તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 29, 2013

Amazon.in, flipkart.com અને booksonclick.com પર મારા અનુવાદિત પુસ્તકો

          અમદાવાદ (અને ભારત) બહાર વસતા અમુક મિત્રોએ પૂછાવ્યું હતું કે મારા બંને અનુવાદિત પુસ્તકો કેવી રીતે મેળવી શકાય. તો એ અત્યારે www.amazon.in, www.flipkart.com, www.booksonclick.com અને  www.gujaratibooks.com પર ઉપલબ્ધ છે, એ આપ સૌની જાણ માટે.લિંક્સઃ

1. ચાણક્ય મંત્ર


2. શેઠજી - શોભા ડે

ડિસેમ્બર 24, 2013

મારો દ્વિતીય અનુવાદ 'શેઠજી - શોભા ડે'

મિત્રો,
          અંગ્રેજી ભાષામાં ભારતમાં લખતા લેખકોમાં શોભા ડે બહુ મોટું નામ છે. તેમનો આગવો વાચક વર્ગ છે અને તેઓ ફિક્શન તેમજ નોન-ફિક્શન, બંને લખે છે અને તેમના બંને પ્રકારના પુસ્તકો થોકબંધ વેચાય છે અને વંચાય છે. એમની એક નવલકથા 'શેઠજી'નો ગુજરાતી અનુવાદ લઈને આપની સમક્ષ આવ્યો છું.


Sethji - Shobh Dey, Translated into Gujarati by Chirag Thakkar 'Jay'
શેઠજી', લેખિકાઃ શોભા ડે, ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          આ નવલકથાને ટિપિકલ શોભા ડે નવલકથા કહી શકાય. આ વખતે લેખિકાએ ભારતના રાજકારણની અંધારી ગલીઓ પસંદ કરી છે. રાજકારણની સાથે-સાથે તેમાં સંબંધોના અજીબ તાણાવાણા પણ ગૂંથાયેલા છે. રૂંવાડા ઊભા કરી દે તેવી થ્રિલર કથા નથી પણ રસ જાળવી રાખે એવું તેનું ફલક છે. સાથે-સાથે જ તેમાં કામાતુર પ્રેમની ભરમાર પણ છે. ટૂંકમાં શોભા ડે પાસેથી જે જે અપેક્ષા રાખવામાં આવે છે એ બધા પર એ ખરી ઉતરે તેવી નવલકથા છે. પરંતું આ નવલકથાનું સૌથી પ્રભાવક પાસુ છે હીરા જેવું શેઠજી અને તેમની પુત્રવધુ અમૃતાનું પાત્રાલેખન અને તેમની વચ્ચેનો સંબંધ. શેઠજી હીરાની જેમ અત્યંત મજબૂત છે (અને ઘીટ પણ ખરા) અને અમૃતા હીરા જેવી જ ચમકદાર અને આકર્ષક છે. શેઠજીનો પરિવાર રાજકારણના કાવાદાવામાં ફસાય છે અને તે બંને ભેગા મળીને તેમાંથી કઈ રીતે બહાર આવે છે, તેની ધરી પર આ આખી નવલકથા રચાયેલી છે.

          સૌ પ્રથમ તો મૂળ નવલકથાને વફાદાર રહીને તેનો શબ્દશઃ અનુવાદ કર્યો હતો. તેમાં શોભા ડે ની શૈલીમાં વણાયેલી ઘણી બધી ગાળો અને પ્રણયપ્રચુર વર્ણનો યથાવ‌ત્ રાખ્યાં હતાં. ફર્સ્ટ પ્રુફ વંચાયા પછી એવો અભિપ્રાય આપવામાં આવ્યો કે 'ગુજરાતી વાચકો તેને સ્વીકારશે નહિ'. એટલે થોડીક તીખાશ ઓછી કરવામાં આવી. ત્યાર બાદ સેકન્ડ પ્રુફમાં પણ એજ અભિપ્રાય આવ્યો કે 'હજી થોડું માઇલ્ડ કરવું પડશે'. પણ મેં કહ્યું કે 'ભાજીપાંઉની મજા જ તેના મસાલામાં હોય છે. મસાલો કાઢી નાખશો તો બાફેલી સબ્જી ખાવામાં કોઈને શું રસ પડશે? એના કરતા જેમ છે એમ પીરસીએ અને સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય લેવાનું વાચકો પર છોડીએ.' એટલે હવે તમારા હાથમાં જે છે એ મોટાભાગે મૂળ પુસ્તકને વફાદાર રહીને કરેલો અનુવાદ છે, માત્ર થોડાક શબ્દો (ખાસ કરીને ગાળો) બદલવામાં આવ્યા છે.

          નવભારત સાહિત્ય મંદિરે તેને પ્રકાશિત કરી છે અને પુસ્તક મેળવવામાં કોઈ તકલીફ પડે તો તમે પ્રકાશકનો કે મારો સંપર્ક કરી શકો છો.

          તો વાંચીને જણાવજો કે તે ગુજરાતી વાચકને સ્વીકાર્ય છે કે નહિ?

          આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ,

          ચિરાગ ઠક્કર 'જય'

પુસ્તકની વિગતોઃ

નામઃ શેઠજી
લેખિકાઃ શોભા ડે
ISBN: 978-81-8440-830-0
ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર (Phone) 079-2213 9253, 079-2213 2921
કિંમતઃ ₹ 250

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

ડિસેમ્બર 22, 2013

100,000 +

          
          આમ તો મારા બ્લૉગમાં કેટલી પોસ્ટ થઈ કે કેટલી કોમેન્ટ્સ મળી એવા કોઈ આંકડા પબ્લિશ નથી કરતો [કારણ કે એ કંઈ ખાસ પ્રભાવક હોતા પણ નથી! :) ]. વળી એમાં મેં કંઈ ધાડ પણ મારી નથી હોતી. ઇન્ટરનેટ પર હવે તો અસંખ્ય ગુજરાતી બ્લૉગ છે અને તેમાંના ઘણા બહુ જ સરસ પણ છે. પરંતું આ વખતે મન થઈ ગયું કારણ કે બ્લૉગના ટોટલ પેજવ્યૂઝ 100,000 થી વધારે થઈ ગયા છે. એ માટે આપ સૌનો આભાર કારણ કે વાચક ન હોય, તો કોઈ પણ લખાણનું શું મહત્વ? (જોકે મને ખબર છે કે 100,000 પેજવ્યૂઝનો મતલબ એટલા યુનિક વિઝિટર્સ છે એમ નથી થતો.) 

          અને હા, પાછલા 6-7 મહિનાથી અભ્યાસ અને કામમાં વ્યસ્ત હતો એટલે બ્લૉગ બહુ હાથમાં નહોતો લેવાતો. હવે પાછો આવી ગયો છું એટલે ઘરમાં માથાના દુઃખાવાની ગોળીઓનો સ્ટોક કરી લેજો.

ડિસેમ્બર 20, 2013

દેવયાની ખોબ્રાગડે વાળા મુદ્દાની બીજી બાજુ

          પોલિટિકલ ઇમ્યુનિટી ને ભારતના 'ગૌરવ'નો પ્રશ્ન બાજુમાં મૂકો, તો દેવયાની ખોબ્રાગડે વાળા કિસ્સામાં એક અગત્યનો મુદ્દો ચૂકી ગયાનું દેખાશે. મુદ્દાની વાત એ છે કે એશિયન માઇગ્રન્ટ્સના એક મોટા ભાગમાં બે વસ્તુઓ અચૂક જોવા મળતી હોય છેઃ

(1) વિઝા માટે અથવા અન્ય કોઈ પણ નાના-મોટા કામમાં કાયદાને અવગણવાની વૃત્તિ

યુકેમાં તો 7 વર્ષ હાજર રહીને જોયું છે કે ત્યાં સ્ટુડન્ટ વિઝા પર આવતા 90% વિદ્યાર્થીઓ ખોટું બોલીને, ખોટા દસ્તાવેજોની મદદથી, નિયમોનો ભંગ કરવાની છૂટ આપતી કૉલેજમાં જ એડમિશન લેતા હોય છે અને ભણવાના બહાને રૂપિયા કમાવાનો પ્રયત્ન કરતા હોય છે. યુકેમાં પાર્કિંગ બહુ મોટો પ્રશ્ન છે પરંતું તેમાં ડિસેબલ (વિકલાંગ) લોકોને ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ મળે છે. એટલે જો કોઈના કુટુંબમાં ગમે તે એક વ્યક્તિ ડિસેબલ હોય, તો તેને મળેલા પાર્કિંગ અધિકારનો ઉપયોગ આખું કુટુંબ છૂટથી કરતું હોય છે, ભલે ને તે વ્યક્તિ એ સમયે ગાડીમાં હાજર હોય કે ન હોય.

(2) શક્ય હોય ત્યાં આર્થિક શોષણ કરવાની વૃત્તિ

બને એટલું બચાવી લેવું અને તેના માટે કોઈનું શોષણ કરવું પડે તો વિનાસંકોચે કરવું. અત્યારે યુકેમાં કોઈ પણ કામ માટે વયસ્ક વ્યક્તિને પ્રતિ કલાક ઓછામાં ઓછા £6.31 તો ચૂકવવા જ પડે અને તેમ છતાં એવા કામ કરાવનાર અને કરનાર ત્યાં છે કે જે 12 કલાકના £20 કે £25 મેળવતા/આપતા હોય છે. વિદેશમાં ગમે તે કારણસર ગેરકાયદેસર રીતે વસી ગયેલા અથવા ગેરકાયદેસર રીતે કામ કરતા માઇગ્રન્ટ્સ પાસે તો કાયદા પાસે જવાનો વિકલ્પ જ ન હોવાથી તેઓ પણ પોતાના કરતા વધું શોષણ પામતા લોકોને જોઈને ખુશ રહેતા હોય છે અથવા મન મનાવી લેતા હોવ છે.

          પોતાના મૂળ દેશના ઉછેરમાંથી આવેલ (કુ)સંસ્કાર હોય કે લોભ, પણ આ વસ્તુ ત્યાં નજરે જોયેલી અને અનુભવેલી છે. દેવયાની વાળા મુદ્દામાં પણ આ બંને વાતો દેખાય છે પરંતું તેની અવગણના કરવામાં આવી છે, એટલે આ તો ધ્યાન દોર્યું. આમ પણ 'સમરથકો ના દોષ ગુંસાઇ' એટલે જગતનું જમાદાર અમેરિકા આવા કિસ્સામાં પીછે હઠ કરે જ નહિ, એ તો સ્પષ્ટ છે. અને ભારતનું ગૌરવ હણાતું અટકાવવું હોય, તો ભારતમાં પણ ઘણા કામ થઈ શકે છે, ખરું ને? અને હા, આ બે વૃત્તિઓ માત્ર એશિયન માઇગ્રન્ટ્સમાં જ હોય છે એવું નથી હોતું, પરંતું તેમનામાં એ હોવાનું પ્રમાણ વધારે હોય છે.

