તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 10, 2012

જે. કે. રોલિંગની 'હેરી પોટર એન્ડ ફિલૉસોફર્સ સ્ટોન'


તમે જે ટ્રેનમાં મુસાફરી કરતાં હોવ તે ટ્રેન અચાનક કોઈ અંધારી ટનલમાં આવીને ફસાઇ જાય, તો તમે શું વિચારો? વેલ, સફરજનના ઝાડ નીચે બેઠેલા બધા જ તો કંઈ ન્યૂટન બનવાના નથી પણ કોઇ તો હોય છે ને જે ન્યૂટન બને છે! ૧૯૯૦માં ભાડા પર લેવા માટે કોઈ ફ્લેટની શોધમાં ફરી રહેલ એક સ્ત્રી જ્યારે ટ્રેનમાં લંડન પાછી ફરી રહી હોય છે, ત્યારે તેની ટ્રેન આવી રીતે એક ટનલમાં ફસાઈ જાય છે અને તેણી વિચારે છે કે જો હવે આ ટ્રેન ટનલમાંથી નીકળીને કોઈ જાદુઈ સૃષ્ટિમાં નીકળે તો? બસ ત્યારથી તેના મગજમાં મગજમાં એક ચશ્માવાળા, નાનકડા, એકાકી બાળકની કલ્પના આવે છે અને તેમાંથી જગવિખ્યાત હેરી પોટર અને હોગવર્ટ સ્કૂલનો જન્મ થાય છે. સાત વર્ષની મહેનત બાદ એ પુસ્તક લખાવું પૂરૂ થાય છે અને દોઢેક વર્ષની મહેનત બાદ તે પ્રકાશિત થાય છે, ત્યાં સુધી જે.કે. રોલિંગને કોઈ જાણતું પણ નથી અને પછી એકદમ ટૂંકા ગાળામાં તેણી જગવિખ્યાત બની જાય છે. શું છે એ પુસ્તકમાં?
દરેક વિખ્યાત પુસ્તકની જેમ હેરી પોટર શ્રેણીને ચાહનારા અને વાંકુ બોલનારા, બંને પ્રકારના લોકો મળ્યા છે. કેટલાક લોકો એવી ફરિયાદ કરી કે પુસ્તકમાં જે જાદુ અને જાદુગરોની વાત આવે છે તેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. કેટલાક વિવેચકોએ એમ પણ કહ્યું કે પ્રખ્યાત હોવાથી પુસ્તક સાહિત્યિક નથી બની જતું. (બહુ જૂની દલીલ છે.) હેરલ્ડ બ્લુમ નામના વિવેચકે તો ત્યાં સુધી કહ્યું કે ,”Can 35 million book buyers be wrong? YES.” તેમણે એવી ટિપ્પણી કરી કે આ પુસ્તક સરખી રીતે નથી લખાયું અને તેમાં કલ્પના શક્તિની કમી છે. (છેલ્લી ટિપ્પણી માટે ફેસબુકની કોમેન્ટની જેમ લખી શકાય lol ) ખેર, બધાને પોતાનો અંગત અભિપ્રાય આપવાની છૂટ છે. મારું તો એમ જ માનવું છે કે જે પુસ્તકે એક આખી પેઢીને પુસ્તકો વાંચવાની આદત પાડી, તે પુસ્તક ભાષા અને બાળકો, બંને માટે આશીર્વાદરૂપ છે.
Pottermore.com પર £૩૮.૬૪ ખર્ચતી વખતે એમ થયું હતું કે આ જરા વધારે તો નથીને? પણ એ શ્રેણીનો પ્રથમ ભાગ ‘Harry Potter and the Philosopher’s Stone’ વાંચીને જ એમ થયું કે પૈસા વસૂલ છે. બાળકો અને કિશોરો માટે લખાયેલી છે માટે એકદમ સરળ ભાષા છે. કલ્પના શક્તિને કામે લગાડે તેવો વિષય છે માટે પણ મજા આવે છે. પણ તેમાં એક તકલીફ એ થતી કે કલ્પના શક્તિ પર યાદ શક્તિ ઘણીવાર ભારે પડતી અને એ મૂવીના દ્રશ્યો જ યાદ આવી જતાં. રામાયણ સિરિયલ જોયા બાદ જેમ રામની એક ચોક્કસ છબી મનમાં જડાઈ ગઈ, તેવું જ અહીં પણ થયું. જોકે પુસ્તક જેટલી ડિટેલ્સ મૂવીમાં નથી. જેમકે મૂવીમા શરૂઆતમાં બહુ ઝડપથી હેરીના ૧૧ વર્ષ બતાવી દેવામાં આવ્યા છે જ્યારે પુસ્તકમાં એ બધું ઝીણવટથી અને શાંતિથી રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે, હેરી, હરમાઇની, માલ્ફોય અને નેવિલ એ ચારેયને સજા થાય છે અને તેમને હેગ્રીડ સાથે રાતે જંગલમાં જવું પડે છે જ્યારે મૂવીમાં નેવિલ ગાયબ છે અને ડ્રેગન વાળો એપિસોડ બહું ટૂંકાવી નાખવામાં આવ્યો છે. મૂવીમાં મનોરંજનનું તત્વ ઉમેરવા રોનનું પાત્ર અને હેરીના કઝિન ડડ્લીનું પાત્ર પુસ્તક કરતાં થોડુંક અલગ રીતે રજૂં થયું છે. મૂવી ખરાબ છે એમ કહેવાનો મતલબ નથી, એ તો સારું જ બન્યું છે પરંતું પુસ્તક તેના કરતાં પણ વધારે સારું છે.
