક અંગત અનુભવો વર્ણવું છું. અંગ્રેજી ભાષા આવડતી હોય અને શબ્દસેવી હોય તેમને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાંથી કામ મળી રહે છે અને તેની આવક ડોલરમાં હોય છે. તેનાથી સારી રીતે જીવનનિર્વાહ થઈ શકે છે. સામા પક્ષે ગુજરાતીથી અંગ્રેજી અનુવાદના કામમાં કેવા અનુભવ થતા હોય છે એ જાણો છો?

ચણા-મમરાનો ભાવ

અહીં ગુજરાતમાં એક વડીલ લેખક શ્રીએ મને તેમની લઘુનવલના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદનું કામ સોંપ્યું. તેમની એ લઘુનવલની ઓછામાં ઓછી 15 આવૃત્તિ તો થઈ જ છે. અર્થાત્ લેખક શ્રી પોતે તો તેમાંથી ઘણું રળ્યા છે. પણ અનુવાદ માટે તેમણે જે ભાવ સૂચવ્યો, એ ભાવમાં તો અત્યારે કોઈ હિન્દીથી ગુજરાતી અનુવાદ માટે પણ તૈયાર થાય, તો ઘણું કહેવાય. એટલે મારે એ કામનો પરાણે અસ્વીકાર કરવો પડ્યો. પાછલા 4 વર્ષથી એ પુસ્તકના અંગ્રેજી અનુવાદના પ્રયત્નો થતા રહે છે, પણ હજું કોઈ તૈયાર નથી થયું. ક્યાંથી થાય?

બીજો અનુભવ

અનુવાદક તરીકે ઘણી વાર સાહિત્ય સિવાયના ક્ષેત્રમાં પણ સંકળાવાનું બને છે. એક વાર ગુજરાતના સર્વાધિક લોકપ્રિય યુવા કવિઓમાંના એકના સંદર્ભથી મારી પર ફોન આવ્યો. એ કવિ મારા અત્યંત પ્રિય મિત્ર એટલે તેમના નામનું માન રાખીને હું જે તે વ્યક્તિને મળવા ગયો. એ વ્યક્તિનું કામ બધાને વાસ્તુશાસ્ત્રને લગતી સલાહ આપવાનું હતું, અને તેમની ઓછામાં ઓછી ફી ₹ 51,000 હતી. તેમના પોતાના કામની જેમ જ તેમને અનુવાદનું કામ પણ સર્વોત્તમ જ જોઈતું હતું . પણ તેમને મારો ભાવ વધારે લાગ્યો!

ચોક્કસ અનુવાદનો હઠાગ્રહ

બીજો મુદ્દો છે જે તે લેખકના હઠાગ્રહ. અનુવાદ એટલે અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં ભરવાની કલા. થોડીક સુગંધ તો ઘટવાની જ. ઉપરાંત, એક જ લખાણનો જો દસ અલગ અલગ અનુવાદકો અનુવાદ કરે, તો દસેય ડ્રાફ્ટ અલગ અલગ જ હોવાના, એ તો કોઈ પણ સમજી શકે એવી વાત છે. પણ એ લખાણ કોઈ એવા માણસનું હોય કે જેમણે ભણીને ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું હોય, તેઓ એ વાત સમજી શકતા નથી.

અમદાવાદના પ્રખ્યાત આંખના ડૉકટરોમાંના એકના આંખને લગતા પુસ્તકના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદનું કામ આવી પડ્યું. કર્યું પણ ખરું. પણ એમને એમ કે એમને ડૉકટરની ડીગ્રી મળી ગઈ માટે એ અંગ્રેજીના પણ વિશેષજ્ઞ થઈ ગયા. એક જગ્યાએ ગુજરાતીમાં વાક્ય હતું ‘જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો’, જેનું અંગ્રેજી મેં એમ કર્યું ‘People from all walks of life’ જે તેમને સદંતર ખોટું લાગ્યું. એમના મતે ‘People from different fields of life’ જ સાચું કહેવાય. મારાથી સમજાવાય એટલું સમજાવ્યું પણ એમનો ચંચૂપાત એટલો વધી ગયો કે મારે એ કામ છોડવું જ પડ્યું.

