તાજેતરની પોસ્ટસ

નવેમ્બર 29, 2012

ઇન્ડી બ્લૂઝઃ બે સમાચાર

વિદેશમાંથી સ્વદેશ જવાનું થાય એટલે પહેલા બે-ત્રણ અઠવાડિયાં તો ખરીદી કરવામાં જ જાય. મારું ફેવરિટ શૉપિંગ પ્લેસ એટલે ગાંધી-રોડ પર આવેલ ‘નવભારત સાહિત્ય મંદિર’. ગયા બુધવારે જ (૨૧/૧૧/૨૦૧૨) ત્યાં જવાનો મેળ પડ્યો અને તેના કર્તા-હર્તા શ્રી મહેન્દ્રભાઈ શાહે બે સમાચાર આપ્યાં. એક સારા છે અને બીજા ખરાબ.
ખરાબ સમાચાર એ છે કે આપણા પ્રિય અશ્વિની ભટ્ટ માંદા છે. લાભ-પાંચમના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તેમણે એમ કહ્યું હતું કે તેઓ તેમના ચાહકોને કારણે જ આ વખતે પણ ઊગરી ગયા છે. અત્યારે તો તેમના પેંગડામાં પગ મૂકી શકે તેવો એક પણ લેખક આપણી પાસે નથી. એ ઉત્તમ લેખક અને ઉમદા માનવીના સ્વાસ્થ્ય માટે ઉપરવાળાને પ્રાર્થના.
સારા સમાચાર એ છે કે ૨૦૧૩માં નવભારત સાહિત્ય મંદિર ૧૦૦ eBooks લઈને આવવાનું છે. તે પુસ્તકો કયા હશે, તે પ્રશ્નનો જવાબ ન મળ્યો. તે કયા ફોરમેટમાં હશે, તેનો જવાબ પણ  ન મળ્યો  પણ મારી ધારણા છે કે ePub માં જ હશે. મહેન્દ્રભાઈએ એમ પણ કહ્યું કે એ પ્રયોગની સફળતા પર ભવિષ્યના ઘણાં નિર્ણયોનો આધાર છે. જો એ eBooks પ્રકાશિત થશે, તો ગુજરાતી ભાષાના પુસ્તકોને ડિજિટલ એજમાં લઈ જવાની દિશામાં તે એક મહત્વનું સીમાચિહ્ન બની રહેશે. Fingers crossed.


નવેમ્બર 18, 2012

યુ.કે. બાઇટ્સઃ લંડન ગામના ગાંડા - ૪

          ૨૩૪૯ દિવસ પહેલાં (એટલે કે ૧૫ જૂન, ૨૦૦૬ના રોજ) યુ.કે.માં પહેલી વાર પગ મૂક્યો ત્યારે મનમાં અસંખ્ય ગૂંચવાડા હતાં, દ્વિધા હતી અને કંઇક નવા સાહસનો રોમાંચ પણ હતો. આટલા દિવસોમાં ભાગ્યે જ કોઈ દિવસ સમાન રહ્યો અને ભાગ્યે જ કોઈ દિવસ કોરો રહ્યો. દરેક દિવસે કંઇક નવું કરવાનું થયું અને કંઇક નવું શીખવા મળ્યું. ઘણું જ મેળવ્યું અને ઘણું જ ગુમાવ્યું પરંતું સરવૈયુ ઉધાર ખાતે જમા છે કે જમા ખાતે ઉધાર છે એ હજી ખબર નથી પડી. જોકે આ દેશમાં આવીને પુત્રી આર્ના અને અમૂલ્ય મિત્રો મળ્યાં, તે બહુ જ મોટું જમા પાસું છે અને સામા પલ્લે અંગત સ્વજનની અંતિમ પળે હાજર ન રહી શક્યાંની એટલી જ મોટી ઉધારી પણ છે.
          પણ કહે છે ને કે "All good things must come to an end." આજે એ સાહસનો અંત આણીને સ્વદેશ પાછો ફરવા નીકળ્યો છું. પહેલા દિવસે મનમાં જેટલા ગૂંચવાડાઓ અને દ્વિધા હતી, એટલા જ ગૂંચવાડાઓ અને દ્વિધા અત્યારે પણ છે. પ્રકાર કદાચ અલગ હશે, પણ માત્રા તો એજ છે. કદાચ સવાલ બદલાયા હશે, પણ ઉત્તરવહી અને કલમ તો એજ છે.
          જેના જેના હ્રદયમાં થોડીક જગા બનાવી છે, એ તમામે આ પગલાં પાછળ રહેલાં જોખમ સમજાવ્યાં છે અને મને પણ એની પાક્કી માહિતી છે. પણ સામા વહેણે તરવાની એક કુટેવ છે અને હંમેશા એજ કરતો આવ્યો છું માટે આ વખતે પણ એમ જ કરવાનું નક્કી કર્યું છે. જીવનના દરેક પગલે સફળતા ન મળે તેની પણ જાણ છે અને છતાં નીકળી પડ્યો છું. ચામાચીડિયાનો અવતાર તો ઊલટા લટકીને જ પૂરો થાયને?
          લંડનમાં એક જગ્યાએ એક સરસ વાક્ય વાંચ્યું હતું. તાજો રંગ કરેલ હોવાથી સૂચના મારી હતીઃ "Wet Paint OR You Have to Take A Little Bit of Me With You." જે જે મળ્યા છે એ બધામાંથી A Little Bit ને હ્રદયમાં સંઘરીને જઉં છું. યુ.કે.માંથી બહાર જઉં છું પણ યુ.કે. મારામાંથી ક્યારેય બહાર નહીં જાય. હ્રદયમાં સંઘરેલા અસંખ્ય અનુભવો વિશે અહીં જ લખતો રહીશ. આ બધી પળોજણમાં પાછલા બે મહિનાથી બ્લૉગ બાજુએ મૂકાયો હતો. જીવનની ગાડી પાટા પર ચડશે, એટલે ફરી પાછો અહીં જ મળતો રહીશ.

We are our choices.
- Jean-Paul Sartre

રિલેટેડ બ્લૉગ-પોસ્ટ્સઃ