તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 29, 2012

નદીની રેતમાં રમતું નગર...

          ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ?' માં લેટેસ્ટ અમદાવાદ જોઈને ત્રણ એવરગ્રીન ગીતો યાદ આવી ગયા જે દરેક અમદાવાદીના હૈયામાં જ વસેલા છે.

(૧) ચીનુ મોદી 'ઇર્શાદ'નું 'આટાપાટા અમદાવાદ'

બાળપણમાં અમદાવાદ દૂરદર્શન પર અસંખ્ય વાર જોયેલું અને તેમાં આવતા તમામ ગુજરાતી કલાકારોને તે જે પાત્રોના નામે સિરિયલમાં આવતાં તે નામે ઓળખતો.                                                           (કોરસ)   
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
કરે શ્વાસના સાટાપાટા, લાભ સદાયે, કભી ઘાટા,
રોજ રમીને આટાપાટા, દાંત કરી દે સૌના ખાટા.
શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..
પાંચ બનાવ્યા સેતુ…
પાંચ બનાવ્યા સેતુ, તો પણ કંઈ વળતો હેતુ,
એક બીજાને જરી સમજે, જાણે રાહુ-કેતુ.
એક બીજાને જરી સમજે, જાણે રાહુ-કેતુ.
શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..
શેરબજારે ભીડ જમાવે, લક્ષ્મીજી ને પગ નમાવે,
(લીધા…. દીધા….લીધા…. દીધા….
લીધા..દીધા..લીધા..દીધા..)
શેરબજારે ભીડ જમાવે, લક્ષ્મીજી ને પગ નમાવે,
પૂરી-પકોડી, ખાય ચવાણું, ઓછે પૈસે ભૂખ શમાવે.
શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..
વ્હાલ કરીને પાતા કોલા, નામ પૂછો તો સાબરકોલા,
(પ્રેમમાં થોડી ફરેબી જોઇએ, પ્રેમમાં થોડી ફરેબી જોઇએ,
ફાફડા સાથે જલેબી જોઇએ. )
વ્હાલ કરીને પાતા કોલા, નામ પૂછો તો સાબરકોલા,
ચા અડધી પીવડાવીને એ ગામમાં પાડે મોટા રોલા.
ચા અડધી પીવડાવીને એ ગામમાં પાડે મોટા રોલા.
શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..
દિવસે ગલ્લે પાન બનાવે, રાતે સીરિયલ શૂટ કરાવે,
(રોલ  વિસિઆરકેમેરા...સાઉન્ડ…એક્શન)
દિવસે ગલ્લે પાન બનાવે, રાતે સીરિયલ શૂટ કરાવે,
જૂની ગાડી માંડ ખરીદે, ધક-ધક-ધક- ધક ધક્કા મારી રોજ ચલાવે.
શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..
હુલ્લડના હેવાયા માણસ, કર્ફ્યૂથી ટેવાયા માણસ,
હુલ્લડના હેવાયા માણસ, કર્ફ્યૂથી ટેવાયા માણસ,
લાભ વગર ના કદીય  લોટે, લોભે બહુ લલચાયા માણસ.
લાભ વગર કદી એ લોટે, લોભે બહુ લલચાયા માણસ.

શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..
કરે શ્વાસના સાટાપાટા, લાભ સદાયે, કભી ઘાટા,
રોજ રમીને આટાપાટા, દાંત કરી દે સૌના ખાટા.
શહેર નહીં યે હૈ સન્નાટા, રોજ રમે છે આટાપાટા,
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા, આટાપાટા, આટાપાટા, આટાપાટા,
પાટાઆટા પાટાઆટા પાટા..

(૨) અમે અમદાવાદી - અવિનાશ વ્યાસ

ગુજરાતી ટંગ-ટ્વિસટર 'અરે પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં ઢળીશેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી,' યાદ છે?


અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
ભાઈ, અમે અમદાવાદી, અમે અમદાવાદી.

અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચૂકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભૂંગળું પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડે રળવા રોટીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઢુંકડો?
મિલ મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી.

