તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 11, 2013

શ્રી નગેન્દ્ર વિજયનું વક્તવ્ય

          ૬ એપ્રિલ ૨૦૧૩ ના રોજ ગુજરાતી સાહિત્ય પરીષદ, અમદાવાદના રા. વિ. પાઠક સભાગૃહમાં 'સાર્થક પ્રકાશ' દ્વારા ચાર પુસ્તકોનું લોકાપર્ણ યોજવામાં આવ્યું હતું અને તે દિવસે ભાજપ સ્થાપના દિન હોવા છતાં સભાગૃહ ઉભરાઈ ગયું હતું, એટલે સફળતાથી યોજવામાં આવ્યું હતું એમ કહેવું અતિશયોક્તિ નહિ ગણાય. આમ તો આની વાતો ફેસબુક પર ખોબલા ભરીને થઈ છે અને ઉર્વીશભાઈના બ્લૉગ પર પણ તે વિગતે વાંચવા પણ મળશે માટે તેના વિશે તો ટૂંકમાં એટલું જ કહેવાનું કે તેમાં હાજર રહીને આનંદ થયો અને આવતા વર્ષની રાહ.

          જોકે કાર્યક્રમની હાઇલાઇટ હતી શ્રી નગેન્દ્ર વિજયનું વક્તવ્ય. 'સફારી', 'સ્કોપ' અને 'ફ્લેશ' ના સર્જક નગેન્દ્ર વિજય સતત ૫૩ વર્ષથી લખતા રહ્યાં છે પણ તેમને જાહેરમાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યા હશે. એટલે જ કર્મયોગીની જેમ લખતા રહેલા અને હઠયોગીની જેમ જાહેર જીવનથી દૂર રહેતા નગેન્દ્ર વિજય આ આખા કાર્યક્રમનું સૌથી અગત્યનું આકર્ષણ રહ્યાં હતા. અમારા જેવા 'સફારી' વાંચીને મોટા થનારા હજારો વાચકો એમ કહે છે કે અમારા ઘડતરમાં નગેન્દ્ર વિજયનો અનન્ય ફાળો છે. પણ તેમને જોયે કેટલા ઓળખે છે એવું પૂછવામાં આવે તો ઘણા ઓછા હશે. મે તેમને વર્ષો પહેલા 'સફારી'ના કાર્યાલય પર લવાજમ ભરવા ગયો ત્યારે અલપ-ઝલપ જોયા હતા. ત્યાર પછી આ પ્રસંગે તેઓ પહેલી વાર જોવા અને ખાસ તો સાંભળવા મળ્યા.

          તેમના લેખની જેમ જ તેમણે પ્રસંગને અનુરૂપ વિષય પસંદ કરીને મુદ્દાસર વાતો કરી હતી. તેમના શાંત છતાં અનુભવથી ઘડાયેલા અને મક્કમ અવાજમાં અડધો કલાક ક્યાં વીતી ગયો તે ખબર ના રહી. જે નથી આવી શક્યા તેમના લાભાર્થે આ વક્તવ્યનું ઑડિયો અને વિડિઓ રેકોર્ડિંગ રજૂ કરું છું. ઑડિયો રેકોર્ડિંગ Smile Vs Pain નામે ફેસબુક પર મળેલા મિત્ર હિતેશ જોશીની મહેનતનું પરિણામ છે અને તેમાં આખું વક્તવ્ય સળંગ છે. જ્યારે વિડિઓના ત્રણ ટુકડા મે જાતે રેકોર્ડ કર્યા છે અને તેમાં આખા વક્તવ્યમાંની બારેક મિનિટ ખૂટે છે. ઉપરાંત, બહુ દૂરથી વિડિયો લેવામાં આવ્યો હોવાથી, તેની ગુણવત્તા બહુ સારી નથી. સૌથી છેલ્લે એ પ્રસંગમાંથી ચૂંટેલા છ ફોટા છે.