તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 25, 2015

અપરણિત મુસ્લિમ પુરુષની હિંદુ વિધવાની વાત: Ennu Ninte Moideen એટલે 'સ્વ'થી 'સર્વ' સુધી વિસ્તરતો પ્રણય

     થોડાંક સમય પહેલા દક્ષિણ ભારતની તમિલ અને તેલુગુ ભાષામાં બનેલી (અને હિંદી તેમજ મલયાલમમાં ડબ થયેલી) 'બાહુબલી' ફિલ્મે ભારતભરમાં નવા-નવા કીર્તિમાન સ્થાપ્યાં અને દર્શકોના મન તેમજ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ધૂમ મચાવી હતી. અત્યારે દક્ષિણ ભારતની મલયાલમ ભાષામાં બનેલી અન્ય એક ફિલ્મ 'Ennu Ninte Moideen' (Yours Truly Moideen) ત્યાં ધૂમ મચાવી રહી છે. 'બાહુબલી' epic historical fiction હતી જ્યારે 'Ennu Ninte Moideen' એક પ્રણયકથા છે. જે સત્યકથાને આધારે આ ફિલ્મ બની છે, તેની વાત અહીં કરવી છે.
     કોટંગલ કંચનમાલા અત્યારે 75 વર્ષની છે. કેરાલાના કોઝિકોડે (Kozhikode) ડિસ્ટ્રીક્ટના નાનકડા નગર મુક્કમ (Mukkam) માં આવેલું તેનું ઘર હવે પ્રેમીઓ માટે યાત્રાધામ બની ગયું છે અને કંચનમાલાને સાચા પ્રેમના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે. જાણે કે આખું કેરાલા પોતાના પ્રેમી માટે જીવનના લગભગ 60 વર્ષો ખર્ચી નાખનાર આ સ્ત્રીના પ્રેમમાં પડી ગયું છે.
*****
અપરણિત મુસ્લિમ પુરુષની હિંદુ વિધવાની વાત: Ennu Ninte Moideen એટલે 'સ્વ'થી 'સર્વ' સુધી વિસ્તરતો પ્રણય
'Ennu Ninte Moideen': ડાબી બાજુ, મોઇદ્દીન અને કંચનમાલા, જેમની અદ્ભુત પ્રણયકથાના આધારે આ ફિલ્મ બની છે. જમણી બાજુ, ફિલ્મનો નાયક પૃથ્વીરાજ અને નાયિકા પાર્વતી.