ભાઈ, અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

સમાજવાદી,  કોંગ્રેસવાદી, શાહીવાદી, મૂડીવાદી,
નહિ સમિતિ,  નહિ કમિટી,  સોશિઆલિસ્ટ કે જ્ઞાતિવાદી,
નહિ વાદની વાદવિવાદી,  ‘એમ’ વિટામિનવાદી,

ભાઈ, અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

ઊડે હવામા ધોતિયું ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા, ગરમ જલેબી ખાધી,
આમ જુઓ તો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઈ, અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

અરે પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં ઢળી,
શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી,
અરે મુંબઈની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચૂંકી ગલી-ગલીમાં વળી વળી ને ભલી,
ભાઈ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં મળી,
આવી તો ભાઈ બહુ કેહવાની, આતો કહી નાખી એકાદી.

ભાઈ, અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
ભાઈ, અમે અમદાવાદી, અમે અમદાવાદી.

અમે અમદાવાદી, અમે અમદાવાદી,
અમે અમદાવાદી, અમે અમદાવાદી.

(૩) મળે ન મળે - આદિલ મન્સૂરી

કવિતાની William Wordsworth દ્વારા એક વ્યાખ્યા કરવામાં આવી હતીઃ "the spontaneous overflow of powerful emotions recollected in tranquillity." આ વ્યાખ્યાના આદર્શ જીવંત ઊદાહરણ સમી ગઝલ એટલે આદિલ મન્સૂરીની 'મળે ન મળે'. દિલને ચીરી નાખે તેવા કારણસર જ્યારે અમદાવાદ છોડીને અમેરિકા વસવું પડ્યું, ત્યારે સાબરમતીના કાંઠે વસેલ અમદાવાદને માટે સ્વ. આદિલ મન્સૂરીએ લખેલ આ ગઝલ માટે શું કહેવું?  'સહિયારુસર્જન' બ્લૉગ પર આ ગઝલ વિશે વાંચેલ એક વાતઃ ઇંગ્લેન્ડના બર્મિંગહામના એક કાર્યક્રમમાં મન્સૂરીજીએ આ ગઝલ રજૂ કરી. કાર્યક્રમના અંતે એક બહેને તેમને કહ્યું કે 'આદિલભાઈ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.' ત્યારે તેમણે કહ્યું હતું, 'બહેન, મેં એ રડતા રડતા જ લખેલું.' એ 'અનામિકા' બહેનને એટલું જ કહેવાનું કે you are one of many.


નદીની રેતમાં રમતું નગર મળે મળે,
ફરી દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી માટીની ભીની અસર મળે મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
પછી હસતાં ચહેરા, મીઠી નજર મળે મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી શહેર, ગલીઓ, ઘર મળે મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે મળે.

વળાવા આવ્યા છે ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉંઆદિલ’,
અરે ધૂળ પછી ઉમ્રભર મળે મળે.

સપ્ટેમ્બર 28, 2012

'કેવી રીતે જોઈશ?' થી 'કેવી રીતે જઈશ?'

          ભાષાને જીવવા માટે સબળ માધ્યમ જોઈએ. મલ્ટિમીડિયાના જમાનામાં વાતચીત અને પુસ્તકો ઉપરાંત ટેલિવિઝન, મૂવીઝ અને કૉમ્પ્યુટર બહુ જ અગત્યના માધ્યમ બન્યા છે અને બદનસીબે એ દરેક જગ્યાએ ગુજરાતી ભાષાને (જાકારો તો નથી મળ્યો પરંતું) જોઈએ તેવો આવકાર નથી મળ્યો. કેમ?  તેના ઘણા કારણો હોઈ શકે અને એ તો કોઈ વ્યવસ્થિત સંશોધન કરે તો જ ખબર પડે પરંતું મારા જેવા લોકો ગુજરાતી ટેલિવિઝન અને મૂવીઝ જેવા સબળ માધ્યમથી કેમ દૂર ભાગ્યા તેની મને ખબર છે.

          ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પહેલા જ્યારે દૂરદર્શન અને ટેલિવિઝન સમાનાર્થી શબ્દો હતાં ત્યારે વિકલ્પના અભાવે બધું જ ખપતું હતું. એ આર્થિક સુધારાની સાથે-સાથે શહેરીકરણની ઝડપ વધી અને એક આખી એવી પેઢી અસ્તિત્વમાં આવે જેના માટે ગામડું એટલે મમ્મી-પપ્પા-દાદા-દાદીની વાતો, વેકેશન, નવરાત્રિના ફેન્સી કોસ્ચ્યુમ્સ અને પાઠ્ય પુસ્તકની કેટલીક કવિતાઓ. એ પેઢીને ગામડાઓ સાથે બહુ જ ઓછો કે નહિવત્ સંપર્ક. આ પેઢીને ગુજરાતી ચેનલ્સ અને મૂવીઝમાં રજૂ થતાં પ્રશ્નો ભાગ્યે જ સ્પર્શતા. અર્બન કલ્ચરની પશ્ચાદભૂ અને પ્રશ્નો બહુ જ અલગ રહેતાં. For a change, 'ગજબ થઈ ગયો બાપુ!' જોવું ગમે પણ સવારથી સાંજ, મોઢામાં નાળચું ભરાવીને એની એજ વસ્તુ રેડવામાં આવે ત્યારે એ અબખે જ પડી જાય ને? અર્બન કલ્ચર રજૂ થતું હોય તેવા ગુજરાતી કાર્યક્રમો ('સપનાના વાવેતર' કે 'એક ડાળના પંખી') દર્શકોએ ખોબલે-ખોબલે વધાવ્યા જ છે. રજૂ થતાં કાર્યક્રમો અને મૂવીઝની ક્વૉલિટી પણ અગત્યનો વિષય છે. 'સુરભિ'ના ગુજરાતી વર્ઝન જેવા 'ઝરુખો'ને પણ દર્શકોએ ક્યાં નથી વધાવ્યો? ધીમે-ધીમે એવી છાપ ઊભી થવા માંડી કે મોર્ડન ઘરોમાં ગુજરાતી ચેનલ જોવાય નહીં અને ગુજરાતી મૂવીઝ જોવા તો ગામડેથી ટ્રેકટર ભરીને જ લોકો આવે. એટલો કચરો ઠલવાતો કે પ્રશ્ન થતો આ બધું 'કેવી રીતે જોઈશ?'

          ખુશીની વાત એ છે કે તાજેતરમાં અર્બન કલ્ચરના બે પ્રશ્નો લઈને એક સરસ મૂવી બની 'કેવી રીતે જઈશ?' અને ગુજરાતી મીડિયા મુજબ એ પહેલું એવું ગુજરાતી મૂવી કે જે મલ્ટિપ્લેક્ષમાં રિલીઝ થયું અને તેના શો હાઉસફુલ પણ ગયાં. આ ગુજરાતી મૂવીની વેબસાઇટ બની, ફેસબુક પેજ બન્યું, ફેસબુક ગેમ બની  અને રિલીઝ થયાંના પહેલા જ અઠવાડિયામાં દસેક પોઝિટિવ રિવ્યુઝ પણ વાંચવા મળ્યા. (ગજબ થઈ ગયો બાપુ! ગુજરાતી ફિલમના રિવ્યુ લખાવા માઇડા.)

          આજે (૨૭/૦૯/૨૦૧૨)ના રોજ મને પણ જોવા મળ્યું. (ક્યાં અને કેવી રીતે એમ ના પૂછશો.) ટૂંકમાં કહું તો ગમ્યું. અદ્દભુત ન કહી શકાય પણ ઘણું જ સારું અને મારા જેવા અર્બનાઇટને સ્પર્શે તેવું છે. જે બે પ્રશ્નો ઊઠાવ્યા છે તે પણ આરપાર વીંધે તેવા છે. (૧) આજની પેઢીમાં વિદેશ જવાની ઘેલછા. (૨) પોતે પૂરા ન કરી શકેલા સ્વપ્નો બાળકો પર ઠોકી બેસાડવાની ભારતીય મા-બાપની માનસિકતા.

