તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 13, 2014

પદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister'

મિત્રો, 14 જૂનની પોસ્ટમાં બાંગ પોકારી હતી કે મારા બ્લૉગની ગ્રીષ્મ સમાધિ પૂરી..વગેરે..વગેરે, પણ ખબર નહિ કેમ બ્લૉગિંગ તરફ મન વળ્યું જ નહિ. અને મન ના હોય, તો માળવે ક્યાંથી જવાય? આજે ફરી પાછો એવા નિર્ધાર સાથે આવ્યો છું કે આ અનિયમિતતાને અનિયમિત કરી નાખવી. કહેવાનું તો ઘણું બધું છે. કેટલું, કેવું અને ક્યારે કહેવાય છે, એ તો સમય આવે જ વર્તાશે.
15જૂનની પોસ્ટમાં નોંધ્યું હતું, “પહેલી જૂનથી છઠ્ઠી જૂન, 2014 દરમિયાન એવા સંજોગો સર્જાયા કે ગુજરાતી પત્રકારત્વના બે કર્મઠ અને પદ્મ શ્રી લેખકો કે જે પાછલા ચાર દસકથી પણ વધારે સમયથી લખતા આવ્યા છે, તેમને મળવાનો અને કંઈક શીખવાનો મોકો મળ્યો.” પહેલા લેખક એટલે શ્રી કુમારપાળ દેસાઈ કે જેમની પાસેથી સતત લખતા રહેવાની પ્રેરણા મળી અને તે વિષે મેં આ પોસ્ટમાં વાત કરી છે.
બીજા મહાનુભાવ એટલે શ્રી દેવેન્દ્ર પટેલ. ‘ગુજરાત સમાચાર’ દર સોમવારે આવતી તેમની કોલમ ‘કભી કભી’ને શાળા જીવન દરમિયાન નિયમિત વાંચી હતી એટલે એમને મળવા મળ્યું તેનો ખરેખર આનંદ થયો હતો. ચાલો, એ મુલાકાત વિષે માંડીને વાત કરુ.
આખી વાત શરૂ થઈ 16 મે, 2014 ના રોજ કે જ્યારે મોદી સાહેબે રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ વિજય મેળવ્યો. સવારે 11 વાગ્યાની આસપાસ નક્કી થઈ ચૂક્યું હતું કે ‘અબકી બાર, મોદી સરકાર’ અને હું ન્યૂઝ ચેનલની સામે બેસીને ઇતિહાસના સર્જનનો સાક્ષી બની રહ્યો હતો. એવા સમયે જ મારો મોબાઇલ વાઇબ્રેટ થવા માંડ્યો. સ્ક્રીન પર નામ આવતું હતું “મહેન્દ્ર શાહ, નવભારત” અને હું વિચારમાં પડી ગયો.

