તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 15, 2014

પદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 3‘રાજનીતિજ્ઞ’નો ‘The Prime Minister’ ના નામે અનુવાદ ચાલતો હતો ત્યારે રોજે-રોજ થયેલું કામ હું નવભારતના ઇમેલ પર મોકલી આપતો પરંતુ મને ખબર નહિ કે એજ વસ્તુ રોજે-રોજ તેના મૂળ લેખક દેવેન્દ્ર પટેલને પણ ફોરવર્ડ થતી હશે. પુસ્તકના છેલ્લા પ્રકરણો મોકલાઈ ગયા પછીના દિવસે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. ‘ટ્રુ કોલર’માં પણ તેની માહિતી નહોતી એટલે મને કોલ રિસીવ કરતા જરા ખચકાટ થયો. (હું ભાગ્યે જ અજાણ્યા નંબરો પર વાત કરું છું.)
મેં કોલ રિસીવ કર્યો તો ખબર પડી કે ફોન કરનારા હતાં દેવેન્દ્ર પટેલ. મને કહે, “ચિરાગભાઈ, આપણે મળવું પડશે. પ્રુફમાં થોડાંક સુધારા-વધારા કરવા છે.” પછી અમે બીજા દિવસે તેમની ઓફિસે મળવા માટેનો સમય નક્કી કર્યો. બીજે દિવસે નક્કી કરેલા સમયના એકાદ કલાક પહેલા જ મારા મોબાઈલ પર તેમનો મેસેજ આવ્યો કે તેમની તબિયત અચાનક બગડી છે માટે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને તેઓ મને મળી શકશે નહિ. હોસ્પિટલમાં હોવા છતાં ચીવટપૂર્વક યાદ કરીને તેમણે મને મેસેજ કર્યો કે જેથી મારે ધક્કો થાય નહિ, એ બાબત મને સ્પર્શી ગઈ.
બે દિવસ પછી ફરીથી તેમનો ફોન આવ્યો કે હવે તેઓ ઘરે આવી ગયા છે અને હજું તેમણે ઓફિસે જવાનું શરૂ નથી કર્યું, તો તેમના ઘરે મળવાનું મને ફાવશે કે કેમ? મને તો તેમાં શું વાંધો હોય. એટલે તેના પછીના દિવસે બપોરે મળવાનું નક્કી કર્યું.
બીજે દિવસે નક્કી કરેલા સમયે હું તેમના ઘરે પહોંચી ગયો. દરવાજાનો બેલ વગાડ્યો. જેવો દરવાજો ખુલ્યો કે તેમણે ઘરે બનાવેલી ઓફિસમાં બેઠાં-બેઠાં જ મને એવી રીતે આવકાર્યો કે જાણે તેઓ મને ઘણા સમયથી ઓળખતા હોય. “આવો ચિરાગભાઈ…આવો…” એટલે હું સીધો તેમની સ્ટડી-કમ-ઓફિસમાં ગયો. તેઓ એક ટેબલ પાછળ ભવ્ય અને આરામદાયક ખુરશીમાં બેઠાં હતાં. દિવાલો પર તેમણે લખેલા પુસ્તકો વિવિધ કબાટોમાં ગોઠવાયેલા હતાં. રાષ્ટ્રપતિના હસ્તે તેઓ પદ્મશ્રીનું સન્માન સ્વીકારી રહ્યાં હતા, તે ક્ષણ તસવીરમાં મઢાયેલી હતી. બીજી દિવાલ પર ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી બાજપેયી સાથેની બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીરો પણ લાગેલી હતી. એજ દિવાલને અડીને મુલાકાતીઓ માટે બેઠકો બનાવેલી હતી. હું ત્યાં બેસવા જતો હતો, પરંતુ તેમણે મને તેમની ભવ્ય ખુરશીની બાજુમાં રહેલી એક પીવીસીની ખુરશીમાં બેસવાનું સૂચવ્યું કે જેથી અમે સાથે બેસીને કામ કરી શકીએ.
