તાજેતરની પોસ્ટસ

માર્ચ 28, 2013

સટાક!


માથા ઉપર જાણે લોખંડનો દડો મૂક્યો હોય, તેમ તેનાથી ઊભું થવાયું નહિ. બંને હાથનો ટેકો લઈને તેણે ધડને ઊભું થવા ધકેલ્યું. માથું પણ તેની સાથે-સાથે ઊચકાયું. સ્નો જાણે બહાર નહિ તેની પર જ પડ્યો હોય તેમ તે ધ્રુજતો હતો. બે પગની ઊપર અને માથાની નીચે જાણે બરફની એક પાટ હોય, તેમ તેને ધડ હોવાનો અહેસાસ જ નહોતો થતો. અઠવાડિયા જૂની ગંજી, બગલમાંથી ફાટેલું થર્મલ ટોપ, શર્ટ, જમ્પર અને જેકેટ – જાણે બધું જ ગાયબ થઈ ગયું હોય, તેમ તેનું શરીર આ વિદેશી વાતાવરણમાં થરથરતું હતું. તેને જોબ પર નહોતું જવું.
‘સટાક!’ તેણે પોતાની જાતને ઊઠાડી. ‘જોબ પર નહિ જઉં તો પાઉન્ડ કોણ આપશે?’ તેના વિઝા પર તો છાપેલું હતું, ‘No recourse to public funds.’
એજ રૂમમાં રહેનારા બીજા ત્રણ છોકરામાંથી એક તો હજું નાઇટ-શિફ્ટ પતાવીને પાછો જ આવ્યો નહિ હોય, તેમ તેના બંકબેડ પરથી લાગતું હતું. બીજા બે છોકરાઓ બહાર સ્નો-મેનની જોડે ફોટા પડાવવામાં વ્યસ્ત હતાં, તેવું તેને બારી ખોલ્યા વિના જ દેખાયું કારણ કે સિંગલ ગ્લેઝિંગ વાળી એ બારીને પડદો નહોતો, માત્ર પાતળી કધોણ સફેદ વૉઇલ હતી. ઊભા થતી વખતે તેનાથી ધ્યાન રહ્યું નહિ અને તેના બેડની ઉપરના બેડ સાથે તેનું માથું અથડાયું, પણ તેને વાગ્યાનો કંઈ અહેસાસ ન થયો. આખા શરીરમાં જાણે એનેસ્થેટિક – ચેતનાવિહીન અવસ્થા પ્રસરેલી હતી. તેણે બેડની બહાર પોતાના પગ ધકેલ્યા. બંકબેડનો સળિયો પકડીને તે માંડ-માંડ ઊભો થયો પણ એટલામાં તો તે હાંફી ગયો. જાણે ખીલા ઠોકીને તેના પગ વુડન-ફ્લોર પર જડી દીધા હોય, તેમ મહાપરાણે ડગલાં ભરતો તે રૂમના દરવાજા પાસે પહોંચ્યો. હંમેશા બંધ રહેતા હિટર પર અજાણતાં જ તેનો હાથ અડ્યો અને એ ઠંડા સ્પર્શથી તે પાછો ધ્રુજી ગયો. લેન્ડલોર્ડને બે-ચાર સંભળાવી દઈને બીજે રહેવા જવાનો વિચાર આવી ગયો.
‘સટાક! અઠવાડિયાના પાંત્રીસ પાઉન્ડમાં ક્યાંય રૂમ મળે છે?’ દર અઠવાડિયો મળતા દોઢસો પાઉન્ડના પગારમાંથી થાય એટલી બચત કરી તેણે દેવું પૂરૂ કરવાનું હતું અને આવતા વર્ષે પૂરા થઈ રહેલા તેના સ્ટુડન્ટ વિઝાના એક્સ્ટેન્શન માટે પણ ત્રણેક હજાર પાઉન્ડ ભેગા કરવાના હતાં.
હંમેશની જેમ ઠંડા પાણીથી બ્રશ કર્યું પણ મોઢું ધોતા પહેલા તેણે હિંમત એકઠી કરવી પડતી. ત્રણ બેડરૂમના આ ઘરમાં કુલ ચૌદ છોકરાઓ રહેતા પરંતું ગરમ પાણી માત્ર સવારે સાત થી નવ જ ચાલુ કરવામાં આવતું. તેને સાત વાગે તો જોબ પર જવા નીકળી જવું પડતું એટલે ખાલી રવિવારે ગરમ પાણીથી નહાવાનો મોકો મળતો. આજે ઠંડા પાણીથી નહાવાની તેની હિંમત નહોતી એટલે બોડી-સ્પ્રે છાંટીને કામ ચલાવી લીધું. આસદાની Smart Price લખેલી બે કોરી બ્રેડ અને પાતળી અંગ્રેજી ચાને ગળા હેઠળ ઉતારીને સાતને પાંચની ૧૮ નંબરની બસ પકડવા તે પોતાના શરીરને દોડાવવા મંડ્યો. બસ તો મળી ગઈ પરંતું બેસવા માટે જગ્યા ન મળી. ઉપરના માળે ચડવાની તેની હામ નહોતી એટલે એક સળિયાના ટેકે તે ઊભો રહ્યો. ઇચ્છા થઈ આવી કે આગલા સ્ટોપે આ બસમાંથી ઊતરી જઈને સાતને બાર વાળી બસ લેવી.
‘સટાક! મોડો પડીશ તો શેઠ બે પાઉન્ડ કાપી લેશે. આખા અઠવાડિયાનું બજેટ ગડબડાઈ જશે.’ એ બીકથી એજ બસમાં તે ઊભો રહ્યો.
