તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 10, 2013

કેટલા છે આ મૂર્તિના?


          ૨૦૦૬ પહેલાના અમદાવાદમાં આ પ્રકારની મૂર્તિઓ માત્ર અમદાવાદના હોલીવૂડ તરીકે જાણીતા ગુલબાઈ ટેકરા પર જ બનતી એમ જાણ હતી પરંતું ૨૦૧૩ ના અમદાવાદમાં એ ઘણી જગ્યાએ બને છે. હું રોજ જે રસ્તા પર ચાલવા જઉં છું, એ રસ્તા પર પણ એક જગ્યાએ પાછલા મહિના-દોઢ મહિનાથી રોજ આવી મૂર્તિઓ બનતી જોતો.

          ગયા રવિવારે મોટાભાગની મૂર્તિઓ બની ગઈ હતી એટલે ત્યાં જોવા માટે ઊભો રહ્યો. એ સમયે કોઈ સોસાયટીના ગણેશ મંડળના 'પ્રમુખ શ્રી' મૂર્તિના શૉપિંગ માટે પધાર્યા. એ મૂર્તિકારભાઈ અને પેલા પ્રમુખ મહાશય વચ્ચેનો સંવાદઃ

પ્રમુખ મહાશય (એક મૂર્તિ તરફ આંગળી ચીંધીને): કેટલા છે આ મૂર્તિના?
મૂર્તિકારઃ સાડા ચાર હજાર, સાયેબ.
પ્ર (અવાજમાં ધિક્કાર ભેળવીને): જા, જા, હવે...એટલા તો હોતા હશે...
મૂ (એકદમ ઓઝપાઈને): તમારે કેટલા આપવા છે એ કો'ને સાયેબ.
પ્રઃ તું વાત ક્યાંથી કરે છે એ તો જો? સીજી રોડ પર ઊભો છે?
મૂઃ અરે સાયેબ, મેં તો ખાલી ભાવ કીધો...પૈસા તો નથી લઈ લીધાને?
પ્ર (કલેક્ટર કચેરીનો કૂતરો પણ કલેક્ટર હોય, એવા ભાવ સાથે): હું દબાણ ખાતામાંથી આવું છું. આવી જા તને સીજી રોડ પર જગ્યા અપાવી દઉં...ત્યાં નવ હજાર ભાવ કહીને સાડા ચાર હજાર લેજે. (નાક ફુંગરાવીને) ના જોયા હોય મોટા સાડા ચાર હજાર વાળા!
મૂઃ તમે કેટલા આપશો સાયેબ?
પ્રઃ જા જા હવે...નથી લેવી તારી મૂર્તિ-ફૂર્તિ...

          રાષ્ટ્રપિતાએ આપેલી પેલી શિખામણ યાદ આવી ગઈ કે તમારાથી થોડા નીચલા સ્તરમાંથી આવતા લોકો સાથે તમે કેવી રીતે વર્તો છો એ બાબત જ તમારા સંસ્કારોની સૂચક છે. હવે આ માણસ આખું વર્ષ ગણેશ ભજે તો પણ ગણેશ એમની પર પ્રસન્ન થશે ખરા?

('સંદેશે આતે હૈ...' નો ચોથો ભાગ હવે પછીની પોસ્ટમાં)