પાણી-શરબત-પરિચય જેવો શિષ્ટાચાર પત્યા પછી મેં મારું લેપટોપ બહાર કાઢ્યું કે જેથી સુધારા-વધારા થઈ શકે. મારા લેપટોપમાં આમ તો 9 સેલની બેટરી છે પણ સતત ડેસ્કટોપની જેમ વપરાવાને કારણે હવે તે બરાબર કામ નથી આપતી અને 45 મિનિટથી 60 મિનિટ દરમિયાન તો ડિસ્ચાર્જ થઈ જ જાય છે. એટલે મેં ચાર્જર કાઢીને તેમાં લગાવ્યું પણ પ્લગ તો દેવેન્દ્રભાઈની ખુરશીની બીજી બાજુ હતો. આમ તો એ વાયર ત્યાં પહોંચી જાય તેમ જ હતો, પણ એ અગવડરૂપ જરૂર બનત. એટલે એક જ સેકન્ડમાં તેઓ પોતાની ભવ્ય ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને મને કહે, “તમે અહીંયા બેસો તો આપણને કામ કરતાં ફાવે.” હું વિચારમાં પડી ગયો. એમની ખુરશીમાં મારાથી બેસાય? પણ બીજી જ ક્ષણે મને સમજાયું કે તેમના માટે ખુરશી નહિ પણ કામ મહત્વનું છે અને મેં પણ એ સ્વીકારી લીધું અને ખચકાટ ત્યજીને હું એ પદ્મ શ્રીની ખુરશીમાં બેસી ગયો અને તેઓ પેલી પીવીસીની ખુરશીમાં બેઠાં. તેમની નમ્રતાએ મને ત્યારે જ જીતી લીધો અને એ પદ્મ શ્રીની ખુરશીમાં બેઠાં-બેઠાં 'The Prime Minister' નામનું પુસ્તક છેલ્લો આકાર પામ્યું.
પછીના 3 કલાક અને 29 મિનિટ દરમિયાન એજ વસ્તુ મને વારંવાર અનુભવવા મળી. તેઓ કોઈ ફેરફારનું સૂચન કરે. જો મને યોગ્ય લાગે, તો જ હું ફેરફાર સ્વીકારું અને ન લાગે તો તેમને સમજાવવાનો પ્રયત્ન કરું. “હું જ સાચો” એવા અહમ વિના તેઓ તરત જ વાત સ્વીકારી લે અને અને અમે બીજા વાક્ય કે બીજા પાના તરફ આગળ વધી જઈએ.
આખું brain storming નું સેશન પૂરુ થયા પછી મેં જવા માટે તૈયારીઓ કરવા માંડી એટલે તેમણે મારી એકાદ-બે નાનકડી માંગણીઓ (ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ!) પણ આનંદથી પૂરી કરી અને મને છેક દરવાજા સુધી મૂકવા પણ આવ્યા. હજું બીજા ચારેક પુસ્તકોનું કામ કરવાનું છે એમ કહીને મારી પીઠ થાબડીને મને વિદાય આપી.
આ પુસ્તકમાંથી તો જે મળ્યું હોય એ ખરું, પણ તેના લેખકને મળીને જરૂર કંઈક મળ્યું છે, એમ મને લાગ્યું. આવી જ લાગણી એપીજી અબ્દુલ કલામ સાહેબને મળતી વખતે પણ થઈ હતી.

