તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 24, 2013

મારો દ્વિતીય અનુવાદ 'શેઠજી - શોભા ડે'

મિત્રો,
          અંગ્રેજી ભાષામાં ભારતમાં લખતા લેખકોમાં શોભા ડે બહુ મોટું નામ છે. તેમનો આગવો વાચક વર્ગ છે અને તેઓ ફિક્શન તેમજ નોન-ફિક્શન, બંને લખે છે અને તેમના બંને પ્રકારના પુસ્તકો થોકબંધ વેચાય છે અને વંચાય છે. એમની એક નવલકથા 'શેઠજી'નો ગુજરાતી અનુવાદ લઈને આપની સમક્ષ આવ્યો છું.


Sethji - Shobh Dey, Translated into Gujarati by Chirag Thakkar 'Jay'
શેઠજી', લેખિકાઃ શોભા ડે, ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          આ નવલકથાને ટિપિકલ શોભા ડે નવલકથા કહી શકાય. આ વખતે લેખિકાએ ભારતના રાજકારણની અંધારી ગલીઓ પસંદ કરી છે. રાજકારણની સાથે-સાથે તેમાં સંબંધોના અજીબ તાણાવાણા પણ ગૂંથાયેલા છે. રૂંવાડા ઊભા કરી દે તેવી થ્રિલર કથા નથી પણ રસ જાળવી રાખે એવું તેનું ફલક છે. સાથે-સાથે જ તેમાં કામાતુર પ્રેમની ભરમાર પણ છે. ટૂંકમાં શોભા ડે પાસેથી જે જે અપેક્ષા રાખવામાં આવે છે એ બધા પર એ ખરી ઉતરે તેવી નવલકથા છે. પરંતું આ નવલકથાનું સૌથી પ્રભાવક પાસુ છે હીરા જેવું શેઠજી અને તેમની પુત્રવધુ અમૃતાનું પાત્રાલેખન અને તેમની વચ્ચેનો સંબંધ. શેઠજી હીરાની જેમ અત્યંત મજબૂત છે (અને ઘીટ પણ ખરા) અને અમૃતા હીરા જેવી જ ચમકદાર અને આકર્ષક છે. શેઠજીનો પરિવાર રાજકારણના કાવાદાવામાં ફસાય છે અને તે બંને ભેગા મળીને તેમાંથી કઈ રીતે બહાર આવે છે, તેની ધરી પર આ આખી નવલકથા રચાયેલી છે.

          સૌ પ્રથમ તો મૂળ નવલકથાને વફાદાર રહીને તેનો શબ્દશઃ અનુવાદ કર્યો હતો. તેમાં શોભા ડે ની શૈલીમાં વણાયેલી ઘણી બધી ગાળો અને પ્રણયપ્રચુર વર્ણનો યથાવ‌ત્ રાખ્યાં હતાં. ફર્સ્ટ પ્રુફ વંચાયા પછી એવો અભિપ્રાય આપવામાં આવ્યો કે 'ગુજરાતી વાચકો તેને સ્વીકારશે નહિ'. એટલે થોડીક તીખાશ ઓછી કરવામાં આવી. ત્યાર બાદ સેકન્ડ પ્રુફમાં પણ એજ અભિપ્રાય આવ્યો કે 'હજી થોડું માઇલ્ડ કરવું પડશે'. પણ મેં કહ્યું કે 'ભાજીપાંઉની મજા જ તેના મસાલામાં હોય છે. મસાલો કાઢી નાખશો તો બાફેલી સબ્જી ખાવામાં કોઈને શું રસ પડશે? એના કરતા જેમ છે એમ પીરસીએ અને સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય લેવાનું વાચકો પર છોડીએ.' એટલે હવે તમારા હાથમાં જે છે એ મોટાભાગે મૂળ પુસ્તકને વફાદાર રહીને કરેલો અનુવાદ છે, માત્ર થોડાક શબ્દો (ખાસ કરીને ગાળો) બદલવામાં આવ્યા છે.

          નવભારત સાહિત્ય મંદિરે તેને પ્રકાશિત કરી છે અને પુસ્તક મેળવવામાં કોઈ તકલીફ પડે તો તમે પ્રકાશકનો કે મારો સંપર્ક કરી શકો છો.

          તો વાંચીને જણાવજો કે તે ગુજરાતી વાચકને સ્વીકાર્ય છે કે નહિ?

          આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ,

          ચિરાગ ઠક્કર 'જય'

પુસ્તકની વિગતોઃ

નામઃ શેઠજી
લેખિકાઃ શોભા ડે
ISBN: 978-81-8440-830-0
ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર (Phone) 079-2213 9253, 079-2213 2921
કિંમતઃ ₹ 250

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

2 ટિપ્પણીઓ:

  1. પુસ્તક વિષે ઘણી ઉત્કંઠા છે। . . . મારા મતે , આપે ઠીક જ કર્યું કે મૂળ પુસ્તક'ને જ વફાદાર રહીને અનુવાદ રાખ્યો અને વાંચકોને જ સઘળુ સોપી દીધું।

    . . કારણકે જો લોકો શોભા ડે'નું પુસ્તક વાંચવા માંગતા હોય તો તેનો મતલબ એ જ કે તેઓ શોભા ડે'ને જાણવા માંગે છે અને માણવા માંગે છે। . . . અને અનુવાદ'માં મૂળ લેખક'ની શૈલી ખોવાઈ જવી ન જોઈએ .

    જવાબ આપોકાઢી નાખો
  2. આભાર નિરવભાઈ. વાંચીને પ્રમાણિક અભિપ્રાય આપશો તો સવિશેષ આનંદ થશે.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.