તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 24, 2015

અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ'નું વાચિકમ

*અશ્વિનીદાદાના જન્મદિવસે (12 જુલાઈ) શરૂ થયેલી 'ગુજરાતી બુક ક્લબ'ની બીજી સભા (23/08/2015) પણ સંપૂર્ણ અશ્વિનીમય રહી. આજે તો દાદાની 'આશકા માંડલ' પર જ ચર્ચા અને વાચિકમનું આયોજન હતું.
અરુણાબેન જાડેજા, તૃપ્તિબેન સોની અને ડૉ. તુષાર શાહ
*અતિથિ વિશેષ તરીકે અશ્વિની દાદાને "પિતા તરીકે દત્તક લેનાર" તૃપ્તિબહેન સોની અને દાદાના હાર્ટ સર્જન ડૉ. તુષારભાઈ શાહ હાજર હતાં.
*સૌ પ્રથમ તો 'આશકા માંડલ'ના ત્રણ દ્રશ્યોનું વાચિકમ કરવામાં આવ્યું. પ્રથમ દ્રશ્ય એ કે જેમાં આશકાનો કથામાં સોના તરીકે પ્રવેશ થાય છે અને સિગાવલ કેશી પહેલી વાર તેને મળે છે. બીજું દ્રશ્ય ક્લાઇમેક્સમાંથી જેમાં સિગાવલે જેસાને માર્યા પછી આશકાનો સ્ત્રી સહજ ઉગ્ર પ્રતિભાવ અને કર્નલ બર્નાડ હન્ટની હત્યા બદલ અનુપસિંહ પ્રત્યે શ્રીદેવીનો સ્ત્રી સહજ ઉગ્ર પ્રતિભાવ ઝીલાય છે. નવલકથાના સૌથી અંતિમ દ્રશ્યને વાચિકમના ત્રીજા દ્રશ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
*વાચિકમના બીજા અને ત્રીજા દ્રશ્યની સાઉન્ડ ક્લીપ નીચે આપી છેઃ

'આશકા માંડલ'નું વાચિકમ કરી રહેલા
અંકિત પટેલ, આરજે માઇકલ અને ઉર્વશી


*ગુજરાતીરેડિયો.કોમ ના આરજે માઇકલ, ઉર્વશી, અંકિત પટેલ અને નૈષધ પુરાણીએ આ સમગ્ર વાચિકમ કર્યું. કાર્યક્રમનું સંચાલન પણ નેષધ પુરાણીએ જ કર્યું હતું.
*વાચિકમ પછી અશ્વિનીદાદા જેને પોતાની પુત્રીવત માનતા તે તૃપ્તિબેન શાહે ભીની આંખે પોતાની દાદા સાથે જોડાયેલી સ્મૃતિઓ કહી સંભળાવી. 2007 માં અશ્વિનીદાદાને જે હ્રદયની તકલીફ થઈ હતી, તેનું વર્ણન તેમણે એક રસપ્રચુર નવલકથાની જેમ જ પત્રમાં કર્યું હતું, જેના કેટલાંક અંશો તેમણે સ્મૃતિના આધારે કહી સંભળાવ્યા.
*તૃપ્તિ બહેનના એક વાક્ય નીચે મત્તુ મારવા તો કેટલાંય મળી આવશે તેનો મને વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે અશ્વિની ભાઈના ઉમદા વ્યક્તિત્વને કારણે જ તેઓ ઉમદા સાહિત્ય રચી શક્યાં હતાં. દાદાને મળી ચૂકેલા મોટાભાગના લોકોની જેમ તેમણે પણ અશ્વિનીદાદાની તમામ લોકો પ્રત્યેની સમતાની વાત કરી હતી.
*શબ્દશઃ અશ્વિની દાદાના હ્રદયને સ્પર્શી ગયેલા ડૉ. તુષારભાઈ શાહે પણ પોતાની સ્મૃતિઓ કહી સંભળાવી હતી. હ્રદયમાં લગાવેલું પેસમેકર, વિમાનમાં બેસતી વખતે જ એ પેસમેકરમાં થયેલો 'ઘંટનાદ' અને તેમના 15 વર્ષના સંબંધની વાતો હ્રદયસ્પર્શી હતી.
*સાંજે 5 થી 6-30 એમ કુલ 90 મિનિટ ચાલેલા કાર્યક્રમના અંતે દાદાની ભવન્સ, મુંબઈ ખાતેની "જો આ મારું છેલ્લું પ્રવચન હોય તો..." વાળી સ્પીચનો આ વીડિયો બધાએ માણ્યો હતો અને તેમના વ્યક્તિત્વનો એક અંશ પામ્યા હતાં.
*સામાન્યતઃ એક 'બુક ક્લબ' પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમાં પુસ્તકો વિષે ચર્ચા થાય પણ અહિં સમયનો અભાવ અને કાર્યક્રમનું માળખું એવી મંજૂરી આપે તેમ નહોતા. નહિતર દાદાના ઘણા ચાહકો પાસે પોતાના આગવા અનુભવો અને સ્મૃતિઓનો ખજાનો તૈયાર જ હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.