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

સપ્ટેમ્બર 14, 2014

પદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 2

એ પુસ્તક હતું દેવન્દ્ર પટેલનું ‘રાજનીતિજ્ઞ’ જેનો અંગ્રેજી અનુવાદ ‘The Prime Minister’ ના નામે પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.
મને આ પુસ્તક માટે બે પ્રશ્નો થયાં.
(1) મોદીજી વિષેના ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ શા માટે?
તેના જવાબમાં નવભારત તરફથી એમ કહેવામાં આવ્યું કે આપણા મોદીજી હવે રાષ્ટ્રીય સ્તરે ગયાં છે આપણે તેમના વિષે જે પણ ગુજરાતીમાં છાપ્યું છે, તેનો પણ રાષ્ટ્રીય સ્તરે લઈ જવું પડે કે નહિ?
(2) મોદીજી વિષે અસંખ્ય પુસ્તકો પ્રસિદ્ધ થયા છે અને થઈ રહ્યાં છે, તો તે બધામાં અને આ પુસ્તકમાં શું તફાવત?
આખુ પુસ્તક વાંચ્યા પછી મને તેનો જવાબ જાતે જ મળ્યો. એ બધા પુસ્તકોના લેખકોમાંથી બહુ જ ઓછા એવા લેખકો હશે કે જે મોદીજીને વર્ષોથી જાણતા હોય, નજીકથી જાણતાં હોય અને સતત તેમના રાજકારણ અને કાર્યશૈલીનું નિરીક્ષણ કર્યું હોય. આ પુસ્તકના લેખક દેવેન્દ્ર પટેલ મોદીજીને ત્યારના જાણે છે કે જ્યારે તેઓ સંઘના પ્રચારક હતા. આ પુસ્તકમાં એક રોચક થ્રીલર નવલકથાની જેમ મોદીજીના અંગત જીવન તેમજ રાજકીય કારકિર્દીના વિવિધ આટાપાટા વણી લેવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્ય મંત્રી પહેલાના મોદીજીના જીવન વિષે પણ તેમાં આધારભૂત માહિતી આપવામાં આવી છે. પુસ્તકમાં નરેન્દ્ર મોદી નામના larger than life વ્યક્તિત્વનું રાજકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. પ્રચાર માધ્યમોએ ઊભી કરેલી મોહિની કે ભ્રમજાળની બીજી બાજુ રહેલા તથ્યોને પકડી લાવવામાં પણ દેવેન્દ્ર પટેલે પોતાના બહોળા અનુભવ અને સંપર્કોનો ઉપયોગ કર્યો છે એ દેખાઈ આવે છે.
મોદીજીના પ્રશંસકો અને વિવેચકોએ ગુજરાતી કે અંગ્રેજીમાં વાંચવા જેવું પુસ્તક.
માત્ર દસેક દિવસના ટૂંકા ગાળામાં ભજીયાના ઘાણની જેમ અનુવાદ કરવાનો થયો એટલે સ્વાભાવિક પણે તેની ગુણવત્તા તરફ બહુ ધ્યાન અપાયું નથી. સામાન્ય રીતે એક અનુવાદ થયા પછી તેને સુધારવા, મઠારવામાં અને તેના પ્રુફ વાંચવામાં જેટલો સમય મારે આપવો પડે છે, તેટલા સમયમાં તો આ પુસ્તક છાપીને તૈયાર કરી દેવામાં આવ્યું હતું. માટે એમાં રહી ગયેલી ક્ષતિઓ માટે તેમજ અંગ્રેજી ભાષાની ગુણવત્તા માટે મને જવાબદાર ગણવો રહ્યો.
ગુજરાતી પુસ્તકની માહિતીઃ
શીર્ષકઃ રાજનીતિજ્ઞ (ISBN: 978-81-8440-934-5)
લેખકઃ દેવેન્દ્ર પટેલ
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
કિંમતઃ ₹ 200
અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તકની માહિતીઃ
શીર્ષકઃ The Prime Minister (ISBN: 978-81-844-096-80)
લેખકઃ Devendra Patel
અનુવાદકઃ Chirag Thakkar ‘Jay’
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
કિંમતઃ ₹ 250

જોકે દેવેન્દ્ર પટેલને તેમના ઘરે જઈને મળવાનો જે અનુભવ લીધો તે સૌથી રસપ્રદ રહ્યો. એ અનુભવ વિષે કાલે વાત. (કાલે ચોક્કસ પૂરું...)

