તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 20, 2013

દેવયાની ખોબ્રાગડે વાળા મુદ્દાની બીજી બાજુ

          પોલિટિકલ ઇમ્યુનિટી ને ભારતના 'ગૌરવ'નો પ્રશ્ન બાજુમાં મૂકો, તો દેવયાની ખોબ્રાગડે વાળા કિસ્સામાં એક અગત્યનો મુદ્દો ચૂકી ગયાનું દેખાશે. મુદ્દાની વાત એ છે કે એશિયન માઇગ્રન્ટ્સના એક મોટા ભાગમાં બે વસ્તુઓ અચૂક જોવા મળતી હોય છેઃ

(1) વિઝા માટે અથવા અન્ય કોઈ પણ નાના-મોટા કામમાં કાયદાને અવગણવાની વૃત્તિ

યુકેમાં તો 7 વર્ષ હાજર રહીને જોયું છે કે ત્યાં સ્ટુડન્ટ વિઝા પર આવતા 90% વિદ્યાર્થીઓ ખોટું બોલીને, ખોટા દસ્તાવેજોની મદદથી, નિયમોનો ભંગ કરવાની છૂટ આપતી કૉલેજમાં જ એડમિશન લેતા હોય છે અને ભણવાના બહાને રૂપિયા કમાવાનો પ્રયત્ન કરતા હોય છે. યુકેમાં પાર્કિંગ બહુ મોટો પ્રશ્ન છે પરંતું તેમાં ડિસેબલ (વિકલાંગ) લોકોને ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ મળે છે. એટલે જો કોઈના કુટુંબમાં ગમે તે એક વ્યક્તિ ડિસેબલ હોય, તો તેને મળેલા પાર્કિંગ અધિકારનો ઉપયોગ આખું કુટુંબ છૂટથી કરતું હોય છે, ભલે ને તે વ્યક્તિ એ સમયે ગાડીમાં હાજર હોય કે ન હોય.

(2) શક્ય હોય ત્યાં આર્થિક શોષણ કરવાની વૃત્તિ

બને એટલું બચાવી લેવું અને તેના માટે કોઈનું શોષણ કરવું પડે તો વિનાસંકોચે કરવું. અત્યારે યુકેમાં કોઈ પણ કામ માટે વયસ્ક વ્યક્તિને પ્રતિ કલાક ઓછામાં ઓછા £6.31 તો ચૂકવવા જ પડે અને તેમ છતાં એવા કામ કરાવનાર અને કરનાર ત્યાં છે કે જે 12 કલાકના £20 કે £25 મેળવતા/આપતા હોય છે. વિદેશમાં ગમે તે કારણસર ગેરકાયદેસર રીતે વસી ગયેલા અથવા ગેરકાયદેસર રીતે કામ કરતા માઇગ્રન્ટ્સ પાસે તો કાયદા પાસે જવાનો વિકલ્પ જ ન હોવાથી તેઓ પણ પોતાના કરતા વધું શોષણ પામતા લોકોને જોઈને ખુશ રહેતા હોય છે અથવા મન મનાવી લેતા હોવ છે.

          પોતાના મૂળ દેશના ઉછેરમાંથી આવેલ (કુ)સંસ્કાર હોય કે લોભ, પણ આ વસ્તુ ત્યાં નજરે જોયેલી અને અનુભવેલી છે. દેવયાની વાળા મુદ્દામાં પણ આ બંને વાતો દેખાય છે પરંતું તેની અવગણના કરવામાં આવી છે, એટલે આ તો ધ્યાન દોર્યું. આમ પણ 'સમરથકો ના દોષ ગુંસાઇ' એટલે જગતનું જમાદાર અમેરિકા આવા કિસ્સામાં પીછે હઠ કરે જ નહિ, એ તો સ્પષ્ટ છે. અને ભારતનું ગૌરવ હણાતું અટકાવવું હોય, તો ભારતમાં પણ ઘણા કામ થઈ શકે છે, ખરું ને? અને હા, આ બે વૃત્તિઓ માત્ર એશિયન માઇગ્રન્ટ્સમાં જ હોય છે એવું નથી હોતું, પરંતું તેમનામાં એ હોવાનું પ્રમાણ વધારે હોય છે.

3 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.