આમ તો ઘણા ડૉકટર મારા અંગત મિત્રો છે અને મને પોતાને તમામ ડૉકટરો માટે અહોભાવ જ છે, તેમ છતાં વિવિધ ડૉકટરોના અલગ અલગ કામમાં વારંવાર આમ જ બનતું અનુભવ્યા પછી મેં એ દિશાના દ્વાર તો બંધ જ કરી નાખ્યા. એકવાર ગુજરાતના એક IAS અધિકારી સાથે પણ એમ જ બન્યું. ગુજરાતી તેમની પ્રથમ, દ્વિતીય કે તૃતીય ભાષા પણ નહીં. તેમ છતાં અંગ્રેજીથી ગુજરાતી અનુવાદમાં તેમનો ચંચૂપાત એટલો બધો કે કામ પૂરુ કર્યાં પછી મેં મારું નામ પાછું ખેંચી લીધું હતું.

મારી તો એ તમામ ગુણીજનોને એક જ વિનંતી છે કે જો તેમને એમ લાગતું હોય કે તેઓ પોતે જ જે તે ભાષા સારી જાણે છે, તો સમયના અભાવનું બહાનું કાઢ્યા વિના તેમણે એ કામ જાતે જ કરવું જોઈએ.

પ્રિય મફતિયાઓ

આપણે કોઈ રેસ્ટોરામાં જઈને એમ નથી કહેતા કે એક ડીશ મફતમાં ચાખવા આપો. ભાવશે તો બીજાના પૈસો ચૂકવીશું. આપણને શંકા હોય, તો આપણે સાવ નાનકડો ઓર્ડર આપીને સ્વાદની ખાત્રી કરી લઈએ છીએ, પણ મફત તો નથી જ માંગતા. પણ સાહિત્યના ક્ષેત્રમાં એ અત્યંત સામાન્ય ઘટના છે. ‘તમે પહેલા પાંચ પેજ કરો, પછી જોઈએ!’, ‘ફર્સ્ટ ચેપ્ટર આપો પછી ભાવ ડિસાઈડ કરીશું...’, ‘અરે યાર એક જ પાનું છે!’ આ અને આવા સંવાદો હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1000 પાના તો વિનામૂલ્યે જ અનૂદિત કર્યા હશે. એટલે અનુવાદના ક્ષેત્રમાં શરૂઆત કરનારા મિત્રોમાંથી ઘણાને તો આ પ્રિય મફતિયાઓએ જ ભગાડી મૂક્યા છે.

પ્રાદેશિક પ્રકાશકોની મર્યાદા

અમુક વાર અમુક પ્રકાશકો પણ ખેલ પાડી દેતા હોય છે. કોઈ નવોદિત લેખક કે કવિને પોતાનું પુસ્તક પ્રકાશિત કરાવવું હોય, તો તેમની પાસે પહેલા બે પુસ્તકોનો અનુવાદ કરાવશે. પછી તેમનું પુસ્તક પ્રકાશિત કરી આપશે જેની અમુક નકલો તો એ લેખકે કે કવિએ ખરીદવાની જ! (vanity publishing) બોલો, આમાં અમારા જેવા ફુલ-ટાઈમ અનુવાદ કરનારાનો વારો ક્યાંથી આવે?

જોકે ગુજરાતના પ્રકાશકો માટે પણ ગુજરાતીથી અંગ્રેજીનો અનુવાદ કરાવવો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પ્રકાશનની પ્રક્રિયામાં અનુવાદકની સાથે સાથે મૂળ લેખક, તેની પાસેથી અનુવાદના અધિકારો પ્રાપ્ત કરવા માટેના વકીલ અને/અથવા મધ્યસ્થી, સંપાદક, પ્રૂફ રીડર, ડિઝાઈનર, પ્રિન્ટર અને બાઈન્ડર સાથે લમણા લેવાના. આ બધું કર્યાં પછી પણ તેમના દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો ગુજરાત બહાર વેચવા અઘરા થઈ પડે છે. (અને ગુજરાતમાં તો આમ પણ પુસ્તકો વેચવા અઘરા જ છે!) પ્રાદેશિક પ્રકાશનગૃહો અને રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રકાશનગૃહોનું રાજકારણ આખો અલગ મુદ્દો છે, પણ એ કારણે ગુજરાતી પ્રકાશકો અંગ્રેજીમાં પુસ્તક પ્રકાશનનું સાહસ નથી કરતા. જે વસ્તુ વેચાય જ નહીં, તેનું ઉત્પાદન કરીને શું કરવાનું?

