તાજેતરની પોસ્ટસ

December 29, 2013

Amazon.in, flipkart.com અને booksonclick.com પર મારા અનુવાદિત પુસ્તકો

          અમદાવાદ (અને ભારત) બહાર વસતા અમુક મિત્રોએ પૂછાવ્યું હતું કે મારા બંને અનુવાદિત પુસ્તકો કેવી રીતે મેળવી શકાય. તો એ અત્યારે www.amazon.in, www.flipkart.com, www.booksonclick.com અને  www.gujaratibooks.com પર ઉપલબ્ધ છે, એ આપ સૌની જાણ માટે.લિંક્સઃ

1. ચાણક્ય મંત્ર


2. શેઠજી - શોભા ડે

December 24, 2013

મારો દ્વિતીય અનુવાદ 'શેઠજી - શોભા ડે'

મિત્રો,
          અંગ્રેજી ભાષામાં ભારતમાં લખતા લેખકોમાં શોભા ડે બહુ મોટું નામ છે. તેમનો આગવો વાચક વર્ગ છે અને તેઓ ફિક્શન તેમજ નોન-ફિક્શન, બંને લખે છે અને તેમના બંને પ્રકારના પુસ્તકો થોકબંધ વેચાય છે અને વંચાય છે. એમની એક નવલકથા 'શેઠજી'નો ગુજરાતી અનુવાદ લઈને આપની સમક્ષ આવ્યો છું.


Sethji - Shobh Dey, Translated into Gujarati by Chirag Thakkar 'Jay'
શેઠજી', લેખિકાઃ શોભા ડે, ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          આ નવલકથાને ટિપિકલ શોભા ડે નવલકથા કહી શકાય. આ વખતે લેખિકાએ ભારતના રાજકારણની અંધારી ગલીઓ પસંદ કરી છે. રાજકારણની સાથે-સાથે તેમાં સંબંધોના અજીબ તાણાવાણા પણ ગૂંથાયેલા છે. રૂંવાડા ઊભા કરી દે તેવી થ્રિલર કથા નથી પણ રસ જાળવી રાખે એવું તેનું ફલક છે. સાથે-સાથે જ તેમાં કામાતુર પ્રેમની ભરમાર પણ છે. ટૂંકમાં શોભા ડે પાસેથી જે જે અપેક્ષા રાખવામાં આવે છે એ બધા પર એ ખરી ઉતરે તેવી નવલકથા છે. પરંતું આ નવલકથાનું સૌથી પ્રભાવક પાસુ છે હીરા જેવું શેઠજી અને તેમની પુત્રવધુ અમૃતાનું પાત્રાલેખન અને તેમની વચ્ચેનો સંબંધ. શેઠજી હીરાની જેમ અત્યંત મજબૂત છે (અને ઘીટ પણ ખરા) અને અમૃતા હીરા જેવી જ ચમકદાર અને આકર્ષક છે. શેઠજીનો પરિવાર રાજકારણના કાવાદાવામાં ફસાય છે અને તે બંને ભેગા મળીને તેમાંથી કઈ રીતે બહાર આવે છે, તેની ધરી પર આ આખી નવલકથા રચાયેલી છે.

          સૌ પ્રથમ તો મૂળ નવલકથાને વફાદાર રહીને તેનો શબ્દશઃ અનુવાદ કર્યો હતો. તેમાં શોભા ડે ની શૈલીમાં વણાયેલી ઘણી બધી ગાળો અને પ્રણયપ્રચુર વર્ણનો યથાવ‌ત્ રાખ્યાં હતાં. ફર્સ્ટ પ્રુફ વંચાયા પછી એવો અભિપ્રાય આપવામાં આવ્યો કે 'ગુજરાતી વાચકો તેને સ્વીકારશે નહિ'. એટલે થોડીક તીખાશ ઓછી કરવામાં આવી. ત્યાર બાદ સેકન્ડ પ્રુફમાં પણ એજ અભિપ્રાય આવ્યો કે 'હજી થોડું માઇલ્ડ કરવું પડશે'. પણ મેં કહ્યું કે 'ભાજીપાંઉની મજા જ તેના મસાલામાં હોય છે. મસાલો કાઢી નાખશો તો બાફેલી સબ્જી ખાવામાં કોઈને શું રસ પડશે? એના કરતા જેમ છે એમ પીરસીએ અને સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય લેવાનું વાચકો પર છોડીએ.' એટલે હવે તમારા હાથમાં જે છે એ મોટાભાગે મૂળ પુસ્તકને વફાદાર રહીને કરેલો અનુવાદ છે, માત્ર થોડાક શબ્દો (ખાસ કરીને ગાળો) બદલવામાં આવ્યા છે.

