તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 26, 2014

અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ'નું ડિજિટલ સ્વરૂપ

          ડિજિટલ એજમાં રહેતી એક આખી પેઢી એવી છે કે જેણે શ્રી અશ્વિની ભટ્ટને ત્યારે વાંચવા શરૂ કર્યા જ્યારે તેમણે 'આખેટ' પછી લખવાનું બંધ કર્યું. આ ડિજિટલ જનરેશન માટે મોબાઇલ/ટેબ્લેટ/લેપ ટોપ કે ડેસ્ક ટોપ પર વાંચવુ એકદમ સહજ છે તેમજ ફેસબુક અને ટ્વિટરના 'રેકમેન્ડેશન્સ' વડીલોની ભલામણ કરતા વધારે આકર્ષક છે. આ જનરેશન માટે સાચા અર્થમાં લોકપ્રિય હોય તેવા પુસ્તકો ડિજિટલ ફોરમેટમાં અતિ અલ્પ સંખ્યામાં ઉપલબ્ધ છે. તેમાંથી પણ અમુક તો માત્ર પીડીએફ સ્વરૂપે જ પ્રાપ્ય છે, એટલે ડિજિટલ ફોરમેટની સાચી મજા તેમાં આવતી નથી.

          એ દિશામાં આપણા ગુજરાતી પ્રકાશકો કશુંક નક્કર કરે ત્યારની વાત ત્યારે પરંતુ એ ડિજિટલ જનરેશનને અશ્વિની ભટ્ટના અદ્દભુત સર્જનો સાથે જોડવા માટે એક નાનકડો પ્રયત્ન કર્યો છે. 10 ડિસેમ્બર, 2012 ના રોજ દાદા સ્વર્ગવાસી થયા બરોબર તેના પછીના જ દિવસથી, જોગાનુજોગ, તેમની 'આશકા માંડલ' મુંબઈ સમાચારમાં દરરોજ એક પ્રકરણના લેખે 119 પ્રકરણોમાં પ્રકાશિત થઈ હતી. વેબસાઇટનું માળખું અને ટાઇટલમાં 'માંડલ' ના બદલે 'માંડાલ' જેવી જોડણીની ભૂલો જેવા કારણે એ બધા જ પ્રકરણોની લિંક્સ સરળતાથી શોધી નહોતી શકાતી. એટલે આપના માટે પિન્ટરેસ્ટ સાઇટ પર એક બોર્ડમાં એ બધી જ લિંક્સ મૂકી આપી છે.


          દાદાના પુસ્તકો હાથમાં લઈને વાંચો કે તેને યુનિકોડમાં કોઈ વેબસાઇટ પર જઈને વાંચો, અંતે તો હેમનું હેમ! વધારેને વધારે લોકો આ અદ્દભુત પુસ્તક સાથે જોડાય એ હેતુસર જ આ બોર્ડ બનાવ્યું છે.
          અને હા, અંગત ઉપયોગ માટે તો એ બધા જ પ્રકરણોને વર્ડમાં કોપી-પેસ્ટ કરીને તેમાંથી મારા કિન્ડલ માટે એક ઇબુક બનાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ તેનું પરિણામ કઢંગુ મળ્યું છે, એ આપની જાણ ખાતર.

જાન્યુઆરી 17, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - સમાપન સમારોહ

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો સાતમો અને છેલ્લો ભાગ)

          સમગ્ર અધિવેશન દરમિયાન સૌથી વધારે વપરાયેલો શબ્દ ‘મંચસ્થ’ લાગતો હતો કારણ કે તે દરેક વક્તાના વક્તવ્યમાં છૂટથી વપરાતો રહ્યો હતો. અધિવેશન સાથે-સાથે જ યોજાયેલ પુસ્તક પ્રદર્શનમાં 40% જેવું માતબર વળતર આપવામાં આવેલ હોવાથી પહેલી વાર ગુજરાતીઓને પુસ્તકો ખરીદવા માટે ધક્કા-મુક્કી કરતા જોવાનો અમૂલ્ય લહાવો પણ મળ્યો. આ પ્રદર્શનમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાના પુસ્તકો હાજર હતા. વળી તેમાં માત્ર ગુજરાતના જ નહિ, પરંતું ભારત બહાર વસતા વલ્લભ નાંઢા, પન્ના નાયક અને અહમદ ગુલ જેવા ડાયસ્પોરિક લેખકોના પુસ્તકોની હાજરી નોંધપાત્ર હતી. સાથે-સાથે અમદાવાદના દ્વિતીય પુસ્તક મેળામાં હાજર નહોતા તેવા લોકમિલાપ અને યુરેનસ જેવા પ્રકાશકોના પુસ્તકોની હાજરી પણ આવકારદાયક હતી. 4,00,000 થી પણ વધારેના પુસ્તકો વેચાયાની જાહેરાત તો બીજા દિવસના અંતે જ કરવામાં આવી હતી અને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ પુસ્તક પ્રદર્શન અને તેમાં આપવામાં આવતું માતબર વળતર માત્ર ત્રણ દિવસ પૂરતું નથી પરંતુ કાયમી છે.