         પાત્રોની અસલ અમદાવાદી ભાષા અને મારા અમદાવાદનું આધુનિક ચિત્રણ ક્યાંથી ભૂલાય? અને પેલો ઓબામા વાળો આધુનિક ગરબો? lolz...  Beg, Borrow or Steal, પણે એક વાર અચૂક જોજો.. સારા દર્શકો મળશે તો જ સારા મૂવીઝ બનશેને?

સપ્ટેમ્બર 23, 2012

શેરીફ ચંદ્રકાંત બક્ષી

          બહુ ઓછા એવા ગુજરાતી લેખકો હશે કે જેમના પ્રશંસકોને હુલીગનની કક્ષામાં મૂકી શકાય. ચંદ્રકાંત બક્ષી એવા જ બળુકા અને અસરદાર લેખકોમાંના એક હતાં અને તેમના 'હુલીગન' ચાહકોનો મેળાવડો એકવાર જોયો હતો. ૧૯૯૯માં જ્યારે તેઓ મુંબઈ શહેરના શેરીફ તરીકે નિમણૂક પામ્યા ત્યારે નવભારત સાહિત્ય મંદિર તરફથી તેમનો સન્માન સમારંભ યોજાયો હતો અને તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો. શરૂઆતના વક્તાઓના નિરસ 'બે શબ્દો' પછી જ્યારે તેમણે માઈક પાછળ ઊભા રહીને પ્રથમ બે શબ્દો 'યાર બાદશાહો' કહ્યાં, ત્યારે ભરચક ઠાકોરભાઈ હૉલમાં એક મિનિટથી વધારે તાળીઓનો ગડગડાટ સંભળાતો રહ્યો હતો. કાર્યક્રમ પત્યા બાદ તેમને મળવા અને ઓટોગ્રાફ માટે પણ ચાહકોનો ધસારો થયો હતો. શરૂઆતના બે-ચાર વાચકોને ઓટોગ્રાફ આપ્યા બાદ તેઓ મક્કમતાથી આગળ વધી ગયા હતાં.

          જૂની ડાયરીઓ ફંફોસતા આજે આ આમંત્રણ પત્રિકા હાથમાં આવી ગઈ ત્યારે ચાહકોની તાળીઓના ગડગડાટ વચ્ચે સસ્મિત ઊભા રહેલા બક્ષી બાબુ અને પીઠ પર ધબ્બો મારીને આ આમંત્રણ આપનાર, નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહ બંને યાદ આવી ગયા.

