તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 27, 2015

આરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’

          25મી તારીખે અમદાવાદની એક પ્રતિષ્ઠીત ઇજનેરી કૉલેજના એક વરિષ્ઠ પ્રોફેસર સાથે મારે વિગતે વાત થઈ. તેઓ વર્ષોથી કૉલેજની ‘એડમિશન કમીટી’ના સભ્ય છે અને એ પ્રક્રિયાનું ઊંડું જ્ઞાન ધરાવે. મેં તેમને ફેરવી-ફરવીને જાતજાતના પશ્નો પૂછીને એક વાતની ચકાસણી કરી હતી. કોઈ પણ અનામત કેટેગરીનો ઉમેદવાર જ્યારે એડમિશન માટે ફોર્મ ભરે છે, ત્યારે તેને બે બાજુ લાભ મળે છે. સિસ્ટમ આખી કોમ્પ્યુટરાઈઝ્ડ છે અને એ સોફ્ટવેર મુજબ, જો તેના ટકા વધારે હોય, તો માત્ર મેરિટના આધારે તેને ઓપન કેટેગરીની સીટ પર પ્રવેશ મળે છે. જો તેના ટકા ઓછા હોય, તો તેને આરક્ષણ મુજબની સીટ પર પ્રવેશ મેળવવાની બીજી તક પણ મળે છે. સરવાળે એવું બનતું હોય છે કે આરક્ષણ હેઠળ આવરી લેવાયેલા ઉમેદવારોની કુલ પ્રવેશ સંખ્યા ક્યારેક તો 55 થી 60% સુધી થઈ જાય છે.

          તમે સિનેમા હોલમાં ટિકિટ લેવા ઊભા છો, ચાર કતાર થયેલી છે, A,B,C ને D. કતાર બહુ લાંબી છે, ટિકિટોની પડાપડી ચાલી રહી છે. તમે કતાર A માં ઊભા હોવ, અને કતાર D ઝડપથી ચાલવા માંડે એટલે તમે D માં ઘૂસી જઈને ત્યાં હક જમાવો, તો ત્યાં ઊભેલા લોકો તમારો હુરિયો બોલાવે, એ સ્વાભાવિક છે. એ સમયે કતાર D માં ઉભેલા લોકોને એમ સમજાવવું કે કતાર A વાળા ભાઈએ સદીઓથી આવી ફિલ્મ નથી જોઈ, એટલે તેમને ટિકિટ મેળવવાનો પ્રથમ હક છે, એ સાવ મૂર્ખામી ભરી દલિલ લાગે છે.
          કાંતો બધા માટે એક જ કતાર હોવી જોઈએ અને જો એકથી વધારે કતાર હોય, તો એક કતારની વ્યક્તિ બીજી કતારમાં ન પ્રવેશે, એજ ઉપાય તાર્કિક છે. ‘મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ની ફિલસૂફી કોઈના ગળે ઉતરે નહિ.
Disclaimer: હું જ્ઞાતિ, જાતિ અને ધર્મના વાડાઓનો સખ્ખત વિરોધી છું. એટલે જ મેં મારી દીકરીનું કાયદેસરનું નામ “આર્ના કાજલ ચિરાગ” રાખ્યું છે, જેથી તેના પૂરતા કોઈ વાડા ન હોય. આ નામ જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, સ્કૂલ અને બેંક બધે જ સ્વીકૃત છે. બે પેઢી આ વસ્તુ અપનાવે, તો કદાચ ત્રીજી પેઢીમાં આવી બધી સમસ્યાઓ ન પણ હોય. અને પુત્રી જન્મની પીડા આપનાર માતાને પણ આ નામથી પૂરતું સમ્માન મળશે, એ તો બહુ મોટો લાભ છે! (જોકે આવું પગલું ભરવા બહુ જ નૈતિક હિંમત જોઈએ, એ તો કલ્પી શકાય તેમ છે.)

5 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.