તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 10, 2013

ગુરુ તો ગયા, ગુજરાતી નવલકથા અંધ બનાવીને!


ગુરુ તો ગયા! આજે એમને ગયે એક મહીનો થયો અને છતાંય વિશ્વાસ નથી આવતો કે એ ગયાં. એમના લખેલા લાખો શબ્દોના દળદાર પુસ્તકો જ્યાં સુધી આંખો સમક્ષ રહે ત્યાં સુધી એવું માનવાની જરૂર પણ ક્યાં છે? પણ હવે એક હકીકત તો બહુ સ્પષ્ટ છે કે ગુજરાતી નવલકથા અંધ બની ગઈ. સુરેશ દલાલે કહ્યું હતું, ‘ગુજરાતી લોકપ્રિય નવલકથાની બે આંખ જેવા આપણી પાસે બે લેખકો છે જેને વિવેચકનું ત્રીજું લોચન સ્પર્શી પણ ન શકે અને આ બે લેખકો તે – હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ.’ પહેલા હરકિસન મહેતા ગયાં પછી આ કહેનારા સુરેશ દલાલ અને હવે અશ્વિની ભટ્ટ. આ અંધાપો ક્યારે દૂર થશે? અને થશે ખરો?


(ગુરુની સ્મૃતિસભામાં બધાને ભેટ આપવામાં આવેલ ૧૩ પોસ્ટકાર્ડ્સ)
શાંત જગ્યાએ બેસીને કલ્પનાના ગુબ્બારા ચડાવતા ગાડરિયા નવલકથાકારોના ટોળા કરતાં આ લેખક કંઈક અલગ જ પ્રકૃતિના હતાં. નક્કર ફિલ્ડ-વર્ક અને ઊંડા રિસર્ચ પછી નવલકથાઓ લખી તેમણે નવલકથા લેખનમાં પોતાનો એક આગવો માપદંડ ઊભો કર્યો હતો. જે પણ અશ્વિની ભટ્ટને વાંચે, તે ત્યાર બાદ બીજી કોઈ પણ નવલકથાને અશ્વિની ભટ્ટની નવલકથાઓ સાથે મનોમન અચૂક સરખાવે જ અને દરેક વખતે એમ જ થાય કે અશ્વિની ભટ્ટ એટલે One & Only. તેમણે જે adrenalin rush જગાવતી નવલકથાઓ આપી છે, સતત આપી છે, તેવું ફરી બનશે? અને તેઓ માત્ર થ્રીલરથી અટકી ન ગયા. ખડખડાટ હસાવતી ‘કમઠાણ’ અને પરલૌકિક કથાવસ્તુ વાળી ‘આયનો’ જેવી નવલકથાઓ આપીને પોતાની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય પણ આપ્યો.
અશ્વિની ભટ્ટે પાત્રો, ઘટનાઓ અને લોકાલ્સ વડે એક ત્રિપરિમાણિય સૃષ્ટિ સર્જી હતી. આ ત્રણે તત્વોમાં પોતાના મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને એવી નક્કર નવલકથાઓ તેમણે આપણને આપી છે કે તેને વાંચતા-વાંચતા આપણે જ એ પાત્રોના પ્રેમમાં પડી જઈએ.