          સમાપન બેઠકનું સંચાલનકુમારઅને પરિષદ સાથે જોડાયેલ પ્રફુલ્લ રાવલે કર્યું હતું. ઠરાવો પસાર થયા બાદ વર્ષા અડાલજાએ કહ્યું હતું કે સાહિત્ય, પુસ્તક અને ભાષા પરત્વેની ચિંતા માત્ર અમુક સંસ્થાઓની જ નહિ પરંતું સમગ્ર સમાજની હોવી જોઈએ. જ્યારે રવીન્દ્ર પારેખે ભાષા બાબતે વધારે ચિંતાતુર થઈને ગુજરાતી ભાષાને અકાળે અવસાન પામતી અટકાવવા માટે હાકલ કરી હતી. યજમાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ અને આચાર્ય મોહનભાઈ પટેલે પરિષદને ફરી વાર આણંદમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું અને પરિષદના વિકાસમંત્રી જનકભાઈ નાયકે અધિવેશનની પૂર્ણાહુતિની જાહેરાત કરી હતી.

જાન્યુઆરી 16, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક પાંચમીઃ શિક્ષણના માધ્યમ તરીકે સાહિત્ય

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો છઠ્ઠો ભાગ)


          તારીખ 26 ડિસેમ્બર 2013 ના રોજ સવારે 8-30 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદના 47મા અધિવેશનની પાંચમી અને અંતિમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુસદ્દો હતો ‘શિક્ષણના માધ્યમ તરીકે સાહિત્ય’ અને જનક નાયકે તેનું સંચાલન કર્યું હતું.          રઘુવીર ચૌધરીએ ‘સમૂહ માધ્યમો અને સાહિત્ય’ વિષય પર વાત કરતા કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં વાચિકમ અને રંગભૂમિના સમાવેશથી શિક્ષણ પર તેની હકારાત્મક અસરો પડે છે. સોશિયલ મીડિયાને તેમણે નવું અને સશક્ત માધ્મયમ જણાવ્યું હતું અને સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે શ્રોતાઓ માટે એક લોકગીત પણ ગાયું હતું જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.

          એમબીએ, એમસીએ કે ફાર્મસી જેવા ડીગ્રીલક્ષી શિક્ષણના ઘોડાપુરમાં માનવીનો માત્ર એકાંગી વિકાસ જ થાય છે. તેના સર્વાંગી વિકાસ માટે અમેરિકા જેવા દેશોની જેમ ટેકનીકલ વિષયોની સાથે-સાથે સાહિત્યને પણ શામેલ કરવું જોઈએ કે કેમ તે વિષય પર ઠીક-ઠીક ચર્ચા થઈ. ટેકનિકલ વિષયો માણસનો IQ વધારી શકે છે પણ માણસનો EQ (Emotinaol Quotient) અને તેના પરિણામે CQ (Creative Quotient) વધારવાનું કામ તો માત્ર સાહિત્ય જ કરી શકે છે, એમ ભારપૂર્વક કહેવામાં આવ્યું.


          ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સુદર્શન આયંગરને લેપટોપ સાથે રોષ્ટ્રમ પર બોલવા ઊભા થયેલા જોઈને આ ‘સીનિયર સીટિઝન ક્લબ’ જેવી પરિષદમાં પણ સારી માત્રામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિશેષ આકર્ષણ જન્મ્યું હતું. તેમણે ‘સમાજ વિજ્ઞાનમાં સાહિત્ય’ વિષય પર વાત કરવાની શરૂઆતમાં જ બ્યુરોક્રસીની ખિલ્લી ઊડાવતી એક હિન્દી વાર્તા વાંચી સંભળાવી. તેમણે કહ્યું હતું, “માત્ર સાહિત્ય જ ખંડદર્શનમાંથી સમગ્ર દર્શન કરાવી શકે છે…સાહિત્ય સારા કેસ સ્ટડી પૂરા પાડી શકે છે અને કોઈ પણ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજાવી શકે છે…તેનો સાચો સંદર્ભ દર્શાવી શકે છે.” સર્જક ભવિષ્યના દર્શનનો આર્ષદ્રષ્ટા હોય છે એવા વિધાન સાથે તેમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું.

          પાંચમી બેઠકના અંતે વિભાગીય અધ્યક્ષ રમેશ બી. શાહે ‘ભાષા સાહિત્યનો વિકાસ અને શિક્ષણ’ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે અંતે કહ્યું હતું કે પ્રાદેશિક ભાષાઓના વિકાસથી પ્રાદેશિક સાહિત્યનો અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણથી જ પ્રદેશનો વિકાસ શક્ય બનશે.

રમેશ બી શાહના વક્તવ્યની પીડીએફ

જાન્યુઆરી 15, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક ચોથીઃ સાંસ્કૃતિક કાર્યક્રમો

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો પાંચમો ભાગ)

          25મી ડિસેમ્બરે રાત્રે 8-00 વાગ્યે યોજાયેલ ચોથી બેઠકમાં યજમાન સંસ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી અને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.          પછી સતીશ વ્યાસની હાજરીમાં જ તેમના નાટક ‘અંગુલિમાલ’ને થોડુંક ટૂંકાવીને રજૂ કરવામાં આવ્યું હતું. નાટક પછી બે પારંપરિક નૃત્યો થયા બાદ ચં.ચી. મહેતાના એકાંકી ‘હોહોલિકા’નું તરવરાટ ભર્યું મંચન કરવામાં આવ્યું હતું. બંને મંચનના દિગ્દર્શક કવિત પંડ્યા હતા અને કૉલેજના જ વિદ્યાર્થીઓએ તેમાં અભિનય કર્યો હતો. થોડોક સમય વીજળી પુરવઠો ખોરવાઈ જવા જેવી મુશ્કેલી છતાં વિશેષ પ્રમાણમાં હાજર રહેલા દર્શકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોને માણ્યા હતા.