ડિસેમ્બર 11, 2013

આકંઠ, અનર્ગળ અને અનરાધાર અશ્વિની ભટ્ટ


 • પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ અશ્વિની ભટ્ટને સ્નેહ સભર શ્રદ્ધાંજલી. જોકે એ આપણી વચ્ચેથી ગયા હોય એમ લાગતું નથી કારણ કે મારા જેવો જે ભાવકો તેમને માત્ર અક્ષરદેહે ઓળખતા તેમના માટે તો તેમની અનર્ગળ કલમની આકંઠ અને અનરાધાર મોહિની હાજરાહજૂર જ છે.
  સ્વ. અશ્વિની ભટ્ટ
  (12-07-1936 થી 10-12-2012)
 • 'હેરી પોટર' પુસ્તકોમાં ત્રણ પ્રકારના માણસો હોય છેઃ મગલ્સ, વિચીઝ-વિઝર્ડ્સ અને સ્ક્વીબ. જેને જાદુ આવડતું જ નથી તે બધા મગલ્સ. જાદુ આવડે છે એ બધા વિચીઝ અને વિઝર્ડ્સ અને જેના લોહીમાં જાદુ છે પરંતું જે જાદુ કરી નથી શકતા એ બધા સ્ક્વીબ. મારા મનના અશ્વિની જગતમાં પણ એવા જ ત્રણ ભાગ છે. પુસ્તકો વાંચતા જ નથી એવા મગલ્સ, અશ્વિની ભટ્ટને વાંચે છે એવા વિચીચ-વિઝર્ડ્સ અને જે પુસ્તકો વાંચે છે પરંતું અશ્વિની ભટ્ટને નથી વાંચતા એવા સ્ક્વીબ. ગત વર્ષમાં એવા બે સ્ક્વીબને દાદાના પુસ્તકોની મોહીની લગાડી. એક નાનકડી વાર્તા વાંચીને મારા નેટ-ફ્રેન્ડ બનેલા સંસ્કૃત શિક્ષિકા જ્યોતિ પટેલે સાતેક મહિનામાં જ દાદાની બધી નવલકથાઓ વાંચી નાખી. જ્યારે કવિ મિત્ર જયંત ડાંગોદરાને તો ચેલેન્જ સાથે 'કમઠાણ' આપી કે આ વાંચો અને ખડખડાટ હસવું આવે, તો અને તો જ મને પૈસા આપજો. ગઈ કાલે જ એમનો ફોન આવ્યો કે 'કમઠાણ' વાંચીને એ બહુ જ હસ્યા છે અને મને પૈસા આપવા તત્પર છે. છેને અશ્વિની ભટ્ટની મોહિની હાજરાહજૂર!
 • આજે જ દાદાના મિત્ર વી. રામાનુજને મળવાનું થયું અને તેમની વાત નીકળતા જ જુનિયર અને સીનિયર રામાનુજ બંને રંગમાં આવી ગયા અને તેમની અસંખ્ય યાદોને વાગોળી. વધતી ઉંમરે અને પેસ-મેકર સાથે પણ દાદા જૂના સ્કૂટર પર કીક મારીને એમને મળવા આવતા અને એક લીટી લખવા માટે પણ લાંબી હડીયાપટ્ટી કાઢવામાં અચકાતા નહિ એમ કહીને એમણે બીજી ઘણી વાતો કરી.
 • ગુજરાત સમાચારે દાદાની હપ્તાવાર નવલકથા આર્થિક કારણો આપી છાપવાનું નકાર્યું હતું એના વી. રામાનુજ સાક્ષી રહ્યાં હતા. દાદા પણ પોતાની અફલાતૂન પ્રોડક્ટ સસ્તામાં આપવાનું માનતા નહિ, એ તો આપણે જાણીએ જ છીએ. "જો ત્યાં વાત બની ગઈ હોત, તો આપણને એમની એક વધુ નવલકથા વાંચવા મળી ગઈ હોત." એમ કહીને નિસાસો નાખીને એમણે કહ્યું હતું કે એમના બદલે ગુજરાત સમાચારે વિભાવરી વર્માના નામે પાના ભરવાનું શરૂ કર્યું. (અને આપણે તો જાણીએ જ છીએ કે આ વિભાવરી વર્મા ખરેખર કોણ છે!)
 • એવું જ કંઈક ચિત્રલેખામાં પણ બન્યું હતું. ત્યાં નવલકથાના છએક પ્રકરણ આપ્યા પછી સ્વ. શ્રી હરકિસન મહેતાના નવલકથા બાબતના 'ક્રિએટીવ સજેસન્સ' માન્ય રાખીને નવલકથાની દિશા અને દશા બદલવાના બદલે દાદાએ ત્યાં પણ લખવાનું જતું કર્યું હતું, એમ પણ રામાનુજસાહેબે કહ્યું. હવે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની વાત આવે એટલે કિશોર અને રફીના ચાહકો જેવો ઘાટ થાય. આપણને તો બંને પ્રિય એટલે સરવાળે તો દાદાના ચાહકોના ખાતે જ નુકસાની નોંધાઈ.
 • 'કડદો'નું તો ટાઇટલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું પણ પછી એ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં આવીને અટકી પડ્યો. દાદા માત્ર स्वान्तः सुखाय માટે નહોતા લખતા, તેઓ વાચકોને લક્ષ્યમાં રાખીને પોતાની રચનાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતા. (આને આપણે તેમનું Pro Characteristics કહી શકીએ.) આથી તેઓ માત્ર લખીને અટકી નહોતા જતા. એકની એક વસ્તુને તેઓ એકથી વધારે વાર લખતા અને પુનર્લેખન બાદ અટકી પણ જતા નહિ. લેખન પછી તેનું સટીક સંપાદન પણ કરતા. જેમણે 'આખેટ' અભિયાનમાં વાંચી હોય અને પછી નવલકથા સ્વરૂપે સળંગ વાંચી હોય, તેમને દાદાના એડિટિંગનો ખ્યાલ જરૂર આવશે. 'કડદો' માં પણ કંઇક એવું જ બન્યું છે. લેખન પછી પુનર્લેખન અને સંપાદનના તબક્કામાં એ અટક્યું હોય એમ લાગે છે. વધુ માહિતી તો Urvish Kothari કે Dhaivat Trivedi જેવા કોઈ 'જાણભેદુ' આપે ત્યારે ખબર પડે. જોકે 'કડદો'ના અમુક અંશો તેમની શ્રદ્ધાંજલીમાં સાંભળવા મળ્યા હતા અને તેમાં એમણે 'જ.મો.' થી જે જમાવટ કરી હતી તે સાંભળ્યા બાદ એ પુસ્તક વાંચવાની આતુરતા વધી જવા પામી છે. Fingers Crossed!
 • હવે તો દાદાના પુસ્તકો વાંચીએ અને વંચાવીએ એજ એમને સાચી શ્રદ્ધાંજલી.
અપડેટેડ (13-12-2013)
(ફોટો વિકિપીડિયા પરથી)

