તાજેતરની પોસ્ટસ

July 12, 2015

અશ્વિનીદાદાના જન્મદિવસે સ્મરણાંજલિ

          આજે દાદાના જન્મદિવસે જ એક એવી સુંદર ઘટના બની કે જેણે અશ્વિની ભટ્ટની લોકપ્રિયતા ફરી એક વાર પુરવાર કરી બતાવી. વાત એમ હતી કે થોડાંક દિવસો પહેલા નવભારત સાહિત્ય મંદિર તરફથી એક આમંત્રણ મળ્યું હતું કે 12 જુલાઈના રોજ બપોરે 3 થી 5 દરમિયાન નવજીવનના 'કર્મ કાફે'માં ગુજરાતી બુક ક્લબની શરૂઆત થઈ રહી છે અને શ્રી તુષાર શુક્લની હાજરીમાં શ્રી ચીનુ મોદી અને પ્રિય અભિષેક જૈનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે એમ સંદેશો આવ્યો હતો. એટલે હું તો ત્યાં સમયસર પહોંચી ગયો.
         
          આ મહાનુભાવો ઉપરાંત ત્યાં શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રી બકુલ બક્ષી, શ્રી કૃષ્ણ દવે અને કોફી મેટ્સ ચલાવનારા સન્નારી હતાં (જેમનું નામ હું યાદ રાખી શક્યો નથી). આરજે પૂજા અને તેમની સહેલીના વિચારથી અને શ્રી તુષાર શુક્લના માર્ગદર્શન હેઠળ આ ક્લબની રચના થઈ છે એમ માહિતી આપવામાં આવી. સૌ પ્રથમ ચીનુકાકાએ વક્તવ્ય આપ્યું, ત્યાર બાદ તુષાર શુક્લએ વક્તવ્ય આપ્યું. પછી ફોફી મેટ્સ વાળા સન્નારીએ પોતાના વક્તવ્યમાં અશ્વિનીદાદાને યાદ કર્યાં અને મુંબઈથી કોફી મેટ્સ અમદાવાદમાં કઈ આવ્યું અને અશ્વિનીદાદાએ તેમાં કેટલો મોટો 'મોરલ સપોર્ટ' આપ્યો તેમ જણાવ્યું. જેમ જીએલએફની પ્રિ-ઇવેન્ટમાં પ્રિય અભિષેક જૈને દાદાને યાદ કર્યાં હતાં તેમ આજે પણ તેમણે અશ્વિનીદાદાને યાદ કર્યાં અને તેમની નવલકથાઓ પરથી કેટલી સરળતાથી ફિલ્મો બની શકે છે તેવો ઉલ્લેખ કર્યોં.
          ત્યાર બાદ આરજે પૂજા અને નૈષધ પુરાણીએ ચંદ્રકાન્ત બક્ષીની બે વાર્તાઓ 'સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી' તેમજ '108/2' વાર્તાઓનું વાચિકમ કર્યું. (વાર્તાના નામમાં પણ ભૂલ હોઈ શકે છે.) ભાવકોને ચર્ચા માટે તેમજ તેમની પ્રિય વાર્તાના નામ જણાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ આ દરમિયાન 5-7 ભાવકો સિવાય પ્રતિભાવ એકદમ મોળો જ આવ્યો.
          કાર્યક્રમના અંતે 23 ઑગસ્ટના રોજ યોજાનારી મીટિંગની વાત થઈ અને તે દિવસે એક પુસ્તક પર ચર્ચા થશે તો એ પુસ્તક નક્કી કરવું એમ સૂચન થયું. ચીનુકાકાએ પ્રેમાનંદના 'સુદામા ચરિત્ર'નું નામ સૂચવ્યું પણ તે સમયે 'વાંચે ગુજરાત'થી ગુજરાતના વાચકોની નાડ પારખી ગયેલા મુરબ્બી શ્રી રાજેન્દ્ર પટેલે સૂચવ્યું કે યુવાનોને રસ પડે તેવું કંઈક રાખીએ અને તેમણે જેવું અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ' નું નામ સૂચવ્યું કે ભાવકોએ પણ તેને વધાવી લીધું. લોકોએ 'શૈલજા સાગર', 'લજ્જા સન્યાલ', 'કટિબંધ', 'ઓથાર', 'આખેટ' જેવા અન્ય નામો પણ સૂચવ્યા. ટૂંકમાં, સમગ્ર સભા દરમિયાન મૂંગા બનીને બેઠેલા ભાવકોએ પણ પહેલી વાર ગળું ખોંખારીને અશ્વિનીદાદાની નવલકથાઓનું નામ લીધું. છેવટે 'આશકા માંડલ' જ નક્કી થઈ અને સભાના અંતે મેં કહ્યું કે, “મિત્રો, આજે તો અશ્વિની ભટ્ટનો જન્મ દિવસ છે.” અને આખી સભા એક ક્ષણ પૂરતી અવાક્ બની ગઈ. બીજી જ ક્ષણે 'ઓહ!' અને 'આહ!' જેવા ઉદ્ગારો સંભળાયા.
          મંચસ્થ ચીનુકાકા એકદમ ભાવુક બની ગયા. મારી સામું જોઈને તેમણે કહ્યું, “તેમની છેલ્લી સ્મૃતિ કહી સંભળાવું.” તેઓ દાદાને છેલ્લે અમેરિકા મળ્યા ત્યારે તેમના ઘરે જઈને કઈ રીતે તેમને પોતાની કવિતાઓ સાંભળવા સજોડે ખેંચી ગયા હતા, તે કહી સંભળાવ્યું. કોફી મેટ્સ વાળા સન્નારીએ પણ તેમનું અંતિમ સંસ્મરણ કહી સંભળાવ્યું અને અજાણતા જ સભાના અંતે ભાવકો અશ્વિનીમય થઈ ગયા.
          આનાથી વધારે સારી સ્મરણાંજલિ શું આપી શકાય દાદાને?
          આવતા મહિનાની 23મી તારીખે ‘આશકા માંડલ’ની ચર્ચા સાંભળવા સાંજે 5 થી 7 ‘કર્મ કાફે’ ખાતે અચૂક આવજો.