બસ જ્યારે પાર્ક પરેડ પહોંચી ત્યારે તે યુગયુગાંતરથી ઉભો હોય તેમ થાકી ગયો હતો. બસ-સ્ટોપની લાલ રંગની બેઠક જોઈને બેસવા મન લલચાયું પણ આગળના ચાર રસ્તે રેડ સિગ્નલને કારણે ઊભેલી ૧૮૭ નંબરની બસ દેખાઈ અને તે કાળા થઈ ગયેલા લપસણા સ્નો પર સાચવી-સાચવીને દોડવા લાગ્યો. આ બસમાં સીટ તો મળી પણ દરવાજાની પાસે જ. જેવો દરવાજો ખુલતો કે તાવથી ધખતું તેનું શરીર સૂકા પાંડદાની જેમ ધ્રુજી ઊઠતું. એ સીટ પર કાઢેલી પંદરેક મિનિટમાં જાણે તે નોર્થ-પોલની મુલાકાત લઈ આવ્યો હતો. વોરિક એવન્યુ આવતાં તેણે પાછું સ્નો પર ઊતરવું પડ્યું અને ચાલતો-ચાલતો તે ‘લેટનાઇટ ઑફ લાઇસન્સ’ પર પહોંચ્યો ત્યારે આઠ વાગવામાં એક મિનિટની વાર હતી. તેને આવતો જોઈને શેઠે ઘડિયાળમાં સમય જોયો, હકારમાં માથું હલાવ્યું અને તેને દુકાનના પાછલા દરવાજાની ચાવી આપી. અંદર જઈને તેણે લાઇટ કરીને હીટર ચાલું કર્યું અને તેના પર હાથ ગરમ કરવા માંડ્યો. પાછળ-પાછળ શેઠ અંદર આવ્યો. શેઠ બહુ ઓછું બોલતો પણ તેની તીણી નજરથી તે બધું જ સમજાવી દેતો. શેઠને જોઈને તે હીટર પાસેથી ખસી ગયો અને પોતાની ડિગ્રીઓને યાદ કરતાં-કરતાં દારૂની બાટલીઓ અને કાઉન્ટર પરની ધૂળ સાફ કરવા માંડ્યો.
‘સટાક! બી.એસ.સી. અને બી.એડ.ની ડિગ્રીઓ શું આ ધૂળ સાફ કરવા લીધી હતી?’ એક માધ્યમિક શાળામાં તે ગણિત ભણાવતો, ટ્યુશન્સ કરતો અને લોકો તેને સાહેબ..સાહેબ કહીને બોલાવતાં. એક વિદ્યાર્થીના પપ્પાએ વાતમાંથી વાત નીકળતા તેને ઑફર આપી, ‘સાહેબ, સાવ અભણને ગમાર લોકો લાખો ખર્ચીને લંડન જાય છે અને ખર્ચ્યાના બે ગણા પહેલા જ વર્ષે કમાઈ લે છે. તમે તો ભણેલા છો. તમે ધારો તો સસ્તામાં લંડન જઈને લાખો બનાવી શકો.’ અને તેણે ગેરંટી પણ આપી કે ‘વિઝા આવે પછી જ મને પૈસા આપજો. પહેલા ખાલી વિઝાની ફી ને કૉલેજ રજીસ્ટ્રેશનના થઈને પાંત્રીસેક હજાર થશે અને એય તમારે મને નઈ આપવાના, સીધે-સીધા ભરી જ દેવાના.’ તેને વિચાર આવ્યો કે લોકો પચીસ-ત્રીસ લાખ ખર્ચીને ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે જ્યારે અહિ તો માત્ર પાંચ લાખ જ ખર્ચવાના અને લંડનના કાયદેસરના દોઢ વર્ષના વિઝા મળે અને એમ.બી.એ.ની ડિગ્રી પણ ખરી અને ના ફાવે તો દોઢ વર્ષમાં બધો ખર્ચો કાઢીને બે-ચાર લાખ બનાવીને પાછા. તેના મનમાં એજન્ટનું પેલું વાક્ય વસી ગયું હતું, ‘અમેરિકાના ડોલર કરતાં લંડનનો પાઉન્ડ મોટો ખરોને! સીધા એકના એંસી થાય.’ એટલે એકના એંસી કરવા માટે બચતના એકાદ લાખ અને ચાર લાખની ઉધારી કરીને તે લંડન આવી ગયો. અહીં આવ્યાના દોઢેક મહિનામાં તો તેની એક ક્લાસીસ જેવી નાનકડી કૉલેજ બંધ થઈ ગઈ અને ત્યારથી તે આ સવારના આઠ થી સાંજના આઠની બાર કલાકની નોકરી કરતો હતો. તેને સોમથી શનિના ૬૦ કલાકના ઉચ્ચક દોઢસો પાઉન્ડ મળતાં. આમ તો સ્ટુડન્ટ વિઝા પર ૨૦ કલાક કાયદેસર કામ કરી શકાતુ અને તેમાં જે કાયદેસર પગાર મળે તે આ દોઢસો પાઉન્ડથી વધારે જ હોય પણ એ નોકરી માટે કૉલેજનો એનરોલમેન્ટ લેટર, એકેડેમિક કેલેન્ડર અને ટાઇમટેબલ જેવા કેટલાયે કાગળો આપવા પડતાં અને એની કૉલેજ તો ક્યારનીય બંધ થઈ ગઈ હતી એટલે તેણે ગેરકાયદેસર રીતે આવી કેશ-જોબ કરીને સામે ચાલીને શોષાવું પડતું.
આખી દુકાનની ધૂળ સાફ કરવામાં કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી અને નવ વાગ્યે જેવો શેઠે દુકાનનો આગલો દરવાજો ખોલ્યો કે ઠંડી હવાની લહેરથી તેના શરીરમાં આવેલું થોડુંક ચેતન કંપવા માંડ્યું. દુકાનમાં કોઈ ગ્રાહક ન હોય, કામ ન હોય અને તે સ્ટૂલ પર બેસે, તે શેઠને ગમતું નહિ માટે સ્ટૂલ જોઈને તેને બેસવાની ઇચ્છા થતી તો પણ તે ઊભો રહેતો. બપોરે બે વાગ્યે લંચ-બ્રેક પડતાં સુધીમાં તે લગભગ મૃતપ્રાયઃ થઈ ગયો હતો. તે જ્યાં રહેતો ત્યાં માત્ર એક જ વાર, તિહાડ-જેલ જેવું ચવડ ખાવાનું મળતું એટલે લંચ-બ્રેક તેના માટે ખાવાનો સમય નહિ પણ ઇન્ડિયા ફોન કરવાનો સમય. એ એક જ સુખ હતું અહીં. એક પેન્સમાં ઇન્ડિયા વાત થતી એટલે રોજ ઇન્ડિયા ફોન કરવો પોસાતો. આજે જોકે એવી કોઈ ત્રેવડ નહોતી. સ્ટોરરૂમાં જઈને એક રૅક પર પીઠ ટેકવી, પગ લાંબા કરીને આંખો મીચીને તે બેસી ગયો. અચાનક તેનો મોબાઇલ વાઇબ્રેટ થવા લાગ્યો. રોજ તે આ સમયે જ ઇન્ડિયા ફોન કરતો અને ઇન્ડિયામાંથી કોઈને કામ હોય તો તે લોકો પણ આવા જ સમયે મિસ-કોલ કરતાં. તેણે ચેક કર્યું. સાઢુભાઈનો મિસકોલ હતો. આ સાઢુભાઈને એક નાનકડી કરિયાણાની દુકાન હતી અને ગામડા-ગામમાં રહી-રહીને ય તે શેઠ બનીને સુખેથી જીવવા જોગુ કમાઈ લેતો હતો છતાં તેને એમ જ લાગતું કે ‘જે નીકળી ગયાં તે સુખી અને રહ્યાં તે દુઃખી.’ એ સાઢુભાઈને ગમે તેમ કરીનેય લંડન આવવું હતું એટલે દર બીજે દિવસે તેમનો મિસકોલ અચૂક આવતો. પણ આજે તેનું શરીર તૂટતું હતું માટે તેણે એ મિસકોલનો સામે જવાબ આપ્યો નહિ.
‘સાહબજાદે, અબ બાહર આઓ. આધા ઘંટા હો ગયા.’ તેના શેઠે બૂમ પાડી. તેણે ઘડિયાળમાં જોયું. હજી ત્રણ મિનિટની વાર હતી પણ ત્રણ મિનિટ માટે શેઠને નારાજ થોડી કરાય? ‘તુમ ઘાસફૂસ ખાનેવાલે ગુજરાતી લોગોકા ઇસ દેશમે કામ હી નહિ.’ શેઠે તેને રોજની જેમ જ આ સંવાદ સંભળાવ્યો, ‘થોડા ચિકન-મટન ખાઓ. દો-ચાર પેગ લગાઓ. બૉડિમે ખુદ-બ-ખુદ ગર્મી આ જાયેગી.’
‘સટાક!’ તેને વિભા યાદ આવી. ‘આ કઢીનો વાટકો લે’તો જરા…’ શિયાળામાં તે લસણનો વઘાર કરીને લવિંગ નાખેલી કઢી બનાવતી અને તેને વાટકો ભરીને આપી જતી. ‘પી લે…શરીરમાં ગરમાવો આવી જશે.’ તે કાયમ કહેતી. ‘કેટલા વર્ષ થયા હશે એ કઢી પીધાને?’ તેણે વિચાર્યું, ‘પાંચ?..ના..ના..સવા પાંચ.’ તેની પ્રેમકહાની પર વડીલોએ જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. વિભા નડિયાદ પરણી ગઈ અને તેને નયના જોડે પરણાવવામાં આવ્યો હતો. તેની નયના સાથે કુંડળી મેળવાઈ ત્યારે ૩૨ ગુણાંક મળતા હતાં અને પંડીતજી મુજબ આવો મેળ ભાગ્યે જ મળતો હોય છે પણે તેમનો મેળ ન મળ્યો. એટલે જ કિસ્મતના તમાચા ખાવા તે લંડન આવી ગયો હતો.
સાંજ સુધીમાં તો તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેના ક્રુર હ્રદયના શેઠને પણ દયા આવી ગઈ. સાત વાગ્યે શેઠે કહ્યું, ‘જા બચ્ચા આજ એક ઘંટા જલદી ઘર જા, નહિ તો તુ કલ કામપે નહિ આ પાયેગા.’ શેઠે આઠ થી બાર જે છોકરો આવતો હતો તેને એકાદ કલાક વહેલો બોલાવી લીધો હતો. ‘ફિકર મત કરીયો, તેરા એક ઘંટેકા પૈસા નહિ કાટુંગા.’ તે થેંક્યું કહીને બહાર નીકળી ગયો. ૧૮૭ પકડીને તે પાર્ક પરેડ તો પહોંચી ગયો પણ હવે તેનામાં એક ડગલું ભરવાનીય તાકાત નહોતી. તેને તેના પંજાબી શેઠની સલાહ યાદ આવી ગઈ. તે પાર્ક પરેડની એક ‘ફૂડ એન્ડ વાઇન’ સ્ટોરમાંથી વ્હિસ્કીની નાનકડી બાટલી લઈ આવ્યો. વ્હિસ્કી કઈ રીતે પીવાય તેનું તેને કંઈ જ્ઞાન નહોતું. બાટલી ખોલીને તેણે એક મોટો ઘૂંટ ભર્યો…બીજો ઘૂંટ ભર્યો…
નીટ વ્હિસ્કીનો કડવો સ્વાદ તેને ગમ્યો નહિ પણ શરીરમાં થોડોક ગરમાવો જરૂર આવ્યો. ત્રીજા ઘૂંટડા પછી સંસ્કૃતિ, ગાંધીજી, મા-બાપ, સંસ્કાર અને વિભાની કઢી ધીમે-ધીમે ભૂલાતા ગયા..તે ગણગણતો રહ્યો, ‘જે નીકળી ગયાં તે સુખી અને રહ્યાં તે દુઃખી.’ જાતને તમાચો માર્યા વિના તેનું શરીર સરકવા માંડ્યું.
(આ વાર્તાને 'ઓપિનિયન' ના જાન્યુઆરી-૨૦૧૩ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો હું આભારી છું.)

