તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 18, 2012

યુ.કે. બાઇટ્સઃ સ્ટોનહેન્જ- ધબકતા પથ્થરો, નિર્જીવ માનવો

Durdle Door, Dorset
          આપણા ગુજરાતીઓની તો વાત જ નિરાળી છે. ગુજરાતીઓને ફરવા જવા માટે બે વસ્તુ જોઈએ જઃ ખાવા માટે ઢેબરા-ખાખરા-અથાણા અને માથું નમાવવા માટે કોઈ મંદિર. આપણે યાત્રા અને જાત્રાને હંમેશા સમાન જ ગણીએ છીએ. દૂરના કોઈ નદી કિનારે કે પર્વત પર કોઈ મંદિર હોય કે કોઈ બાવાનો આશ્રમ હોય એટલે આપણી યાત્રા નક્કી. ત્યાં જઈ આંખો બંધ કરીને ભગવાન જોડે શેર-બજારની જેમ થોડીક લેવડ-દેવડ કરી લેવાની અને સાથે લાવેલા ડબ્બા ખોલીને ખાવાનું એટલે આપણો પ્રવાસ પૂરો. એ સ્થળની ભૂગોળ કે ઇતિહાસમાં રસ લેવાની આપણને જરૂર જ નથી લાગતી. આ બોરિંગ વિષયોથી માંડ-માંડ પીછો છોડાવ્યો હોય, પછી તેમાં ફરી પડવાની શું જરૂર છે? ગુજરાતી દુનિયાના કોઈ પણ દેશમાં વસતો હોય, આ લક્ષણો તો રહેવાના જ.
Giant's Causeway, Northern Ireland
          યુ.કે.માં ઇમિગ્રેટ થયેલ કોઈ પણ ગુજરાતીને પૂછજો 'વેલ્સના મંદિરે ગયા છો?' તો ૭૫% હા કહેશે અને બાકી ૨૫% ક્યારેક જવાનો પ્લાન બનાવે છે એમ જવાબ આપશે. ત્યાં જે ત્રણ ભગવાનની પૂજા થાય છે, તેમના નામ પૂછશો તો વધુમાં વધુ બે નામ આપશે. જ્યાં સવારની સૌ પ્રથમ એક કલાકની ટેભા-તોડ, bum-numbing પૂજા થાય છે, તે કયા ભગવાન તેમ પૂછશો, તો ખબર જ નહી હોય. કઈ ભાષામાં ને શું પૂજા થઈ, તે પૂછશો, તો તેની પણ ખબર નહીં હોય. સૌથી સામાન્ય બચાવ એ હશે કે 'ભગવાન એ ભગવાન છે. આપણને શ્રદ્ધા હોવી જોઈએ. બીજું જાણવાની શી જરૂર છે?' અરે ભાઈ શ્રદ્ધાની જ વાત હોય તો છેક વેલ્સ સુધી જવાની પણ શું જરૂર છે? ભગવાન તો કણ-કણમાં વસ્યા છે. ઘરે બેસીને જ તેમની પૂજા ન થાય? જો ક્યાંક ગયા તો ક્યાં ગયા, કેમ ગયા તેટલી પ્રાથમિક માહિતી તો હોવી જોઈએને?
Stonehenge, Wiltshire
          કોઈના મંદિરે જવા સામે વાંધો નથી પણ યુ.કે.માં એવા કેટલાય ફરવા લાયક સ્થળો છે કે જ્યાં જવાની આપણે કોઈ તસ્દી જ લેતા નથી. વેલ્સના મંદિરે જવાનો જેટલો ખર્ચ અને સમય થાય છે, તેટલો જ ખર્ચ અને સમયમાં ત્યાં જઈ શકાય તેમ હોવા છતાં નથી જતાં. જેમ કે Durdle Door અને Giant's Causeway એ યુ.કે.ના દાર્શનિક સ્થળોમાંના બે છે. કેટલા જઈ આવ્યા? જોકે સાવ સાચુ કહું તો હું પણ હજી ત્યાં નથી જઈ શક્યો (ડર્ડલ ડોરનું પ્લાનિંગ કરું છું. કોઈને જોડાવું હોય તો કહેજો. હજી જગ્યા છે.) એટલે મને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર ન કહેવાય, પણ આટલી બધી ભડાશ કાઢવાનું કારણ હમણા બની ગયેલી એક ઘટના.
