તાજેતરની પોસ્ટસ

જૂન 15, 2014

બ્લૉગની ગ્રીષ્મસમાધિ પૂરી કરાવનાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈ

          પહેલી જૂનથી છઠ્ઠી જૂન, 2014 દરમિયાન એવા સંજોગો સર્જાયા કે ગુજરાતી પત્રકારત્વના બે કર્મઠ અને પદ્મશ્રી લેખકો કે જે પાછલા ચાર દશકથી પણ વધારે સમયથી લખતા આવ્યા છે તેમને મળવાનો અને કંઈક શીખવાનો મોકો મળ્યો.

          2013 માં નિયમિત પણે 'બુધસભા'માં જતો હતો (2014 માં બ્લૉગની જેમ જ એ પ્રવૃત્તિ પણ ગ્રીષ્મ સમાધિમાં જતી રહી છે.) એટલે ત્યાં કવિ શ્રી મનીષભાઈ પાઠક 'શ્વેત' સાથે પણ મૈત્રી બંધાઈ. તેમને એ યાદ રહી ગયું હતું કે હું અનુવાદનું કામ પણ કરું છું. તેઓ પોતાની સંસ્થા 'ઓમ કૉમ્યુનિકેશન્સ'ના નેજા હેઠળ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. તેમની ઇચ્છા વિશેષતઃ એવા ગુજરાતી સાહિત્યકારોને યાદ કરવાની હોય છે કે જેમને તેમના નોંધપાત્ર પ્રદાન છતાં અત્યારે યાદ કરવામાં નથી આવતા.

          આ અનુસંધાનમાં જ તેમણે ગુજરાતની પ્રથમ બે મહિલા સ્નાતકોમાંના એક અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ એવા વિદ્યાગૌરી નીલકંઠની સ્મરણ વંદનાનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં એચ.કે. કૉલેજના પ્રાધ્યાપિકા દક્ષાબહેન પટેલ વિદ્યાગૌરીનો પરિચય કરાવવાના હતા, ડૉ. કુમારપાળ દેસાઈ તેમના સાહિત્યિક પ્રદાન વિશે વક્તવ્ય આપવાના હતા અને પ્રો. મકરંદ મહેતા તેમની સામાજિક પ્રતિબદ્ધતા વિશે બોલવાના હતા. વિદ્યાગૌરી નીલકંઠે બે અનુવાદ પણ આપ્યા હતાં અને મારે તેમના અનુવાદ કાર્ય વિશે બોલવાનું હતું.

          જોકે બહુ મહેનત કરવા છતાં વિદ્યાગૌરીએ અનુવાદિત કરેલ એક પણ પુસ્તક હાથમાં આવ્યું નહિ અને મારે તો પરિષદ પ્રમુખ તરીકે તેમણે આપેલા વક્તવ્યના કેટલાંક રસપ્રદ અંશો જ વાંચવાના થયા પરંતુ એ પ્રસંગને કારણે શ્રી કુમારપાળ દેસાઈને મળવાનું થયું.

          સતત આટલા વર્ષોથી લખે છે, આટલું નામ મેળવ્યું છે અને પદ્મશ્રી સુધી પહોંચ્યા છે તેમ છતાં જાણે પહેલી વાર બોલવા આવ્યા હોય, તેમ તેઓ રેફરેન્સ માટે કેટલાય કાગળો લઈને આવ્યા હતા અને પ્રવચન આપવાનું થયું ત્યાં સુધી તેઓ તેમાં કંઈને કંઈ સુધારા-વધારા કરતા રહ્યા હતાં. 

          બધું પત્યા પછી તેમને મળવાનું થયું ત્યારે મેં તેમને જણાવ્યું કે મારી મમ્મી તેમની વિદ્યાર્થીની હતી ત્યારે તેમણે આનંદ વ્યક્ત કર્યો અને બે-ચાર સારી વાત કહી. એક વાત ખાસ યાદ રહી ગઈ કે "ગમે તે થાય પણ લખતા-વાંચતા રહો. તો જ તમારુ લખાણ સુધરશે અને તેની ધાર જળવાઈ રહેશે."

          કદાચ એ ધક્કાને કારણે જ આ બ્લૉગની ગ્રીષ્મ સમાધિ પૂરી થઈ હશે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.