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ

હવે બાકી રહી સાહિત્યિક સંસ્થાઓ. એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીમાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ માટે એક સમિતિ બની હતી (જેમાં હું પણ એક અદનો સભ્ય હતો) પણ તેમાં એક મીટિંગથી આગળ કશું થયું નહીં. (જોકે અત્યારે તેમનું જ એક અંગ્રેજીથી ગુજરાતી અનુવાદનું કામ હું કરી રહ્યો છું, પણ એ પૂરું થવાનું શુભ મૂરત હજું આવ્યું નથી એ માટે હું એમનો ક્ષમાપ્રાર્થી છું.) ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એક સમયે અનુવાદ કલાને લગતા વર્ગો ચાલતા હતા, ત્યારે આવું કંઈક કામ થશે એવી આશા બંધાઈ હતી. પરંતુ હવે તો ત્યાં પણ આ દિશામાં નોંધપાત્ર કામ કરવાની ધગશ કોઈને હોય, એમ જણાતું નથી. દિલ્હી વાળી અકાદમી સ્થાનિક સંસ્થાઓની સહાય અને/અથવા માર્ગદર્શન વિના શું કરી શકે? અને ગુજરાતની અન્ય સાહિત્યિક સંસ્થાઓની તો પહોંચ કેટલી?

અંતે…

આવી પરિસ્થિતિમાંમાં અનુવાદકોનો જીવન નિર્વાહ ઘણો અઘરો થઈ જાય છે. એટલે તમને ગુજરાતમાં કોઈ પણ સંસ્થામાં નોકરિયાત તરીકે જોડાયા વિના ફુલ ટાઈમ અનુવાદનું કામ કરનારા આંગળીના વેઢે ગણાય એટલા જ મળશે. બાકી બધા માટે અનુવાદ પાર્ટ ટાઈમ કે શોખ કે વધારાની આવક જ છે.

આમ પણ સમાજ જેને પોષે છે, એજ વસ્તુ સમાજને મળે છે. જો ગુજરાતી સમાજે વૈશ્વિક ઓળખ મેળવવા માટે વિશ્વભાષા અંગ્રેજીમાં અવતરવું હશે, તો એ સેતુ બાંધનાર અનુવાદકોને તેમણે પોષવા જ પડશે અને તેમની ક્ષમતા અનુસાર વળતર પણ આપવું પડશે, એ તો નક્કી જ છે. કારણ કે માત્ર પ્રશ્નો પૂછવાથી કે ફરિયાદ કરતા રહેવાથી તો આજ સુધી શું સિદ્ધ થયું છે?

73 ટિપ્પણીઓ:

 1. તમે સાચુકલી પીડા વ્યક્ત કરી. આપણી ભાષાને કાયમ આર્થિક મર્યાદાઓમાં બાંધીંને કામ થાય, તો આ સ્થિતિ રહે જ. હવે કમસેકમ હું તો કદી કોઈને નહીં પૂછું કે આપણી ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકો અંગ્રેજી ભાષામાં કેમ નહિ? એક અનુવાદક ફક્ત ભાષાનો જાણકાર જ નહીં, સાહિત્યનો રસિયો પણ હોવો જોઈએ, એનાથી કામને એક અલગ જ સ્પર્શ મળતો હોય છે. હું તમારા અનુવાદ અને તમારા સાહિત્યપ્રેમ બેઉનું પ્રશંસક છું, ચિરાગભાઈ.

