તાજેતરની પોસ્ટસ

નવેમ્બર 29, 2012

ઇન્ડી બ્લૂઝઃ બે સમાચાર

વિદેશમાંથી સ્વદેશ જવાનું થાય એટલે પહેલા બે-ત્રણ અઠવાડિયાં તો ખરીદી કરવામાં જ જાય. મારું ફેવરિટ શૉપિંગ પ્લેસ એટલે ગાંધી-રોડ પર આવેલ ‘નવભારત સાહિત્ય મંદિર’. ગયા બુધવારે જ (૨૧/૧૧/૨૦૧૨) ત્યાં જવાનો મેળ પડ્યો અને તેના કર્તા-હર્તા શ્રી મહેન્દ્રભાઈ શાહે બે સમાચાર આપ્યાં. એક સારા છે અને બીજા ખરાબ.
ખરાબ સમાચાર એ છે કે આપણા પ્રિય અશ્વિની ભટ્ટ માંદા છે. લાભ-પાંચમના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તેમણે એમ કહ્યું હતું કે તેઓ તેમના ચાહકોને કારણે જ આ વખતે પણ ઊગરી ગયા છે. અત્યારે તો તેમના પેંગડામાં પગ મૂકી શકે તેવો એક પણ લેખક આપણી પાસે નથી. એ ઉત્તમ લેખક અને ઉમદા માનવીના સ્વાસ્થ્ય માટે ઉપરવાળાને પ્રાર્થના.
સારા સમાચાર એ છે કે ૨૦૧૩માં નવભારત સાહિત્ય મંદિર ૧૦૦ eBooks લઈને આવવાનું છે. તે પુસ્તકો કયા હશે, તે પ્રશ્નનો જવાબ ન મળ્યો. તે કયા ફોરમેટમાં હશે, તેનો જવાબ પણ  ન મળ્યો  પણ મારી ધારણા છે કે ePub માં જ હશે. મહેન્દ્રભાઈએ એમ પણ કહ્યું કે એ પ્રયોગની સફળતા પર ભવિષ્યના ઘણાં નિર્ણયોનો આધાર છે. જો એ eBooks પ્રકાશિત થશે, તો ગુજરાતી ભાષાના પુસ્તકોને ડિજિટલ એજમાં લઈ જવાની દિશામાં તે એક મહત્વનું સીમાચિહ્ન બની રહેશે. Fingers crossed.


2 ટિપ્પણીઓ:

 1. નવેમ્બર,૨૦૧૨થી 'અવનીત સમર્પણ'ના ડીજીટલ સંસ્કરણ બાદ ગુજરાતી પ્રકાશન વ્યવસાય પણ ડીજીટલ યુગમાં પ્રવેશ કરશે, તે ખરેખરે બહુ જ મહ્ત્વની ઘટના કહી શકાય.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અશોકભાઈ,
   આતો હજી વાત છે. નક્કર કામ થાય ત્યારે માનવું કે થયું કારણ કે આવી વાત આ પહેલા પણ સાંભળવા મળી હતી.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.