તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 13, 2020

જીઓ ટીવી સેટટોપ બોક્ષના લાભાલાભ

     Jio પોતાની આગવી શૈલી મુજબ અદ્યતન ટેક્નોલોજી અને આક્રમક દરે સેવાઓ આપીને સરવાળે તો Jio વાપરનાર કે ન વાપનાર બધા માટે આશીર્વાદરૂપ જ બન્યું છે. એટલે જ તો હવે આપણે ₹199માં મહિને 1 GB માંથી રોજના 2 GB સુધી પહોંચી ગયા છીએ. અને પેલો જમાનો યાદ છે જ્યારે તમે SMSનું પેક ખરીદ્યું હોવા છતાં દિવાળી, નવું વર્ષ કે ઉત્તરાયણ જેવા દિવસોએ SMS મોકલો તો રૂપિયા કપાતા હતા? જે રીતે એ આખું ક્ષેત્ર બદલાયું એ જોઈને JiO ટીવી અને ઈન્ટરનેટ સર્વિસની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
JioTV_Jio Set Top Box_Jio STB
જીઓ ટીવીની વેલકમ સ્ક્રીન
     JioGigaFiber માટે એમને આખી સોસાયટીમાં ઘર દીઠ લાઈન નાખવાની લેખિત મંજૂરી આપવી પડે છે. બધા લોકો કનેક્શન લે, એ ફરજિયાત નથી. પરંતુ બધાના ઘરની બહાર સુધી એ લોકો લાઈન લગાવી જ દે છે. જે અમારી સોસાયટીમાં ગયા જૂન મહિનામાં શક્ય બન્યું. ત્યારથી માંડીને ગયા અઠવાડિયા સુધી અમે 100 Mbps સ્પીડ વાળા ઈન્ટરનેટની વિનામૂલ્યે મજા માણી. WiFi પર અમને સરળતાથી 50 થી 92 Mbps ની સ્પીડ મળે છે. (જોકે બે માળ હોય અને ઉપરના માળે WiFi Router લગાવ્યું હોય, તો નીચેના માળ સુધી WiFiમાં બરોબર સ્પીડ નથી આવતી, એ નોંધવું રહ્યું.) દરરોજ Amazon Prime પર FULL HD content જરા પર બફરિંગ વિના માણ્યું છે. એટલે સ્વાભાવિક જ JioTv અને JioSTB એટલે કે જીઓ ટીવીના સેટટોપ બોક્ષથી પણ અમને એવી જ અપેક્ષાઓ હોય. બે દિવસ પહેલા એ પણ લાગી ગયું. 48 કલાકમાં એની મંતરી શકાય એટલી ચોટલી મંતરીને આ લખું છું.