     છ દસક પહેલાના ભારતમાં નવી-નવી મળેલી આઝાદીની ખુશી હતી અને જે સિદ્ધાંતો થકી એ મળી હતી, તે લોકોના મનમાં તાજા હતાં. ઈરુવાઝ્હિંજી (Iruvazhinji) નામની નાનકડી નદીના કાંઠે વસેલા નાનકડા ગામ મુક્કમમાં મુસ્લિમ અને હિંદુ પરિવારો એકબીજાના મિત્રો બની શકતાં હતાં. ધનિક મુસ્લિમ ઉન્નીમોયીનો (Unnimoyi) પરિવાર અને પ્રતિષ્ઠીત હિંદુ તિયા (Thiyya) કુટુંબના અચુતન (Achuthan) વચ્ચે સારી મિત્રતા હતી પરંતુ સમાજ એટલો રૂઢિચુસ્ત અવશ્ય હતો કે હિંદુ અને મુસ્લિમ વચ્ચે લગ્ન તો અશક્ય જ માનવામાં આવતા હતાં. (વર્તમાન ભારતમાં પણ પરિસ્થિતિ કંઈ ખાસ અલગ નથી.) એ સમયે અચુતન પોતાની પુત્રી કંચનમાલાને ડૉકટર બનાવવાના સ્વપ્ન જોતા હતા. ઉન્નીમોયીનો પુત્ર મોઇદ્દીન અને કંચન પણ બાળપણથી મિત્રો હતા.
     એકવાર ભારે વરસાદ પડતો હતો અને ઘરની ગાડી બગડેલી હોવાના કારણે શાળા જવા માટે કંચન બસમાં બેઠી હતી. આગળના કાચમાં તેણે મોઇદ્દીનની ભૂખરી આંખો અને બહોળું સ્મિત જોયું અને તે દિવસથી કંઇક બદલાઈ ગયું હોય તેમ કંચનને લાગ્યું. બસ આગળ વધી એ દરમિયાન મોઇદ્દીન તેની પાસે આવીને વાતો કરે છે. કંચન માત્ર નવમા ધોરણમાં ભણતી હોય છે અને મોઇદ્દીન તેનાથી ત્રણ વર્ષ જ મોટો હોય છે. એ નાજુક ઉંમરે આ પ્રણયકથા શરૂ થાય છે અને મોઇદ્દીન પ્રખ્યાત મલયાલમ કવિ ચંગમપુઝા (Changampuzha)ની કવિતાઓ તેને મોકલવા માંડે છે.
     1957માં  મોઇદ્દીન પરિવાર સમક્ષ પોતાના પ્રેમની વાત જાહેર કરે છે. તેના પિતાજી ગુસ્સામાં આવીને તેની સામે બંદૂક તાકે છે અને મોઇદ્દીન ઘર છોડી જાય છે. બીએસસી કરી રહેલી કંચનની કૉલેજ પણ બંધ કરાવી દેવામાં આવે છે. પછીના 10 વર્ષ સુધી તેમની મુલાકાત પણ થતી નથી. તે બંને વચ્ચે માત્ર પત્રવ્યવહાર થતો રહે છે અને એ પણ કંચને વિકસાવેલી ગુપ્તભાષામાં જ. 23 નવેમ્બર 1967 ના દિવસે નદીકાંઠે તેમની ટૂંકી મુલાકાત થાય છે. મુલાકાત પૂરી થાય છે ત્યારે કંચન જે જગ્યાએ ઊભી હોય છે, ત્યાંની માટી મુઠ્ઠી ભરીને મોઇદ્દીન પોતાની સાથે લઇ જાય છે.
     પછીના 15 વર્ષ સુધી ચોરીછૂપીથી તેમની નાની-નાની મુલાકાતો થતી રહે છે. ધર્મ અને સ્ત્રી એટલે કુળની ઇજ્જત એવી માન્યતાને કારણે તેમનો પ્રેમ આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાતો રહે છે. જો કંચન કોઇ મુસ્લિમને પરણે તો તેની પાંચ બહેનોના લગ્ન ન થાય, એ કારણે એ પાંચેય બહેનો પરણી જાય ત્યાં સુધી તે બંને રાહ જુવે છે. પછી ચાર વાર તેમણે ઘરેથી ભાગી જવાનું આયોજન કર્યું પણ ચારેય વખત કોઇ સમસ્યા આવી ગઈ. પહેલી વાર નક્કી કર્યું ત્યારે કંચનના ભાઈનું મૃત્યું થઈ જાય છે, બીજી વાર કંચનના પિતાને હાર્ટ-અટેક આવે છે. ત્રીજી વાર જ્યારે ભાગવાનું નક્કી થાય છે, ત્યારે કંચનની ગર્ભવતી ભાભી કુટુંબની ઇજ્જતનો હવાલો આપીને તેને રોકી લે છે. ચોથી વાર મોઇદ્દીનના પિતાનું અવસાન થઈ જાય છે. જાણે નસીબ તેમને ભેગા થવા દેવા ઇચ્છતું જ નથી. 
