મિત્રો,
પાછલા છએક મહિનાથી ફેસબુક પર શ્વેત-અશ્વેત લલનાઓના સંદેશાઓ આવવા વધી ગયા છે. (મને ખાત્રી છે કે તમને પણ એ ત્રાસ ગમ્યો જ હશે!) દરેક વખતે સંદેશો એક સમાન જ હશેઃ તેમને અચાનક આપણી ફેસબુક પ્રોફાઈલ જોવા મળી અને ગમી ગઈ. તેઓ આપણી સાથે મિત્રતા કરવા માંગે છે અને દરેક વખતે તેઓ આપણો કોન્ટેક્ટ ફેસબુક પર કરશે પણ સંપર્ક તેમના ઇમેલ પર જ કરવાનું કહેશે. અમુકવાર તો એમ પણ લખ્યું હોય છે કે હું ફેસબુક બહુ જોતી નથી માટે ઇમેલ પર જ સંપર્ક કરવો. તેમનું અંગ્રેજી અચૂક ભુલ ભરેલું હશે. અત્યાર સુધી તો દરેક વખતે તેને સ્પામ તરીકે રિપોર્ટ કરીને ચલાવી લીધું છે, પણ તેમનો હેતુ શું છે, એ સમજાતો નથી. તેમના કદાચ નીચેના પાંચમાંથી એક અથવા એકથી વધારે હેતુ હોઈ શકેઃ
- વેશ્યાવૃત્તિ/લાઇવ વેબકેમ જેવા વ્યવસાય માટે ગ્રાહકો શોધવા.
- મીઠી-મીઠી વાતો કરીને તમારી પાસેથી રૂપિયા માંગવા.
- કોઈ પણ રીતે તમારા બેંક અકાઉન્ટની ડિટેલ્સ જાણી લઈને તેને હેક કરવું.
- તમારા દસ્તાવેજોની નકલ મેળવવી (જેનાથી છેવટે મની લોન્ડરિંગ થઈ શકે).
- તમે જવાબ આપો તો તેમને સ્પેમિંગ માટે એક જેન્યુઇન ઇમેલ આઇડી તો મળી શકે.
કાલે મોડી રાત્રે નીચે દર્શાવેલો મેસેજ આવ્યો અને મનમાં જિજ્ઞાસા જાગી ઉઠી એટલે એક ખુલ્લો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. મેં એક ડિસ્પોઝેબલ ઇમેલ આઇડી બનાવીને તેનો જવાબ આપ્યો છે. હવે જોઈએ કે આગળ આગળ શું થાય છે. તેની અપડેટ્સ સ્ક્રીનશોટ સાથે મૂકતો જઈશ.
તમારો આવો કોઈ અનુભવ હોય તો જણાવજો. અને હા, આ મીઠો ત્રાસ માત્ર પુરુષો પુરતો જ સીમિત છે કે સ્ત્રીઓને પણ આવા સંદેશા આવે છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.