લાભ

 • સૌ પ્રથમ તો એ નોંધવું રહ્યું કે આ એકદમ નાનકડું સેટટોપ બોક્ષ સામાન્ય રીતે મળતું સેટટોપ બોક્ષ નથી પરંતુ Android આધારિત Smart Set Top Box છે. એનો મતલબ એ કે જો તમારા ટીવીમાં HDMI Port હોય, તો એ સેટટોપ બોક્ષ તમારા ટીવીમાં સ્માર્ટ ટીવીના ફીચર્સ ઉમેરી દેશે. ટૂંકમાં, એ અત્યંત સરળતાથી Amazon FireTVStickનો વિકલ્પ બની શકે તેમ છે. (ઈન્સ્ટોલેશન માટે આવેલા ભાઈએ તો એમ પણ કહ્યું કે આ STB તો જૂના દૂંદાળા CRT TV માં પણ લાગે છે અને બધા જ ફીચર્સ તેમાં પણ મળે છે પણ મેં તેનો અનુભવ નથી કર્યો. જોકે, ટેકનિકલી એ સરળ પણ છે અને શક્ય પણ ખરું.)
JioTV_Jio Set Top Box_Jio STB
જીઓ ટીવીનું સેટટોપ બોક્ષ
 • Amazon FireTVStick માં ₹ 999 ભરીને લીધેલા Prime Subscriptionની મર્યાદા એ હતી કે તેમાં Netflix, Hotstar, SonyLIV, Zee5, Alt Balaji, Voot અને અન્ય અઢળક એપ્સ હોવા છતાં તેના Premium Content માટે અને લાઈવ ચેનલ માટે અલગથી રૂપિયા ચૂકવવા પડતા હોય છે. એ વખતે આપણને એમ વિચાર આવે કે આપણે આવા કેટલા subscriptions લઈશું અને કેટલું જોઈશું? એટલે માત્ર એકાદ-બેથી અટકી જઈએ. પછી અમુક ચોક્કસ મૂવી કે શો જોવા માટે તો Premiumની દિવાલ આપણી સામે આવી જ ગઈ હોય. JioSTBમાં એનો ઉપાય છે. એના પ્લાનમાં JioTV+, JioCinema, JioSaavan, Disney, Voot અને JioSecutiry તો છે જ. (જે આપણને મોબાઈલમાં પણ Prime મેમ્બર તરીકે મળે જ છે.) એ ઉપરાંત, JioSTBમાં Hotstar VIP (₹365/year) તેમજ SonyLIV(₹499/year), Zee5(₹999/year), EROS NOW(₹399/year), ALT Balaji (₹300/year), SunNXT અને JioGamingના પણ Premium Subscriptions મળે છે. આ બધાનો સરવાળો જ અંદાજે રૂ. 2500 જેટલો થઈ જાય છે. એટલે એ મોટો ફાયદો છે. આ ઉપરાંત, કોલ સેન્ટરમાં વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે તેઓ હજું પણ નવા OTT પ્લેટફોર્મ્સ ઉમેરી રહ્યા છે અને NetFlixની સંભાવના પણ અવગણી શકાય નહીં. એટલે તમે કોઈ પણ કન્ટેન્ટ લાઈવ કે પછી તમારા સમયે ગમે ત્યારે સરળતાથી Full HDમાં જોઈ શકશો.
 • Jio STBની સાથે આવતું રિમોટ કંટ્રોલ Amazon ના Alexaની જેમ voice command થી કામ કરે છે.
  JioTV_Jio Set Top Box_Jio STB_Remote Control
  જીઓ ટીવીનું રિમોટ કંટ્રોલ
 • આ ઉપરાંત તેમાં JioCloud અને Google Photos પણ ઉપલબ્ધ છે. એટલે ટીવીમાં આપણા પોતાના ફોટોઝ અને વિડિયોઝ પણ સરળતાથી જોવા મળશે. Recording અને USB ની સુવિધા તો ખરી જ.
 • ડિશ નહીં પણ Fiber Optics કેબલના માધ્યમથી ઘરમાં ઈન્ટરનેટ, ટીવી અને લેન્ડલાઈન ત્રણેય સુવિધા મળે છે એટલે સ્પીડ તો સારી જ મળે છે. (ઉત્તરાયણ પછી ડિશ સરખી કરાવવાની આવશ્યકતા પણ નહીં રહે!)
 • અને હા, પેલા ડાઈનાસોર એજના લેન્ડલાઈન ફોનને કેમ ભુલી શકાય? એ પણ આ પેકેજમાં સામેલ છે અને આખા ભારતમાં કોઈ પણ નંબર પર તેના વડે વાત કરી શકાય છે. એ માટે કોઈ પણ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી.
 • આ ઉપરાંત ટીવી કોલિંગ માટેનો કેમેરો પણ JioSTB માં જોડી શકાય છે. Apple Arcade અને Google Stadia જેવી ઓનલાઇન ગેમિંગની સુવિધા પણ છે. અને વિવિધ સિકયુરિટી ડિવાઈસીઝથી ઘરને સુરક્ષિત બનાવવાની વાત પણ છે. જોકે એ બધું તો હજું આવે ત્યારે ખરું.
લાભની યાદી અહીંયા પૂરી થાય છે. આ સુવિધાના ગેરલાભની યાદી પણ જોવા જેવી છે.