ડિસેમ્બર 05, 2013

મેં કરેલ પ્રથમ અનુવાદ 'ચાણક્ય મંત્ર - અશ્વિન સાંઘી'

મિત્રો,

          મેં અનુવાદ કરેલ પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક 'ચાણક્ય મંત્ર', જેના લેખક છે અશ્વિન સાંઘી, હવે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યું છે. પુસ્તકનું મૂળ નામ છે 'ચાણકય'સ ચાન્ટ' અને તેમાં બે ચાણક્યોની વાત છે.
Chanakya's Chant - Ashwin Sanghi - Translated into Gujarati by Chirag Thakkar 'Jay'
ચાણક્ય મંત્ર - અશ્વિન સાંઘી - ગુજરાતી ભાવાનુવાદકઃ ચિરાગ ઠક્કર 'જય'
          તેમાં કુલ વીસ પ્રકરણમાં બે વાર્તાઓ સમાંતરે ચાલે છે. પ્રકરણઃ 1, 3, 5...એમ એકી પ્રકરણોમાં મૂળ ચાણક્ય અને તેના જીવનની જાણીતી અને અજાણી વાતો છે. જ્યારે દરેક બેકી પ્રકરણોમાં આધુનિક સમયના ચાણક્ય સમા ગંગાસાગર મિશ્રની વાત છે કે જે પોતાની વિદ્યાર્થીનીને ભારતના વડા પ્રધાન પદે બેસાડવા ચાણક્ય નીતિનો ઉપયોગ કરીને આગળ વધે. એ વાર્તા ઘણી જ રોચક છે અને એટલે જ યુટીવી મોશન પિક્ચર્સે તેના પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા છે. (ફિલ્મ તો બને ત્યારે ખરી!)

          અનુવાદની દ્રષ્ટિએ કામ થોડુંક કપરું હતું કારણ કે ચાણક્યના પ્રકરણોમાં એ સમયની ભાષા અને ગંગાસાગર મિશ્રના પ્રકરણોમાં વર્તમાન સમયની ભાષા વાપરવાની હતી. પણ કામ કર્યાનો સંતોષ છે, બાકી બધું તો આપના હાથમાં જ હોય ને!

          નવભારત સાહિત્ય મંદિરમાં, તેમજ તેમના પુસ્તકો રાખતા તમામ વિક્રેતાઓને ત્યાં આ પુસ્તક પ્રાપ્ય છે અને જો કોઈ તકલીફ પડે તો મારો સંપર્ક સાધી શકો છો. બીજા પાંચેક પુસ્તકો એક પછી એક આવવાના છે. અનુવાદ કરવાની પ્રેરણા આપવા માટે સ્વ. શ્રી અશ્વિની ભટ્ટનો હંમેશા માટે ૠણી રહીશ.

          આપના પ્રત્યુત્તરની અપેક્ષા સહ વિરમું છું.

          સસ્નેહ,

          ચિરાગ ઠક્કર 'જય'

સપ્ટેમ્બર 10, 2013

કેટલા છે આ મૂર્તિના?


          ૨૦૦૬ પહેલાના અમદાવાદમાં આ પ્રકારની મૂર્તિઓ માત્ર અમદાવાદના હોલીવૂડ તરીકે જાણીતા ગુલબાઈ ટેકરા પર જ બનતી એમ જાણ હતી પરંતું ૨૦૧૩ ના અમદાવાદમાં એ ઘણી જગ્યાએ બને છે. હું રોજ જે રસ્તા પર ચાલવા જઉં છું, એ રસ્તા પર પણ એક જગ્યાએ પાછલા મહિના-દોઢ મહિનાથી રોજ આવી મૂર્તિઓ બનતી જોતો.