Stonehenge, Wiltshire
          ટ્રાવેલ બ્રોશર્સમાં તાજમહેલ એટલે ભારત એમ માનવામાં આવે છે. એવી જ રીતે ઇંગ્લેન્ડનું રિપ્રેઝન્ટેશન ટાવર બ્રિજ અથવા 'સ્ટોનહેન્જ'થી થતું હોય છે. કહેવાનો મતલબ એ કે 'સ્ટોનહેનન્જ' ઇંગલેન્ડનું બહુ જ મહત્વનું પ્રાગૈતિહાસિક સ્થળ છે. ૪૦૦૦ વર્ષથી વધારે સમયથી ઊભા રહેલા પથ્થરો શેની રાહ જુવે છે, એની પણ કોઈને પાક્કી ખબર નથી. જોકે તેની ગોઠવણ કોઈ ચોક્ક્સ વિજ્ઞાનને અનુસરીને થયેલી છે. એટલે 'સ્ટોનહેન્જ'ની આસપાસ ગૂંથાયેલ રહસ્ય અને વિજ્ઞાન તેને વધુ આકર્ષક બનાવે છે. આ જગ્યાને એમને એમ જ થોડી World Heritage Site ઘોષિત કરી હશે?
Audio Commentary Device @  Stonehenge, Wiltshire
          અમે Longleat Safari Park ની વન-ડે ટ્રિપમાં ગયા ગયા રવિવારે (૧૨/૦૮/૨૦૧૨) જોડાયા હતાં. અડધાથી વધારે પ્રવાસીઓ નક્કી કરેલા સમય કરતાં, આદત મુજબ, મોડા આવ્યા માટે મોડા ઊપડેલી બસમાં ટુરે ઓપરેટરે જાહેરાત કરી કે રસ્તામાં પડતા 'સ્ટોનહેન્જ' નામના સ્થળે જ અમને બ્રેકફાસ્ટ  આપવામાં આવશે. (મૂળ આયોજન એવું હતું કે મોટર-વે પર પડતાં સર્વિસ-સ્ટેશને રોકાઈને બ્રેક-ફાસ્ટ કરવો, પણ ૪૫ મિનિટ મોડા નીકળ્યા એ સમય કવર કરવા માટે આવું નક્કી કર્યું.) પછી તેમને ખ્યાલ હતો તેટલી એ સ્થળના ઇતિહાસની પણ વાત કરી. એ મિનિ બસમાં અમારા ૪ સમેત કુલ ૧૪ પ્રવાસીઓ હતા. સ્ટોનહેન્જ આવ્યું એટલે અમે ચારેય તો દોડીને એ ધબકતો ઇતિહાસ જોવા ટિકિટની લાઇનમાં લાગી ગયાં. પાછા આવ્યા ત્યારે ખબર પડી કે અમારા સિવાય અમારી બસમાંથી કોઈ ત્યાં ગયું જ નથી. OMG! બધાને એ 'પથરા' કરતાં બ્રેડ-પકોડાના બ્રેક-ફાસ્ટમાં વધારે રસ હતો! 'આવા ઊભા કરેલા પથરા જોવા £૭.૮૦ ની ટિકિટ લેવાની? કેમેરો ઝૂમ કરીને ફોટા પાડી લઇએ, એટલે વાત પૂરી!' તમે આવી કોઈ જગ્યા સ્પેશિયલી જોવા ન જાવ એ સમજી શકાય, પરંતું તેની સામે ઊભા હોવ અને ન જાવ એટલી નિર્જિવતા માટે શું કહેવું?
          ત્યાં ખાસ ગમેલી એક વાત હતી ટિકિટ સાથે આપવામાં આવતી Audio Commentary Device. આખા સ્ટોનહેન્જની ગોળ ફરતે દોરડા બાંધીને ગોળ ચાલવાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. થોડે-થોડે અંતરે નંબરો લખેલા આવે. તમારે એ નંબર આ ડિવાઇસમાં દબાવવાના એટલે એ એંગલથી દેખાતા સ્ટોનહેન્જની માહિતી આપવામાં આવે. મજા આવી. જુદા-જુદા એંગલથી લેવામાં આવેલો સ્ટોનહેન્જનો વીડિયોઃ