  ગેરલાભ

  • જે પણ પ્લાન પસંદ કરવામાં આવે તેમાં તમને અમુક GB ડેટા મળે છે. જેમ કે, અત્યારે એ લોકો બધાને આગ્રહપૂર્વક મહિને ₹1000 વાળો Silver Plan આપે છે. (જે second cheapest છે. સૌથી સસ્તો ₹800 પ્રતિ માસ વાળો છે.) એમાં પહેલા 6 મહિના માટે 400 GB ડેટા અને એ પછી 200 GB ડેટા મળે છે. આટલે સુધી તો બરાબર, પણ તમે JioSTB પર કોઈ પણ કન્ટેન્ટ જુઓ, એ બધું જ તમારા ડેટામાંથી જાય છે. અર્થાત્, તમે લાઈવ ટીવી જોતા હોવ તો પણ એ તમારા ડેટામાંથી જ કપાય. યે બાત કુછ હજમ નહીં હુઈ! મારા Full HD ટીવીમાં અત્યારે કલાકે અંદાજે 1.25 GB જેટલો ડેટા વપરાય છે. એ હિસાબ માંડીએ તો 400 GBના અંદાજે દર મહિનાના 325 કલાક થયા. (અને 6 મહિના પછી 200 GBના અંદાજે 160 કલાક!) નાની સ્ક્રીન કે Full HD TV ન હોય, તેમનો ડેટા સંભવતઃ ઓછો વપરાય અને વધારે કલાક મળે, એમ અત્યારે તો લાગી રહ્યું છે. એટલે એક જ પેકેજ લેનાર લોકોને મળતો લાભ અલગ અલગ છે, એમ કહી શકાય. આમ તો એટલા કલાક ટીવી નથી જ વપરાવાનું પણ મારા જેવાનું તો કામ જ ઈન્ટરનેટ પર ચાલતું હોવાથી મગજના એક ખૂણે એ વાત તો ખટકતી જ રહે. મારા મતે, JioSTBનો આ સૌથી મોટો ગેરલાભ છે. લાઈવ ટીવી અને અન્ય કન્ટેન્ટ અલગ જ રહેવા જોઈએ. બાકી ભારતના (મારા જેવા ગણતરીબાજ) મધ્યમવર્ગમાં આ પ્રકારની યોજના સફળ થવાની સંભાવના ઓછી છે.
  • જેણે Amazon FireTVStick વાપર્યું હશે તેમને અને Tech Savvy પેઢીને તો JioSTB વાપરવામાં તકલીફ નહીં પડે પણ બીજા લોકોએ તેને વાપરતા શીખવું પડશે. સામાન્ય ટીવીની જેમ આમાં માત્ર ચેનલ નંબર દબાવીને એક ચેનલમાંથી બીજી ચેનલમાં કૂદકો નથી મારી શકાતો. તમારે મોબાઈલની જેમ બેક બટન દબાવીને ચેનલ બદલવી પડે છે. ઉપરાંત, જો તમે Sony SAB જોતા હોવ અને વચ્ચે વચ્ચે Star Sports પર મેચનો સ્કોર જોઈ લેવો હોય તો, માત્ર બેક બટનથી કામ નહીં ચાલે. Sony SAB ચેનલ SonyLIVના પેકેજમાં છે અને Star Sports ચેનલ Hotstarના પેકેજમાં આવે છે. એટલે તમારે હોમ બટન દબાવીને એક એપમાંથી બીજી એપમાં જવું પડશે. અત્યારે તો Favoirite કે Recent જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. એટલે જૂની પેઢીને વધારે તકલીફ પડવાની. જોકે આ વસ્તુઓ સોફ્ટવેર સંબંધિત હોવાથી સોફ્ટવેર અપગ્રેડ સાથે ઉમેરી શકાશે, એની ના નહીં.