જાન્યુઆરી 14, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક ત્રીજીઃ વિવેચન-સંશોધન

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો ચોથો ભાગ)

          25 ડિસેમ્બરે જ બપોરે 3-00 વાગ્યે વિવેચન અને સંશોધન જેવા નક્કર વિષય પર અધિવેશનની ત્રીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવેચક એ સર્જકનો જોડિયો ભાઈ છે એમ કહીને સંચાલક કીર્તિકા શાહે બેઠકની શરૂઆત કરી હતી. વિભાગીય અધ્યક્ષ અજિત ઠાકોરો અણિશુદ્ધ ઉચ્ચારોમાં ‘ભારતીય પરંપરામાં શાસ્ત્રીયવિમર્શની પદ્ધતિઓઃ ટીકાના વિશેષ સંદર્ભ’માં વિષય પર એકદમ પાંડિત્યપૂર્ણ પ્રવચન આપ્યું હતું. તેમણે નવધા શાસ્ત્રીય વિમર્શ પદ્ધતિઓની ટૂંકમાં વાત કરીને શાસ્ત્રીય વિમર્શની પદ્ધતિના ઊદાહરણ તરીકે ‘મેઘદૂતસંજીવિની’ની તલસ્પર્શી છણાવટ કરી હતી.

અજિત ઠાકોરના વક્તવ્યની પીડીએફ

          ત્યાર બાદ હર્ષવર્ધન ત્રિવેદીએ ‘સૈદ્ધાંતિક વિચારણામાં પારિભાષિક સંજ્ઞાઓનું પ્રયોજન’ વિષય પર ઊંડાણપૂર્વકનું વક્તવ્ય આપ્યું હતું. અઘરો વિષય હોવા છતાં સચેત અને રસિક શ્રોતાઓના પ્રોત્સાહનને કારણે તેઓ પોતાના સ્ટેજ ફોબિયાને અતિક્રમીને જાતે જ આખું વક્તવ્ય આપી શક્યા હતા જેને બધાએ તાળીઓથી વધાવી લીધું હતું.


          ત્યાર પછી ‘પદવી કેન્દ્રી સંશોધનોનો ફાલ અને દિશા’ વિષય પર હસિત મહેતાએ ખૂબ જ જહેમતના અંતે તૈયાર કરેલ વક્તવ્ય આપ્યું હતું. કુલ 400 ઉપરાંત શોધ મહાનિબંધ વાંચીને તેના પરિપાક રૂપે તેમણે કહ્યું હતું, “વિવેચન સૌંદર્ય સાથે સંબંધ ધરાવે છે જ્યારે સંશોધન તથ્યો સાથે…પરંતું હવે એવી પરિસ્થિતી આવી છે જ્યારે નાનકડા લેખ જેવા વિષય પર શોધમહાનિબંધ લખી નાખવામાં આવે છે…તેમાં ઊંડાણ કે વ્યાપ વર્તાતા નથી અને છીછરાપણું વ્યાપ્ત છે…તેની ભાષા છાપા કે પ્રશંસાપત્રો જેવી રેઢિયાળ જણાતી હોય છે…અને સંશોધનના અંતે ઉપસંહારમાં કશું નવું મળ્યાનું જણાતું નથી.” બકરીના ગળાના આંચળ જેવા નિરર્થક સંશોધનો માટે તેમણે ઊઠાંતરી અને ઘોસ્ટ રાઇટિંગ જેવા ગંભીર પ્રશ્નો ઊઠાવ્યા હતા.

          ત્રીજી બેઠકના છેલ્લા વક્તા તરીકે રાજેશભાઈ પંડ્યા ‘મધ્યકાલીન સાહિત્ય અને વર્તમાન સંદર્ભ’ વિષય પર બોલ્યા હતા. તેમણે વિવિધ સમયગાળામાં ગુજરાતીમાં લખાયેલી ‘રામાયણ’ અને તેના અહલ્યા, શબરી અને વાનર જેવા સંદર્ભો આપીને સર્જકની તત્કાલીન સમાજ સાથેની નિસ્બતને ચીંધી બતાવી હતી.


          બેઠકના અંતે અજિતે ઠાકોરના ‘વક્તાએ પાંચ આંગળીએ સરસ્વતી પૂજ્યા હોય તેવા શ્રોતાઓ’ સંબોધનને શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

જાન્યુઆરી 13, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક બીજીઃ કેફિયત

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો ત્રીજો ભાગ)


          અધિવેશનના બીજા દિવસે, 25 ડિસેમ્બર 2013ના રોજ, સવારે 8-00 થી 9-30 દરમિયાન પરિષદની જૂની તેમજ નવી મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ હતી.


          વિભાગીય અધ્યક્ષ માધવ રામાનુજની ગેરહાજરીમાં નીતિન વડગામાના સંચાલન હેઠળ સવારે 9-30 વાગ્યે અધિવેશનની બીજી બેઠક યોજાઈ હતી જેમાં સાહિત્યસ્વરૂપ કેફિયત હેઠળ સૌ પ્રથમ કવિ હરીશ મિનાશ્રુએ પોતાના જીવન અને કવનની કેફિયત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું, “કવિતા પોતાની રમણીયતાની ઢાંકતી રહે છે…આપણને એવો ખ્યાલ હોય છે કે કવિ પાસે એનું કોઈ ડિકોડીંગ મેન્યુઅલ હોવું જોઈએ જેના આધારે કવિતાને પામવામાં સરળતા રહે છે.” એમ કહી તેમણે કવિની કેફિયતની પ્રાસ્તાવિકતા સમજાવી હતી અને પોતાના વિવિધ સર્જન પાછળ છુપાયેલી પોતાની કેફિયત જણાવી હતી.