          ગયા રવિવારે મોટાભાગની મૂર્તિઓ બની ગઈ હતી એટલે ત્યાં જોવા માટે ઊભો રહ્યો. એ સમયે કોઈ સોસાયટીના ગણેશ મંડળના 'પ્રમુખ શ્રી' મૂર્તિના શૉપિંગ માટે પધાર્યા. એ મૂર્તિકારભાઈ અને પેલા પ્રમુખ મહાશય વચ્ચેનો સંવાદઃ

પ્રમુખ મહાશય (એક મૂર્તિ તરફ આંગળી ચીંધીને): કેટલા છે આ મૂર્તિના?
મૂર્તિકારઃ સાડા ચાર હજાર, સાયેબ.
પ્ર (અવાજમાં ધિક્કાર ભેળવીને): જા, જા, હવે...એટલા તો હોતા હશે...
મૂ (એકદમ ઓઝપાઈને): તમારે કેટલા આપવા છે એ કો'ને સાયેબ.
પ્રઃ તું વાત ક્યાંથી કરે છે એ તો જો? સીજી રોડ પર ઊભો છે?
મૂઃ અરે સાયેબ, મેં તો ખાલી ભાવ કીધો...પૈસા તો નથી લઈ લીધાને?
પ્ર (કલેક્ટર કચેરીનો કૂતરો પણ કલેક્ટર હોય, એવા ભાવ સાથે): હું દબાણ ખાતામાંથી આવું છું. આવી જા તને સીજી રોડ પર જગ્યા અપાવી દઉં...ત્યાં નવ હજાર ભાવ કહીને સાડા ચાર હજાર લેજે. (નાક ફુંગરાવીને) ના જોયા હોય મોટા સાડા ચાર હજાર વાળા!
મૂઃ તમે કેટલા આપશો સાયેબ?
પ્રઃ જા જા હવે...નથી લેવી તારી મૂર્તિ-ફૂર્તિ...

          રાષ્ટ્રપિતાએ આપેલી પેલી શિખામણ યાદ આવી ગઈ કે તમારાથી થોડા નીચલા સ્તરમાંથી આવતા લોકો સાથે તમે કેવી રીતે વર્તો છો એ બાબત જ તમારા સંસ્કારોની સૂચક છે. હવે આ માણસ આખું વર્ષ ગણેશ ભજે તો પણ ગણેશ એમની પર પ્રસન્ન થશે ખરા?

('સંદેશે આતે હૈ...' નો ચોથો ભાગ હવે પછીની પોસ્ટમાં)

ઑગસ્ટ 17, 2013

સંદેશે આતે હૈ - ભાગ ૩

          હવે તો તમે ઝૈનબ વિલ્સનને ઓળખતા જ હશો! તેમનો ત્રીજો સંદેશો પેસ્ટબિનની આ લિંક પર વાંચી શકાશે. 310 શબ્દોના આ ઇમેલનો ટૂંકસાર આ મુજબ છેઃ

તેમના પિતાજી દ્વારા સ્વિત્ઝર્લેન્ડની બેંકમાં મૂકવામાં આવેલ ખજાનો પોતે શરણાર્થી તરીકે બીજા દેશમાં હોવાથી પ્રાપ્ત કરી શકે એમ નથી. બેંકની સલાહ મુજબ ઝૈનબે કોઈ વિદેશી ભાગીદાર શોધવો પડે કે જે તેના વતી એ ખજાનો મેળવી શકે. તેના માટે સ્વિત્ઝર્લેન્ડની કોઈ બેંકનું નામ, સરનામું અને સંપર્ક માટેની વિગતો આપવામાં આવી છે. મારે મારા નામ, ઉંમર, મેરિટલ સ્ટેટસ, મોબાઇલ નંબર, ફેક્ષ, દેશ, વ્યવસાય, જેન્ડર અને ઇમેલ એડ્રેસ જેવી 'નિર્દોષ' વિગતો આપતો ઇમેલ બેંકને મોકલવાનો છે.

          જોકે પાછલા ચોવીસ કલાક ઇન્ટરનેટ બંધ હતું એટલે હું જવાબ આપી શક્યો નહિ તેથી તેમનો બીજો ઇમેલ પણ આવી ગયો જેમાં બહુ 'મીઠાશ'થી એમ પૂછવામાં આવ્યું છે કે ગઈકાલથી મેં તેનો સંપર્ક કેમ નથી કર્યો અને શું મેં પેલી બેંકને ઇમેલ કર્યો કે નહિ.

          હમણા જ બધી કાલ્પનિક વિગતો સાથે એ બેંકને ઇમેલ કર્યો છે અને ઝૈનબને પણ 'મીઠાશ' ઘોળેલો જવાબ પાઠવ્યો છે. ઇમેલમાં મોડું થવાનું કારણ એમ જણાવ્યું છે કે મેં તાજેતરમાં ઇન્ટરનેટમાં થતા ફ્રોડ વિશે સાંભળ્યું હતું એટલે શું કરવું તેની અવઢવમાં મોડું થઈ ગયું. છેવટે મેં મારા દિલની વાત સાંભળીને તેને મદદ કરવાનું નક્કી કર્યું છે. દિલ હૈ કી માનતા નહિ!

અને હા, મારી એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઇમેલ આવ્યો કે તેના ફેસબુક અકાઉન્ટમાં પણ આવા સંદેશાઓ આવે છે. એટલે એટલું તો નક્કી થયું કે માત્ર પુરુષોને આવા સંદેશાઓ મળે છે એવું નથી.