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

સપ્ટેમ્બર 13, 2012

યુ.કે. બાઇટ્સઃ If You Are Tired Of Sinning

          આજે લગભગ રિટાયર થવાની ઉંમરે પહોંચેલા એક ઇંગ્લિશ જેન્ટલમેન પાસેથી જૂનો પરંતું મજેદાર કિસ્સો સાંભળ્યો. તેઓ જન્મ્યા ત્યારથી Royal Borough of Kensington and Chelsea માં જ રહ્યાં છે અને તેમને એ વિસ્તારની ઘણી મજેદાર વાતો કરી.
          એકવાર તેમના ઘરથી થોડેક દૂર આવેલા એક ચર્ચમાં રિપેરિંગ કામ શરૂ થયું. અહીં આવું કોઈ કામ ચાલતું હોય તે વખતે (મોટેભાગે)  જે-તે ઇમારતને, જમણી બાજુ ફોટામાં બતાવ્યા મુજબ, આખે-આખી ઢાંકી દેવામાં આવે છે, જેથી આજુ-બાજુમાં માટી-કચરો ન ઊડે અને બીજાને તકલીફ ન થાય. એ પદ્ધતિ મુજબ આખા ચર્ચને સફેદ, તાડપત્રી જેવી જાડી કોથળીઓથી ઢાંકી દેવામાં આવ્યું. ચર્ચના ભલા હ્રદયના ફાધરને એ સફેદ ખાલી જગ્યાનો સદુપયોગ કરવાનું મન થયું. માટે તેમણે એ સફેદ કપડાં પર આ વાક્ય ચિતરાવ્યું- "If you are tired of sinning, come inside." બે-ચાર દિવસ બાદ કોઈકે નીચે ઉમેરી દીધું, "If not, contact Sally on 07979295934." [નંબર કાલ્પનિક છે માટે ડાયલ ન કરતાં ઃ) ]
          આ સાંભળીને મને આપણો પેલો જૂનો-પુરાણો જોક યાદ આવી ગયો. એક શિક્ષક તેમના વર્ગમાં એક બીકર, દારૂની બોટલ અને એક નાનકડો પ્લાસ્ટિકનો ડબ્બો લઈને ગયાં. બીકરને તેમણે ટેબલ પર મૂકીને તેમાં બધા વિદ્યાર્થીઓ જુએ તેમ દારૂ રેડ્યો. પછી સાચવીને ડબ્બો ખોલીને તેમાંથી કીડી-મકોડા-માંકડ-વંદા જેવી જે જીવાત હતી તે આ બીકરમાં નાખી. બધા જીવડાં થોડી વાર તરફડીને મૃત્યું પામ્યાં. શિક્ષકે પૂછ્યું, 'બાળકો, આ પ્રયોગ પરથી શું શીખ્યા?' એક છોકરાએ ઊભા થઈને જવાબ આપ્યો, 'દારૂ પીવાથી પેટમાં રહેલા જીવડાં મરી જાય.'
          કોઈ પણ પરિસ્થિતિમાંથી મનગમતો માર્ગ શોધવાની કળા તો માનવી જન્મથી જ લઈને આવે છે માટે બહારથી થોપી બેસાડેલી પરિસ્થિતિઓ/નિયમો કેટલાં નિરર્થક બની જાય છે! ગુટખા પર કાયદેસર પ્રતિબંધ લાદવો આવકારદાયી પગલું છે પણ એમ તો ગુજરાતમાં દારૂબંધી ક્યાં નથી?

(ફોટો ઇંગ્લેન્ડના ઉત્કૃષ્ટ લેખકોમાંના એક એવા ચાર્લ્સ ડિકન્સના કેમડન ટાઉન વાળા ઘરનો છે, જે હું ગયો ત્યારે મને આ હાલતમાં મળ્યું હતું.)

સપ્ટેમ્બર 10, 2012

જે. કે. રોલિંગની 'હેરી પોટર એન્ડ ફિલૉસોફર્સ સ્ટોન'