તેમની પહેલી નવલકથા વાંચી હોય તો તે ‘ફાંસલો’. એ પાંચ મિત્રોની ટોળીને હું અમારા પાંચ મિત્રો સાથે સરખાવતો. ક્યારેક હું જિગર પરોત બની જતો તો ક્યારેક ગોવિંદ ભંડારી. એવું જ ‘ઓથાર’ વખતે થયું. સેના બારનીશના પ્રેમમાં પડી જવાયું. ક્યારેક ખેરાસિંહ બની જતો તો ક્યારેક સેજલ. ‘આશકા માંડલ’નો સિગાવલ કેશી અને પૂરણસિંહ પણ મનમાં એજ દ્વંદ્વ ઊભું કરતાં. ‘કટિબંધ’ની મલાખી આંખ વાળી કામાલિની અને ‘આખેટ’ની ઊર્જા ગાંવકર પણ મનને આકર્ષી ગઈ. ‘કટિબંધ’ના કર્નલ બ્રાર હજી પણ યાદ છે. અને આ સૌથી ઉપર, ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ સર્જાયું હોય તેવું જાજરમાન પાત્ર રાજેશ્વરીદેવીને કોણ ભૂલી શકે?
ઘણીવાર સફળતા મળ્યા બાદ માણસ આળસુ અને અભિમાની બની જાય છે પરંતું સફળતાના શિખર પર બેસીને પણ સામાન્ય માણસનું સૌજન્ય તેમણે જાળવી રાખ્યું હતું એવું તેમને જાણનારા બધા જ એક અવાજે કહે છે. અને આટલું લખ્યા પછી પણ તેમના મનમાં લખવાની એજ ધગશ હતી. છેલ્લે-છેલ્લે ડોકટરને તેમણે વિનંતી કરી હતી, ‘માત્ર સાડા ત્રણ વર્ષ હજુ આપો. મારે મારી નવી શરૂ કરેલી નવલકથા પૂરી કરવી છે અને એ છપાયેલી જોવી છે.’ અને અધૂરા કામ છોડીને તેમના પ્રિય વાચકોને ઝૂરતા છોડીને એ તો જતા રહ્યાં ગામતરે. આમ પણ ફર્યા વિના ક્યાં લખી શકાતું એમનાથી?
અને તેમણે કેટ-કેટલા કામ અધૂરા છોડ્યા છે. ઉર્વીશભાઈ કોઠારીના બ્લૉગના રેફરેન્સ સાથે કહી શકાય કે ‘તે ત્રાસવાદની થીમ પર એક નવલકથા (જળકપટ) લખી રહ્યા છે. તેમાં એ ઘણાં આગળ વઘ્યા હોવાનું એમણે કહ્યું. એ સિવાય કસબ-કરામત-કમઠાણ સિરીઝની બીજી બે હાસ્યનવલ ‘કડદો અને ‘કોરટલગભગ પૂરી થવામાં છે અને ત્રીજું કામ તેમણે અગાઉ લખેલી ટૂંકી વાર્તાઓનું સંકલન-સંપાદન છે.’ આ ઉપરાંત ‘આખેટ’ની પ્રથમ આવૃત્તિમાં તેમણે હવે પછી ‘સંજુ માલવ’ જણાવેલું, જે લખીને, તેમને પોતાને સંતોષ ન થતાં તેમણે માળિયે ચડાવી દીધી હતી. તેમના પ્રકાશક મહેન્દ્રભાઈનું કહેવું છે કે કુલ સાતેક પુસ્તકો પર તેઓ એક સાથે કામ કરી રહ્યાં હતાં.
આપણે આશા રાખીએ કે તેમણે કરેલા અનુવાદ ફરીથી પ્રગટ થાય. જે પણ પુસ્તકો પૂરા થયાં હોય (અથવા ન પણ થયા હોય), તે પણ આપણને જોવા-જાણવા મળે અને તેમના પ્રકાશિત પુસ્તકોની અસંખ્ય આવૃત્તિઓ થતી રહે. બાકી લેખકને સાચી અંજલિ તો તેમને વાંચીને અથવા કંઇક લખીને જ આપી શકાયને?
તેમની વેબસાઈટ www.ashwineebhatt.com કેવી હોવી જોઈએ? આપના સૂચનો હોય તો, જણાવજો.