આમ તો મહેન્દ્ર અંકલને બાળપણથી જ ઓળખું કારણ કે તે પપ્પાના મિત્ર છે અને દરેક વેકેશનમાં હું પુસ્તકો ખરીદવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’માં અચૂક જતો. પણ જ્યારથી નવભારત માટે અનુવાદ, લેખન અને સંપાદન જેવું કામ શરૂ કર્યું ત્યારથી હું તેમના સપુત્ર રોનક શાહ સાથે જ વધારે સંપર્કમાં રહેતો હોઉં છું. મહેન્દ્ર અંકલ તો જરૂર પડે તો જ અમારી વચ્ચે પડે એટલે જ્યારે તેમના અંગત મોબાઈલ પરથી કોલ આવ્યો એટલે હું એકાદ ક્ષણ પૂરતો વિચારે ચડી ગયો. પછી તરત જ કોલ રિસીવ કર્યો.
“હા..ચિરાગ..એક કામ છે…આપણે એકદમ ઝડપથી પતાવવાનું છે.” કોઈ પણ જાતની ફોર્માલિટી વિના એકદમ પાકા વેપારીની જેમ બને એટલા ઓછા શબ્દોમાં તેમણે વાત શરૂ કરી.
“ફરમાવો અંકલ…” મેં જવાબ આપ્યો પણ દિમાગમાં ચેતવણીની ઘંટડીઓ વાગવી શરૂ થઈ ગઈ હતી. કામ માટે આમ તો રોનકભાઈ જ ફોન કરે પણ તેમને વિશ્વાસ હશે કે હું એ કામ નહિ સ્વીકારું એટલે મહેન્દ્ર અંકલે ફોન કર્યો હશે. મતલબ કે કંઇક અલગ જ પ્રકારનું કામ હશે.
કોઈ હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે ને કે ‘મેરી જરૂરતે કમ હૈ, ઇસ લીયે મેરે ઇમાનમે દમ હૈ’. તેનો એક મતલબ એમ પણ થાય કે હું આળસુ છું અને મને બહુ કામ કરવું પસંદ નથી. આ અર્થ કદાચ મને લાગુ પડતો હશે. હું એકદમ ધીમે-ધીમે અને કામની મજા માણીને કામ કરનારો વ્યક્તિ છું. ‘કરવા ખાતર કામ કરવું’ નો સમય તો લંડનમાં મૂકીને આવ્યો છું. અત્યારે તો જેમાં કામ કર્યાનો સંતોષ મળે (Job satisfaction, you know!) અને મજા આવે એવા જ કામ કરવાના, એમ નીતિ રાખી છે. નવભારત પાસે તો કામની જરા પણ ઊણપ નથી અને તેમના ત્રણ પ્રોજેક્ટ તો ચાલુ જ હતાં. એટલે આ નવું કામ શું હશે એ હું વિચારવા લાગ્યો.
“આપણે એક પુસ્તકનો અનુવાદ કરવાનો છે…” અંકલે કહ્યું.
“બરોબર..” આતો મારું નિયમિત કામ છે એમ મને હાશકારો થયો.
“ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું છે….”
“વાંધો નહિ…” મને તો મા અને માસી બંને પ્રત્યે પ્રેમ એટલે એમાં પણ વાંધો નહોતો.
“લગભગ 200 પાના છે…આપડે 31મી મે સુધીમાં પૂરુ કરવાનું છે…” એમણે છેલ્લા બોલે છક્કો માર્યો.
“શું?” હવે હું ચમકી ગયો. હું તો ‘slow but steady wins the race’ એવું માનનારો કાચબાછાપ અને શાંતિપ્રિય માણસ.
“જો…મોદી સાહેબને લગતું પુસ્તક છે. અત્યારે નહિ છાપીએ તો ક્યારે છાપીશું? આ તો ભજીયા જેવી વાત છે. ગરમાગરમ વેચીએ તો વધારે વેચાય. બોલ કરીશને?” તેમણે મને પંપાળ્યો.
“પણ…” મારા મનમાં રહેલો આળસુ એ માટે તૈયાર નહોતો.
“અરે પણ…બણ નહિ…કાલે પેલિકનમાં જઈને ચોપડી લઈ આવજે અને રોજ જેટલું કામ થાય એ મને ઇમેલ કરી દેવાનું.”
“સારું…કાલે એ પુસ્તક જોઈને હું તમને જણાવું…” એવો નરોવા-કુંજરોવા જેવો જવાબ મેં આપ્યો.
બીજે દિવસે હું આશ્રમ રોડ પર પેલિકન બિલ્ડીંગમાં આવેલ નવભારતની શાખા પર જઈને એ પુસ્તક લઈ આવ્યો. પહેલા ચાર પ્રકરણ વાંચ્યા પણ ખરા અને મને તેમાં રસ પણ પડ્યો. પણ સમય મને ખૂબ જ ઓછો લાગ્યો. એટલે એ દિવસે મેં તેમને ફોન પણ ન કર્યો કે જવાબ પણ ન પાઠવ્યો. એવી જ અસમંજસમાં બીજા ત્રણ દિવસ વીતી ગયાં અને 20મી મે એ તેમનો ફરી વાર કોલ આવ્યો.
“કેમ ભાઈ હજું મને એક પણ ઇમેલ મળ્યો નથી?” એમણે પૂછ્યું અને મેં કહ્યું કે મેં ક્યાં કામની હામી ભણી હતી.
તો એ મને કહે, “કામ તો તારે જ કરવાનું છે…લાગી જ પડ…અને બીજા બધાં કામ પડતા મૂક…આ જરૂરી કામ છે અને તારે જ કરવાનું છે.” હવે મારે કોઈ છૂટકો નહોતો.
“સારું..કાલથી તમને ઇમેલ મળવા શરૂ થઈ જશે…” અને એમ મેં એ 220 પાનાને 11 દિવસમાં અંગ્રેજીમાં ઉતારવાનું બીડું ઝડપ્યું. (આગળની વાત કાલે...પ્રોમિસ).


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.