એક લાક્ષણિક નવલકથાની જેમ તેમાં શરૂઆત, મધ્ય અને અંત સ્પષ્ટ દેખાઈ આવે છે. સંઘર્ષનું તત્વ તો સાતેય ભાગમાં પ્રગટ જ છે પણ સાથે-સાથે, જરાય ખબર ન પડે તેવી રીતે કોઈ-ને-કોઈ મોરલ મેસેજ પણ આવી જાય છે. ગમે તેવા પાત્રો છે. અને આખી વાર્તામાં બહુ વ્યવસ્થિત રીતે clues વિખરાયેલ પડ્યા છે, કે જેનાથી હેરીની સાથે-સાથે વાચકના મગજમાં પણ આખી વાર્તા આગળ વધતી જાય છે.
હેરીનું પાત્ર આપણે ગમે તેવું કેમ છે? શું એ અનાથ બાળક પ્રત્યેની સહાનુભૂતિ માત્ર છે? એ તત્વ તો છે જ પણ એથીય વધારે સ્પર્શી જાય એવી બાબત છે એ પાત્રની પોતાની ઓળખ શોધવાની મથામણ. શું આપણને દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક પોતાની ઓળખ વિશે પ્રશ્ન નથી થતો? માણસ હંમેશા પોતાની આઈડેન્ટિટી માટે સંઘર્ષ કરતો હોય છે અને એજ સંઘર્ષ બહુ સ્પષ્ટ રીતે હેરીમાં દેખાય છે માટે એ બાળક આપણને ગમી જાય છે. પુસ્તકનું એક નાનકડું ભારતીય કનેક્શન એટલે પાર્વતી પાટિલ નામનું સાવ નાનકડું પાત્ર.
પાત્રની સાથે-સાથે હોગવર્ટની જે કાલ્પનિક સૃષ્ટિ ઊભી થાય છે તે બહુ જ ગમે તેવી છે. સ્કૂલમાં ભણતાં અને સ્કૂલના જીવનને યાદ કરતાં બધાને એ જીવન ફરી એકવાર જીવવાનો મોકો આ પુસ્તક થકી મળે છે, એ પણ આ પુસ્તકની સફળતાનું એક કારણ હોઈ શકે. છેલ્લે ક્યાંક વાંચેલું વાક્ય નોંધવાની લાલચ નથી રોકી શકતોઃ “You don't have to be a wizard or a kid to appreciate the spell cast by Harry Potter.”
કાઠિયાવાડમાં એક વખત એક શબ્દ સાંભળ્યો હતો ‘રાંડના રોદણાં’. આપણે બધાં ગુજરાતી ભાષા અને તેના ભવિષ્ય માટે વર્ચ્યૂઅલ અને રિયલ જગતમાં જે-જે ચર્ચાઓ કરીએ છીએ તે આ ‘રાંડના રોદણાં’ જેવી નિરર્થક હોય છે. ગુજરાતી ભાષાને ખરેખર જરૂર છે કોઈ જે.કે. રોલિંગની જે કોઈ હેરી પોટરને (અથવા હરી પટેલને) જન્મ આપે અને બાળકો પુસ્તક વાંચતા થાય. બાકી ડિજિટલ એજમાં જન્મેલી અને ૨૦૦ ચેનલ જોતી પેઢી છકો-મકો અને મિયા ફુસકી વાંચે એ વાતમાં કંઈ માલ નથી.
પુસ્તકમાંથી ગમી ગયેલા વાક્યોઃ
·      There are some things you can’t share without ending up liking each other.
·      It does not do to dwell on dreams and forget to live, remember.
·      The trouble is, humans do have a knack of choosing precisely those things that are worst for them.
·      Fear of a name increases fear of the thing itself.
·      The truth. It is a beautiful and terrible thing, and should therefore be treated with great caution.
·      To have been loved so deeply, even though the person who loved us is gone, will give us some protection forever.
(આમ તો ‘હેરી પોટર’ના પુસ્તકો વાંચવાની વર્ષોથી ઇચ્છા હતી, પરંતું બ્લૉગર મિત્ર કાર્તિક મિસ્ત્રી એ ધરમનો ધક્કો માર્યો અને પ્રથમ ભાગ વંચાઈ ગયો. બીજા ભાગની વાત એ વંચાય ત્યારે. ‘હેરી પોટર’ શ્રેણીના સંદર્ભે જય વસાવડાનો આ લેખ અચૂક વાંચવા જેવો છે. બંને તસવીરો વિકિમીડિયા પરથી.)

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

2 ટિપ્પણીઓ:

 1. Fully agreed , about the all tiny details .

  & અને જેઓ માત્ર ગુજરાતી જ વાંચી / સમજી શકે છે તેના માટે દુર્ભાગ્ય એ છે કે , ગુજરાતી સાહિત્ય જગતમાં હેરી પોટરનો માત્ર પ્રથમ જ ભાગ પ્રાપ્ત છે , No further Translations !

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અરે નિરવભાઈ! અંગ્રેજીમાં વાંચવાની શરૂઆત કરો. અંગ્રેજી સરળ છે અને gujaratilexicon.com તો આપણી સૌની મદદે હાજર જ છે.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.