માધવ રામાનુજના વક્તવ્યની પીડીએફ
હરીશ મિનાશ્રુની કેફિયતની પીડીએફ

          બીજી બેઠકના બીજા વક્તા તરીકે કવિ મનોહર ત્રિવેદી હતાં. તેમણે કહ્યં હતું, “કવિતા ક્યાંથી આવે એ તો મારો વ્હાલો પણ ન સમજાવી શકે, તો હું ક્યાંથી સમજાવી શકું? એટલે મેં તો જીવનની એક જ ગતિ રાખી છે કે ‘કોઈ જાતું હળવે હળવે, કોઈ ઘા એ ઘા, તું તારી રીતે જા, તું તારી રીતે જા.’ ” તેમણે વિવિધ પ્રસંગોમાંથી ઉત્પન્ન થયેલ વિવિધ કવિતાઓ અને તેની પૃષ્ઠભૂમિનો રસાસ્વાદ કરાવ્યો હતો પોતાનું બાળપણ તેમજ બાનું સૂપડું, હિંચકો અને ગળાના તાલનો ત્રિવિધ સંગમ, લોકભારતીનું શિક્ષણ અને એવી ઘણી અંગત બાબતો વિષે તેમણે નિખાલસતાથી વાતો કરી હતી.

          જોકે આ બેઠકમાં શ્રોતાઓને સૌથી વધુ ડોલાવ્યા હતા લોકપ્રિય ગઝલકાર જલન માતરીએ. તેમણે માત્ર પોતાની જ નહિ પરંતું ગુજરાતી ભાષાની ગઝલની કેફિયત રજૂ કરી નાખી હતી. તેમણે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનની સૌ પ્રથમ ઉર્દૂ ગઝલ તેમના પરદાદા હસન અલીએ સુરતમાં રહીને લખી હતી. જોકે પ્રથમ ગુજરાતી ગઝલ વિષે એવી ચોક્કસ માહિતી નથી મળતી, પરંતું તાર્કિક અનુમાનો મુજબ પ્રથમ ગુજરાતી ગઝલ સુરતની આસપાસના કોઈ વિસ્તારમાં રચાઈ હોવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગુજરાતી ભાષામાં નાયગરા ધોધની જેમ વહી રહેલ ગઝલ માટે પોરસ અને તેની ગુણવતા વિષે ચિંતા વ્યક્ત કરીને ‘સૂરજની કબર’ બનાવનાર આ સાહિત્ય પ્રકાર માટે આશાવાદ રજૂ કર્યો હતો. તેમના વક્તવ્યના અંતભાગમાં વીજળી ચાલી ગઈ હોવા છતાં માઇકની સુવિધા વિના પણ જલન માતરીએ પોતાની ચુનંદા ગઝલો રજૂ કરીને શ્રોતાજનોને ડોલાવ્યા હતા.

જલન માતરીના વક્તવ્યનો ઑડિયો


જાન્યુઆરી 12, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક પહેલીઃ છંદ રાજેન્દ્ર

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો બીજો ભાગ)

          24મી ડિસેમ્બરે રાત્રે 8-30 વાગ્યે ‘છંદ રાજેન્દ્ર’ અધિવેશનની પ્રથમ બેઠક યોજાઈ હતી જેનો વિષય હતો રાજેન્દ્ર શાહની કવિતાઓનો આસ્વાદ. મૂળે તો આ બેઠકમાં વિભાગીય અધ્યક્ષ ધીરુ પરીખના મુખેથી સૌને રાજેન્દ્ર શાહને માણવાની આતુરી હતી પરંતું તેમની નાદુરસ્ત તબિયતને કારણે એ શક્ય બન્યું નહોતું. તેમ છતાં સંયોજક પરેશ નાયકે રસિકજનો માટે એ બેઠક રસપ્રદ રહે તેની કાળજી રાખી હતી. તેમાં ધીરુ પરીખનું વક્તવ્ય ‘રાજેન્દ્ર શાહઃ લયનો ઉત્સવ’ શામેલ કરવામાં આવ્યું હતું પરંતુ તેમની ગેરહાજરી સૌને કઠી હતી.

ધીરુ પરીખનું વક્તવ્યઃ રાજેન્દ્ર શાહ - લયનો ઉત્સવ

જાન્યુઆરી 11, 2014

ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - ઉદ્દઘાટન સમારોહ

(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો પહેલો ભાગ)

          24, 25 અને 26 ડિસેમ્બર, 2013 ના રોજ આણંદની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજના યજમાનપદે અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી ગુજરાતી સાહિત્ય પરિષદનું 47મું અધિવેશન યોજાઈ ગયું.