અન્ય ટૂંકી વાર્તાઓઃ

માર્ચ 27, 2013

હોળીને લગતા પ્રશ્નો - કોઈ તો જવાબ આપો!

         
પહેલા એકદમ ટૂંકમાં સવાલનો બૅક ડ્રૉપ જણાવી દઉ. આમ તો હું અસલ અમદાવાદી પણ જૂન ૨૦૦૬ થી નવેમ્બર ૨૦૧૨ સુધી યુ.કે. હતો. પાછો આવીને જે પણ જોઉં છું, તેની સરખામણી ભૂતકાળના અનુભવો સાથે અનાયાસે થઈ જ જાય છે, એટલે જ આ પ્રશ્ન ઉદ્દભવ્યો.

          આજે હોળીના દર્શન પતી ગયા બાદ ચાલવા નીકળ્યો તો એક વસ્તુ જોવા મળી. ઠરી ગયેલી હોળી (અથવા તેના અંગારા)ની આસપાસ કુંડાળું કરીને બેઠેલી સ્ત્રીઓ જોઈ. તેમની પીઠ હોળી તરફ જ રહેતી એ પણ જોયું. પહેલા તો એમ કે આ તો કોઈ સોસાયટીની સ્ત્રીઓ વળી કોઈ દર્દ મટાડવા પીઠ શેકવા બેઠી હશે. પણ આગળ વધતાં લગભગ દરેક બૂઝાયેલી હોળીની આસપાસ આજ દ્રશ્ય જોઈને નવાઈ લાગી. હોળીના અંગારા પર ચાલવાના 'ખેલ' તો પહેલા જોયા હતા, પણ આવી રીતે પીઠ કરીને બેસવાની 'ફેશન' હું ગેરહાજર હતો એજ વર્ષોમાં અમદાવાદમાં આવી એ નક્કી. કારણ કે એ પહેલા એવું થયાનું જોયું નથી. પાછા ફરતા ઓળખીતા-પાળખીતામાં 'આવું કેમ?' એમ પૂછપરછ કરી પણ કોઈ ચોક્કસ ગળે ઊતરે એવો જવાબ મળ્યો નહિ. મનમાં ઊઠતા પ્રશ્નો આ પ્રમાણે છે?

  • આ ખાલી મારા વિસ્તાર (ચાંદલોડીયા, નિર્ણયનગર, રાણીપ) પૂરતી મર્યાદિત વાત છે કે અમદાવાદ/ગુજરાત/ભારતમાં પણ એ પ્રચલિત છે?
  • આ પ્રથાને આટલી વ્યાપક સ્વીકૃતિ તો અને તો જ મળી હોય, કે જો તેની સાથે ધર્મનું કોઈ પૂંછડું જોડવામાં આવ્યું હોય. બાકી શરીર સારું રાખવા ગુજરાતીઓ પરસેવો પાડે એ વાત ગળે ઉતરે એમ નથી. શું છે આ વર્તન પાછળની માન્યતા?
  • માત્ર સ્ત્રીઓ જ આવી રીતે બેઠેલી જોવા મળી. પુરુષો કેમ નહિ?
કોઈ તો સમજાવો કે શું છે આ ઘટના પાછળનું રહસ્ય.

માર્ચ 14, 2013

મિત્ર 'હેરી પોટર' આવજે, મળતા રહીશું!

સપ્ટેમ્બર 2012 માં 'હેરી પોટર' સિરિઝ વાંચવી શરૂ કરી હતી. આજે સાતેય ભાગ પૂરા થયા. સૌ પ્રથમ તો જે. કે. રોલિંગને સલામ, અંગ્રેજી વાંચતા બાળકોની એક આખી પેઢીને વાંચતી કરવા બદલ!

એ સાડા છ મહિનાની લગભગ દરેક રાતે સૂતા પહેલા કલાક-બે કલાક 'હેરી પોટર'ની જાદુઈ દુનિયામાં વિતાવ્યા છે. "willing suspension of desbelief" સાથે વાંચેલા આ સાતેય પુસ્તકોએ અદભૂત આનંદ આપ્યો છે. (સારા પુસ્તકો પરથી ફિલ્મ ન બનવી જોઈએ. અને સીરિયલ પણ નહિ!)