          નવભારત સાહિત્ય મંદિરે તેને પ્રકાશિત કરી છે અને પુસ્તક મેળવવામાં કોઈ તકલીફ પડે તો તમે પ્રકાશકનો કે મારો સંપર્ક કરી શકો છો.

          તો વાંચીને જણાવજો કે તે ગુજરાતી વાચકને સ્વીકાર્ય છે કે નહિ?

          આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ,

          ચિરાગ ઠક્કર 'જય'

પુસ્તકની વિગતોઃ

નામઃ શેઠજી
લેખિકાઃ શોભા ડે
ISBN: 978-81-8440-830-0
ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર (Phone) 079-2213 9253, 079-2213 2921
કિંમતઃ ₹ 250

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

December 22, 2013

100,000 +

          
          આમ તો મારા બ્લૉગમાં કેટલી પોસ્ટ થઈ કે કેટલી કોમેન્ટ્સ મળી એવા કોઈ આંકડા પબ્લિશ નથી કરતો [કારણ કે એ કંઈ ખાસ પ્રભાવક હોતા પણ નથી! :) ]. વળી એમાં મેં કંઈ ધાડ પણ મારી નથી હોતી. ઇન્ટરનેટ પર હવે તો અસંખ્ય ગુજરાતી બ્લૉગ છે અને તેમાંના ઘણા બહુ જ સરસ પણ છે. પરંતું આ વખતે મન થઈ ગયું કારણ કે બ્લૉગના ટોટલ પેજવ્યૂઝ 100,000 થી વધારે થઈ ગયા છે. એ માટે આપ સૌનો આભાર કારણ કે વાચક ન હોય, તો કોઈ પણ લખાણનું શું મહત્વ? (જોકે મને ખબર છે કે 100,000 પેજવ્યૂઝનો મતલબ એટલા યુનિક વિઝિટર્સ છે એમ નથી થતો.) 

          અને હા, પાછલા 6-7 મહિનાથી અભ્યાસ અને કામમાં વ્યસ્ત હતો એટલે બ્લૉગ બહુ હાથમાં નહોતો લેવાતો. હવે પાછો આવી ગયો છું એટલે ઘરમાં માથાના દુઃખાવાની ગોળીઓનો સ્ટોક કરી લેજો.

December 20, 2013

દેવયાની ખોબ્રાગડે વાળા મુદ્દાની બીજી બાજુ

          પોલિટિકલ ઇમ્યુનિટી ને ભારતના 'ગૌરવ'નો પ્રશ્ન બાજુમાં મૂકો, તો દેવયાની ખોબ્રાગડે વાળા કિસ્સામાં એક અગત્યનો મુદ્દો ચૂકી ગયાનું દેખાશે. મુદ્દાની વાત એ છે કે એશિયન માઇગ્રન્ટ્સના એક મોટા ભાગમાં બે વસ્તુઓ અચૂક જોવા મળતી હોય છેઃ

(1) વિઝા માટે અથવા અન્ય કોઈ પણ નાના-મોટા કામમાં કાયદાને અવગણવાની વૃત્તિ

યુકેમાં તો 7 વર્ષ હાજર રહીને જોયું છે કે ત્યાં સ્ટુડન્ટ વિઝા પર આવતા 90% વિદ્યાર્થીઓ ખોટું બોલીને, ખોટા દસ્તાવેજોની મદદથી, નિયમોનો ભંગ કરવાની છૂટ આપતી કૉલેજમાં જ એડમિશન લેતા હોય છે અને ભણવાના બહાને રૂપિયા કમાવાનો પ્રયત્ન કરતા હોય છે. યુકેમાં પાર્કિંગ બહુ મોટો પ્રશ્ન છે પરંતું તેમાં ડિસેબલ (વિકલાંગ) લોકોને ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ મળે છે. એટલે જો કોઈના કુટુંબમાં ગમે તે એક વ્યક્તિ ડિસેબલ હોય, તો તેને મળેલા પાર્કિંગ અધિકારનો ઉપયોગ આખું કુટુંબ છૂટથી કરતું હોય છે, ભલે ને તે વ્યક્તિ એ સમયે ગાડીમાં હાજર હોય કે ન હોય.