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

સપ્ટેમ્બર 13, 2014

પદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister'

મિત્રો, 14 જૂનની પોસ્ટમાં બાંગ પોકારી હતી કે મારા બ્લૉગની ગ્રીષ્મ સમાધિ પૂરી..વગેરે..વગેરે, પણ ખબર નહિ કેમ બ્લૉગિંગ તરફ મન વળ્યું જ નહિ. અને મન ના હોય, તો માળવે ક્યાંથી જવાય? આજે ફરી પાછો એવા નિર્ધાર સાથે આવ્યો છું કે આ અનિયમિતતાને અનિયમિત કરી નાખવી. કહેવાનું તો ઘણું બધું છે. કેટલું, કેવું અને ક્યારે કહેવાય છે, એ તો સમય આવે જ વર્તાશે.
15જૂનની પોસ્ટમાં નોંધ્યું હતું, “પહેલી જૂનથી છઠ્ઠી જૂન, 2014 દરમિયાન એવા સંજોગો સર્જાયા કે ગુજરાતી પત્રકારત્વના બે કર્મઠ અને પદ્મ શ્રી લેખકો કે જે પાછલા ચાર દસકથી પણ વધારે સમયથી લખતા આવ્યા છે, તેમને મળવાનો અને કંઈક શીખવાનો મોકો મળ્યો.” પહેલા લેખક એટલે શ્રી કુમારપાળ દેસાઈ કે જેમની પાસેથી સતત લખતા રહેવાની પ્રેરણા મળી અને તે વિષે મેં આ પોસ્ટમાં વાત કરી છે.
બીજા મહાનુભાવ એટલે શ્રી દેવેન્દ્ર પટેલ. ‘ગુજરાત સમાચાર’ દર સોમવારે આવતી તેમની કોલમ ‘કભી કભી’ને શાળા જીવન દરમિયાન નિયમિત વાંચી હતી એટલે એમને મળવા મળ્યું તેનો ખરેખર આનંદ થયો હતો. ચાલો, એ મુલાકાત વિષે માંડીને વાત કરુ.
આખી વાત શરૂ થઈ 16 મે, 2014 ના રોજ કે જ્યારે મોદી સાહેબે રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ વિજય મેળવ્યો. સવારે 11 વાગ્યાની આસપાસ નક્કી થઈ ચૂક્યું હતું કે ‘અબકી બાર, મોદી સરકાર’ અને હું ન્યૂઝ ચેનલની સામે બેસીને ઇતિહાસના સર્જનનો સાક્ષી બની રહ્યો હતો. એવા સમયે જ મારો મોબાઇલ વાઇબ્રેટ થવા માંડ્યો. સ્ક્રીન પર નામ આવતું હતું “મહેન્દ્ર શાહ, નવભારત” અને હું વિચારમાં પડી ગયો.