          બીજી વાત ગમી તેની જાળવણીની. તેની આસપાસ માઇલો સુધીના વિસ્તારમાં માત્ર ખેતરો અને ચરિયાણો જ છે. એ વિસ્તારમાં વસવાટ કે ઉદ્યોગ માટે સરકાર મંજૂરી નથી આપતી. (માયાવતી મેડમ અને તાજ કોરિડોર કૌભાંડ યાદ આવે છે?) જોકે એ વાત પણ નોંધવી જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ સુધી આ સ્મારકનું આટલું મહત્વ કે સાચવણી નહોતી. એક ફોટો ધ્યાનથી જોશો, તો તમને એ પથ્થરો પર નાના-નાના કાણાં જોવા મળશે. એ કાણાં પડેલા છે બુલેટ્સથી! એવું જાણવા મળ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા અને એ દરમિયાન નજીકમાં આવેલા મિલિટરી બે'ઝ પરથી ઉડતા વિમાનો સ્ટોનહેન્જનો ઉપયોગ ટારગેટ પ્રેકટિસ માટે કરતાં હતાં. (એ મિલિટરી બે'ઝ હજું પણ ત્યાં જ છે.) બીજા ફોટા ફેસબુક પર અહીં મૂક્યા છે.

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ


ઇમેજ કર્ટસીઃ

6 ટિપ્પણીઓ:

 1. સરસ જગ્યાની મુલાકાત કરાવી. વિડિયો પણ ખૂબ સરસ. હા આવા લોકો હોય છે જેને નવા નવા સ્થળો જોવા કરતાં ખાવા-પીવામાં અને ખરીદીમાં બહુ રસ હોય છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર હિનાબહેન. અહીં ગુજરાતીઓ પ્રવાસન સ્થળે બહુ ખરીદી પણ નથી કરતાં, મોંઘુ હોયને! ખાલી ખાવ અને પગે લાગો એટલે પૂરૂ.

   કાઢી નાખો
 2. ગુજરાતીઓ ફરવા માટે જતા જ નથી, ખાખરા-થેપલા-અથાણાં ખાવા જ જાય છે. ૧૦૦ ટકા સાચી વાત. સરસ પોસ્ટ, ચિરાગભાઇ. પરફેક્ટ જગ્યાએ પ્રહાર વત્તા સ્ટોનહેન્જની સરસ માહિતી. લોકોને પથરાં જોવા ના ગમે પણ પથ્થરોની પૂજા કરવાની બહુ ગમે છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. એકદમ સચોટ વાતઃ 'લોકોને પથરાં જોવા ના ગમે પણ પથ્થરોની પૂજા કરવાની બહુ ગમે છે.'

   કાઢી નાખો
 3. ગુજરાતીઓ ફરવા જાય ત્યારે બે કામો ચોક્કસ કરે. એક તો તમે કહ્યું એમ ખાવાનું અને મેમરી ખાલી થઇ જાય ત્યાં સુધી ફોટા પડવાના.