     જીવ્યા ત્યાં સુધી પણ મોઇદ્દીનના પિતા તેને કદી માફ કરી શકતા નથી. 11 જુલાઈ 1964ના દિવસે તો તેઓ મોઇદ્દીનને ચાકુ મારીને ઘાયલ પણ કરે છે. ત્યારથી દરેક વર્ષે એ તારીખે કંચન અને મોઈદ્દીન એકબીજાને અચૂક પત્ર લખતા, એકબીજાને વચન આપતા, "આપણે કદી પણ જુદા નહીં પડીએ અને ક્યારેય બીજા કોઈને નહીં પરણીએ." 11 જુલાઈ 1982ના રોજ કંચન પોતાના લોહી વડે આ વર્ષો જૂનું વચન પત્રમાં લખે છે.  15 જુલાઈના દિવસે એ પત્રને તે પોસ્ટ કરવા જાય છે. સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી રહી હોય છે, ત્યારે તેને સમાચાર મળે છે કે 45 વર્ષનો મોઇદ્દીન ઈરુવાઝ્હિંજી નદીમાં જ તણાઈ ગયો છે. મોઇદ્દીનને બહુ સારી રીતે તરતા આવડતું હોય છે પણ નદીમાં પલટી ખાઈ ગયેલી હોડીના મુસાફરોને બચાવવામાં તે પોતાનો જીવ ગુમાવે છે.
     અહીં સુધીની વાત તો સામાન્ય પ્રણયકથા જેવી જ લાગે છે પણ અહીં જ આ પ્રણયકથામાં નવું પરિમાણ ઉમેરાય છે. પોતાના પ્રેમી પાછળ પોતાનો જીવ આપી દેવા માટે કંચન ખાવા-પીવાનું છોડી દે છે. 13 દિવસ સુધી તે એજ અવસ્થામાં રહે છે. છેવટે તે એવી ઇચ્છા દર્શાવે છે કે જે નદીમાં મોઇદ્દીન ડૂબી ગયો છે, જેનું પાણી મોઇદ્દીને છેલ્લી વાર પીધું છે, તેના પાણીનો એક ઘૂંટ તેને પીવો છે. તેને એ ડહોળુ પાણી આપવામાં આવે છે અને તે સમયે જ કંચન પોતાના જીવનનો અંત લાવી દેવાનો નિર્ણય કરે છે. એ સમયે મોઇદ્દીનની માતા ફાતિમા તેને કહે છે કે મોઇદ્દીને બીજાનો જીવ બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધુ હતું એટલે આવી રીતે જીવન વેડફી નાખવું તો મોઇદ્દીનને કદી પણ ગમ્યું ન હોત. ફાતિમાબીબી કંચનને મોઇદ્દીનના ઘરમાં રહીને જનસેવા કરવાનું સૂચવે છે. તેઓ કહે છે, "મોઇદ્દીને જે શરૂ કર્યું, એ હવે તારે પૂરું કરવાનું છે."
     અને ત્યારથી કંચનમાલાએ એ કામ શરૂ કર્યું. બીપી મોઇદ્દીન સેવા મંદિરની સ્થાપના કરવામાં આવે છે અને તેના નેજા હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ ખખડધજ નાનકડી ઈમારત હવે પ્રેમીઓ માટે યાત્રાધામ બની રહી છે. તેમાં મોઇદ્દીનનું મોટા કદનું કટ-આઉટ છે, તેની બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીરો છે. તેમાં 10,000 પુસ્તકોનું સમૃદ્ધ પુસ્તકાલય છે. મહિલા ઉત્કર્ષ, એઈડ્સ પ્રતિ જાગૃતિ, વૃદ્ધો અને વિકલાંગોની સેવા, વૃદ્ધાશ્રમ, પ્રાથમિક શિક્ષણની તાલીમ, પોલીટેક્નીકના મફત વર્ગો, કુટુંબો માટે કાઉન્સેલિંગ સેન્ટર જેવી ઘણી વસ્તુઓ કંચનમાલાના વર્તમાન અને ભાવિ આયોજનોમાં સામેલ છે.
     2007 માં જ્યારે મોઇદ્દીનના મૃત્યુને પચીસ વર્ષ પૂરા થયા, ત્યારે આ પ્રણયકથા મુક્કમ ગામની બહાર પહોંચી અને પછી તેના પરથી એક ડૉકયુમેન્ટરી બની, અને હવે એક ફિલ્મ પણ બની ચૂકી છે. 61 વર્ષની આ પ્રણયકથામાં 'સ્વ' થી 'સર્વ' સુધીનો જે વિસ્તાર છે, તે જ તેને અસામાન્ય બનાવે છે!
(Indian Express માં 25/10/2015 ના રોજ Charmy Harikrishnan ના આ લેખના આધારે.)
     