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સ


ઑગસ્ટ 14, 2013

સંદેશે આતે હૈ - ભાગ ૨

તો જેની કાગડોળે રાહ જોવાતી હતી તે જવાબ આવી ગયો છે અને એ સંદેશો મને કરોડોપતિ બનાવવા માટે આવ્યો છે! કુલ 546 શબ્દોનો એ જવાબ વાંચવો હોય, તો પેસ્ટબિન ની આ લિંક પર જાવ. તેનો ટૂંકસાર આ રહ્યોઃ

હું 24 વર્ષની અનાથ છોકરી છું. મારા પિતાજી રવાન્ડાના ખનીજ તેમજ ન્યાય મંત્રાલયના ભૂતપૂર્વ મિનિસ્ટર હતા. બળવાખોરોએ અમારા ઘર પર હુમલો કરીને તેમને અને મારી માતાને મારી નાખ્યા છે. અત્યારે હું અનાથ આશ્રમમાં રહું છું. તેઓ 7.5 ડોલર એક યુરોપિયન બેંકમાં મારા નામે મૂકતા ગયા હતા. એ પૈસાને ટ્રાન્સફર કરવા તેમજ તેનું રોકાણ કરવા માટે મારે તારી મદદની જરૂર છે. મને તારુ નામ, ફોન નંબર, દેશ અને શહેર જણાવ. તારી આ મદદ બદલ હું તને કુલ રકમના 40% આપીશ. માત્ર આ ઇમેલ દ્વારા જ સંપર્ક કરવો. આ વાત કોઈને કહીશ નહિ. કોઈ ચર્ચના પેસ્ટરનો ફોન નંબર પણ આપેલ છે.

સાથે ત્રણ ફોટા પણ છે, જેને રસ હોય તે આ લિંક પર જોઈ શકે છેઃ Photo 1, Photo 2, Photo 3.

માહિતીમાં માત્ર ચાર નિર્દોષ લાગતી વિગતો માંગવામાં આવી છેઃ પૂરું નામ, ફોન નંબર, દેશ, શહેર.

મારો જવાબ આ રહ્યોઃ


હવે આગળ શું ખેલ થાય છે એ જોઈએ. કરોડો આવવાના છે કે નહિ! ઃ)

રિલેટેડ બ્લૉગપોસ્ટ


ઑગસ્ટ 13, 2013

સંદેશે આતે હૈ "I Like Your Facebook Profile, We Can Be Friends!"

મિત્રો,

પાછલા છએક મહિનાથી ફેસબુક પર શ્વેત-અશ્વેત લલનાઓના સંદેશાઓ આવવા વધી ગયા છે. (મને ખાત્રી છે કે તમને પણ એ ત્રાસ ગમ્યો જ હશે!) દરેક વખતે સંદેશો એક સમાન જ હશેઃ તેમને અચાનક આપણી ફેસબુક પ્રોફાઈલ જોવા મળી અને ગમી ગઈ. તેઓ આપણી સાથે મિત્રતા કરવા માંગે છે અને દરેક વખતે તેઓ આપણો કોન્ટેક્ટ ફેસબુક પર કરશે પણ સંપર્ક તેમના ઇમેલ પર જ કરવાનું કહેશે. અમુકવાર તો એમ પણ લખ્યું હોય છે કે હું ફેસબુક બહુ જોતી નથી માટે ઇમેલ પર જ સંપર્ક કરવો. તેમનું અંગ્રેજી અચૂક ભુલ ભરેલું હશે. અત્યાર સુધી તો દરેક વખતે તેને સ્પામ તરીકે રિપોર્ટ કરીને ચલાવી લીધું છે, પણ તેમનો હેતુ શું છે, એ સમજાતો નથી. તેમના કદાચ નીચેના પાંચમાંથી એક અથવા એકથી વધારે હેતુ હોઈ શકેઃ
 1. વેશ્યાવૃત્તિ/લાઇવ વેબકેમ જેવા વ્યવસાય માટે ગ્રાહકો શોધવા.
 2. મીઠી-મીઠી વાતો કરીને તમારી પાસેથી રૂપિયા માંગવા.
 3. કોઈ પણ રીતે તમારા બેંક અકાઉન્ટની ડિટેલ્સ જાણી લઈને તેને હેક કરવું.
 4. તમારા દસ્તાવેજોની નકલ મેળવવી (જેનાથી છેવટે મની લોન્ડરિંગ થઈ શકે).
 5. તમે જવાબ આપો તો તેમને સ્પેમિંગ માટે એક જેન્યુઇન ઇમેલ આઇડી તો મળી શકે.
કાલે મોડી રાત્રે નીચે દર્શાવેલો મેસેજ આવ્યો અને મનમાં જિજ્ઞાસા જાગી ઉઠી એટલે એક ખુલ્લો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. મેં એક ડિસ્પોઝેબલ ઇમેલ આઇડી બનાવીને તેનો જવાબ આપ્યો છે. હવે જોઈએ કે આગળ આગળ શું થાય છે. તેની અપડેટ્સ સ્ક્રીનશોટ સાથે મૂકતો જઈશ.તમારો આવો કોઈ અનુભવ હોય તો જણાવજો. અને હા, આ મીઠો ત્રાસ માત્ર પુરુષો પુરતો જ સીમિત છે કે સ્ત્રીઓને પણ આવા સંદેશા આવે છે?

ઑગસ્ટ 11, 2013

Beginning to Be


It is I who must begin….