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

2 ટિપ્પણીઓ:

 1. ગજબની નવલકથાઓ- અદ્ભુત પ્લોટ, જકડી રાખતી શૈલી અને જોશીલી ભાષા. મને સૌથી વધારે ગમતી - 'ઓથાર' અને 'ફાસલો'

  જવાબ આપોકાઢી નાખો
 2. હૃદયપૂર્વકનું લખાણ. 'ફાંસલો' વાંચી એ ઉંમરે હું પણ મનોમન જીગર પરોત બન્યો હતોઃ-)

  મિત્ર તરીકે એક સૂચન કરું? અશ્વિનીભાઇ વિશે આપણને બન્નેને કેટલો આદરપ્રેમ છે એ આપણે જાણીએ છીએ, પણ ગમે તેટલી મહાન કે મોટી હસ્તીના જવાથી એ ક્ષેત્ર અનાથ કે નિરાધાર બન્યું, એવું લખવાનું આપણાથી ટાળી શકાય તો સારું. (સુરેશ દલાલની વાત જુદી હતી. આ પ્રકારનાં, સાંભળવામાં સુંદર લાગે પણ અર્થ વિચારવા બેસીએ તો ન ટકે એવાં, ચબરાકીયાં તેમની ખાસિયત અને મર્યાદા હતાં.)

  અશ્વિનીભાઇ અશ્વિનીભાઇ જ હતા. તેમની જગ્યા કોઇ ન લઇ શકે. કારણ કે તેમનાં લખાણો પાછાં આવે તો પણ એ સમયખંડ પાછો ન આવે. બીજું કોઇ ક્ષમતાવાળું હોય તો પણ એ અશ્વિની ભટ્ટ શા માટે બને? કે તેમનું સ્થાન શા માટે લે? આવાં સ્થાન નોન-ટ્રાન્સફરેબલ હોય છે. નવા આવનારમાં પ્રતિભા હોય તો તેણે પોતાનુ સ્થાન ઊભું કરવાનું.

  નવલકથામાં ફિલ્ડવર્ક અને રીસર્ચવર્ક અત્યંત મહત્ત્વનાં ખરાં, પણ છેવટની કસોટી તો નવલકથા પોતે જ છે. જુલે વર્ને ઘરમાંથી બહાર નીકળ્યા વિના જ આટલું બધું લખ્યું. છતાં, ચિરંજીવ. અને ઘણા બહાર રખડીને પણ છેવટના પરિણામમાં કશું ઉકાળી શકતા નથી. એટલ, રૂપિયા ક્રાફ્ટ અને ક્રીએટીવીટીના છે, જે અશ્વિનીભાઇમાં ભારોભાર હતાં.

  સામાન્ય નિરીક્ષણ લેખે કે લેખનશૈલી જેવાં તત્ત્વો અંગે બીજા સાથે તેમની સરખામણી ચોક્કસ કરી શકાય, પણ અશ્વિનીભાઇનું માહત્મ્ય એટલું મોટું છે કે બીજાની લીટી ટૂંકી કર્યા વિના પણ એ સિદ્ધ થઇ શકે- અને નવલકથાના બીજા પ્રકારો સાથે અશ્વિનીભાઇએ ખેડેલા પ્રકારની સરખામણી પણ ન થઇ શકે. જેમ કે, મને એક સાથે મુનશીની 'ગુજરાતનો નાથ', જોસેફભાઇની 'આંગળિયાત', રજનીકુમારની 'કુંતી' અને અશ્વિનીભાઇની 'ઓથાર'- જુદી જુદી રીતે, પણ એકસરખી તીવ્રતાથી ગમતાં હોઇ શકે. એ ચાર જણમાં કોણ ઉપર ને કોણ નીચે એવો ક્રમ નક્કી કરવાની મારી ક્ષમતા નહીં ને એની જરૂર પણ ન લાગે. એમાં તો એવું જ કહેવાનું થાય કે જ્યારે જે વાંચીએ ત્યારે તે શ્રેષ્ઠ.

  અશ્વિનીભાઇ વિશે એક પુસ્તક તૈયાર થઇ રહ્યું છે. તેમાં તમને સૌથી વધારે મઝા કયા વિષય પર લખવાની આવશે? જણાવશો તો એ પ્રમાણે આમંત્રણ મોકલી શકાય.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.