આ પુસ્તકમાં વાંચેલા એક વાક્યએ જીવનનો એક અતિશય મહત્વપૂર્ણ નિર્યણ લેવામાં મદદ કરી છે એ મને હંમેશા યાદ રહેશે. "It is our choices, Harry, that show what we truly are, far more than our abilities."

ટૂંકમાં, વાંચવા જેવું પુસ્તક!

રિલેટેડ પોસ્ટ
જે. કે. રોલિંગની 'હેરી પોટર એન્ડ ફિલૉસોફર્સ સ્ટોન'

(મોબાઈલ પરથી બ્લોગિંગનો પ્રથમ પ્રયત્ન.)

માર્ચ 10, 2013

હાઉ ઇઝ લાઇફ?

વિરાજ એ વિશાળ ગારમેન્ટ સ્ટોરની ઇન્ડિયન કોમ્યુનિટિનો BBC રેડિયો હતો. મુખ્ય દરવાજા પાસે જ એનું કામ હતું એટલે આવતાં-જતાં બધાની ખબર પૂછતો રહેતો અને ખાસ તો બધાને ખબર આપતો રહેતો. બુધવારનો દિવસ ઓછામાં ઓછો વ્યસ્ત રહેતો હોવાથી તેને બધા જોડે વાતો કરવાનો અચ્છો સમય મળી રહેતો.
બપોરે સાડા બારે ક્લોક ઈન કરીને તે શોપ ફ્લોર પર આવ્યો. પોતાનો નેઇમ-બેજ સરખો જ કરતો હતો અને તેણે સ્વામીજીને જોયા. નકુલ પટેલ શાંત પ્રકૃતિનો માણસ અને સ્વામિનારાયણનો સગવડીયો અનુયાયી, એટલે સ્ટોરમાં તેને બધાં સ્વામીજી કહેતાં. ‘જય સ્વામિનારાયણ સ્વામીજી. હાઉ ઇઝ લાઇફ?’ વિરાજે તેમને પૂછ્યું.
‘બસ હાલે છે.’ સ્વામીજીએ મિરાજ તમાકુને નીચલા હોઠ વચ્ચે દબાવતાં કહ્યું, ‘તમે ક્યો..’
‘આપણું તો તમને ખબર જ છે. જિંદગી ઝંડવા, ફિરભી ઘમંડવા.’ વિરાજે જવાબ આપ્યો. જિંદગી પ્રત્યે તેને હંમેશા ફરિયાદ રહેતી. ‘M.Sc. Biotech કરીને હેંગર પર કપડાં લટકાવીએ છીએ.’
‘ઇ તો એમ જ હોય માલિક. બેંકમાં પાઉન્ડ પડવા જોઇએ.’ સ્વામીજીએ તમાકુનો રસ લેતાં-લેતાં પ્રેક્ટિકલ વાત કરી, ‘હારી નોકરી ના મળે ત્યાં હુધી આંયા કુટાવું જ પડેને?’
એક વાગે મિતુલની શિફ્ટ શરૂ થતી. જેવો તે શોપ ફ્લોર પર આવ્યો કે વિરાજે તેને ઝડપી લીધો. મિતુલ પૂણેમાં ફિઝિયોથેરાપિસ્ટ હતો. અહીં આવીને તે એ ક્ષેત્રમાં આગળ પણ ભણ્યો, પણ એજ ક્ષેત્રની નોકરી મેળવવામાં પાસપોર્ટનો રંગ આડો આવતો હતો એટલે એ પણ ન છૂટકે આ કપડાની દુકાનમાં લાગી ગયો હતો. બધા તેને ‘ડૉકટર સાહેબ’ કહીને જ કટાક્ષ કરતાં. ‘શું ડૉકટર સાહેબ! આવી ગયા કપડાને કસરત કરાવવા?’ વિરાજે આદત મુજબ વ્યંગબાણ છોડ્યું.
‘આવવું જ પડેને, ડિયર?’ મિતુલે નાક પર નીચે સરકી આવેલા ચશ્માને દર્શિકાથી ઉપર ચડાવ્યા, ‘તમારું હજું પણ જિંદગી ઝંડવા, ફિરભી ઘમંડવા?’
‘એક્ઝેટલી. હવે તું બી શીખી ગયોને? તું જ કોઈ ઉપાય બતાવને યાર. આખો દિવસ નીચે પડેલા કપડાં ઊઠાવીને તો આ કમરનો કૂચો થઈ ગયો છે. શું કરવું?’ વિરાજે ફરિયાદ કરી.
‘એ બધું તો ચાલ્યા કરે હવે. મને એમ કહે કે આપણો ઇંગ્લિશ બાબુ કેમ નથી દેખાતો?’ મિતુલે વાત બદલીને બાજુમાં આવીને ઉભેલા સ્વામીજીને પૂછ્યું. આવા ઘણા દર્દીઓને તેણે સાજા કર્યા હતાં પણ અહીં આ પરિસ્થિતિમાં તેનો ઉલ્લેખ થતાં એ નિસહાયતાની લાગણીથી ઊભરાઈ જતો. તેને ફિઝિયોથેરાપિસ્ટના બદલે આવું કામ કરવું પડતું, તેની નાનમ લાગતી.
‘ઇ કે’દુનો એચ.આર.માં ગ્યો છે. ગમે ત્યારે ટપકી પડશે.’ સ્વામીજીએ કહ્યુ. મેનેજર પણ ભારતીય જ હતો, ત્રણ-ચાર વર્ષ લંડનમાં રહ્યાં બાદ તે લંડનના નામે મોટા ઘરની છોકરીને પરણી લાવ્યો હતો. મોટા ઘરમાં ઉછરેલી એ છોકરીએ કદીય કામ નહોતું કર્યું એટલે લગ્ન પછી પણ સુહાસને જ ઘરના બધાં કામ કરવાં પડતાં. એક વાર પે-ડે પાર્ટીમાં બે-ત્રણ પેગ વધારે પીને એ પોતાના મનની વાત બકી ગયો અને કૂથલીકારોને તો જાણે ખજાનો મળી ગયો. ત્યારથી સુહાસની પીઠ પાછળ તેને ‘ઇંગ્લિશ બાબુ, દેશી મેમ’ ફિલ્મ યાદ કરીને ઇંગ્લિશ બાબુ તરીકે ઓળખવામાં આવતો. ધીરે-ધીરે સામાન્ય વાતચીતમાંથી કૂથલી શરૂ થઈ અને થોડી વારમાં એ ત્રણેય, બધા જ ઇમિગ્રન્ટ્સની જેમ, નોકરી-વિઝા-ઘરની વાતો કરવા લાગ્યા.
