તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 13, 2012

યુ.કે. બાઇટ્સઃ If You Are Tired Of Sinning

          આજે લગભગ રિટાયર થવાની ઉંમરે પહોંચેલા એક ઇંગ્લિશ જેન્ટલમેન પાસેથી જૂનો પરંતું મજેદાર કિસ્સો સાંભળ્યો. તેઓ જન્મ્યા ત્યારથી Royal Borough of Kensington and Chelsea માં જ રહ્યાં છે અને તેમને એ વિસ્તારની ઘણી મજેદાર વાતો કરી.
          એકવાર તેમના ઘરથી થોડેક દૂર આવેલા એક ચર્ચમાં રિપેરિંગ કામ શરૂ થયું. અહીં આવું કોઈ કામ ચાલતું હોય તે વખતે (મોટેભાગે)  જે-તે ઇમારતને, જમણી બાજુ ફોટામાં બતાવ્યા મુજબ, આખે-આખી ઢાંકી દેવામાં આવે છે, જેથી આજુ-બાજુમાં માટી-કચરો ન ઊડે અને બીજાને તકલીફ ન થાય. એ પદ્ધતિ મુજબ આખા ચર્ચને સફેદ, તાડપત્રી જેવી જાડી કોથળીઓથી ઢાંકી દેવામાં આવ્યું. ચર્ચના ભલા હ્રદયના ફાધરને એ સફેદ ખાલી જગ્યાનો સદુપયોગ કરવાનું મન થયું. માટે તેમણે એ સફેદ કપડાં પર આ વાક્ય ચિતરાવ્યું- "If you are tired of sinning, come inside." બે-ચાર દિવસ બાદ કોઈકે નીચે ઉમેરી દીધું, "If not, contact Sally on 07979295934." [નંબર કાલ્પનિક છે માટે ડાયલ ન કરતાં ઃ) ]
          આ સાંભળીને મને આપણો પેલો જૂનો-પુરાણો જોક યાદ આવી ગયો. એક શિક્ષક તેમના વર્ગમાં એક બીકર, દારૂની બોટલ અને એક નાનકડો પ્લાસ્ટિકનો ડબ્બો લઈને ગયાં. બીકરને તેમણે ટેબલ પર મૂકીને તેમાં બધા વિદ્યાર્થીઓ જુએ તેમ દારૂ રેડ્યો. પછી સાચવીને ડબ્બો ખોલીને તેમાંથી કીડી-મકોડા-માંકડ-વંદા જેવી જે જીવાત હતી તે આ બીકરમાં નાખી. બધા જીવડાં થોડી વાર તરફડીને મૃત્યું પામ્યાં. શિક્ષકે પૂછ્યું, 'બાળકો, આ પ્રયોગ પરથી શું શીખ્યા?' એક છોકરાએ ઊભા થઈને જવાબ આપ્યો, 'દારૂ પીવાથી પેટમાં રહેલા જીવડાં મરી જાય.'
          કોઈ પણ પરિસ્થિતિમાંથી મનગમતો માર્ગ શોધવાની કળા તો માનવી જન્મથી જ લઈને આવે છે માટે બહારથી થોપી બેસાડેલી પરિસ્થિતિઓ/નિયમો કેટલાં નિરર્થક બની જાય છે! ગુટખા પર કાયદેસર પ્રતિબંધ લાદવો આવકારદાયી પગલું છે પણ એમ તો ગુજરાતમાં દારૂબંધી ક્યાં નથી?

(ફોટો ઇંગ્લેન્ડના ઉત્કૃષ્ટ લેખકોમાંના એક એવા ચાર્લ્સ ડિકન્સના કેમડન ટાઉન વાળા ઘરનો છે, જે હું ગયો ત્યારે મને આ હાલતમાં મળ્યું હતું.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.