Once I begin, once I try–
here and now,
right where I am,
not excusing myself
by saying that things
would be easier elsewhere,
without grand speeches and
ostentatious gestures,
but all the more persistently
–to live in harmony
with the ‘voice of Being,’ as I
understand it within myself
–as soon as I begin that,
I suddenly discover,
to my surprise, that
I am neither the only one,
nor the first,
nor the most important one
to have set out
upon that road….

Whether all is really lost
or not depends entirely on
whether or not I am lost.

- Vaclav Havel

(Book: Teaching with Fire: Poetry That Sustains the Courage to Teach)

મારે જ શરૂઆત કરવી પડશે...

એક વાર હું શરૂ કરીશ, એકવાર પ્રયત્ન કરીશ-
બીજે ક્યાંકથી  કામ કરવું સહેલું પડશે
એવું બહાનું કાઢ્યા વિના,
હું જ્યાં છું ત્યાંથી જ
પ્રયત્ન કરીશ,
શરૂઆત કરીશ,
કોઈ મોટા-મોટા ભાષણો
કે આડંબરી અભિનય વિના,
માત્ર સતત પ્રયત્નોથી,
મારા માંહ્યલા સાથે સુમેળથી
જીવવાનો પ્રયત્ન કરીશ,
કારણ કે મારી અંદર એજ અવાજ ઊઠે છે.
જેવો હું અંદરનો અવાજ 
સાંભળવાનો શરૂ કરું છું 
કે અચાનકસાશ્ચર્ય,
મને જાણ થાય છે કે 
 રસ્તે ચાલનારો 
 તો હું એક માત્ર હતો,
 તો પ્રથમ
કે  તો સૌથી અગત્યનો

બધું જ ખોઈ નાખ્યું છે કે નહિ
એ તો માત્ર મારી જાત ખોઈ છે
કે નહિ તેની પર જ આધારિત છે.

જુલાઈ 28, 2013

રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું

     ગત 20મી જુલાઈને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય અકાદમી, અમદાવાદ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ચાહકો અને મહાનુભાવોથી ગુજરાતી સાહિત્ય અકાદમીનું રા.વિ. પાઠક સભાગૃહ ઊભરાઈ ગયું હતું. સન્માન સમારંભ બાદસંવાદકાર્યક્રમ હેઠળ લેખકશ્રીની રચનાઓનું વિવેચન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