‘હાલો, હાલો, કામે વળગો. ઇ આવતો જ લાગે છે કોઈ ગોરીને લઈને.’ અડધા કલાક બાદ મરાઠી મેનેજર સુહાસને આવતો જોઈને સ્વામીજીએ ટહુકો કર્યો અને બિલાડીને જોઈને સરકી જતાં ઉંદરોની જેમ ત્રણેય સરકી જઈને કામે વળગ્યા. કોઈ નવી છોકરી આવી હશે એટલે સુહાસે તેને બધુ સમજાવતો હશે, તેવું ત્રણેય ને લાગ્યું પણ અજીબ વાત એ હતી કે નવી છોકરી જોડે એક ઊંચો, કોકેશિયન ચહેરો ધરાવતો આદમી પણ ફરતો રહેતો હતો. તેની પીઠ આ લોકો તરફ રહેતી એટલે એ શું કરે છે તે સમજાતું નહી પણ જ્યાં-જ્યાં નવી છોકરી ગઈ, ત્યાં-ત્યાં એ આદમી પણ ગયો. સુહાસે ફરી-ફરીને આખો સ્ટોર અને તેને લગતી વિવિધ વ્યવસ્થાઓ નવી છોકરીને બતાવી. એકાદ કલાક બાદ સુહાસે આખી ટીમને લોડિંગ-બે માં ભેગી કરી.
વિરાજ, નકુલ, મિતુલ, મોહમ્મદ, મુમ્બા, ઓક્સાના અને સેન્ડ્રા – બધા જ આવી ગયા એટલે મેનેજર સુહાસે કહ્યું, ‘ગાઇસ, મિટ દનીસા. તે આજે જ આપણા સ્ટોરમાં જોડાઈ છે.’ કહીને તેણે નવી છોકરીનો પરિચય કરાવ્યો. દનીસાએ નાનું છોકરું બોલે તેમ ખૂબ પ્રયત્ન પછી ઘોઘરા અવાજે ‘હાઇ..’ કહ્યું અને પછી તેના હાથના ઊપયોગથી કંઈક ઇશારો કર્યો. તરત જ તેની બાજુમાં ઉભેલા પેલા કોકેશિયન પુરુષે કહ્યું, ‘હાઇ, હું દનીસા, ઇસ્ટોનિયાથી આવેલી છું.’ ત્યારે બધાના દિમાગમાં બત્તી થઈ. દનીસા બધીર હતી અને તેને કામમાં મદદ કરવા તેની જોડે ઇન્ટરપ્રિટર આવ્યો હતો. ‘હું સાંભળી નથી શકતી કારણ કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે.’ ઇન્ટરપ્રિટર બોલ્યો એટલે દનીસા હસી, પણ બીજો સ્ટાફ અવઢવમાં હતો કે હસવું કે નહીં. ઇન્ટરપ્રિટર પોતાની તરફ અંગૂઠો કરીને દનીસાના શબ્દો બોલ્યો, ‘આ મારો ઇન્ટરપ્રિટર છે, માઇકલ, જે અહીં બે અઠવાડીયા મને મદદ કરશે. પછી હું જાતે જ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. ધીરજથી મને સમજવાનો પ્રયત્ન કરજો અને કંઈ પણ કામ પડે, તો તમારી મદદે હું હાજર જ છું.’
બધા ફોર્મલી ‘હાઇ..હલ્લો…’ કરીને પાછા કામમાં પરોવાઈ ગયા પણ વિરાજથી રહેવાતું નહી. તે વારે-વારે પાછો ફરીને દનીસાને કામ કરતી જોઈ લેતો. તે વાંકી પડીને શોપ-ફ્લોર પર પડેલા કપડાં ઊઠાવતી, અસ્તવ્યસ્ત થઈ ગયેલા કપડાંને સરખા ગોઠવતી, આડીઅવળી જગ્યાએ પડેલા કપડાંને તેની યોગ્ય જગ્યાએ ગોઠવતી અને તેના ઇન્ટરપ્રિટરની મદદથી ગ્રાહકો જોડે વાત કરતી. લંચ સુધી એમ જ ચાલ્યું. લંચ ટાઇમમાં વિરાજે સ્વામીજીને પૂછ્યું પણ ખરું, ‘શું લાગે છે આ દનીસાનું? કેટલી ટકશે આ કામમાં?’ અને જવાબમાં સ્વામીજીએ બંને ખભાને કાન સુધી ઊંચા કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું. દનીસા આખો દિવસ વાંકી પડીને કપડાં ઊઠાવતી રહી અને ઇન્ટરપ્રિટરની મદદથી બધું સમજવાનો પ્રયત્ન કરતી રહી.
સાંજે જ્યારે વિરાજની શિફ્ટ પૂરી થવાની હતી, ત્યારે બધાને ‘બાય’ કહી તે છેલ્લે દનીસા જોડે ગયો. કઈ રીતે વાત કરવી એની અવઢવ હતી, છતાં તેણે આદત મુજબ પૂછી નાખ્યું, ‘દનીસા, હાઉ ઇઝ લાઇફ?’ દનીસાએ બંને હાથની મુઠ્ઠીઓ વાળીને અંગૂઠા ઊંચા કરીને ‘થમ્બ્સ અપ’ વાળી મુદ્રા બનાવી અને તેનો ઇન્ટરપ્રિટર બોલ્યો, ‘આઇ એમ ફાઇન. યુ?’
વિરાજ તેનો ‘જિંદગી ઝંડવા…’ વાળો ડાયલોગ બોલવા જ જતો હતો અને તેણે દનીસા તરફ જોયું, તેના ઇન્ટરપ્રિટર તરફ જોયું અને…