આમ તો મહેન્દ્ર અંકલને બાળપણથી જ ઓળખું કારણ કે તે પપ્પાના મિત્ર છે અને દરેક વેકેશનમાં હું પુસ્તકો ખરીદવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’માં અચૂક જતો. પણ જ્યારથી નવભારત માટે અનુવાદ, લેખન અને સંપાદન જેવું કામ શરૂ કર્યું ત્યારથી હું તેમના સપુત્ર રોનક શાહ સાથે જ વધારે સંપર્કમાં રહેતો હોઉં છું. મહેન્દ્ર અંકલ તો જરૂર પડે તો જ અમારી વચ્ચે પડે એટલે જ્યારે તેમના અંગત મોબાઈલ પરથી કોલ આવ્યો એટલે હું એકાદ ક્ષણ પૂરતો વિચારે ચડી ગયો. પછી તરત જ કોલ રિસીવ કર્યો.
“હા..ચિરાગ..એક કામ છે…આપણે એકદમ ઝડપથી પતાવવાનું છે.” કોઈ પણ જાતની ફોર્માલિટી વિના એકદમ પાકા વેપારીની જેમ બને એટલા ઓછા શબ્દોમાં તેમણે વાત શરૂ કરી.
“ફરમાવો અંકલ…” મેં જવાબ આપ્યો પણ દિમાગમાં ચેતવણીની ઘંટડીઓ વાગવી શરૂ થઈ ગઈ હતી. કામ માટે આમ તો રોનકભાઈ જ ફોન કરે પણ તેમને વિશ્વાસ હશે કે હું એ કામ નહિ સ્વીકારું એટલે મહેન્દ્ર અંકલે ફોન કર્યો હશે. મતલબ કે કંઇક અલગ જ પ્રકારનું કામ હશે.
કોઈ હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે ને કે ‘મેરી જરૂરતે કમ હૈ, ઇસ લીયે મેરે ઇમાનમે દમ હૈ’. તેનો એક મતલબ એમ પણ થાય કે હું આળસુ છું અને મને બહુ કામ કરવું પસંદ નથી. આ અર્થ કદાચ મને લાગુ પડતો હશે. હું એકદમ ધીમે-ધીમે અને કામની મજા માણીને કામ કરનારો વ્યક્તિ છું. ‘કરવા ખાતર કામ કરવું’ નો સમય તો લંડનમાં મૂકીને આવ્યો છું. અત્યારે તો જેમાં કામ કર્યાનો સંતોષ મળે (Job satisfaction, you know!) અને મજા આવે એવા જ કામ કરવાના, એમ નીતિ રાખી છે. નવભારત પાસે તો કામની જરા પણ ઊણપ નથી અને તેમના ત્રણ પ્રોજેક્ટ તો ચાલુ જ હતાં. એટલે આ નવું કામ શું હશે એ હું વિચારવા લાગ્યો.
“આપણે એક પુસ્તકનો અનુવાદ કરવાનો છે…” અંકલે કહ્યું.
“બરોબર..” આતો મારું નિયમિત કામ છે એમ મને હાશકારો થયો.
“ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું છે….”
“વાંધો નહિ…” મને તો મા અને માસી બંને પ્રત્યે પ્રેમ એટલે એમાં પણ વાંધો નહોતો.
“લગભગ 200 પાના છે…આપડે 31મી મે સુધીમાં પૂરુ કરવાનું છે…” એમણે છેલ્લા બોલે છક્કો માર્યો.
“શું?” હવે હું ચમકી ગયો. હું તો ‘slow but steady wins the race’ એવું માનનારો કાચબાછાપ અને શાંતિપ્રિય માણસ.
“જો…મોદી સાહેબને લગતું પુસ્તક છે. અત્યારે નહિ છાપીએ તો ક્યારે છાપીશું? આ તો ભજીયા જેવી વાત છે. ગરમાગરમ વેચીએ તો વધારે વેચાય. બોલ કરીશને?” તેમણે મને પંપાળ્યો.
“પણ…” મારા મનમાં રહેલો આળસુ એ માટે તૈયાર નહોતો.
“અરે પણ…બણ નહિ…કાલે પેલિકનમાં જઈને ચોપડી લઈ આવજે અને રોજ જેટલું કામ થાય એ મને ઇમેલ કરી દેવાનું.”
“સારું…કાલે એ પુસ્તક જોઈને હું તમને જણાવું…” એવો નરોવા-કુંજરોવા જેવો જવાબ મેં આપ્યો.
બીજે દિવસે હું આશ્રમ રોડ પર પેલિકન બિલ્ડીંગમાં આવેલ નવભારતની શાખા પર જઈને એ પુસ્તક લઈ આવ્યો. પહેલા ચાર પ્રકરણ વાંચ્યા પણ ખરા અને મને તેમાં રસ પણ પડ્યો. પણ સમય મને ખૂબ જ ઓછો લાગ્યો. એટલે એ દિવસે મેં તેમને ફોન પણ ન કર્યો કે જવાબ પણ ન પાઠવ્યો. એવી જ અસમંજસમાં બીજા ત્રણ દિવસ વીતી ગયાં અને 20મી મે એ તેમનો ફરી વાર કોલ આવ્યો.
“કેમ ભાઈ હજું મને એક પણ ઇમેલ મળ્યો નથી?” એમણે પૂછ્યું અને મેં કહ્યું કે મેં ક્યાં કામની હામી ભણી હતી.
તો એ મને કહે, “કામ તો તારે જ કરવાનું છે…લાગી જ પડ…અને બીજા બધાં કામ પડતા મૂક…આ જરૂરી કામ છે અને તારે જ કરવાનું છે.” હવે મારે કોઈ છૂટકો નહોતો.
“સારું..કાલથી તમને ઇમેલ મળવા શરૂ થઈ જશે…” અને એમ મેં એ 220 પાનાને 11 દિવસમાં અંગ્રેજીમાં ઉતારવાનું બીડું ઝડપ્યું. (આગળની વાત કાલે...પ્રોમિસ).