તમે જે ટ્રેનમાં મુસાફરી કરતાં હોવ તે ટ્રેન અચાનક કોઈ અંધારી ટનલમાં આવીને ફસાઇ જાય, તો તમે શું વિચારો? વેલ, સફરજનના ઝાડ નીચે બેઠેલા બધા જ તો કંઈ ન્યૂટન બનવાના નથી પણ કોઇ તો હોય છે ને જે ન્યૂટન બને છે! ૧૯૯૦માં ભાડા પર લેવા માટે કોઈ ફ્લેટની શોધમાં ફરી રહેલ એક સ્ત્રી જ્યારે ટ્રેનમાં લંડન પાછી ફરી રહી હોય છે, ત્યારે તેની ટ્રેન આવી રીતે એક ટનલમાં ફસાઈ જાય છે અને તેણી વિચારે છે કે જો હવે આ ટ્રેન ટનલમાંથી નીકળીને કોઈ જાદુઈ સૃષ્ટિમાં નીકળે તો? બસ ત્યારથી તેના મગજમાં મગજમાં એક ચશ્માવાળા, નાનકડા, એકાકી બાળકની કલ્પના આવે છે અને તેમાંથી જગવિખ્યાત હેરી પોટર અને હોગવર્ટ સ્કૂલનો જન્મ થાય છે. સાત વર્ષની મહેનત બાદ એ પુસ્તક લખાવું પૂરૂ થાય છે અને દોઢેક વર્ષની મહેનત બાદ તે પ્રકાશિત થાય છે, ત્યાં સુધી જે.કે. રોલિંગને કોઈ જાણતું પણ નથી અને પછી એકદમ ટૂંકા ગાળામાં તેણી જગવિખ્યાત બની જાય છે. શું છે એ પુસ્તકમાં?
દરેક વિખ્યાત પુસ્તકની જેમ હેરી પોટર શ્રેણીને ચાહનારા અને વાંકુ બોલનારા, બંને પ્રકારના લોકો મળ્યા છે. કેટલાક લોકો એવી ફરિયાદ કરી કે પુસ્તકમાં જે જાદુ અને જાદુગરોની વાત આવે છે તેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. કેટલાક વિવેચકોએ એમ પણ કહ્યું કે પ્રખ્યાત હોવાથી પુસ્તક સાહિત્યિક નથી બની જતું. (બહુ જૂની દલીલ છે.) હેરલ્ડ બ્લુમ નામના વિવેચકે તો ત્યાં સુધી કહ્યું કે ,”Can 35 million book buyers be wrong? YES.” તેમણે એવી ટિપ્પણી કરી કે આ પુસ્તક સરખી રીતે નથી લખાયું અને તેમાં કલ્પના શક્તિની કમી છે. (છેલ્લી ટિપ્પણી માટે ફેસબુકની કોમેન્ટની જેમ લખી શકાય lol ) ખેર, બધાને પોતાનો અંગત અભિપ્રાય આપવાની છૂટ છે. મારું તો એમ જ માનવું છે કે જે પુસ્તકે એક આખી પેઢીને પુસ્તકો વાંચવાની આદત પાડી, તે પુસ્તક ભાષા અને બાળકો, બંને માટે આશીર્વાદરૂપ છે.
Pottermore.com પર £૩૮.૬૪ ખર્ચતી વખતે એમ થયું હતું કે આ જરા વધારે તો નથીને? પણ એ શ્રેણીનો પ્રથમ ભાગ ‘Harry Potter and the Philosopher’s Stone’ વાંચીને જ એમ થયું કે પૈસા વસૂલ છે. બાળકો અને કિશોરો માટે લખાયેલી છે માટે એકદમ સરળ ભાષા છે. કલ્પના શક્તિને કામે લગાડે તેવો વિષય છે માટે પણ મજા આવે છે. પણ તેમાં એક તકલીફ એ થતી કે કલ્પના શક્તિ પર યાદ શક્તિ ઘણીવાર ભારે પડતી અને એ મૂવીના દ્રશ્યો જ યાદ આવી જતાં. રામાયણ સિરિયલ જોયા બાદ જેમ રામની એક ચોક્કસ છબી મનમાં જડાઈ ગઈ, તેવું જ અહીં પણ થયું. જોકે પુસ્તક જેટલી ડિટેલ્સ મૂવીમાં નથી. જેમકે મૂવીમા શરૂઆતમાં બહુ ઝડપથી હેરીના ૧૧ વર્ષ બતાવી દેવામાં આવ્યા છે જ્યારે પુસ્તકમાં એ બધું ઝીણવટથી અને શાંતિથી રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે, હેરી, હરમાઇની, માલ્ફોય અને નેવિલ એ ચારેયને સજા થાય છે અને તેમને હેગ્રીડ સાથે રાતે જંગલમાં જવું પડે છે જ્યારે મૂવીમાં નેવિલ ગાયબ છે અને ડ્રેગન વાળો એપિસોડ બહું ટૂંકાવી નાખવામાં આવ્યો છે. મૂવીમાં મનોરંજનનું તત્વ ઉમેરવા રોનનું પાત્ર અને હેરીના કઝિન ડડ્લીનું પાત્ર પુસ્તક કરતાં થોડુંક અલગ રીતે રજૂં થયું છે. મૂવી ખરાબ છે એમ કહેવાનો મતલબ નથી, એ તો સારું જ બન્યું છે પરંતું પુસ્તક તેના કરતાં પણ વધારે સારું છે.