17 ટિપ્પણીઓ:

 1. જવાબો
  1. આજના Indian Express માં વાંચ્યા પછી મને પણ તમારા જેવી જ લાગણી થઈ. એટલે જ તેને આમ શેર કરી છે.

   કાઢી નાખો
 2. હેલ્લો ચિરાગ ભાઈ ઠક્કર(ઠાકર),
  આ સત્યકથાની વાત સમજી શકાય તેવી છે અને ઇતિહાસના પાનાઓ પર આવી કથા ઘણી છે.
  તેમાં પણ જાત-ભાતની કે છૂતી-અછૂતીની વાત ના હતી.એ જમાનો જુદો હતો આજે તો હિન્દુ સ્ત્રી મુસ્લિમ ધર્મ
  અપનાવે નહીં ત્યાં સુધી મુસ્લિમ પ્રેમી તે હિન્દુ સ્ત્રીને અપનાવે નહીં એવી પરિસ્થિતિ આવી ગઈ છે.
  આજના જમાનામાં જે કોઈ લગ્નસંબંધ હિન્દુ-મુસ્લિમોમાં થાય છે તેમાં 'ભાગીને કે ભગાડીને' થતાં રહેતા હોય છે.
  પહેલી નજરનો પ્રેમ નથી પણ સ્ત્રી પુરુષના એકબીજાના સ્વરૂપ અને દેખાવમાં આકર્ષાઈ સંબંધ થતાં હોય છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર મિત્ર. આપનો મુદ્દો યોગ્ય છે.

   કાઢી નાખો
  2. સુંદર.ભાવદશાની વાત. *સ્વ* થી *સર્વ* એટલે, "SELFLESS SERVICE" કોઈ સ્વાર્થ કે અપેક્ષા રહિત *"સેવા"* ! (એજ જીવન નો મુખ્ય ઉદ્દેશ્ય! ને તેને સહી અર્થોમાં ચરિતાર્થ કરવાની વાત).આભાર. {વ્યક્તિની સ્વતંત્રતા સર્વોપરી હોય, તો, બે પાત્રો સ્વૈચ્છિક વ્યવસ્થા અનુસાર # સ્વધર્મ # સ્વીકારી આપસી સમજણ અનુસાર જીવન વ્યતીત કેમ ન કરી શકે? તેમાં અન્યાયપૂર્ણ તત્ત્વ દેખાય છે? મૂળ વાત - મુદ્દો તો , માણસાઈ નો, @બીજાને મદદરૂપ થવું@ .... જય હો "ચિરાગભાઈ ઠક્કર".
   [Sharing Enriches]

   કાઢી નાખો
 3. Chirag, Why not a good looking Hindu boy and a Muslim girl !!
  You can write a nice love story and then check the consequences on the spot will be the result....and the movie. The movie will get 10 stars? and will earn 10 millions.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આ કાલ્પનિક કથા નથી, સત્યઘટના છે. એટલે એમાં મારો તો શું બદલવાનું હોય?

   કાઢી નાખો
 4. She is not found widow as you mentioned. જાણે નસીબ તેમને ભેગા થવા દેવા ઇચ્છતું જ નથી.

  જવાબ આપોકાઢી નાખો
 5. ખુબ જ લાગણીશીલ સ્ટોરી, અને તે પણ સત્ય હકીકત. બે (હવે તો જાણે એકબીજાના દુશ્મન હોય તેવા) ધર્મોનાં પાત્રો વચ્ચે આ પ્રકારનો પ્રેમ પાંગરે એની આજના જમાનામાં તો કલ્પના પણ થઈ શકતી નથી.
  સ્ટોરી ઘણી ગમી. હાર્દીક આભાર ભાઈ ચિરાગ. (નોંધ: હું એક જ ઈ-ઉવાળી જોડણી વાપરું છું, સીવાય કે વ્યક્તીઓનાં સંજ્ઞાવાચક નામ, કોઈને પોતાના નામની જોડણી બાબત ખોટું ન લાગે એટલા માટે)

  જવાબ આપોકાઢી નાખો
 6. વાહ, સરસ સત્ય ઘટના આધારિત લેખનો એટલો જ સુંદર અનુવાદ. મે પણ એક પ્રણય કથા લખેલી છે. જે અગાઉ 'મમતા' વાર્તા માસિકમાં પ્રકાશિત થયેલ છે. આપને મોકલીશ. વાચીને પ્રતિભાવ આપજો.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.