તાજેતરની પોસ્ટસ

જુલાઈ 28, 2013

રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું

     ગત 20મી જુલાઈને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય અકાદમી, અમદાવાદ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ચાહકો અને મહાનુભાવોથી ગુજરાતી સાહિત્ય અકાદમીનું રા.વિ. પાઠક સભાગૃહ ઊભરાઈ ગયું હતું. સન્માન સમારંભ બાદસંવાદકાર્યક્રમ હેઠળ લેખકશ્રીની રચનાઓનું વિવેચન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

     સમારંભની શરૂઆતમાં સાહિત્ય અકાદમી, દિલ્હી વતી કે. શ્રીનિવાસે શ્રોતાજનોને આવકાર આપીને પૂર્વભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે વર્ષે સાહિત્ય અકાદમીએ ગુજરાતી, સંસ્કૃત, સિંધી અને નેપાલી, એમ કુલ ચાર ભાષાના સર્જકોને મહત્તર સદસ્યતાનું સન્માન આપવાનું નક્કી કર્યું હતું અને તેમાં ગુજરાતી ભાષા માટે વિવેચકો અને વાચકો પાસેથી સમાન ધોરણે આદર પ્રાપ્ત કરનાર રઘુવીર ચૌધરીને પસંદ કરવામાં આવ્યા હતા.
     ત્યાર બાદ રઘુવીરજીની જીવનયાત્રાનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું. માણસા નજીક આવેલ બાપુપુરા ગામમાં 1938 માં તેમનો જન્મ થયો હતો. પ્રકૃતિના ખોળે શાળાજીવન પસાર કર્યા બાદ હિન્દીમાં સ્નાતક અને અનુસ્નાતકની થઈનેહિન્દી અને ગુજરાતી ધાતુરૂપોના તુલનાત્મક અભ્યાસવિષય પર મહાનિબંધ તૈયાર કરીને તેમણે પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1977 માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં જોડાયા હતાં જ્યાંથી 1998 માં અધ્યાપક અને વિભાગાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.
     આ પરિચયને આગળ વધારતા કે. શ્રીનિવાસને રઘુવીરજીના જીવનમાં ગાંધીજીના ઊંડા પ્રભાવની વાત કરી હતી. તેઓ ગાંધીજી ઉપરાંત વિનોબા ભાવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, દર્શક, ટાગોર, કાલિદાસ અને ઇલિયટ જેવા મહાન લેખકો અને કવિઓથી પણ પ્રેરીત થયા હતા. તેમણે લેખન ઉપરાંત કરેલા સામાજિક કાર્યોની પણ નોંધ લેવાઈ હતી.
     લેખનની શરૂઆત કવિતાથી કરી હોવા છતાં તેમને ખરી લોકચાહના તેમની નવલકથાઓથી મળી હતી. ‘અમૃતાજેવી અમર નવલકથાઓ ઉપરાંત તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટકો, એકાંકી, ચરિત્રલેખો, વિવેચનો અને સંપાદનો પણ આપ્યા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકેના તેમના કાર્યો, તેમજ તેમના અથાગ પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય અકાદમીના ભવનનું નિર્માણ થયાની તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અલગ વિભાગ ઊભો કરવામાં તેમણે ભજવેલ ચાવીરૂપ ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી હતી.
     શ્રી રઘુવીર ચૌધરીને ગુજરાતી તેમજ હિન્દી ભાષાની સેવા માટે દેશ-વિદેશમાં મળેલા સન્માનોની લાંબી યાદીના અંતે એમ ઉમેરવામાં આવ્યું હતું કે નિવૃત્તિમાં તેઓ સપ્તાહાંતે ખેડૂતનું સરળ જીવન વિતાવે છે અને સાહિત્ય અકાદમી તેમને મહત્તર સદસ્યતા અર્પણ કરવામાં ગૌરવ અનુભવે છે.