  - ભરતકુમાર (થાનગઢથી)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર ભરતકુમાર. તમારો સ્નેહ સતત મળતો રહે છે, તેનો આનંદ.

   કાઢી નાખો
 2. આપની વેદના સાચી છે...
  સાહિત્ય જગતમાં ગુજરાતી સાહિત્યનું ઘણું યોગદાન છે...

  જવાબ આપોકાઢી નાખો
 3. વાહ સર!
  અનુવાદ પણ ભાષાને જીવંત રાખવામાં acceleratorsનું કામ કરી શકે છે.

  જવાબ આપોકાઢી નાખો
 4. Darek anuvad karnar bicharo kam karva aatur hoy pan lokone emnu haknu mahentanu chukavavu nathi.Bas soshan j thay 6. Hu evu ichhu k anuvadakone nyay male......

  જવાબ આપોકાઢી નાખો
 5. હા, મે પણ મફ્તીયૂ કામ કરાવેલું....

  જવાબ આપોકાઢી નાખો
 6. સોય ઝાટકીને કરેલી વાત... અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ માટે પણ પ્રમાણસર કહી શકાય તેવું મહેનતાણું ન મળતું હોય ત્યારે vice versa માટે વિચારવું પણ મોટી વાત કહેવાય..

  તમારા એક એક શબ્દમાં સાહિત્યજગતમાં ચાલી રહેલી દુદર્શા અને વ્યક્તિગત અનુભવની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે.

  જવાબ આપોકાઢી નાખો
 7. આપની આ મથામણ સગી નજરે જોઈ છે. તમે જે કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. માત્ર અનુવાદક તરીકે તમારા જેવી વિરલ વ્યક્તિ જ નભી શકે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર કવિ. આપના જેવા મિત્રોનો સાથ જ તો આ યાત્રાને સભર રાખે છે.

   કાઢી નાખો
 8. તમારી વાત સાચી છે પણ વાચકો ઘટયા છે, વેચાણ ઘટયું છે અને એટલે વળતર પણ ઘટયું છે. દરેક ભાષા ના પુસ્તકો તરફ પ્રજા ને આકર્ષવા ના પ્રયાસો પ્રકાશકો એે કરવા પડશે અને પેલા પ્રિય મફતીયાઓ તો દરેક ક્ષેત્રમાં મળી રહેશે

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. પ્રકાશકો ઘણા પ્રયત્નો કરતા જ હોય છે પણ પ્રકાશકથી વધારે મહેનત પરિવારે કરવાની છે. જો બાળપણથી જ વાંચનના સંસ્કાર મળે, તો એ આજીવન જળવાઈ રહેતા હોય છે. ટિપ્પણી માટે આભાર.

   કાઢી નાખો
 9. તદ્દન સત્ય વાત....બાકી એવા કેટલાય પુસ્તકો છે કે જેનો અંગ્રેજી અનુવાદ થાય તો ભારત લેવલે ગુજરાતી સાહિત્ય ચમકી શકે....જેમ બંગાળીનું છે એવું....

  જવાબ આપોકાઢી નાખો
 10. અનુવાદ ક્શેત્રની સ્થિતિની સાચી છણાવટ કરી છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર હરીશભાઈ. આપણે તો આ ચર્ચા ગયા પુસ્તકમેળા વખતે પણ કરી હતી, સ્મરણ છે ને?

   કાઢી નાખો
 11. I can feel the pain in your words, without naming anyone you opened the eyes of everyone...hope eyes will remain open... always.

