તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 03, 2012

યુ.કે. બાઇટ્સઃ ઢળતી સાંજે અનુભવેલું ‘A Midsummer Night’s Dream’

જ્યારે પણ આ બ્લૉગ પર શેક્સપિયરની વાત કરી છે, ત્યારે-ત્યારે એ ગ્લોબ થિયેટરના સંદર્ભે જ કરી છે. પણ શેક્સપિયર માત્ર ગ્લોબ પૂરતાં થોડા સીમિત છે? એ તો વિશ્વવિભૂતિ છે. શેક્સપિયરને જેવો આવકાર દુનિયાના ખૂણે-ખૂણે મળ્યો છે એવો બીજા કોઈ નાટ્યકારને મળ્યો છે ખરો? શેક્સપિયરને બધા અપનાવે છે અને પોતાની આગવી રીતથી અપનાવે છે. અને શેક્સપિયર પણ પાણી જેવો, પાત્ર મુજબ આકાર ધારણ કરનારો. હમણાં જ બાર્ડનું નાટક ‘All’s Well that Ends Well’ ગુજરાતીમાં ‘મારો પિયુ ગયો રંગૂન’ નામે ન ભજવાયું? એક વાર Macbeth નાટકના એક બહુ જૂના મંચનનો વીડિયો જોવા મળ્યો હતો, જેમાં પેલી પ્રખ્યાત ત્રણ ડાકણો Weird Sisters (Three Witches)ની જગ્યાએ ત્રણ અરીસા હતાં! થોડા સમય પહેલા (૦૧/૦૮/૨૦૧૨) શેક્સપિયરનો કંઈક અલગ જ અનુભવ કર્યો હતો, આજે તેની વાત કરું.
લંડનની અમેરિકન, કેનેડિયન, ઇટાલિયન અને ઇન્ડોનેશિયન એમ્બેસીની વચ્ચે એક નાનકડું પાર્ક છે જેને Grosvenor Square ના નામે ઓળખવામાં આવે છે. ઓલિમ્પિક ૨૦૧૨ના ઉપક્રમે આ પાર્કમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું જાહેર આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એક કાર્યક્રમ એટલે The Principal Theatre Company દ્વારા ભજવવામાં આવેલું પ્રિય શેક્સપિયરના ‘A Midsummer Night’s Dream’ નું મોર્ડન ઇન્ટરપ્રિટેશન.
૧૯૯૯માં સ્થપાયેલી The Principal Theatre Company વિશે એટલું ખાસ નોંધવાનું કે આ કંપનીનો મુખ્ય ધ્યેય છે નવી પેઢીને નાટકથી અને નાટકોને નવી પેઢીથી પરિચિત કરાવવા. માટે તેવો આવા જાહેર કાર્યક્રમો યોજતાં રહે છે અને તેમના દ્વારા સ્કૂલ વર્કશોપ્સ અને પ્રોફેશનલ વર્કશોપ્સ પણ યોજવામાં આવે છે.
આ આખો અનુભવ બહુ જ અલગ હતો કારણે કે તે એક ખુલ્લા પાર્કમાં જાહેર જનતાની અવર-જવર વચ્ચે ભવાઈની જેમ ભજવાયેલું નાટક હતું અને મૂળ નાટક નહીં પરંતું તેનો આધુનિક ભાવાનુવાદ હતો. ગ્લોબમાં ભજવાતા નાટકો શેક્સપિરિયન ટેક્સ્ટને વફાદાર રહીને ભજવવામાં આવે છે અને તેની લંબાઈ સામાન્યતઃ ૩ કલાક હોય છે જ્યારે અહીં નાટક ૧ કલાકમાં જ પતાવી દેવામાં આવ્યું. મૂળ નાટકની કથામાંથી ઘણુંબધું ગાળીને માત્ર અને માત્ર મનોરંજક ભાગને રાખીને બહુ બધા નોન-શેક્સપિરિયન સંવાદો ઉમેરીને નાટક ભજવવામાં આવ્યું. પણ અનુભવ ગમે તેવો હતો.