(2) શક્ય હોય ત્યાં આર્થિક શોષણ કરવાની વૃત્તિ

બને એટલું બચાવી લેવું અને તેના માટે કોઈનું શોષણ કરવું પડે તો વિનાસંકોચે કરવું. અત્યારે યુકેમાં કોઈ પણ કામ માટે વયસ્ક વ્યક્તિને પ્રતિ કલાક ઓછામાં ઓછા £6.31 તો ચૂકવવા જ પડે અને તેમ છતાં એવા કામ કરાવનાર અને કરનાર ત્યાં છે કે જે 12 કલાકના £20 કે £25 મેળવતા/આપતા હોય છે. વિદેશમાં ગમે તે કારણસર ગેરકાયદેસર રીતે વસી ગયેલા અથવા ગેરકાયદેસર રીતે કામ કરતા માઇગ્રન્ટ્સ પાસે તો કાયદા પાસે જવાનો વિકલ્પ જ ન હોવાથી તેઓ પણ પોતાના કરતા વધું શોષણ પામતા લોકોને જોઈને ખુશ રહેતા હોય છે અથવા મન મનાવી લેતા હોવ છે.

          પોતાના મૂળ દેશના ઉછેરમાંથી આવેલ (કુ)સંસ્કાર હોય કે લોભ, પણ આ વસ્તુ ત્યાં નજરે જોયેલી અને અનુભવેલી છે. દેવયાની વાળા મુદ્દામાં પણ આ બંને વાતો દેખાય છે પરંતું તેની અવગણના કરવામાં આવી છે, એટલે આ તો ધ્યાન દોર્યું. આમ પણ 'સમરથકો ના દોષ ગુંસાઇ' એટલે જગતનું જમાદાર અમેરિકા આવા કિસ્સામાં પીછે હઠ કરે જ નહિ, એ તો સ્પષ્ટ છે. અને ભારતનું ગૌરવ હણાતું અટકાવવું હોય, તો ભારતમાં પણ ઘણા કામ થઈ શકે છે, ખરું ને? અને હા, આ બે વૃત્તિઓ માત્ર એશિયન માઇગ્રન્ટ્સમાં જ હોય છે એવું નથી હોતું, પરંતું તેમનામાં એ હોવાનું પ્રમાણ વધારે હોય છે.