4 comments:

 1. Sir karma kafenu address janavi shakso? Book club I meeting frequency shu chhe? (monthly/weekly)?

  ReplyDelete
  Replies
  1. પ્રિય મિત્ર,
   સરનામુઃ કર્મ ફાફે, નવજીવન પ્રેસ, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, ઇન્કમ ટેક્ષ, અમદાવાદ.
   'ગુજરાતી બુક ક્લબ' મહિને એક વાર મળશે (લગભગ દર મહિનાના ત્રીજા રવિવારે) એમ નક્કી થયું છે.
   સસ્નેહ,
   ચિરાગ ઠક્કર 'જય'

   Delete
 2. ચિરાગભાઈ , કેવો જોગાનુજોગ ! હું કમઠાણ વાંચી રહ્યો હતો [ આપની જ જબરદસ્ત ભલામણ થકી જ સ્તો ] ત્યારે મિનિટે મિનિટે અને પન્ને પન્ને મને એ જ વિચાર આવતો હતો કે આ કૃતિ પરથી કેટલી મસ્ત ગુજરાતી મુવી બની શકે ! જોકે અશ્વિની દાદા'ને આ હું પહેલી જ વાર વાંચવાની શરૂઆત કરી રહ્યો છું , તે દુર્ભાગ્ય પણ કહી શકાય અને સદભાગ્ય પણ ! કેમકે હવે તેમનો અખૂટ રસથાળ સામે જ તરવરે છે [ એક ફેવર માંગી શકું !? : તેમના બધા જ પુસ્તકો હવે હું લેવાનો જ છું પણ વાંચવાની શરૂઆત ક્યાંથી કરું ? ક્રમ શો હોઈ શકે ? ]

  ReplyDelete
  Replies
  1. નિરવભાઈ,
   જેમને વાંચનની આદત ન હોય, તેઓ 'નીરજા ભાર્ગવ', 'લજ્જા સન્યાલ' કે 'શૈલજા સાગર' થી શરૂ કરી શકે છે કારણ કે એ ઘણી જ નાની કથાઓ છે.
   તમને તો મારી જેમ વાંચનનું બંધાણ છે એટલે તમને બે સમૂહ પાડી આપુ છુઃ
   (1) ક્રાઇમ થ્રિલર વાંચવી ગમતી હોય તો 'ફાંસલો', 'કટિબંધ' કે 'અંગાર'થી શરૂ કરો. 'અંગાર'ની ફ્લેવર જોકે થોડીક જુદી જ છે તેમ છતાં તે ક્રાઇમ થ્રિલર તો ખરી જ.
   (2) હિસ્ટોરિકલ ફિક્શન વાંચવી ગમતી હોય તો 'આશકા માંડલ', 'ઓથાર' કે 'આખેટ' વાંચી શકાય. તેમાં પણ આખેટ 1960 ના દસકનું જ નેપથ્ય ધરાવે છે એટલે તેની ફ્લેવર પણ જુદી ગણી શકાય.
   મારી પ્રિય તો 'ઓથાર' જ છે, એ તો આપ જાણો જ છો. પણ તેના પહેલા 'આશકા માંડલ' વાંચવી સારી. આવતા મહિને 'બુક ક્લબ'માં તો આવો છોને?

   Delete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.