તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 28, 2012

'કેવી રીતે જોઈશ?' થી 'કેવી રીતે જઈશ?'

          ભાષાને જીવવા માટે સબળ માધ્યમ જોઈએ. મલ્ટિમીડિયાના જમાનામાં વાતચીત અને પુસ્તકો ઉપરાંત ટેલિવિઝન, મૂવીઝ અને કૉમ્પ્યુટર બહુ જ અગત્યના માધ્યમ બન્યા છે અને બદનસીબે એ દરેક જગ્યાએ ગુજરાતી ભાષાને (જાકારો તો નથી મળ્યો પરંતું) જોઈએ તેવો આવકાર નથી મળ્યો. કેમ?  તેના ઘણા કારણો હોઈ શકે અને એ તો કોઈ વ્યવસ્થિત સંશોધન કરે તો જ ખબર પડે પરંતું મારા જેવા લોકો ગુજરાતી ટેલિવિઝન અને મૂવીઝ જેવા સબળ માધ્યમથી કેમ દૂર ભાગ્યા તેની મને ખબર છે.

          ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પહેલા જ્યારે દૂરદર્શન અને ટેલિવિઝન સમાનાર્થી શબ્દો હતાં ત્યારે વિકલ્પના અભાવે બધું જ ખપતું હતું. એ આર્થિક સુધારાની સાથે-સાથે શહેરીકરણની ઝડપ વધી અને એક આખી એવી પેઢી અસ્તિત્વમાં આવે જેના માટે ગામડું એટલે મમ્મી-પપ્પા-દાદા-દાદીની વાતો, વેકેશન, નવરાત્રિના ફેન્સી કોસ્ચ્યુમ્સ અને પાઠ્ય પુસ્તકની કેટલીક કવિતાઓ. એ પેઢીને ગામડાઓ સાથે બહુ જ ઓછો કે નહિવત્ સંપર્ક. આ પેઢીને ગુજરાતી ચેનલ્સ અને મૂવીઝમાં રજૂ થતાં પ્રશ્નો ભાગ્યે જ સ્પર્શતા. અર્બન કલ્ચરની પશ્ચાદભૂ અને પ્રશ્નો બહુ જ અલગ રહેતાં. For a change, 'ગજબ થઈ ગયો બાપુ!' જોવું ગમે પણ સવારથી સાંજ, મોઢામાં નાળચું ભરાવીને એની એજ વસ્તુ રેડવામાં આવે ત્યારે એ અબખે જ પડી જાય ને? અર્બન કલ્ચર રજૂ થતું હોય તેવા ગુજરાતી કાર્યક્રમો ('સપનાના વાવેતર' કે 'એક ડાળના પંખી') દર્શકોએ ખોબલે-ખોબલે વધાવ્યા જ છે. રજૂ થતાં કાર્યક્રમો અને મૂવીઝની ક્વૉલિટી પણ અગત્યનો વિષય છે. 'સુરભિ'ના ગુજરાતી વર્ઝન જેવા 'ઝરુખો'ને પણ દર્શકોએ ક્યાં નથી વધાવ્યો? ધીમે-ધીમે એવી છાપ ઊભી થવા માંડી કે મોર્ડન ઘરોમાં ગુજરાતી ચેનલ જોવાય નહીં અને ગુજરાતી મૂવીઝ જોવા તો ગામડેથી ટ્રેકટર ભરીને જ લોકો આવે. એટલો કચરો ઠલવાતો કે પ્રશ્ન થતો આ બધું 'કેવી રીતે જોઈશ?'

          ખુશીની વાત એ છે કે તાજેતરમાં અર્બન કલ્ચરના બે પ્રશ્નો લઈને એક સરસ મૂવી બની 'કેવી રીતે જઈશ?' અને ગુજરાતી મીડિયા મુજબ એ પહેલું એવું ગુજરાતી મૂવી કે જે મલ્ટિપ્લેક્ષમાં રિલીઝ થયું અને તેના શો હાઉસફુલ પણ ગયાં. આ ગુજરાતી મૂવીની વેબસાઇટ બની, ફેસબુક પેજ બન્યું, ફેસબુક ગેમ બની  અને રિલીઝ થયાંના પહેલા જ અઠવાડિયામાં દસેક પોઝિટિવ રિવ્યુઝ પણ વાંચવા મળ્યા. (ગજબ થઈ ગયો બાપુ! ગુજરાતી ફિલમના રિવ્યુ લખાવા માઇડા.)

          આજે (૨૭/૦૯/૨૦૧૨)ના રોજ મને પણ જોવા મળ્યું. (ક્યાં અને કેવી રીતે એમ ના પૂછશો.) ટૂંકમાં કહું તો ગમ્યું. અદ્દભુત ન કહી શકાય પણ ઘણું જ સારું અને મારા જેવા અર્બનાઇટને સ્પર્શે તેવું છે. જે બે પ્રશ્નો ઊઠાવ્યા છે તે પણ આરપાર વીંધે તેવા છે. (૧) આજની પેઢીમાં વિદેશ જવાની ઘેલછા. (૨) પોતે પૂરા ન કરી શકેલા સ્વપ્નો બાળકો પર ઠોકી બેસાડવાની ભારતીય મા-બાપની માનસિકતા.

         પાત્રોની અસલ અમદાવાદી ભાષા અને મારા અમદાવાદનું આધુનિક ચિત્રણ ક્યાંથી ભૂલાય? અને પેલો ઓબામા વાળો આધુનિક ગરબો? lolz...  Beg, Borrow or Steal, પણે એક વાર અચૂક જોજો.. સારા દર્શકો મળશે તો જ સારા મૂવીઝ બનશેને?

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.