December 11, 2013

આકંઠ, અનર્ગળ અને અનરાધાર અશ્વિની ભટ્ટ


 • પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ અશ્વિની ભટ્ટને સ્નેહ સભર શ્રદ્ધાંજલી. જોકે એ આપણી વચ્ચેથી ગયા હોય એમ લાગતું નથી કારણ કે મારા જેવો જે ભાવકો તેમને માત્ર અક્ષરદેહે ઓળખતા તેમના માટે તો તેમની અનર્ગળ કલમની આકંઠ અને અનરાધાર મોહિની હાજરાહજૂર જ છે.
  સ્વ. અશ્વિની ભટ્ટ
  (12-07-1936 થી 10-12-2012)
 • 'હેરી પોટર' પુસ્તકોમાં ત્રણ પ્રકારના માણસો હોય છેઃ મગલ્સ, વિચીઝ-વિઝર્ડ્સ અને સ્ક્વીબ. જેને જાદુ આવડતું જ નથી તે બધા મગલ્સ. જાદુ આવડે છે એ બધા વિચીઝ અને વિઝર્ડ્સ અને જેના લોહીમાં જાદુ છે પરંતું જે જાદુ કરી નથી શકતા એ બધા સ્ક્વીબ. મારા મનના અશ્વિની જગતમાં પણ એવા જ ત્રણ ભાગ છે. પુસ્તકો વાંચતા જ નથી એવા મગલ્સ, અશ્વિની ભટ્ટને વાંચે છે એવા વિચીચ-વિઝર્ડ્સ અને જે પુસ્તકો વાંચે છે પરંતું અશ્વિની ભટ્ટને નથી વાંચતા એવા સ્ક્વીબ. ગત વર્ષમાં એવા બે સ્ક્વીબને દાદાના પુસ્તકોની મોહીની લગાડી. એક નાનકડી વાર્તા વાંચીને મારા નેટ-ફ્રેન્ડ બનેલા સંસ્કૃત શિક્ષિકા જ્યોતિ પટેલે સાતેક મહિનામાં જ દાદાની બધી નવલકથાઓ વાંચી નાખી. જ્યારે કવિ મિત્ર જયંત ડાંગોદરાને તો ચેલેન્જ સાથે 'કમઠાણ' આપી કે આ વાંચો અને ખડખડાટ હસવું આવે, તો અને તો જ મને પૈસા આપજો. ગઈ કાલે જ એમનો ફોન આવ્યો કે 'કમઠાણ' વાંચીને એ બહુ જ હસ્યા છે અને મને પૈસા આપવા તત્પર છે. છેને અશ્વિની ભટ્ટની મોહિની હાજરાહજૂર!
 • આજે જ દાદાના મિત્ર વી. રામાનુજને મળવાનું થયું અને તેમની વાત નીકળતા જ જુનિયર અને સીનિયર રામાનુજ બંને રંગમાં આવી ગયા અને તેમની અસંખ્ય યાદોને વાગોળી. વધતી ઉંમરે અને પેસ-મેકર સાથે પણ દાદા જૂના સ્કૂટર પર કીક મારીને એમને મળવા આવતા અને એક લીટી લખવા માટે પણ લાંબી હડીયાપટ્ટી કાઢવામાં અચકાતા નહિ એમ કહીને એમણે બીજી ઘણી વાતો કરી.
 • ગુજરાત સમાચારે દાદાની હપ્તાવાર નવલકથા આર્થિક કારણો આપી છાપવાનું નકાર્યું હતું એના વી. રામાનુજ સાક્ષી રહ્યાં હતા. દાદા પણ પોતાની અફલાતૂન પ્રોડક્ટ સસ્તામાં આપવાનું માનતા નહિ, એ તો આપણે જાણીએ જ છીએ. "જો ત્યાં વાત બની ગઈ હોત, તો આપણને એમની એક વધુ નવલકથા વાંચવા મળી ગઈ હોત." એમ કહીને નિસાસો નાખીને એમણે કહ્યું હતું કે એમના બદલે ગુજરાત સમાચારે વિભાવરી વર્માના નામે પાના ભરવાનું શરૂ કર્યું. (અને આપણે તો જાણીએ જ છીએ કે આ વિભાવરી વર્મા ખરેખર કોણ છે!)
 • એવું જ કંઈક ચિત્રલેખામાં પણ બન્યું હતું. ત્યાં નવલકથાના છએક પ્રકરણ આપ્યા પછી સ્વ. શ્રી હરકિસન મહેતાના નવલકથા બાબતના 'ક્રિએટીવ સજેસન્સ' માન્ય રાખીને નવલકથાની દિશા અને દશા બદલવાના બદલે દાદાએ ત્યાં પણ લખવાનું જતું કર્યું હતું, એમ પણ રામાનુજસાહેબે કહ્યું. હવે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની વાત આવે એટલે કિશોર અને રફીના ચાહકો જેવો ઘાટ થાય. આપણને તો બંને પ્રિય એટલે સરવાળે તો દાદાના ચાહકોના ખાતે જ નુકસાની નોંધાઈ.
 • 'કડદો'નું તો ટાઇટલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું પણ પછી એ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં આવીને અટકી પડ્યો. દાદા માત્ર स्वान्तः सुखाय માટે નહોતા લખતા, તેઓ વાચકોને લક્ષ્યમાં રાખીને પોતાની રચનાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતા. (આને આપણે તેમનું Pro Characteristics કહી શકીએ.) આથી તેઓ માત્ર લખીને અટકી નહોતા જતા. એકની એક વસ્તુને તેઓ એકથી વધારે વાર લખતા અને પુનર્લેખન બાદ અટકી પણ જતા નહિ. લેખન પછી તેનું સટીક સંપાદન પણ કરતા. જેમણે 'આખેટ' અભિયાનમાં વાંચી હોય અને પછી નવલકથા સ્વરૂપે સળંગ વાંચી હોય, તેમને દાદાના એડિટિંગનો ખ્યાલ જરૂર આવશે. 'કડદો' માં પણ કંઇક એવું જ બન્યું છે. લેખન પછી પુનર્લેખન અને સંપાદનના તબક્કામાં એ અટક્યું હોય એમ લાગે છે. વધુ માહિતી તો Urvish Kothari કે Dhaivat Trivedi જેવા કોઈ 'જાણભેદુ' આપે ત્યારે ખબર પડે. જોકે 'કડદો'ના અમુક અંશો તેમની શ્રદ્ધાંજલીમાં સાંભળવા મળ્યા હતા અને તેમાં એમણે 'જ.મો.' થી જે જમાવટ કરી હતી તે સાંભળ્યા બાદ એ પુસ્તક વાંચવાની આતુરતા વધી જવા પામી છે. Fingers Crossed!
 • હવે તો દાદાના પુસ્તકો વાંચીએ અને વંચાવીએ એજ એમને સાચી શ્રદ્ધાંજલી.
અપડેટેડ (13-12-2013)
(ફોટો વિકિપીડિયા પરથી)