     સમારંભની શરૂઆતમાં સાહિત્ય અકાદમી, દિલ્હી વતી કે. શ્રીનિવાસે શ્રોતાજનોને આવકાર આપીને પૂર્વભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે વર્ષે સાહિત્ય અકાદમીએ ગુજરાતી, સંસ્કૃત, સિંધી અને નેપાલી, એમ કુલ ચાર ભાષાના સર્જકોને મહત્તર સદસ્યતાનું સન્માન આપવાનું નક્કી કર્યું હતું અને તેમાં ગુજરાતી ભાષા માટે વિવેચકો અને વાચકો પાસેથી સમાન ધોરણે આદર પ્રાપ્ત કરનાર રઘુવીર ચૌધરીને પસંદ કરવામાં આવ્યા હતા.
     ત્યાર બાદ રઘુવીરજીની જીવનયાત્રાનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું. માણસા નજીક આવેલ બાપુપુરા ગામમાં 1938 માં તેમનો જન્મ થયો હતો. પ્રકૃતિના ખોળે શાળાજીવન પસાર કર્યા બાદ હિન્દીમાં સ્નાતક અને અનુસ્નાતકની થઈનેહિન્દી અને ગુજરાતી ધાતુરૂપોના તુલનાત્મક અભ્યાસવિષય પર મહાનિબંધ તૈયાર કરીને તેમણે પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1977 માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં જોડાયા હતાં જ્યાંથી 1998 માં અધ્યાપક અને વિભાગાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.
     આ પરિચયને આગળ વધારતા કે. શ્રીનિવાસને રઘુવીરજીના જીવનમાં ગાંધીજીના ઊંડા પ્રભાવની વાત કરી હતી. તેઓ ગાંધીજી ઉપરાંત વિનોબા ભાવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, દર્શક, ટાગોર, કાલિદાસ અને ઇલિયટ જેવા મહાન લેખકો અને કવિઓથી પણ પ્રેરીત થયા હતા. તેમણે લેખન ઉપરાંત કરેલા સામાજિક કાર્યોની પણ નોંધ લેવાઈ હતી.
     લેખનની શરૂઆત કવિતાથી કરી હોવા છતાં તેમને ખરી લોકચાહના તેમની નવલકથાઓથી મળી હતી. ‘અમૃતાજેવી અમર નવલકથાઓ ઉપરાંત તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટકો, એકાંકી, ચરિત્રલેખો, વિવેચનો અને સંપાદનો પણ આપ્યા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકેના તેમના કાર્યો, તેમજ તેમના અથાગ પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય અકાદમીના ભવનનું નિર્માણ થયાની તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અલગ વિભાગ ઊભો કરવામાં તેમણે ભજવેલ ચાવીરૂપ ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી હતી.
     શ્રી રઘુવીર ચૌધરીને ગુજરાતી તેમજ હિન્દી ભાષાની સેવા માટે દેશ-વિદેશમાં મળેલા સન્માનોની લાંબી યાદીના અંતે એમ ઉમેરવામાં આવ્યું હતું કે નિવૃત્તિમાં તેઓ સપ્તાહાંતે ખેડૂતનું સરળ જીવન વિતાવે છે અને સાહિત્ય અકાદમી તેમને મહત્તર સદસ્યતા અર્પણ કરવામાં ગૌરવ અનુભવે છે.
     ત્યાર બાદ અધ્યક્ષીય ઉદ્દબોધન કરતાં સાહિત્ય અકાદમીના ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારીએ ફૂલોથી રઘુવીર ચૌધરીનું સ્વાગત કર્યું હતું. ક્ષણે રઘુવીરજીએ પોતાની આગવી શૈલીથી રમૂજ પ્રસરાવી હતી. તિવારીજીએ લેખક જીવનની દુર્બોધતા અને મહત્તાની વાત કરતાં લેખકો કેમ સમાજના નિર્માતા છે, બાબત પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે રઘુવીરજી સાથેના તેમના લાંબા સંબંધોની અને તેમની સર્જકતા સાથે જોડાયાની વાતો યાદ કરી હતી. તેમણે અંતે ઉમેર્યું હતું કે દેશમાં એક મહાન લેખકની હાજરી સમાંતર સરકારની બરાબર છે.
     ત્યાર બાદ શ્રી રઘુવીર ચૌધરીને શાલ ઓઢાડીને મહત્તર સદસ્યતા પ્રદાન કરવામાં આવી હતી. મહામૂલી ક્ષણને પલકવારમાં સંકોરીને રઘુવીરજીએ ૠણસ્વીકારનું પોતાનું લાગણીસભર વક્તવ્ય પોતાની પુત્રી ડૉ. દ્રષ્ટિ પટેલ આપશે તેમ જાહેર કર્યું હતું.
     રઘુવીરજીએ સન્માન સ્વીકારતાં, દ્રષ્ટિ પટેલના મુખે, એમ કહ્યું હતું કેલખવું એજ જીવન છે. જીવનથી કોઈ ફરિયાદ નથી, પરંતું લેખનથી હંમેશા ફરિયાદ રહી છે.’ પોતાના કુટુંબ જીવનની ભાવુક વાતો કરીને તેમણે સૌનો આભાર માન્યો હતો અને સમાજની તમામ સમસ્યાઓનો ઉપાય જાગરૂક નાગરિક છે તેમ સૂચવ્યું હતું. ૠણ સ્વીકારના અંતે તેમણે સ્વમુખે થોડાંક શબ્દોમાં નિર્દંશ વ્યંગ સાથે બધાનો આભાર માનીને પોતાની બે કવિતાઓઅમે આટલે આવ્યા…’ (2008) તેમજકેફિયત’ (1968) નું પઠન કરીને ઉપસ્થિત તમામ લોકોની તેમને સાંભળવાની ઇચ્છાપૂર્તિ કરી હતી.
     સમારંભના અંતેસંવાદકાર્યક્રમ હેઠળ રઘુવીરજીના લેખનનું વિવિધ તજજ્ઞો દ્વારા રસદર્શન કરાવવામાં આવ્યું હતું. ‘સંવાદના અધ્યક્ષ સિતાંશુ યશશ્ચંદ્રએગુજરાતનો આનંદ હોલ ભરીને છલકાય છેકહીને કાર્યક્રમની શરૂઆત કરીને ચંદ્રકાંત ટોપીવાળાને રઘુવીરજીની કવિતાનું રસદર્શન કરાવવા આમંત્ર્યા હતા, ‘The Course of Commitment’ નામક તેમના પ્રવચનમાં ચંદ્રકાંત ટોપીવાળાએ રઘુવીરજીનીકામાખ્યાજેવી પ્રતિનિધિ કવિતાઓની વાત કરી હતી. ત્યાર બાદ ડૉ. રમેશ આર. દવેએ રઘુવીરજીની નવલકથાઓ તથા ટૂંકી વાર્તાઓનું રસદર્શન કરાવ્યું હતું. તેમણે રઘુવીરજીનીઉપરવાસનવલકથાનેઅમૃતાથી પણ ઉત્તમ ગણાવી હતી. આબાદ ઘટના નિરૂપણ અને દ્રઢ વસ્તુ સંકલ્પના જેવી ખૂબીઓ સાથે અતિલેખન અને વિશેષણોની ભરમાર જેવી કેટલીક ખામીઓ તરફ આંગળી ચીંધીને તેમણે સમારંભને માત્ર પ્રશસ્તિપર્વ બનવામાંથી બચાવી લીધો હતો. છેલ્લે સતીશ વ્યાસે રઘુવીરજીના નાટકો અને એકાંકીની વાત લાઘવમાં કરી હતી. તેમણે પણ ખૂબીઓ સાથે ખામીઓ દર્શાવીને રઘુવીરજીના પોતાનાજ કથન ‘(મને) લેખનથી હંમેશા ફરિયાદ રહી છેનું સમર્થન કર્યું હતું.
     અંતે જ્યારે કે. શ્રીનિવાસે સાહિત્ય અકાદમી વતી સૌનો આભાર માન્યો ત્યારે શ્રોતાજનોમાં રઘુવીરજી ચૌધરીની અમૃતા, ઉપરવાસ, પરસ્પર, શ્યામ સુહાગી, ઇચ્છાવર, રૂદ્રમહાલય જેવી નવલકથાઓ; આકસ્મિક સ્પર્શ, ગેરસમજ જેવી નવલિકાઓ; તમસા, વહેતાં વૃક્ષ પવનમાં જેવા કાવ્યસંગ્રહો અને અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની જેવા નાટકો તેમજ ડિમલાઇટ, ત્રીજો પુરુષ જેવી એકાંકીઓની ચર્ચા શરૂ થઈ હતી.