તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 12, 2012

મરણનો વસવસો નહીં, પુરુષાર્થની ધન્યતાઃ સુરેશ દલાલ

          સંગીતકાર કલ્યાણજીભાઈના સ્વર્ગવાસ સમયે શ્રી સુરેશ દલાલે લખ્યું હતું, 'કોઈ પણ મરણનો વસવસો તો હોય, પણ અહીં માત્ર વસવસો નથી, એક વ્યક્તિ પોતાના પુરુષાર્થથી જીવી ગઈ એની ધન્યતાનો પણ આનંદ છે.' કાવ્યમય જીવન જીવી ગયેલ સુરેશ દલાલના સ્વર્ગવાસ સમયે આજ વાત તેમના માટે પણ કહી શકાય. કૃષ્ણભક્ત માટે જન્માષ્ટમીના દિવસે આવેલું સ્વર્ગનું તેડું તો કનૈયાના જન્મદિને સ્વર્ગમાં કેક ખાવાનું આમંત્રણ કહી શકાય ને!
          કૃષ્ણભક્ત પ્રેમ વિષે કંઈ ન લખે તેમ તો કેમ બને? અને શબ્દોના જાદુગર સુરેશ દલાલે તો પ્રેમ વિશે ઘણું લખ્યું છે. તેમના એવા જ એક રસતરબોળ લેખથી તેમને સ્મરીએ.
પંથ વિનાનો પંથ
મારી આખી જિંદગી તારી છે...
- શેક્સપિયર
          અઢી અક્ષરનો પ્રેમ શબ્દ સદીઓથી ઘૂંટાતો આવ્યો છે. ચૂંથાતો પણ આવ્યો છે. હોલિવૂડ અને બોલિવૂડે પ્રેમ શબ્દનો સતી-વેશ્યા જેવો પણ ઉપયોગ કર્યો છે. કહો કે દુરુપયોગ કર્યો છે. એ શબ્દ સાથે સંકળાયેલી પવિત્રતાને દૂષિત કરી મૂકી છે. બહુ ઓછી ફિલ્મ એવી હશે કે જેણે પ્રેમના ઇલમનો મહિમા કર્યો છે.
શ્રી સુરેશ દલાલ
          પ્રેમ જેવો રળિયામણો શબ્દ કેવળ વાસનાના ચિતરામણને કારણે વિકરાળ, વિકૃત અને બિહામણો થઈ ગયો છે. લયલા-મજનૂ, રોમિયો-જુલિયેટ -- આ બધાં પ્રેમનાં આદર્શ પાત્રો છે. પ્રેમની સફળતા ને નિષ્ફળતા પાત્રને કારણે અને પાત્રતાને કારણે સર્જાયેલી હોય છે. પ્રેમની સાથે શરીર સંકળાયું છે એ સ્વીકારી લઈએ તોપણ કોઈકે કહ્યું'તું એમ અઢાર-વીસ વર્ષની ઉંમર પ્રેમ કરવાની છે, લગ્નનો નિર્ણય કરવાની નથી, પણ કરુણતા ત્યાં છે કે જ્યારે પ્રેમ કરીએ છીએ ત્યારે કોઈક નિર્ણય પણ કરવો પડે છે અને એ નિર્ણયને કારણે કેટલાય પ્રેમીઓ પૉઇન્ટ ઑફ નો રિટર્ન પર ઊભાં હોય છે. સાથે રહી શકતા નથી અને છૂટા પડી શકતા નથી.
          શેક્સપિયર રંગભૂમિનો મહાન સર્જક. ઈશ્વરની સ્પર્ધામાં ઊતર્યો હોય એ રીતે એણે અનેક પાત્રો સર્જ્યાં. ઈશ્વરે તો માણસો સર્જ્યાં, પણ એ માણસોમાંથી વિવિધ પાત્રો સર્જનાર શેક્સપિયર રંગભૂમિની વિરાટ વિભૂતિ છે. ટુ બી ઓર નૉટ ટુ બી... એના વિચારવમળમાં અટવાતો હેમ્લેટ કશું પણ કરી શકવા માટે જાણે કે અસમર્થ છે. વધુપડતા વિચારો કાર્યની ગતિને થિજાવી દે છે તો ઑથેલો મૅન ઑફ ઍક્શન છે. વિચારને ઘૂંટ્યા પછી તરત જ નિર્ણય લઈને વહેમાયેલો ઑથેલો એની આરસની પૂતળી જેવી તદ્દન નિર્દોષ પ્રિયતમાને પથારી પર જ ગળું ઘૂંટીને મારી નાખે છે. જો ઑથેલો હેમ્લેટ હોત તો ડેસ્ડેમોના બચી ગઈ હોત, પણ જેમ એક માણસ બીજાનું જીવન જીવી ન શકે તેમ એક પાત્ર બીજા પાત્રનું જીવન જીવી ન શકે.