December 05, 2013

મેં કરેલ પ્રથમ અનુવાદ 'ચાણક્ય મંત્ર - અશ્વિન સાંઘી'

મિત્રો,

          મેં અનુવાદ કરેલ પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક 'ચાણક્ય મંત્ર', જેના લેખક છે અશ્વિન સાંઘી, હવે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યું છે. પુસ્તકનું મૂળ નામ છે 'ચાણકય'સ ચાન્ટ' અને તેમાં બે ચાણક્યોની વાત છે.
Chanakya's Chant - Ashwin Sanghi - Translated into Gujarati by Chirag Thakkar 'Jay'
ચાણક્ય મંત્ર - અશ્વિન સાંઘી - ગુજરાતી ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          તેમાં કુલ વીસ પ્રકરણમાં બે વાર્તાઓ સમાંતરે ચાલે છે. પ્રકરણઃ 1, 3, 5...એમ એકી પ્રકરણોમાં મૂળ ચાણક્ય અને તેના જીવનની જાણીતી અને અજાણી વાતો છે. જ્યારે દરેક બેકી પ્રકરણોમાં આધુનિક સમયના ચાણક્ય સમા ગંગાસાગર મિશ્રની વાત છે કે જે પોતાની વિદ્યાર્થીનીને ભારતના વડા પ્રધાન પદે બેસાડવા ચાણક્ય નીતિનો ઉપયોગ કરીને આગળ વધે. એ વાર્તા ઘણી જ રોચક છે અને એટલે જ યુટીવી મોશન પિક્ચર્સે તેના પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા છે. (ફિલ્મ તો બને ત્યારે ખરી!)

          અનુવાદની દ્રષ્ટિએ કામ થોડુંક કપરું હતું કારણ કે ચાણક્યના પ્રકરણોમાં એ સમયની ભાષા અને ગંગાસાગર મિશ્રના પ્રકરણોમાં વર્તમાન સમયની ભાષા વાપરવાની હતી. પણ કામ કર્યાનો સંતોષ છે, બાકી બધું તો આપના હાથમાં જ હોય ને!

          નવભારત સાહિત્ય મંદિરમાં, તેમજ તેમના પુસ્તકો રાખતા તમામ વિક્રેતાઓને ત્યાં આ પુસ્તક પ્રાપ્ય છે અને જો કોઈ તકલીફ પડે તો મારો સંપર્ક સાધી શકો છો. બીજા પાંચેક પુસ્તકો એક પછી એક આવવાના છે. અનુવાદ કરવાની પ્રેરણા આપવા માટે સ્વ. શ્રી અશ્વિની ભટ્ટનો હંમેશા માટે ૠણી રહીશ.

          આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ વિરમું છું.

          સસ્નેહ,

          ચિરાગ ઠક્કર 'જય'