  જવાબ આપોકાઢી નાખો
 12. ડો.આઈ.કે. વિજળીવાળા અને ચંદ્રકાંત બક્ષી ઉપરાંત ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ-લેખકોએ અંગ્રેજી ટુ ગુજરાતી પુસ્તક અનુવાદિત કર્યા છે. ડો.આઇ.કે. વિજળીવાળા પોતે મોસ્ટલી અંગ્રેજી અને ફ્રેન્ચ પુસ્તકો નુ અનુવાદન કરે છે. માટે જો અંગ્રેજીથી ગુજરાતી કરવાવાળા લોકો હોય તો ગુજરાતી થી અંગ્રેજી કરવાવાળા પણ મળી જ રહે પણ આપે જણાવ્યું એમ પ્રકાશકો અને લેખકના કોપીરાઇટનો મુદ્દો ઊભો જ રહેવાનો. જ્યાં સુધી ગુજરાતના જ લોકો સાહિત્યને ઓળખતા અને એની કદર કરતા નહી થાય ત્યાં સુધી અન્ય ભાષા તો શુ ગુજરાતીમાં પણ પુસ્તકો પ્રકાશિત કરવુ અઘરુ છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. સત્ય. સૌ પ્રથમ તો ગુજરાતીઓએ જ ગુજરાતી સાહિત્યની કદર કરવી પડશે. એ પછી જ વિશ્વસ્તરે તેની નોંધ લેવાશે. આભાર.

   કાઢી નાખો

 13. અનુવાદ અંગેનું અનુભવપૂર્ણ અને અસરકારક આલેખન.
  અભિનંદન.

  જવાબ આપોકાઢી નાખો
 14. The expression based on experience is always penetrating. The comments on this article support my first statement. I am pleased to visit this blog after a long time. This is shared on GLAUK Facebook forum for wider dissemination:
  https://www.facebook.com/groups/glauk/permalink/3138814599550405/

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. GLAUK ના ફેસબુક પેજ પર તમે વહેંચેલો એક લેખ વાંચીને તેમાં ઘણી બધી કોમેન્ટ્સ આપવાની ઈચ્છા થઈ. પછી એમ થયું કે આટલી લાંબી કોમેન્ટ કરતા બ્લોગપોસ્ટ જ લખી નાખું. એટલે આ પોસ્ટના પ્રેરક તો તમે જ બન્યા છો કવિ. આભાર.

   કાઢી નાખો
 15. અનુવાદ ક્ષેત્રે અને પ્રકાશન ક્ષેત્રે પ્રવર્તતી સત્ય હકીકત નીએકદમ સચોટ રજુઆત તમે કરી છે, Chirag Bhai.
  ખુબ ખુબ અભિનંદન
  Vipin Dabhi
  મહુવા
  Dist - Bhavnagar

  જવાબ આપોકાઢી નાખો
 16. આપે બહુ સાચી વાત કરી પણ મારી પાસે એક મિત્ર એવા પણ છે જે પૈસા ખર્ચવા તૈયાર છે પણ કોઈ અનુવાદક મારતા નથી તેમને નવલકથાનો ભાવાનુવાદ કરવા માટે જે ખર્ચો થાય તે આપવાની તૈયારી છે સારા અનુવાદકની શોધમાં છે હું એમની જોડે ચર્ચા કરીશ ચિરાગભાઈ તમારી વાત મને બહુ ગમે છે લોકો સાહિત્યના ખર્ચાને મફત થી મૂલવે તેની વ્યથા દરેક સર્જકને છે  જવાબ આપોકાઢી નાખો
 17. અનુવાદની સમસ્યા અંગેના તમારા કેટલાક અવલોકનો રસપ્રદ છે. આખી વાત પણ મુદ્દાસર છે. સરસ.

  જવાબ આપોકાઢી નાખો
 18. મેં પણ translator તરીકે કામ કરવાનો વિચાર કરેલો. આવી મુંજવણો વીશે વિચારેલું નહીં, પણ આપની આ વાત વાંચી ને સમજ વધી. ધન્યવાદ.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. સારું ક્ષેત્ર છે. ધીરજપૂર્વક ઘરમાં પુરાઈને કામ કરતા રહેવું ગમતું હોય, તો આવો.

   કાઢી નાખો
 19. તમારી વાત સાચી છે.સારા અનુવાદ ની માગ રહેવાની.જોકે ગુજરાતી પ્રજા ઍ બાબતે મોળી છે.અમારી સમજ વધારવા બદલ આભાર. વાત ગમી છે.-પ્રેમજી પટેલ

  જવાબ આપોકાઢી નાખો
 20. You are right. Lack of pride about culture of gujarati NIR & highly educated people. Lack of marketing our gujarati Literature.

