તાજેતરની પોસ્ટસ

જુલાઈ 03, 2014

વિદ્યાગૌરી નીલકંઠની સામાજિક નિસબત અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ વિશે

          (આગળની પોસ્ટમાં નોંધ્યુ કે કયા સંજોગોમાં મારે શ્રી કુમારપાળ દેસાઈને મળવાનું થયું હતું. એ સમયે શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠ વિષે બોલવાનું હતું. યોગ્ય સંદર્ભોની ગેરહાજરીમાં નિશ્ચિત મુદ્દા પર તો ન બોલી શકાયુ પરંતુ જે બોલ્યો, તે નીચે મુજબ છે.)

પત્રકારો અને કતાર લેખકો માટે આદર્શ સમાન શ્રી કુમારપાળ દેસાઈ, વિદ્વાન પ્રાધ્યાપક અને સાહિત્યકાર શ્રી મકરંદ મહેતા, વિદ્યાર્થી પ્રિય પ્રાધ્યાપિકા શ્રીમતી દક્ષાબહેન પટેલ અને આપણા સૌના પ્રિય મનીષભાઈ પાઠક ‘શ્વેત’ તેમજ સામે બિરાજેલા સર્વે પ્રિયજનો,
આમ તો આજે મારે વિદ્યાગૌરી નીલકંઠના અનુવાદ કાર્ય વિષે બોલવાનું છે. તેમણે રોમેશ દત્તની ‘The Lake of Psalms’ નામક વાર્તાનો ‘સુધાહાસિની’ નામે અનુવાદ કર્યો છે અને વડોદરાની મહારાણીશ્રીએ લખેલ પુસ્તક ‘Position of Women in India’ નામક પુસ્તકનો ‘હિન્દુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન’ નામે અનુવાદ કર્યો છે. અમે, એટલે કે મેં અને મનીષભાઈ પાઠકે, આપણા પરીષદના તેમ ક.લા. સ્વાધ્યાય મંદિરના પુસ્તકાલયમાં, વિદ્યાપીઠ, વિદ્યાસભા, ભો.જે. અને એમ.જે. પુસ્તકાલયોની ધૂળ ફાકી તેમજ અંગત સંગ્રહોમાં આ પુસ્તકો શોધવાનો પ્રયત્ન કર્યો પણ અમને ક્યાંય સફળતા મળી નહિ. ક્યાંક-ક્યાંક ઇન્ડેક્ષ કાર્ડ જોવા મળ્યા પરંતુ પુસ્તકો જોવા મળ્યા નહિ એટલે તેમના અનુવાદ વાંચ્યા વિના એ વિષે બોલવું અપ્રસ્તુત ગણાશે.

From Vidyagauri Nilakanth June 1, 2014
જોકે કોઈ પણ પુસ્તક અને લેખકનું મૂલ્યાંકન કરતી વખતે તેમના ભાષાકૌશલ્યો ઉપરાંત તેમની સામાજિક નિસબત વિષે પણ વાત કરવી જરૂરી હોય છે. આ બંને પુસ્તકના અનુવાદ ન મળ્યા હોવા છતાં ‘Position of Women in India’ મૂળ સ્વરૂપે મળ્યું છે અને તેને જોતા વિદ્યાબહેનની સામાજિક નિસબત તો ઊડીને આંખે વળગે છે.
આગળ સર્વે મહાનુભાવોએ નોંધ્યું તેમ નીલકંઠ દંપતી પ્રગતીશીલ વિચારધારા ધરાવતું હતું અને પોતાના સમયથી ઘણું જ આગળ હતું. એ સમયે આ દંપતી જે ‘જનસુધા’ સામાયિકનું સહસંપાદન કરતું હતું તેમાં તેઓ એક બીજાને ‘Open Letters’ (એટલે કે ખુલ્લાં પત્રો) લખતાં અને છાપતાં. આજના સમયમાં પણ આ કામ કરવું અઘરું લાગે તેમ છે ત્યારે એ સમયમાં એ કામ કરનારા કેટલી પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હશે! ‘Position of Women in India’ માં ઇંગ્લેન્ડ અને જાપાન જેવા વિવિધ દેશોમાં સ્ત્રીઓનું સ્થાન શું છે તે નોંધીને સ્ત્રીઓની વિવિધ પ્રવૃત્તિઓની અને તેઓ શું કરી શકે છે તેની વિસ્તૃત નોંધ કરવામાં આવી છે અને તેને ગુજરાતી ભાષામાં ઉતારીને શ્રીમતી વિદ્યાગૌરીએ એ સમયે ઘણાની આંખો ખોલી હશે. સ્ત્રી કેળવણી અને સ્ત્રીઓનો ઉત્કર્ષ એમની સામાજિક નિસબત હતી અને એ અનુવાદ માટેની તેમની પુસ્તક પસંદગીથી એકદમ સ્પષ્ટ બની જાય છે.
અંગ્રેજી ભાષા પર તો તેમનું પ્રભુત્વ તો હતું જ પણ એ સાથે જ અંગ્રેજી ભાષામાં અપાતા શિક્ષણ વિષે તેઓ સવિશેષ ચિંતિત હતાં. અત્યારે જે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેનો અણસાર તેમણે એ સમયમાં મેળવી લીધો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરા ખાતે મળેલ 15 મા અધિવેશનમાં પરિષદ પ્રમુખ તરીકે તેમણે જે પ્રવચન આપ્યુ હતુ તેમાં તેમણે એ અંગે લંબાણથી વાત કરી હતી. એ વિશે તેમના વિચારો જાણવા રસપ્રદ બની રહેશે. તેમણે કહ્યું હતું:

“સ્વભાષાને ઊંચે મૂકી દેવી એ દલીલ કોઈ દેશમાં, કોઈ યુનિવર્સિટીમાં – આપણા દેશ સિવાય – સ્વીકારી લેવાય એ માની શકાય તેમ નથી. શિક્ષણમાં અમુક ગણિતશાસ્ત્ર વિના ન ચાલે, અમુક વિજ્ઞાનશાસ્ત્ર વિના તે અધૂરું ગણાય, અમુક પ્રાચીન ભાષા વગર તેમાં ખામી રહે, માત્ર સ્વભાષાના સાહિત્યથી અજ્ઞાન હોવામાં કાંઈ જ અડચણ નહીં એમ માની ઉચ્ચ શિક્ષણનો ક્રમ ગોઠવાય અને તેમાં આપણા જ સુશિક્ષિત પુરુષો એમ કહે કે આપણી ભાષામાં સાહિત્ય જ ક્યાં છે કે તે શીખવાની જરૂર હોય, આથી વિશેષ શોચનીય શું હોય?”
“ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્વભાષાને સ્થાન મળે તો જ તેનો અભ્યાસ કરનારા વધે, તો જ તેના ગ્રંથકારોને ઉત્તેજન મળે અને લેખકોની સંખ્યા પણ વધે. આપણું સાહિત્ય અભિવૃદ્ધ થાય એવા અભિલાષ ધરાવનારા સર્વે કોઈએ એ ભાષાનો અભ્યાસ સર્વથા વધારવા માટે સર્વ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે.”
“છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન હિંદની કેળવણીને લગતાં કમિશનો, કેળવણીકારોના અભિપ્રાયો અને દેશહિતચિંતકોનાં મંતવ્યો એકી અવાજે એમ જ દર્શાવે છે કે તમામ શિક્ષણ સ્વભાષા દ્વારા જ અપાવું જોઈએ. એટલે કે આજ જે સ્થિતિ છે તેનો બનતી ત્વરાએ અંત આણવાની અત્યંત જરૂર છે. જ્યાં સુધી આ સત્ય આપણા મનમાં ઠસસે નહીં ત્યાં સુધી આપણે શિક્ષણમાં આગળ વધી શકવાનાં નથી. આપણાં બાળકો અને યુવકોનાં અમૂલ્ય વર્ષ, તેમની બુદ્ધિ અને સ્મરણશક્તિનો એટલો બધો નાહક વ્યય થાય છે કે તેની કલ્પના કરવી અશક્ય છે.”
જોકે તેઓ અંગ્રેજી શીખવાના વિરોધી નથી અંગ્રેજીની આવશ્યકતા કેટલી છે તે વિશે વાત કરતા તેઓ કહે છેઃ

“સ્વભાષાના વાહન માટે આટલું કહેવા સાથે એ કહેવાની જરૂર છે કે, અંગ્રેજી ભાષાનો અભ્યાસ આપણી શાળા-પાઠશાળાઓમાં અનિવાર્ય છે. એ ભાષાનાં પુસ્તકોનો અભ્યાસ હિતાવહ છે, એટલું જ નહીં પણ જગતભર સાથે સંપર્ક સાધવા માટે એ અનિવાર્ય છે. એટલે અંગ્રેજીની બિલકુલ જરૂર નથી એવા બીજા છેડાના મત ધરાવનાર સાથે હું સંમત નથી એ નમ્રતાથી કહેવું યોગ્ય ધારું છું.”

અંગ્રેજી ભાષાને પૂરતું મહત્વ આપીને પણ તેઓ માતૃભાષામાં શિક્ષણના આગ્રહી હતાં અને એ વિશે કોઈ પણ શબ્દો ચોર્યા વિના એકદમ સ્પષ્ટતાથી તેઓ બોલ્યા હતાં.
છેલ્લે માત્ર એક જ વાત ઉમેરવા માંગીશ. ઇંગ્લેન્ડના પ્રખ્યાત લેખક સર આર્થર કોનન ડોયલે શેરલોક હોમ્સ નામનું જે જગવિખ્યાત પાત્ર સર્જ્યું હતું તેનું સરનામું તેઓ લખતા હતા, 221B, Baker Street, London. સર આર્થર કોનન ડોયલના મૃત્યુ બાદ ત્યાંની પ્રશાસને એ કાલ્પનિક પાત્રના સરનામા વાળું ઘર ખરીદી લીધું અને જાણે ત્યાં ખરેખર શેરલોક હોમ્સ રહેતો હોય, તેમ એ ઘર સજાવીને તેનું ‘શેરલોક હોમ્સ મ્યુઝિયમ’ બનાવ્યું છે અને સાહિત્યકાર તેમ જ તેમના પાત્રને અમર બનાવી દીધાં છે.
એવી જ રીતે ઇંગ્લેન્ડમાં જ્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત છે એ પ્રખ્યાત Tavistock Garden ના એક ખૂણામાં ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા તબીબ Dr Louisa Aldrich-Blake ની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
શું આપણી પાસે પણ પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલાઓમાંના એક અને આજે પણ વાંચવા ગમે તેવા સાહિત્યકાર વિદ્યાગૌરી નીલકંઠના પુસ્તકો અને તેમનું સ્મારક ન હોવું જોઈએ?
      આભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.