(ફેબ્રુઆરી ૨૦૧૩ ના 'અખંડઆનંદ'માં આ વાર્તા સમાવવા બદલ તંત્રીમંડળનો આભારી છું.)

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

માર્ચ 09, 2013

ઇન્ડી બ્લૂઝઃ 'ધૂમકેતુ' અદ્રશ્ય અને મીનળદેવી કચરાપેટીમાં

'ધૂમકેતુ'ની જગ્યાએ શ્રી કવિ પ્રભુલાલ માર્ગ
     માની લો કે એક ગરીબ ઘરમાં ચાર પેઢીના થઈને પચાસેક માણસો રહે છે. પૂરતું ખાવાનું નથી મળતું એટલે ઘરડાની દવા નહિ કરાવવાનું કારણ સમજી શકાય એમ છે. પણ આવતા-જતા ખખડધજ ખાટલામાં પડેલ એ ઘરડા માણસને લાતો મારતા જવાની માનસિકતાને શું કહેશો? આપણે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા પ્રત્યે કેટલા ઉદાસીન છીએ, એના બે ઉદાહરણ જોઈને આ પ્રશ્ન ઉઠ્યો. ચાલો શું જોયું એની માંડીને વાત કરું, જેથી ખ્યાલ આવે કે આ ઘરડા માણસને લાત મારવાની માનસિકતાનો વિચાર કેમ આવ્યો.
     
મીનળદેવી વાવ
     નવલકથા અને ટૂંકી વાર્તા એ મારા પ્રિય સાહિત્ય પ્રકાર છે અને ટૂંકી વાર્તામાં ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ' ની ટૂંકી વાર્તાઓ અત્યંત પ્રિય છે. તેમનું 'તણખા મંડળ' વાંચતા એવો નિર્ધાર કર્યો હતો કે વીરપુર જઈને તેમનું જન્મસ્થાન જોવું. (વીરપુર એક માત્ર મંદિર એવું છે કે જ્યાં જવાનો ઉમળકો આવે છે કારણ કે વર્ષોથી ત્યાં કોઈ પણ સ્વરૂપે કંઈ પણ ભેટ સ્વીકારવામાં નથી આવતી, લાખો-કરોડો ખર્ચીને ભવ્ય મંદિર બાંધવામાં નથી આવતા અને ભગવાનના નામે વેપાર નથી થતો.)
કચરાપેટી બની ગયેલ મીનળદેવી વાવ
     આમ તો ખ્યાલ જ હતો કે આપણે સાંસ્કૃતિક વારસો જાળવાની વૃત્તિ નથી ધરાવતાં એટલે 'ધૂમકેતુ'નું ઘર બિસ્માર હાલતમાં જ હશે. પણ ત્યાં જઈને આટલો મોટો આઘાત લાગશે એમ નહોતું ધાર્યું. બિસ્માર હાલતમાં તો શું એ ઘર જ નથી અને હોય તો કોઈને ખબર નથી. મતલબ કે વારસો જાળવવાની વાત તો જવા દો, યાદ રાખવાની પણ જરૂર નથી લાગતી. જેને 'ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક'નું બિરુદ અપાયું છે, એને ત્યાં ભાગ્યે જ કોઈ નામથી ઓળખે છે. એકદમ ઘરડા દુકાનદારો અને ગ્રામવાસીઓને શોધી-શોધીને પૂછ્યું, તો તેમને 'ધૂમકેતુ' કોણ હતા, એ તો ખબર હતી, પણ એમના જન્મસ્થળ વિશે કોઈ માહિતી નહોતી. બે-ત્રણ વૃદ્ધો એમ જણાવ્યું કે ગામમાં એક રસ્તાનું નામ 'ધૂમકેતુ' માર્ગ આપવામાં આવ્યું હતું, એટલે ઘણી આશા સાથે અમે ત્યાં ગયા. પણ 'ધૂમકેતુ' માર્ગ ક્યાંય મળ્યો જ નહિ. ચલક-ચલાણું રમતા-રમતા લગભગ આખું ગામ ફરી લીધું પણ ક્યાંય 'ધૂમકેતુ' શબ્દ લખેલો જોવા મળ્યો નહિ. વિવિધ માહિતી ભેગી કરીને એમ ધારણા બાંધી કે અત્યારે જે 'શ્રી કવિ પ્રભુલાલ માર્ગ' તરીકે ઓળખાય છે, તે ભૂતકાળમાં 'ધૂમકેતુ' માર્ગ હતો અને એ શેરીના કોઈ ઘરમાં તેમનો જન્મ થયો હશે.