  જવાબ આપોકાઢી નાખો
 21. એકદમ વાસ્તવિક આલેખન છે, ચિરાગભાઈ!
  સહેજ આગળ વધીને કહું તો અનુવાદ ઉપરાંત કેવળ લેખન પર નભનાર (મુખ્ય ધારાના પત્રકારત્વ સિવાયના) સહુ કોઈ માટે પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે!

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. એકદમ સાચી વાત કહી બીરેનભાઈ. મૂળ મુદ્દો એ છે કે દેશમાં બૌદ્ધિક સંપદા (ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, યુ નો!) વિષે સમજણ જ નથી. હજું પણ લોકો ફેસબુક જેવા જાહેર માધ્યમો પર કોઈ નવા પુસ્તકની PDF કે નવા ફિલ્મની લિંક માંગતા હોય છે. એમને એટલી જાણ જ નથી હોતી કે તેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે અને કોઈ સર્જકને પ્રત્યક્ષ રીતે નુકસાન પણ કરી રહ્યા છે.

   કાઢી નાખો
 22. ગુજરાતીઓ આ બાબતે સાવ પાછળ છે એ અફસોસ રહેશે

  જવાબ આપોકાઢી નાખો
 23. એકદમ સત્ય વાત કરી ... મફતિયા વાળું તો જબરું છે.. પ્રુફ રીડિંગ, સ્ક્રિપ્ટ કે કન્ટેન્ટ રાઇટિંગ હોય કે અનુવાદ.. બધાને બે-પાંચ પેજ નું સેમ્પલ ચેક કરવું જ હોય છે.. ને એય મફતમાં.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર મિત્ર. તમે પણ આ ક્ષેત્રના જ હોવ, એમ જણાય છે. તમે તમારા અનુભવો પણ અહીં મૂકી શકો છો.

   કાઢી નાખો
 24. હું અહીં વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં જરુર પડે ત્યારે વેલીંગ્ટન ઈન્ડીઅન એસોસીએશનને અંગ્રેજી હોય ત્યારે એનું ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી વીના મુલ્યે કરી આપું છું. આપની વાત મને સો ટકા સાચી લાગે છે. વેલીંગ્ટન ઈન્ડીઅન એસોસીએશનને જ્યારે વર્ષો પહેલાંની ગુજરાતી મીનીટ્સનું અંગ્રેજી કરવાનું હતું ત્યારે એમણે બીજા એક ભાઈને એ કામ સવેતન સોંપ્યું અને એ ભાઈએ સબકોન્ટ્રાક્ટ મને આપ્યો હતો લો!! અને આપે ક્હ્યું તેમ ચણા-મમરા જેટલું વેતન મને ઑફર કરેલું. વળી સમાચાર પત્રીકાના અનુવાદમાં જેને કશી ગતાગમ ન હોય તે લોકો પણ આ બરાબર નથી એવી રીમાર્ક કરતા હોય છે. જો કે હું ૪૫ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું. આથી ગુજરાતની હાલની પરીસ્થીતી વીશે ખાસ માહીતગાર નથી. (હું એક જ ઈ-ઉવાળી ઉંઝા જાઓડની વાપરું છું.)

  જવાબ આપોકાઢી નાખો
 25. આમ,આ રીતે મળીને મને આનંદ થયો-ખાસ તો આ પ્રક્રિયા કે અનુભવમાંથી પસાર થયો છું તેથી.સહધર્મી કે સહકર્મીને આનંદ અનન્ય હોય છે...!

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આ તો મળીને પણ ન મળ્યા જેવું થયું કારણ કે તમારી ઓળખાણ તો છતી થઈ નહીં. એક ક્ષણ પૂરતો માસ્ક ઉતારીને અહીંયા અથવા ઈમેલ પર પરિચય આપવા વિનંતી. :) ટિપ્પણી માટે આભાર.

   કાઢી નાખો
 26. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.