એક લાક્ષણિક નવલકથાની જેમ તેમાં શરૂઆત, મધ્ય અને અંત સ્પષ્ટ દેખાઈ આવે છે. સંઘર્ષનું તત્વ તો સાતેય ભાગમાં પ્રગટ જ છે પણ સાથે-સાથે, જરાય ખબર ન પડે તેવી રીતે કોઈ-ને-કોઈ મોરલ મેસેજ પણ આવી જાય છે. ગમે તેવા પાત્રો છે. અને આખી વાર્તામાં બહુ વ્યવસ્થિત રીતે clues વિખરાયેલ પડ્યા છે, કે જેનાથી હેરીની સાથે-સાથે વાચકના મગજમાં પણ આખી વાર્તા આગળ વધતી જાય છે.
હેરીનું પાત્ર આપણે ગમે તેવું કેમ છે? શું એ અનાથ બાળક પ્રત્યેની સહાનુભૂતિ માત્ર છે? એ તત્વ તો છે જ પણ એથીય વધારે સ્પર્શી જાય એવી બાબત છે એ પાત્રની પોતાની ઓળખ શોધવાની મથામણ. શું આપણને દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક પોતાની ઓળખ વિશે પ્રશ્ન નથી થતો? માણસ હંમેશા પોતાની આઈડેન્ટિટી માટે સંઘર્ષ કરતો હોય છે અને એજ સંઘર્ષ બહુ સ્પષ્ટ રીતે હેરીમાં દેખાય છે માટે એ બાળક આપણને ગમી જાય છે. પુસ્તકનું એક નાનકડું ભારતીય કનેક્શન એટલે પાર્વતી પાટિલ નામનું સાવ નાનકડું પાત્ર.
પાત્રની સાથે-સાથે હોગવર્ટની જે કાલ્પનિક સૃષ્ટિ ઊભી થાય છે તે બહુ જ ગમે તેવી છે. સ્કૂલમાં ભણતાં અને સ્કૂલના જીવનને યાદ કરતાં બધાને એ જીવન ફરી એકવાર જીવવાનો મોકો આ પુસ્તક થકી મળે છે, એ પણ આ પુસ્તકની સફળતાનું એક કારણ હોઈ શકે. છેલ્લે ક્યાંક વાંચેલું વાક્ય નોંધવાની લાલચ નથી રોકી શકતોઃ “You don't have to be a wizard or a kid to appreciate the spell cast by Harry Potter.”
કાઠિયાવાડમાં એક વખત એક શબ્દ સાંભળ્યો હતો ‘રાંડના રોદણાં’. આપણે બધાં ગુજરાતી ભાષા અને તેના ભવિષ્ય માટે વર્ચ્યૂઅલ અને રિયલ જગતમાં જે-જે ચર્ચાઓ કરીએ છીએ તે આ ‘રાંડના રોદણાં’ જેવી નિરર્થક હોય છે. ગુજરાતી ભાષાને ખરેખર જરૂર છે કોઈ જે.કે. રોલિંગની જે કોઈ હેરી પોટરને (અથવા હરી પટેલને) જન્મ આપે અને બાળકો પુસ્તક વાંચતા થાય. બાકી ડિજિટલ એજમાં જન્મેલી અને ૨૦૦ ચેનલ જોતી પેઢી છકો-મકો અને મિયા ફુસકી વાંચે એ વાતમાં કંઈ માલ નથી.
પુસ્તકમાંથી ગમી ગયેલા વાક્યોઃ
·      There are some things you can’t share without ending up liking each other.
·      It does not do to dwell on dreams and forget to live, remember.
·      The trouble is, humans do have a knack of choosing precisely those things that are worst for them.
·      Fear of a name increases fear of the thing itself.
·      The truth. It is a beautiful and terrible thing, and should therefore be treated with great caution.
·      To have been loved so deeply, even though the person who loved us is gone, will give us some protection forever.
(આમ તો ‘હેરી પોટર’ના પુસ્તકો વાંચવાની વર્ષોથી ઇચ્છા હતી, પરંતું બ્લૉગર મિત્ર કાર્તિક મિસ્ત્રી એ ધરમનો ધક્કો માર્યો અને પ્રથમ ભાગ વંચાઈ ગયો. બીજા ભાગની વાત એ વંચાય ત્યારે. ‘હેરી પોટર’ શ્રેણીના સંદર્ભે જય વસાવડાનો આ લેખ અચૂક વાંચવા જેવો છે. બંને તસવીરો વિકિમીડિયા પરથી.)

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