તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 24, 2013

ઇન્ડી બ્લૂઝઃ Country of Equal Opportunity

યુ.કે.માં મે હજારો ફોટા આડેધડ પાડ્યા છે, પણ જો તેમાંથી મારે ગમતા દસ ફોટા પસંદ કરવાનો હોય, તો તેમાંથી એક ફોટો આ હોય કારણ કે યુ.કે.નો દરેક રહેવાસી આવી સુંદર પળને સતત ઝંખતો રહે છે.

યુ.કે.નો દરેક રહેવાસી આવી સુંદર પળને સતત ઝંખતો રહે છે!

આજે આ ફોટો યાદ કેમ આવ્યો? જુઓ બીજો ફોટો:


મારો દેશ બધાને એક સમાન તક આપે છે! Country of Equal Opportunity!

ફેબ્રુઆરી 16, 2013

ઇન્ડી બ્લૂઝઃ ગુજરાતી ગઝલને દિવાને-ખાસ માંથી દિવાને-આમમાં લાવનાર મનહર ઉધાસ

     સદ્દભાગ્યે ગુજરાતી ગીતોનું સાવ ગુજરાતી ફિલ્મ જેવું નથી થયું. નવરાત્રિ અને લગ્ન જેવા પ્રસંગોને કારણે ગુજરાતી ગરબા અને ગીતો ઠીક-ઠીક લોકપ્રિય છે. પરંતું એક સમયે ગુજરાતી ગઝલ વિશે એમ કહી શકાતું નહિ. ગુજરાતી ગઝલ અને નઝમ દિવાને-ખાસ માટે અનામત ગણાતાં. તેમને દિવાને-આમમાં પ્રવેશ અપાવવાનો શ્રેય નિઃશંક મનહર ઉધાસને આપી શકાય. એમના 'આગમન'ને સીમાચિહ્ન ગણી શકાય. ત્યાર બાદ ગુજરાતી ગઝલ અને નઝમ ઘણી આગળ વધી અને સામાન્યમાં સામાન્ય ગુજરાતી પણ ગુજરાતી ગઝલો માણતો થયો. ગુજરાતી ભાષામાં મનહર ઉધાસનું એ નોંધનીય પ્રદાન.

     ગઈ કાલે (૧૫/૦૨/૨૦૧૩)ના રોજ તેમના ૨૯મા આલ્બમ 'અદ્દભુત'ના વિમોચન પ્રસંગે 'દિવ્ય ભાસ્કર' તરફથી યોજાયેલ ગઝલ સંધ્યામાં હાજર રહેવાનો મોકો મળ્યો. [લગભગ એક મહિના પહેલા (૧૯/૦૧/૨૦૧૩) તેમના ભાઈ પંકજ ઉધાસની ગઝલ સંધ્યા માણવાનો પણ મોકો મળ્યો હતો.] આ પહેલા મનહર ઉધાસને ૨૦૦૫ કે ૨૦૦૬માં માણ્યા હતાં. આટલા વર્ષો બાદ આ મોકો મળતાં 'અદ્દભુત' આનંદ થયો અને ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો લગાવ પણ ગમ્યો.

     સવા કલાક મોડા આવેલ પદ્મ શ્રી પંકજ ઉધાસે સ્ટેજ પર બેસીને એકદમ ગંભીર અને શિષ્ટ રીતે તેમની ગઝલ સંધ્યા રજૂ કરી હતી. જ્યારે મનહર ઉધાસની નિખાલસ અને અંગત સ્વજન જેવી રજૂઆત અલગ જ હતી. ગઝલની વચ્ચે-વચ્ચે એ પોતાની અંગત વાતો પણ કરતા જતા. કાલે પહેલી વાર જાણવા મળ્યું કે તેમણે ભાવનગર પોલી-ટેકનિકમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે! તેમણે ઘણી વાતો કરી, પણ ચાર વાતો સૌથી વધુ ગમી.

     પહેલા ફૂટબોલમાં અને પછી ક્રિકેટમાં એવું જોયુ કે નવી પેઢીને રમતો સાથે જોડી રાખવા માટે મેદાનમાં ખેલાડીઓના આગમન સમયે બાળકોને તેમની સાથે આવવાનો મોકો આપવામાં આવે છે. ભલે એ બે-ચાર મિનિટની જ વાત હોય, પણ એ અનુભવને કારણો બાળકો એ રમત સાથે જીવનભર જોડાઈ જવાના. કંઇક એવું જ કાલે મનહર ઉધાસે કર્યું. જુઓ ફોટો.

નવી પેઢીને હાલરડા સંભળાવી રહેલ શ્રી મનહર ઉધાસ

કાર્યક્રમ દરમિયાન તેમણે હાજર તમામ બાળકોને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું અને તેમને ત્યાં ઉભા રાખીને કૈલાસ પંડિતનું 'દીકરો મારો લાડકવાયો' અને મુકેશ માલવણકરનું 'દીકરી મારી લાડકવાયી' હાલરડું ગાયું. કેવી યાદગાર પળો એ બધા જ બાળકો અને તેમના માતા-પિતા માટે! અને તેમણે ગુજરાતી ભાષાને દૈનિક જીવનમાં અપનાવવાની પણ હાકલ કરી.

     સફળ કલાકાર તરીકેના કોઈ જ અભિમાન વિના તેમણે આ આખા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બે વખત તો એવું બન્યું કે તેમણે શ્રોતાઓ પાસે એક-બે શેર ગવડાવ્યાં અને પોતે શ્રોતા બની જઈને દાદ આપી. 'તારી આંખનો અફીણી...' અને 'નયનને બંધ રાખીને...' ગઝલના શેર શ્રોતાઓએ સમૂહમાં બે વાર ગાયા અને મનહર ઉધાસે માણ્યાં.

     છેલ્લે-છેલ્લે ૩૦૦૦ જેટલાં શ્રોતાઓને જોઈને ભાવુક થયેલા મનહર ઉધાસે બધાની વચ્ચે જઈને મળવાની ઇચ્છા વ્યક્ત કરી અને 'હર કિસીકો નહિ મિલતા યહાં પ્યાર ઝિંદગીમે..' ગીત ગાતા ગાતા બધાની વચ્ચે ફર્યા અને તેમની નજીકથી જોવાની બધાની ઇચ્છા પૂરી કરી.

     અને, રેકોર્ડિંગ વખતે પોતે ગઝલમાંથી ગુપચાવેલા શેર પણ ગાઈ સંભળાવ્યા, તે બોનસમાં. જેમકે બરકત વીરાણી 'બેફામ'ની 'થાય સરખામણી તો ઊતરતાં છીએ...' ના બે શેરઃ

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ પંથે બિછાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

(હજી એક શેરે બાકી છે, જે તેમણે ગાયો નથી. આ આખી ગઝલના તમામ શેર બરકત વીરાણી 'બેફામ'ના પોતાના અવાજમાં સાંભળવા માટે આ લિંક પર ક્લિક કરો.)

     ફરી વાર એ અમદાવાદમાં આવે એટલે જવું જ પડશે, એમ લાગે છે!