          24મી ડિસેમ્બર, 2013 ના રોજ સમયસર બપોરના 3-00 વાગ્યે ઉ‌દ્‍ઘાટન સમારંભની શરૂઆત થઈ જેમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘જય જય ગરવી ગુજરાત’ ગીત ગાઈને આ અને આવા અધિવેશનોના કેન્દ્રવર્તી વિચાર તરીકે શું હોવું જોઈએ તેનો અંગુલિનિર્દેશ કરી આપ્યો. ત્યારબાદ એન. એસ. પટેલ કૉલેજ તરફથી સ્વાગત મંત્રી મોહનભાઈ પટેલ અને સ્વાગત પ્રમુખ ભીખુભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું. પરિષદમંત્રી રાજેન્દ્ર પટેલ દ્વારા ત્યાર બાદ વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. પરિષદના તત્કાલીન પ્રમુખપદે બિરાજેલ વર્ષાબહેન અડાલજાએ પ્રમુખપદના કાર્યભારની સોંપણી ધીરુભાઈ પરીખને કરી હતી અને ફેસબુક તેમજ વોટ્સએપ વાપરતી નવી પેઢીને ગુજરાતી પરિષદ અને સાહિત્ય સાથે જોડાતી જોયાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. પ્રફુલ્લ રાવલે પ્રમુખશ્રીનો પરિચય કરાવ્યો.


ત્યાર બાદ ધીરુભાઈ પરીખે ઢળતી ઉંમરે અને નાજુક તબિયત છતાં પણ આશ્ચર્ય પમાડે તેવા રણકતા અવાજે ‘સર્જક અને સ્વાતંત્ર્ય’ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું, “સર્જક, અનુવાદક કે અનુસર્જક પોતાની સર્જનપ્રવૃત્તિના કાળે સંપૂર્ણ સ્વતંત્રતા અનુભવે છે. એ સ્વનો પણ તાબેદાર થતો નથી. એ સર્જનની ક્ષણોમાં પૂરેપૂરો સ્વાયત્ત હોય છે. કોઈની પણ શેહશરમમાં સર્જક સર્જનક્ષણે આવતો નથી.” ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના વિવિધ ઊદાહરણોથી સંપકૃત એવા ગહન અને અર્થસભર પ્રવચન બાદ રઘુવીર ચૌધરીએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. યજમાન સંસ્થા વતી અજયસિંહ ચૌહાણે બધાનો આભાર માન્યો હતો.
શ્રી ધીરુભાઈ પરીખના વક્તવ્યની પીડીએફ
શ્રી ધીરુભાઈ પરીખના વક્તવ્યનો ઓડિયો
રઘુવીર ચૌધરીનું વક્તવ્યનો ઓડિયો

જાન્યુઆરી 09, 2014

વર્ચ્યૂઅલ વર્લ્ડમાંથી રિઅલ વર્લ્ડમાં

          ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર અને અન્ય તમામ સોશિયલ મીડિયાને ગાળો આપવાની ફેશન થઈ ગઈ છે. પણ મને તો એ બધા જ બહુ ઉપયોગી લાગ્યા છે. તમને વાપરતા આવડે તો એ કેટલા મદદરૂપ થઈ શકે છે! મને તો એમના થકી ઘણા સારા મિત્રો મળ્યા છે. યુકેની સાહિત્ય અકાદમીનો પહેલો પરિચય જ ફેસબુક વતી થયો (થેંક્સ ટુ પંચમભાઈ શુક્લ) અને પછી તો તેમાં સમાન રસ ધરાવનારા ઘણા બધા મિત્રો મળતા જ રહ્યા.
          ગુજરાતી નેટ જગતના મેરેથોન બ્લૉગર અને મેરેથોન રનર (ઉપરાંત ઘણું બધું એવા) કાર્તિકભાઈ મિસ્ત્રીનો પ્રાથમિક પરીચય પણ બ્લૉગ અને સોશિયલ મીડીયા થકી જ થયો. તેમનો બ્લૉગ નિયમિત વાંચનારને તો કાર્તિકભાઈનું K3 ફેમિલી જરા પણ અજાણ્યું નહિ લાગે.
          અત્યારે કડકડતી ઠંડીમાં જ્યારે આખું ગુજરાત સાંજથી રજાઈમાં પ્રવેશી જાય છે ત્યારે કાર્તિકભાઈ મેરેથોન દોડવા માટે છેક મુંબઈથી અહીં આવ્યા હતા અને મેરેથોનના આગલા દિવસે જ (04/01/2014) મને મળવાનો મેળ પાડી દીધો.
          

          છેક મોડી સાંજે પણ તેઓ સમય કાઢીને મારા ઘરે આવ્યા અને અમે કેટલાય વિષયો પર પેટ ભરીને વાતો કરી. એમને પહેલી વાર મળ્યા હોય એમ તો લાગતું જ નહોતું પણ એવું જરૂર લાગતું હતું કે આ મુલાકાત વખતે તેઓ લેપટોપમાંથી કૂદકો મારીને બહાર આવી ગયા હોય!
          ગુજરાતી ભાષા પરત્વેનો તેમનો લગાવ અને નિખાલસતા સવિશેષ ગમ્યા. ફરી વાર અને વારંવાર મળવાની ઇચ્છા, જો એ બોર ન થયા હોય તો!
          અન્ય વર્ચ્યૂઅલ ફ્રેન્ડ્સને પણ રિઅલ ફ્રેન્ડ્સ બનવાનું સસ્નેહ આમંત્રણ.