ત્રણ માળની મીનળદેવી વાવ
મીનળદેવી વાવની અંદર
     આ તપાસ કરતાં-કરતાં જઈ પહોંચ્યા એક ગંદી વાવ નજીક. તેનું પાટીયું વાંચીને જાણવા મળ્યું કે એ 'મીનળદેવી વાવ' છે. પછી લોકોને પૂછી-પૂછીને ખાતરી કરી કે આ એજ મીનળદેવી કે જેને 'પાટણની પ્રભુતા'માં કનૈયાલાલ મુનશીએ મુંજાલ મહેતા સાથે અમર કર્યા છે? તો જવાબ મળ્યો હા. આ મીનળદેવીની કુખે નજીકમાં આવેલ એક આશ્રમમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો એટલે તેની યાદગીરી સ્વરૂપે આ ત્રણ માળની વાવ બનાવવામાં આવી હતી. ગુજરાતના ઈતિહાસમાં સિદ્ધરાજ જયસિંહનું કેટલું બધું મહત્વ છે, એ તો સૌ જાણે જ છે. એમની સાથે જોડાયેલી આ વાવના શું હાલ છે, એના માટે તસવીર જોઈ લો.

જેના પરથી વીરપુર નામ પડ્યું એ વીરપરાનાથ
     આપણા પ્રશાસન પાસે પૈસા નથી અને જનતા પોતાના વર્તમાન અને પોતાની આગલી પેઢીના ભવિષ્યની ચિંતામાં વ્યસ્ત છે, એટલે ભૂતકાળ પ્રત્યે ઉદાસીન હોય એ ગળે ઉતરે એવું બહાનું લાગે છે. મતલબ કે પુરાતન વારસાની જાળવણી પાછળ નાણા અને સમય ખર્ચવામાં આવતા નથી. પણ તેનો મતલબ એમ તો ન થાય ને કે એ વારસાને નુકસાન પહોંચાડવું કે તેને જાહેર કચરાપેટી બનાવવી. જનતાની આ માનસિકતા ખરેખર ચિંતાજનક છે. આ પેલી ગરીબ બિમાર ઘરડા માણસની સારવાર ન કરાવીને આવતા-જતા લાતો મારવા જેવી વાત છે. આપણે ન સાચવી તો કંઈ નહિ, પણ તેને બગાડવાનો તો આપણને કોઈ જ અધિકાર નથી. એવું જાણવા મળ્યું કે જલારામ મંદિરના ટ્રસ્ટે વાવ માટે પૈસા ખર્ચ્યા છે અને પ્રશાસને પણ કામ કરવામાં રસ દાખવ્યો છે. માની લો કે એ થઈ પણ ગયું, તોય શું આપણે એમાં કચરો નાખતા અટકીશું?

     છેલ્લે, વીરપુરને તો બધા જલારામ બાપાના નામે જ ઓળખે છે, પણ એ વીરપુર નામ જેના પરથી પડ્યું એ વીરપરાનાથની તસવીર.

રિલેટેડ બ્લૉગ-પોસ્ટઃમાર્ચ 08, 2013

ઇન્ડી બ્લૂઝઃ કેવો વિરોધાભાસ!

     એક બાજુ પ્રોપર્ટી માર્કેટમાં એટલી તેજી આવી છે કે જમીનના દરેક ટુકડા પર ફ્લેટ, રો-હાઉસ કે ટેનામેન્ટ બની રહ્યાં છે. ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડાઓ પરથી મળતી માહિતી મુજબ અંદાજે ૨૪ લાખ જેટલા મકાનો ખાલી પડ્યાં છે. પણ મકાનોના ભાવ એટલા વધી ગયા છે કે મધ્યમવર્ગીય પગારદાર માણસ માટે તો પોતાનું ઘર લેવું એક સપનું થઈ પડ્યું છે. જ્યારે બે હાથ વાળો માણસ મહેનત કરીને થાકી જાય છે, ત્યારે હજાર હાથ વાળાનું શરણું શોધે છે. હમણા ચોટીલામાં આ ભાવના જાગૃત કરતું  જે દ્રશ્ય જોયું એઃ
કેવો વિરોધાભાસ!
     ચોટીલાની બાજુમાં જ એક વિશાળ જલારામ મંદિર બન્યું છે. (પાછલા કેટલાક વર્ષોમાં આ ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં પણ પ્રોપર્ટી માર્કેટ જેવી આગ ઝરતી તેજી આવેલી છે!) ત્યાં પક્ષીઓ માટે આવા સુંદર બહુમાળી ઇમારત જેવા ચબૂતરા બનાવવામાં આવ્યા છે, જે જોઈને ફરી વાર એજ વાત યાદ ગઈ.

ચબૂતરા (ઇન્સ્ટાગ્રામે થોડોક મેક-અપ કરી આપ્યો છે!)
     ચોટીલા માત્ર રોકાણ હતું. મંઝિલ તો ત્યાંથી આગળ હતી. ત્યાં પહોંચ્યા ત્યારે બીજા કેવા વિરોધાભાસ જોવા મળ્યા, તેની વાત કાલે.