  • અત્યારે ડિશ ટીવી ઓપરેટર્સે તમને ફરજિયાત પણે A-La-Carte એટલે કે તમારું પેકેજ જાતે બનાવવાની સુવિધા આપવી પડે છે, જે JioSTBમાં હજું તો નથી. અહીં તમારે ગુજરાતી ડાઈનિંગ હોલની જેમ, એમણે જે પણ રાંધ્યું હોય, એ બધું તમારી થાળીમાં પીરસાવા દેવું પડે છે. મોટાભાગના લોકોને તો એ ફાયદો જ લાગશે પણ મારા જેવા ગણ્યાગાંઠ્યા લોકો કે જે પોતાના ઘરમાં માત્ર 15-20 ચેનલ જ પ્રવેશવા દેતા હતા, તેમને એ નહીં ગમે. આશા કરીએ કે ભવિષ્યમાં એ સુધારો પણ આવે. ઉપરાંત તમારે ટીવી, ઈન્ટરનેટ અને લેન્ડલાઈન ફોનમાંથી ગમે તે એક કે બે સુવિધા જ લેવી હોય, તો તેવા પ્લાન પણ અત્યારે ઉપલબ્ધ નથી.
  • ઘરમાં બાળક હોય, ત્યારે ટીવી પર પેરેન્ટલ કંટ્રોલ્સની સુવિધા પણ હોવી જોઈએ પરંતુ અત્યારે તો તેનો પણ અભાવ છે.
  • દૂરદર્શનની પણ ગણીગાંઠી ચેનલો જ સામેલ છે. મને DD National, DD Girnar, LSTV કે RSTV જોવા મળ્યા નથી. શક્ય છે કે હોય અને મારા ધ્યાનમાં ન આવ્યા હોય. શક્ય છે કે ન પણ હોય.
  હવે તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારે JioSTB લેવું જોઈએ કે નહીં. પ્લાનમાં થોડાંક સુધારા આવે, તો હું રાખીશ. મને એમ લાગે છે કે ડિશના માધ્યમથી ઘરમાં આવતી ચેનલો હજું CAT કેબલના માધ્યમથી જ ઘરમાં આવતી ચેનલોની પદ્ધતિને સંપૂર્ણતઃ બંધ નથી કરી શકી. એવામાં આ ત્રીજા પ્રકારની Fiber Optics વાળી પદ્ધતિ ઉમેરાતા, સરવાળે ગ્રાહકોને તો લાભ થશે જ.

  ((#HandsOn With #JioTV #JioFiberSTB #JioSetTopBox #ChiragThakkar #ChiargThakkarJay)

  4 ટિપ્પણીઓ:

  1. I’m From News24Ghante.com . I thank you wholeheartedly, I get important and correct information from your side.
   I appreciate you for the authentic news you have given me.
   https://www.news24ghante.com/
   Best Regards
   News24Ghante.com

   જવાબ આપોકાઢી નાખો
  2. મહીને 199 મા જે એરટેલ ચેનલો આપતુ તે જ સસ્તુ પડતુ જિયો મોંઘુ પડે છે..

   જવાબ આપોકાઢી નાખો
   જવાબો
   1. માત્ર ટીવી જ જોવું હોય, તો આપની વાત સાચી છે. તેમાં તો એરટેલ ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે જ. જ્યારે ટીવી+ઈન્ટરનેટ(100Mbps)+OTT Apps+Landline phone એટલાનો સામૂહિક ખર્ચ ગણવામાં આવે ત્યારે Jioનો વિકલ્પ લાભદાયક નીવડી શકે છે.

    કાઢી નાખો

  આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.