તાજેતરની પોસ્ટસ

જુલાઈ 10, 2014

કામ આવે ને! (100 શબ્દોની લઘુકથા)

સસરાના મૃત્યુ વખતે શબવાહિની બોલાવવી, કયા વારે બેસણું ગોઠવવું, બારમું ક્યાં રાખવું, સજ્જા ભરતી વખતે શું-શું લાવવું, બ્રાહ્મણને કેટલા ખટાવવા એવી બધી નાની-મોટી વાતોમાં હિરાજ પોતાના સાળા પ્રવિણની સાથે ઊભો રહ્યો હતો. આવી દુઃખની ઘડીએ હરપળ સાથ આપવા માટે પ્રવિણ મનમાંને મનમાં પોતાના બનેવીના પ્રશંસાના પુલ બાંધી રહ્યો હતો.
અંતિમ વિદાયનો બધો કોલાહલ શમી ગયા પછીના દિવસે હિરાજ પ્રવિણને મળવા આવ્યો. “પ્રવિણ, એક વાત પૂછવી હતી.”
શું હતું, કુમાર?” પ્રવિણે કૃતજ્ઞ અવાજે પૂછ્યું.
સસરાજીનું મૃત્યુનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવ્યું?”
કેમ?” પ્રવિણથી અનાયાસે પૂછાઈ ગયું.
આતો આપણા ઘરમાં કંઈ બને તો કામ આવે ને!” અને પેલા પુલમાં તિરાડો પડવા લાગી.

(13-11-2013)

('નવચેતન' માસિકના જૂન 2014 ના અંકમાં પ્રકાશિત)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.