જાન્યુઆરી 08, 2014

'દિવ્ય ભાસ્કર' અને 'ગુજરાત સમાચાર'માં

આ તો માત્રે એટલું જ કહેવાનું કે ગઈકાલે સ્થાનિક સમાચાર પત્રોમાં કલામ સાહેબે કરેલ પુસ્તકના વિમોચનની નોંધ લેવાઈ. હવે તેમના નામે તમને વધારે બોર નહિ કરું.

'સિટી ભાસ્કર' 8 જાન્યુઆરી 2014

'ગુજરાત સમાચાર પ્લસ', 8 જાન્યુઆરી 2014

જાન્યુઆરી 07, 2014

રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથેની મુલાકાત

જ્યારથી એવા સમાચાર મળ્યા કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને મળવા જવાનું છે ત્યારથી એ દિવસથી રાહ જોતો હતો. ઘરમાં કે મિત્રવર્તુળમાં કોઈને વાત પણ નહોતી કરી કારણ કે આવી ઘટનાઓમાં ઘણા જોઅને તોહોય છે અને છેલ્લી ઘડીએ કોઈ લોચા પડશે જ એમ મને મનથી થતું હતું.
પણ છેવટે એ દિવસ (03/01/2014) આવી પહોંચ્યો હતો. એકબાજુ અમદાવાદના કનોરિયા સેન્ટરમાં શરૂ થઈ રહેલ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહેવાની તાલાવેલી હતી તો બીજી બાજુ કલામ સાહેબને મળવાની અદમ્ય ઝંખના હતી. તો પણ જીએલએફના ઉદ્દઘાટનમાં તો પહોંચી જ ગયો અને ત્યાં ઘણી મજા માણી. પરંતું ત્યાં મારા પ્રકાશક રોનક શાહ (નવભારત સાહિત્ય મંદિર) મળી ગયા અને મને તેમણે યાદ અપાવ્યું કે મારે શાહીબાગ સમયસર હાજર રહેવું જરૂરી છે. એટલે ઉદ્દઘાટન સમારોહ પત્યા પછી મારે નીકળી જવું પડ્યું.

