તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 11, 2013

આકંઠ, અનર્ગળ અને અનરાધાર અશ્વિની ભટ્ટ


 • પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ અશ્વિની ભટ્ટને સ્નેહ સભર શ્રદ્ધાંજલી. જોકે એ આપણી વચ્ચેથી ગયા હોય એમ લાગતું નથી કારણ કે મારા જેવો જે ભાવકો તેમને માત્ર અક્ષરદેહે ઓળખતા તેમના માટે તો તેમની અનર્ગળ કલમની આકંઠ અને અનરાધાર મોહિની હાજરાહજૂર જ છે.
  સ્વ. અશ્વિની ભટ્ટ
  (12-07-1936 થી 10-12-2012)
 • 'હેરી પોટર' પુસ્તકોમાં ત્રણ પ્રકારના માણસો હોય છેઃ મગલ્સ, વિચીઝ-વિઝર્ડ્સ અને સ્ક્વીબ. જેને જાદુ આવડતું જ નથી તે બધા મગલ્સ. જાદુ આવડે છે એ બધા વિચીઝ અને વિઝર્ડ્સ અને જેના લોહીમાં જાદુ છે પરંતું જે જાદુ કરી નથી શકતા એ બધા સ્ક્વીબ. મારા મનના અશ્વિની જગતમાં પણ એવા જ ત્રણ ભાગ છે. પુસ્તકો વાંચતા જ નથી એવા મગલ્સ, અશ્વિની ભટ્ટને વાંચે છે એવા વિચીચ-વિઝર્ડ્સ અને જે પુસ્તકો વાંચે છે પરંતું અશ્વિની ભટ્ટને નથી વાંચતા એવા સ્ક્વીબ. ગત વર્ષમાં એવા બે સ્ક્વીબને દાદાના પુસ્તકોની મોહીની લગાડી. એક નાનકડી વાર્તા વાંચીને મારા નેટ-ફ્રેન્ડ બનેલા સંસ્કૃત શિક્ષિકા જ્યોતિ પટેલે સાતેક મહિનામાં જ દાદાની બધી નવલકથાઓ વાંચી નાખી. જ્યારે કવિ મિત્ર જયંત ડાંગોદરાને તો ચેલેન્જ સાથે 'કમઠાણ' આપી કે આ વાંચો અને ખડખડાટ હસવું આવે, તો અને તો જ મને પૈસા આપજો. ગઈ કાલે જ એમનો ફોન આવ્યો કે 'કમઠાણ' વાંચીને એ બહુ જ હસ્યા છે અને મને પૈસા આપવા તત્પર છે. છેને અશ્વિની ભટ્ટની મોહિની હાજરાહજૂર!
 • આજે જ દાદાના મિત્ર વી. રામાનુજને મળવાનું થયું અને તેમની વાત નીકળતા જ જુનિયર અને સીનિયર રામાનુજ બંને રંગમાં આવી ગયા અને તેમની અસંખ્ય યાદોને વાગોળી. વધતી ઉંમરે અને પેસ-મેકર સાથે પણ દાદા જૂના સ્કૂટર પર કીક મારીને એમને મળવા આવતા અને એક લીટી લખવા માટે પણ લાંબી હડીયાપટ્ટી કાઢવામાં અચકાતા નહિ એમ કહીને એમણે બીજી ઘણી વાતો કરી.
 • ગુજરાત સમાચારે દાદાની હપ્તાવાર નવલકથા આર્થિક કારણો આપી છાપવાનું નકાર્યું હતું એના વી. રામાનુજ સાક્ષી રહ્યાં હતા. દાદા પણ પોતાની અફલાતૂન પ્રોડક્ટ સસ્તામાં આપવાનું માનતા નહિ, એ તો આપણે જાણીએ જ છીએ. "જો ત્યાં વાત બની ગઈ હોત, તો આપણને એમની એક વધુ નવલકથા વાંચવા મળી ગઈ હોત." એમ કહીને નિસાસો નાખીને એમણે કહ્યું હતું કે એમના બદલે ગુજરાત સમાચારે વિભાવરી વર્માના નામે પાના ભરવાનું શરૂ કર્યું. (અને આપણે તો જાણીએ જ છીએ કે આ વિભાવરી વર્મા ખરેખર કોણ છે!)
 • એવું જ કંઈક ચિત્રલેખામાં પણ બન્યું હતું. ત્યાં નવલકથાના છએક પ્રકરણ આપ્યા પછી સ્વ. શ્રી હરકિસન મહેતાના નવલકથા બાબતના 'ક્રિએટીવ સજેસન્સ' માન્ય રાખીને નવલકથાની દિશા અને દશા બદલવાના બદલે દાદાએ ત્યાં પણ લખવાનું જતું કર્યું હતું, એમ પણ રામાનુજસાહેબે કહ્યું. હવે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની વાત આવે એટલે કિશોર અને રફીના ચાહકો જેવો ઘાટ થાય. આપણને તો બંને પ્રિય એટલે સરવાળે તો દાદાના ચાહકોના ખાતે જ નુકસાની નોંધાઈ.
 • 'કડદો'નું તો ટાઇટલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું પણ પછી એ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં આવીને અટકી પડ્યો. દાદા માત્ર स्वान्तः सुखाय માટે નહોતા લખતા, તેઓ વાચકોને લક્ષ્યમાં રાખીને પોતાની રચનાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતા. (આને આપણે તેમનું Pro Characteristics કહી શકીએ.) આથી તેઓ માત્ર લખીને અટકી નહોતા જતા. એકની એક વસ્તુને તેઓ એકથી વધારે વાર લખતા અને પુનર્લેખન બાદ અટકી પણ જતા નહિ. લેખન પછી તેનું સટીક સંપાદન પણ કરતા. જેમણે 'આખેટ' અભિયાનમાં વાંચી હોય અને પછી નવલકથા સ્વરૂપે સળંગ વાંચી હોય, તેમને દાદાના એડિટિંગનો ખ્યાલ જરૂર આવશે. 'કડદો' માં પણ કંઇક એવું જ બન્યું છે. લેખન પછી પુનર્લેખન અને સંપાદનના તબક્કામાં એ અટક્યું હોય એમ લાગે છે. વધુ માહિતી તો Urvish Kothari કે Dhaivat Trivedi જેવા કોઈ 'જાણભેદુ' આપે ત્યારે ખબર પડે. જોકે 'કડદો'ના અમુક અંશો તેમની શ્રદ્ધાંજલીમાં સાંભળવા મળ્યા હતા અને તેમાં એમણે 'જ.મો.' થી જે જમાવટ કરી હતી તે સાંભળ્યા બાદ એ પુસ્તક વાંચવાની આતુરતા વધી જવા પામી છે. Fingers Crossed!
 • હવે તો દાદાના પુસ્તકો વાંચીએ અને વંચાવીએ એજ એમને સાચી શ્રદ્ધાંજલી.
અપડેટેડ (13-12-2013)
(ફોટો વિકિપીડિયા પરથી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.