     ત્યાર બાદ અધ્યક્ષીય ઉદ્દબોધન કરતાં સાહિત્ય અકાદમીના ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારીએ ફૂલોથી રઘુવીર ચૌધરીનું સ્વાગત કર્યું હતું. ક્ષણે રઘુવીરજીએ પોતાની આગવી શૈલીથી રમૂજ પ્રસરાવી હતી. તિવારીજીએ લેખક જીવનની દુર્બોધતા અને મહત્તાની વાત કરતાં લેખકો કેમ સમાજના નિર્માતા છે, બાબત પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે રઘુવીરજી સાથેના તેમના લાંબા સંબંધોની અને તેમની સર્જકતા સાથે જોડાયાની વાતો યાદ કરી હતી. તેમણે અંતે ઉમેર્યું હતું કે દેશમાં એક મહાન લેખકની હાજરી સમાંતર સરકારની બરાબર છે.
     ત્યાર બાદ શ્રી રઘુવીર ચૌધરીને શાલ ઓઢાડીને મહત્તર સદસ્યતા પ્રદાન કરવામાં આવી હતી. મહામૂલી ક્ષણને પલકવારમાં સંકોરીને રઘુવીરજીએ ૠણસ્વીકારનું પોતાનું લાગણીસભર વક્તવ્ય પોતાની પુત્રી ડૉ. દ્રષ્ટિ પટેલ આપશે તેમ જાહેર કર્યું હતું.
     રઘુવીરજીએ સન્માન સ્વીકારતાં, દ્રષ્ટિ પટેલના મુખે, એમ કહ્યું હતું કેલખવું એજ જીવન છે. જીવનથી કોઈ ફરિયાદ નથી, પરંતું લેખનથી હંમેશા ફરિયાદ રહી છે.’ પોતાના કુટુંબ જીવનની ભાવુક વાતો કરીને તેમણે સૌનો આભાર માન્યો હતો અને સમાજની તમામ સમસ્યાઓનો ઉપાય જાગરૂક નાગરિક છે તેમ સૂચવ્યું હતું. ૠણ સ્વીકારના અંતે તેમણે સ્વમુખે થોડાંક શબ્દોમાં નિર્દંશ વ્યંગ સાથે બધાનો આભાર માનીને પોતાની બે કવિતાઓઅમે આટલે આવ્યા…’ (2008) તેમજકેફિયત’ (1968) નું પઠન કરીને ઉપસ્થિત તમામ લોકોની તેમને સાંભળવાની ઇચ્છાપૂર્તિ કરી હતી.
     સમારંભના અંતેસંવાદકાર્યક્રમ હેઠળ રઘુવીરજીના લેખનનું વિવિધ તજજ્ઞો દ્વારા રસદર્શન કરાવવામાં આવ્યું હતું. ‘સંવાદના અધ્યક્ષ સિતાંશુ યશશ્ચંદ્રએગુજરાતનો આનંદ હોલ ભરીને છલકાય છેકહીને કાર્યક્રમની શરૂઆત કરીને ચંદ્રકાંત ટોપીવાળાને રઘુવીરજીની કવિતાનું રસદર્શન કરાવવા આમંત્ર્યા હતા, ‘The Course of Commitment’ નામક તેમના પ્રવચનમાં ચંદ્રકાંત ટોપીવાળાએ રઘુવીરજીનીકામાખ્યાજેવી પ્રતિનિધિ કવિતાઓની વાત કરી હતી. ત્યાર બાદ ડૉ. રમેશ આર. દવેએ રઘુવીરજીની નવલકથાઓ તથા ટૂંકી વાર્તાઓનું રસદર્શન કરાવ્યું હતું. તેમણે રઘુવીરજીનીઉપરવાસનવલકથાનેઅમૃતાથી પણ ઉત્તમ ગણાવી હતી. આબાદ ઘટના નિરૂપણ અને દ્રઢ વસ્તુ સંકલ્પના જેવી ખૂબીઓ સાથે અતિલેખન અને વિશેષણોની ભરમાર જેવી કેટલીક ખામીઓ તરફ આંગળી ચીંધીને તેમણે સમારંભને માત્ર પ્રશસ્તિપર્વ બનવામાંથી બચાવી લીધો હતો. છેલ્લે સતીશ વ્યાસે રઘુવીરજીના નાટકો અને એકાંકીની વાત લાઘવમાં કરી હતી. તેમણે પણ ખૂબીઓ સાથે ખામીઓ દર્શાવીને રઘુવીરજીના પોતાનાજ કથન ‘(મને) લેખનથી હંમેશા ફરિયાદ રહી છેનું સમર્થન કર્યું હતું.
     અંતે જ્યારે કે. શ્રીનિવાસે સાહિત્ય અકાદમી વતી સૌનો આભાર માન્યો ત્યારે શ્રોતાજનોમાં રઘુવીરજી ચૌધરીની અમૃતા, ઉપરવાસ, પરસ્પર, શ્યામ સુહાગી, ઇચ્છાવર, રૂદ્રમહાલય જેવી નવલકથાઓ; આકસ્મિક સ્પર્શ, ગેરસમજ જેવી નવલિકાઓ; તમસા, વહેતાં વૃક્ષ પવનમાં જેવા કાવ્યસંગ્રહો અને અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની જેવા નાટકો તેમજ ડિમલાઇટ, ત્રીજો પુરુષ જેવી એકાંકીઓની ચર્ચા શરૂ થઈ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.