ઉત્તેજના એટલી હતી કે બધા કરતા સૌથી પહેલા હું જ ત્યાં પહોંચી ગયો અને પછી રાહ જોઈને કંટાળ્યો. જોકે સાડા ત્રણના સમયે એકને બાદ કરતા બધા જ આવી ગયા. પરંતું એ એક વ્યક્તિની રાહમાં અમારે દસ મિનિટ મોડું થયું અને એ દરમિયાન કલામ સાહેબને લંચ લેવા માટે બેસાડી દેવામાં આવ્યા. એટલે અમારે થોડીક વધારે રાહ જોવી પડી.
પહેલા એનેક્સી હાઉસની લાઉન્જમાં, ત્યા પછી ગેસ્ટ હાઉસના કોઈ રૂમમાં રાહ જોવામાં અમે લગભગ ચાલીસેક મિનિટ વીતાવી એ સમયે પણ જાતજાતના વિચારો આવતા રહ્યાં. કલામ સાહેબની વિંગ્સ ઑફ ફાયરવાંચતી વખતે સહેજે તેમનાથી પ્રભાવિત થઈ જવાનું બન્યું હતું. એ પુસ્તકના પ્રસંગોને હું યાદ કરતો હતો. દરમિયાન કલામ સાહેબના પી.એ. આવીને મળી ગયા અને ત્યાર બાદ વિંગ્સ ઑફ ફાયરઅને મેં અનુવાદિત કરેલ પુસ્તક વિકસિત ભારતની ખોજના સહલેખક ડૉ. અરુણ તિવારી પણ આવીને મળી ગયા એટલે થોડીક ધરપત થઈ.
ચાલીસ મિનિટના અંતે છેવટે અમને જવાની મંજૂરી મળી અને કલામ સાહેબના મુલાકાત રૂમમાં પ્રવેશતા જ ઘણી બધી કલ્પનાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ. તેમને વાંચીને એટલો ખ્યાલ તો જરૂર આવ્યો હતો કે કલામ સાહેબ ભપકાવાળા બ્યુરોક્રેટ તો નથી જ પરંતું મુલાકાત સમયે તેમનો દમામ અવશ્ય જોવા મળશે. તેના બદલે એકદમ અનૌપચારિક વસ્ત્રોમાં તેઓ ખૂબ જ સરળતાથી, ‘કમ્ફર્ટિંગસ્મિત સાથે ઊભા હતા. અને એ ખરેખર અમને આવકારવા ઊભા હતા! વળી મનમાં બીજી કલ્પના એમ પણ હતી કે જેમની સિક્યુરિટીમાં આટઆટલા સુરક્ષાકર્મીઓ હાજર છે તેમના રૂમમાં તેમનો અંગત મદદનીશ અને એવા એકાદ-બે વ્યક્તિઓ બગલમાં કોઈ કામના-નકામા ફોલ્ડર લઈને તો જરૂર હાજર હશે. તેના બદલે કલામ સાહેબ એકલા જ.
અંદર જઈને અમારા સૌ વતી પ્રકાશક રોનકભાઈ શાહે કલામ સાહેબનું અભિવાદન કર્યું અને તેમના હાથમાં મેં અનુવાદિત કરેલ પુસ્તક મૂક્યું. એ પુસ્તકના ટાઇટલ પર તેમની જેવી સુંદર સ્મિત વાળી તસવીર છે તેવા જ સ્મિત સાથે તેમણે એ પુસ્તક હાથમાં લીધું. કોઈ મોટો માણસ કે મોટા ગજાનો લેખક આવા સમયે પ્રોત્સાહન આપતો પ્રતિભાવ આપે કે વેરી ગુડઅચ્છા કિયા હૈકીપ ઇટ અપ…’ અથવા શાબાસી આપે કે પીઠ થાબડે. પરંતું કલામ સાહેબે તો એવી કોઈ મોટપ દાખવ્યા વિના એકદમ સરળ માણસની જેમ મુદ્દાનો જ સવાલ પૂછ્યો, “કૈસા જા રહા હૈ યે?” તેમનો મતલબ હતો કે આ પુસ્તકનું વેચાણ અને પ્રતિભાવ કેવો છે? રોનકભાઈએ તેનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો.
સિદ્ધાર્થ રામાનુજ આ પુસ્તકના ટાઇટલના ડિઝાઇનર છે અને એ કલામ સાહેબ માટે વી. રામાનુજ સાહેબે દોરેલ એક ડ્રોઇંગને મઢાવીને લાવ્યા હતા. તેમણે એ ડ્રોઇંગ કલામ સાહેબને ભેટમાં આપ્યું ત્યારે પણ એજ સહજતાથી તેમણે પૂછ્યું, “યે કહાં કા ડ્રોઇંગ હૈ?” મૂળે એ ચિત્ર પોરબંદરની કોઈ વેસ્ટલેન્ડનું હતું કે જે જમીન માફિયાઓના કબજામાં હતી. ગામના લોકોએ સામૂહિક પ્રયત્નોથી તેને મુક્ત કરાવીને મીઠા પાણીની મદદથી પડતરમાંથી ઊપજાઉ બનાવી દીધી છે. આટલી જ વાત હતી પણ સિદ્ધાર્થભાઈએ પણ કદાચ મારી જેમ જ કલામ સાહેબ વિશે બહુ મોટા અને ખોટા ખ્યાલ બાંધ્યા હશે. તેમને એમ હશે કે કલામ સાહેબ પાસે આવું બધું પૂછવા સાંભળવાનો સમય ક્યાં હશે? એટલે તેમણે મનથી એવા કોઈ જ સવાલની તૈયારી નહિ રાખી હોય. જ્યારે કલામ સાહેબે ખરેખર તેમને એમ પૂછ્યું ત્યાર પેલી નાનકડી વાત પણ તેમણે ખચકાટ સહ એકદમ લંબાણથી સમજાવી.
ત્યાર બાદ કુણાલભાઈ શાહે મારી ઓળખાણ અનુવાદક તરીકે કરાવી. એક ક્ષણમાં કલામ સાહેબે મને જોઈને હાથ મિલાવ્યા. મને કહ્યું કે અચ્છા કિયા હૈઅને ફરી પાછું એક અદના આદમી તરીકે તેમણે મને પૂછ્યું કે પુસ્તક કેવું લાગ્યું. મેં કહ્યું કે, “આઇ હોપ ઑલ ધ પીપલ ઑફ અવર નેશન શેર્સ યોર ડ્રીમ. (હું આશા રાખું કે આપના સ્વપ્નમાં આપણા રાષ્ટ્રના તમામ લોકો સહભાગી બને).તેમણે એ સાંભળીને ફરી વાર સ્મિત આપ્યું.
તેમના પુસ્તકો પરથી તરત જ ખ્યાલ આવી જાય છે કે તેઓ એક બાબત દ્રઢપણે માને છે કે ભારતનો વિકાસ ભારતનું યુવાધન જ કરી શકશે. માટે તેમના અનુવાદિત પુસ્તકના પ્રકાશક, ડિઝાઇનર અને અનુવાદક તરીકે યુવાનોને હાજર જોઈને તે ખુશી અનુભવતા હતા. અત્યાર સુધી તો તેઓ તેમના રૂમમાં અમારાથી જ ઘેરાયેલા હતાં. તેમની સાથે મારી ઓળખાણ કરાવવામાં આવી ત્યાર બાદ તેમના સહલેખક ડૉ. અરુણ તિવારી પ્રવેશ્યા. તેમને જોઈને કલામ સાહેબે મારી તરફ આંગળી ચીંધીને કહ્યું, “મીટ ધી યંગ ટ્રાન્સલેટર. ઇન્હોને યે ટ્રાન્સલેશન કિયા હૈ!પ્રશસ્તિ તો કોને ન ગમે? પરંતું કલામ સાહેબને વધારે આનંદ એ હતો કે ભારતનું યુવાધન સરસ કામ કરી રહ્યું છે.
પછી ડૉ. તિવારીએ પણ મને અન્ય એક નવા પુસ્તકની માહિતી આપી અને તેની મેન્યુસ્ક્રીપ્ટ મોકલી આપવાનું વચન આપ્યું. તેમણે પણ સરળતાથી કહ્યું, “દેખ કે બતાના કી ટ્રાન્સલેશન કરને જૈસી બુક હૈ કી નહિ?” 
એ દરમિયાન રોનક ભાઈ અને કુણાલ ભાઈએ ભેગા મળીને સાથે લાવેલા પુસ્તકો બેગમાંથી કાઢી રાખ્યા હતા અને અનૌપચારિક રીતે કલામ સાહેબે મારા (અમારા) પુસ્તકનું અંગત વિમોચન કર્યું.
તેમને મળવા માટે મુલાકાતીઓની કતાર લાગેલી જ હતી એટલે અમારે અનિચ્છાએ પણ એ કક્ષની બહાર નીકળવું જ પડશે એની તો અમને જાણ હતી જ. પણ જતા-જતા મારે તેમના અનુવાદિત પુસ્તક પર તેમના હસ્તાક્ષર કરાવવા હતા એટલે મેં વિકસિત ભારતની ખોજનું પહેલું પાનું ખોલીને તેમની સામે ધર્યું. તેમણે એકદમ સૂચક નજરે મારી સામે જોઈને સમજાવી દીધું કે તેમને હસ્તાક્ષર આપવામાં કોઈ જ વાંધો નથી પરંતું તેમની પાસે પેન નથી. (આવા સરળ માણસ હસ્તાક્ષર આપવા ખિસ્સામાં પેન લઈને તો ન જ ફરતા હોય.) એટલે મેં મારા ખિસ્સામાં રહેલી પેન તેમને આપી. તેમણે હસ્તાક્ષર કરી આપ્યા. સિદ્ધાર્થ ભાઈ તેમનું એક કેરીકેચર પણ ઘરેથી બનાવી લાવેલા જેની પર તેમણે પણ હસ્તાક્ષર લીધા. હસ્તાક્ષર કરીને યાદ રાખીને તેમણે એ પેન મને પાછી પણ આપી.
અમે બધા સરળ માણસની સાદગીથી અંજાઈને એ રૂમમાંથી બહાર નીકળ્યા હતા. રૂપિયાનો સિક્કો ખખડાટ કરતો હશે, હજારની નોટ નહિ. ખરૂને?