          અસંખ્ય નાટકોમાં પ્રેમ વિશે શેક્સપિયરે કેટલીય કાવ્યમય પંક્તિઓ લખી છે. નાટકો સિવાય પણ શેક્સપિયરે પ્રેમનાં સૉનેટ્સ લખ્યાં છે. ધસમસતા પૂરની, વહેતા પૂરની વાત આ કવિ-સર્જકે સૉનેટની ફ્રેમમાં મઢી લીધી છે. મારી પાસે શેક્સપિયરના પ્રેમ વિશેના ચિંતનનું સતસવીર પુસ્તક છે. આ કલ્પવૃક્ષની છાયામાં આપણને જે પંક્તિનાં પુષ્પો મળે છે એની છાબ તમારી સમક્ષ મૂકું છું, જેમ કે,
          જ્યારે પ્રેમ બોલે છે ત્યારે સ્વર્ગમાં વસતા દેવોને પ્રેમના સંવાદથી એક પ્રકારની બેહોશીનો અનુભવ થાય છે, કોઈ અજબગજબની ચીજ છે આ પ્રેમ. મન ઝંખે છે કે દિવસની ક્યારે રાત થાય? લોહી ઉત્તેજના અનુભવે છે અને આ ઉત્તેજના પ્રેમનાં કર્મ, મર્મ તરફ લઈ જાય છે. જ્યારે શરીરના લોહીમાં પ્રેમ વહેતો હોય છે ત્યારે શબ્દો ભોંઠા પડે છે અને ઓછા પડે છે. આ પ્રેમ એવો અંગારો છે કે એને ઠારવો પડશે અને નહીં ઠારશું તો એની જ્વાળાઓ સહન કરવી પડશે. સમુદ્ર બે કિનારાઓમાં બંધાઈ શકે છે, પણ પ્રેમ આ કિનારાઓ તોડી નાખે છે. એક જ ઓશીકું, એક જ ધાબળો, બે નહીં. પણ એક જ હૈયું, એક જ શય્યા અને એક જ સત્ય. આ પ્રેમનું પ્રથમ પગથિયું. હ્રદય એકમેકમાં ઘૂંટાઈ ગયેલાં હોય છે. અપેક્ષાઓ અસ્તિત્વની આસપાસ વીંટળાઈ વળે છે. કલ્પના અને તરંગો હિલ્લોળે ચઢે છે. પંચેન્દ્રિયો જાણે કે ઓછી પડે છે. દિવસ કંટાળાજનક લાગે છે. રાતની ઝંખના જાગે છે. કોઈ અધીરા બાળકને નવાં વસ્ત્રો આણી આપ્યા હોય, એને પહેરવાની ઇચ્છા જાગે ને એ પહેરી ન શકે એના જેવી મનની સ્થિતિ થઈ જાય છે. પ્રથમ દ્રષ્ટિના પ્રેમની વાત જુદી જ હોય છે. શાશ્વતી હોઠ પર અને આંખોમાં હોય. આ સુખનું વર્ણન ન થઈ શકે. એક વાર પ્રિય વ્યક્તિનો અનુભવ થાય ત્યારે જગતને જોવાની રીત બદલાઈ જાય છે. સૃષ્ટિ છે એના કરતાં વધુ સુંદર લાગે છે. આપણે પ્રિય વ્યક્તિને તો ચાહીએ છીએ, પણ એને કારણે આપણી જાતને પણ વિશેષ ચાહતા થઈ જઈએ છીએ. પ્રિય વ્યક્તિના ચહેરાની વસંત આપણા જીવનને ઉપવનમાં ફેરવી નાખે છે. હ્રદયમાં સમુદ્રની વિશાળતા ઊભરાય છે. આમાં તો જેટલું આપીએ એનાં કરતાં અધિક મળે છે. પ્રેમની પ્રસન્નતા એવી છે કે આંખને પંખીઓનાં ગીત સંભળાય છે. મનને પાંખો ફૂટે છે. આખા શરીરમાં એવો સળવળાટ થાય છે કે એ આશ્લેષ અને આલિંગન વિના જંપે નહીં. પ્રેમમાં પડેલી વ્યક્તિ છૂપી રહેતી નથી. એનો આનંદ અને એની બેચેની બધું જ દેખાઈ આવે છે. પ્રેમ પ્રશ્નાર્થચિહ્ન નથી, આશ્ચર્યચિહ્ન છે. વિખૂટા પડ્યા એટલે વેદના શરૂ થાય છે. સંગીત પ્રેમને માટે અંજળ છે અને આમ પણ પ્રેમ અંજળનો વિષય છે. પ્રેમ માણસને હતો-ન હતો કરી નાખે છે. ઉર્દૂ કવિતાની પંક્તિ યાદ આવે છે...
ઇશ્કને ગાલિબ નિકમ્મા કર દિયા
વરના હમ ભી આદમી થે કામ કે
          પ્રેમનો રસ્તો સરળ નથી હોતો. એમાં પણ કંટક છે, સંકટ છે, ખાડાટેકરા છે, ભરતી-ઓટ છે. પ્રેમ પંથ વિનાનો પંથ છે.

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.