‘A Midsummer Night’s Dream’ એ શેક્સપિયરના ખૂબ જ લોકપ્રિય નાટકોમાંનું એક છે અને અવારનવાર ભજવાતું રહે છે કારણે કે તેના પ્લોટ્સમાં ઘણી બધી શક્યતાઓ રહેલી છે. આ નાટકમાં ત્રણ પ્લોટ્સ છે. રાજા-રાણીના લગ્ન, ચાર પ્રેમીઓ અને છ નવશિખાઉ કલાકારો કે જેમને જંગલમાં વસતી પરીઓ પોતાના ઇશારા પર નચાવતી હોય છે. આ મોર્ડન ઇન્ટરપ્રિટેશનમાં પહેલા બે પ્લોટ્સને હાંસિયામાં ધકેલીને છ નવશિખાઉ કલાકારો વાળા પ્લોટને મુખ્ય રાખવામાં આવ્યો છે અને તેના દ્વારા આજના અભિનય જગતની છૂટથી ખિલ્લી ઊડાવવામાં આવી છે. (હિન્દી મૂવી ‘પ્રાણ જાયે પણ શાન ન જાયે’ની જેમ.) અભિનેતાઓના રંગબેરંગી આધુનિક વસ્ત્રો અને પરીઓની રંગીન વિગ અને આધુનિક પ્રોપ્સ વિશેષ ધ્યાન ખેંચે તેવા હતાં. બોલિવુડમાં અસંખ્ય વાર ભજવાયેલું હિરો-હિરોઈનનું બે અલગ છેડેથી દોડીને ભેટવાનું દ્રશ્ય પણ અહીં ભરપેટ હસાવી જાય છે. ૬ કલાકારો નાટકમાં છેલબટાઉ અભિનેતાઓનું પાત્ર ભજવે છે. તેઓ એક નાટકનું રિહર્સલ કરે છે એ ભાગ સૌથી મનોરંજક છે. એ દરમિયાન એક પાત્ર, આપણા દશેરાના રાવણની જેમ, શરીર પર ખોખા લગાવીને દિવાલનું પાત્ર ભજવે છે તો બીજું પાત્ર છાતી પર વિશાળ ફુગ્ગા લગાવીને સ્ત્રૈણ પાત્ર પણ ભજવે છે અને દર્શકો એટલા બધા હસે છે કે પાર્કમાં ચણતાં કબૂતરો પણ ઊડી જાય છે અને આવતા-જતાં લોકો પણ ઘડી-બે-ઘડી ઊભા રહીને મનોરંજન મેળવી લે છે. એક દ્રશ્ય એવું આવે છે કે પેલું દિવાલ બનનાર પાત્ર ભાગી જાય છે એટલે દર્શકગણમાં બેઠેલા કોઈકને મંચ પર બોલાવીને એ ખોખાની દિવાલ પહેરાવીને બે-ચાર મિનિટ માટે તે દર્શકને દિવાલ બનાવવામાં આવે છે. એકવાર એક પરી ‘ઊડતી-ઊડતી’ આવીને મારી ખુરશી પકડીને મારી પાછળ જ બેસી જાય છે અને જ્યારે એમ બોલે છે કે ‘He looks nice as a donkey but doesn’t sing any better.’ ત્યારે પાછલી હરોળમાં બેઠેલા બધાને એમ થાય છે કે કોઈ ખિજાયેલા દર્શકની આ કોમેન્ટ હશે! ૬ અભિનેતા, ૬ અભિનેત્રી અને ૧ સંગીતકાર એમ કુલ ૧૩ કલાકારોએ આ નાટક ભજવ્યું હતું. તેમાં એક લાકડાની લાંબી બેન્ચ, પ્લાસ્ટિકની ફાઈલ, કાગળો, ત્રણ ઝાડું, બ્લેન્કેટ, ચાદર, મૅગેઝિન, ટિસ્યૂ પેપર, બે બબલગન્સ, કાર્ડબોર્ડ બોક્ષીસ, રમકડાની તલવાર જેવા ઘણાં તદ્દન નોન-શેક્સપિરિયન પ્રોપ્સ વાપરવામાં આવ્યા હતાં. જ્યારે સંગીત માટે ખંજરી, ગિટાર, શરણાઈ, વાંસળી જેવા પારંપરીક વાજિંત્રો હતાં. ૧ કલાક ક્યાં વીતી ગયો અને નાટક ક્યારે પૂરું થયું તેની જરા પણ ખબર ન પડી.
આનંદદાયક નાટકના કેટલાક ચોંટડુંક સંવાદો (જેમાંના ઘણાબધા આ ઇન્ટરપ્રિટેશનમાં નહોતા.)-
·           The course of true love never did run smooth.
·         Swift as a shadow, short as any dream;/Brief as the lightning in the collied night.
·           So quick bright things come to confusion.
·           My heart/Is true as steel.
·           A lion among ladies is a most dreadful thing.
·           Lord, what fools these mortal be!
·           Cupid is a knavish lad,/ Thus to make poor females mad.
·           The lunatic, the lover, and the poet/ Are of imagination all compact.
·           The best in this kind are but shadows, and the/ worst are no worse, if imagination amend them.
·           The iron tongue of midnight hath told twelve;/ Lovers, to bed; ‘tis almost fairy time.
·           For never anything can be amiss,/ When simpleness and duty tender it.
·           If we offend, it is with our goodwill.
રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.