જાન્યુઆરી 03, 2014

મારો ત્રીજો અનુવાદ 'વિકસિત ભારતની ખોજ – એપીજે અબ્દુલ કલામ’

મિત્રો,
          અશ્વિનસાંઘીની ‘ચાણક્ય મંત્ર’ અને શોભા ડેની ‘શેઠજી’ જેવી બે નવલકથાઓના અનુવાદ પછી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ અને સહલેખક ડૉ. અરુણ તિવારી દ્વારા લખવામાં આવેલ પુસ્તક ‘Squaring the Circle – Seven Steps to Indian Rennaissance’ નો ગુજરાતી અનુવાદ કરવાનું મહત્વાકાંક્ષી બીડું ઝડપ્યું હતું. તેનું પરિણામ આજે આપની સામે છે, જેનું નામ છે, ‘વિકસિત ભારતની ખોજ – ભારતની પુનર્જાગૃતિ પ્રતિ સાત પગલાં’. આજે જ (03/01/2014) કલામ સાહેબે ડૉ. અરુણ તિવારી સાથે શાહીબાગના એનેક્સી હાઉસમાં તેનું વિમોચન કર્યું હતું.

ડાબેથી કુણાલ શાહ, રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, સહલેખક ડૉ. અરુણ તિવારી, પ્રકાશક રોનક શાહ, અનુવાદક ચિરાગ ઠક્કર 'જય', ટાઇટલના ડિઝાઇનર સિદ્ધાર્થ રામાનુજ
          ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામે ‘વિઝન 2020’ માં આપણા વિકાસશીલ રાષ્ટ્રને વિકસિત બનાવવાનું સ્વપ્ન આપ્યું હતું. એ સ્વપ્નને નક્કર હકીકતમાં પરિવર્તિત કરવા માટે તેમણે ‘વિકસિત ભારતની ખોજ’ માં સાત પગલા દર્શાવ્યા છે. એ પગલાને અનુસરીને આપણે ચોક્કસ વિકસિત રાષ્ટ્રની હરોળમાં બેસી શકીએ તેમ છીએ.
Squaring the Circle - APJ Abdul Kalam & Dr Arun Tiwari
વિકસિત ભારતની ખોજ - ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          પુસ્તકમાં એક જગ્યાએ કલામ સાહેબ કહે છે, “એક એવી યુવા જાગૃતિ ચળવળ ચલાવીએ કે જેથી બધાને ખ્યાલ આવે કે વિકસિત ભારતમાં જીવવું તે બધાનો જન્મસિદ્ધ અધિકાર છે અને ભ્રષ્ટાચારને કારણે તેઓનો અધિકાર ખોવાવો જોઈએ નહિ.” પુસ્તકના અંત ભાગમાં તેમણે એમ પણ કહ્યું છે કે મારો જન્મ ગુલામ ભારતમાં થયો, મેં જીવન વિકાસશીલ ભારતમાં વ્યતીત કર્યું છે પરંતું હું મૃત્યું વિકસિત ભારતમાં જ પામવા માંગું છું. અને તેઓ માત્ર સ્વપ્ન જોઈને બેસી ન રહેતા એ દિશામાં ઘણા નક્કર કાર્યો કરે છે. આ પુસ્તક એ અવિરત શૃંખલાની જ એક કડી છે.
કલામ સાહેબના હસ્તાક્ષર

          બાકી પુસ્તક કેવું લખાયું છે કે તેનો અનુવાદ કેવો થયો છે એના વિશે તો આપનાથી વધારે ઉત્તમ નિર્ણાયક કોણ હોઈ શકે?
          સસ્નેહ,
          ચિરાગ ઠક્કર ‘જય’
પુસ્તકની વિગતો
નામઃ વિકસિત ભારતની ખોજ
ISBN: 978-81-8440-856-0
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, (0091-79-2213 9253 અને 0091-79-2213 2921)
કિંમતઃ ₹ 300