  અમે મિત્રો Australia માં ફરવા નીકળીએ ત્યારે ત્યાની ભૂગોળ, ઈતિહાસ, વિશિષ્ટતાઓનો ખુબ અભ્યાસ કરીએ અને પછી ત્રણ ચાર દિવસ નો કાર્યક્રમ ઘડીએ. જાણકારી લઇ ને ગયા હોઈએ તો પ્રવાસ માં અલગ ચાર્મ આવી જાય. હા પણ હોલીડે હાઉસ પર પાછા ફરીએ એટલે બહેનો ને આરામ આપવાનો અને બધી ગુજરાતી branded વસ્તુઓ બનાવીને આરોગવાની, જેમકે પાણીપુરી, પંજાબી, ભેલપૂરી, etc. જો ફરવું એ મન અને આંખ નો વિષય હોય તો મિષ્ટાન્ન આરોગી પેટ અને જીભ નો વિષય પણ "પતાવી" નાખવાનો.

  હવે રહી વાત ફોટા પડાવવાની તો ઘણા લોકો માટે "જેટલા વધારે ફોટા એટલી વધારે મજા" આ સુત્ર કેમે કરી છૂટતું નથી. એટલે every 30 minute વચ્ચે વચ્ચે બધાના ફોટા પાડી આપવાના એટલે બધા ખુશ.

  મૂળ વાત એમ છે કે બધાને પ્રવાસ meaningful લાગવો જોઈએ. કારણ તમે કે હું આ સ્વભાવ બદલી શકવાના નથી.

  તમે જયારે આ વાત છેડી છે ત્યારે એક "મમરો" મૂકી દઉં છું. કાકાસાહેબ નું હિમાલય પ્રવાસ વાંચ્યા પછી, ઘણી વાર આવી theme based યાત્રા કરવાનું વિચાર્યું છે. જેમકે "1857 વિપ્લવ મહાયાત્રા" - થોડા પુસ્તકો નો અભ્યાસ કરી એક પ્રોગ્રામ ઘડી ૮-૧૦ મિત્રો એ નીકળી પડવાનું. એકાદ પખવાડિયા ના પ્રોગ્રામ માં એ વખતના સ્થળો ની મુલાકાત લેવાની, અને બધા પોતાના અનુભવો, વાંચન માંથી વાતો share કરે. જાણે કે ઈતિહાસ નું એક પાનું પીવાનું.

  By the way, ફોટા જોઈ ને આંખો ધન્ય થઇ!

  જવાબ આપોકાઢી નાખો
 4. ગુજરાતીઓ ફરવા જાય ત્યારે બે કામો ચોક્કસ કરે. એક તો તમે કહ્યું એમ ખાવાનું અને મેમરી ખાલી થઇ જાય ત્યાં સુધી ફોટા પડવાના.

  અમે મિત્રો Australia માં ફરવા નીકળીએ ત્યારે ત્યાની ભૂગોળ, ઈતિહાસ, વિશિષ્ટતાઓનો ખુબ અભ્યાસ કરીએ અને પછી ત્રણ ચાર દિવસ નો કાર્યક્રમ ઘડીએ. જાણકારી લઇ ને ગયા હોઈએ તો પ્રવાસ માં અલગ ચાર્મ આવી જાય. હા પણ હોલીડે હાઉસ પર પાછા ફરીએ એટલે બહેનો ને આરામ આપવાનો અને બધી ગુજરાતી branded વસ્તુઓ બનાવીને આરોગવાની, જેમકે પાણીપુરી, પંજાબી, ભેલપૂરી, etc. જો ફરવું એ મન અને આંખ નો વિષય હોય તો મિષ્ટાન્ન આરોગી પેટ અને જીભ નો વિષય પણ "પતાવી" નાખવાનો.

  હવે રહી વાત ફોટા પડાવવાની તો ઘણા લોકો માટે "જેટલા વધારે ફોટા એટલી વધારે મજા" આ સુત્ર કેમે કરી છૂટતું નથી. એટલે every 30 minute વચ્ચે વચ્ચે બધાના ફોટા પાડી આપવાના એટલે બધા ખુશ.

  મૂળ વાત એમ છે કે બધાને પ્રવાસ meaningful લાગવો જોઈએ. કારણ તમે કે હું આ સ્વભાવ બદલી શકવાના નથી.

  તમે જયારે આ વાત છેડી છે ત્યારે એક "મમરો" મૂકી દઉં છું. કાકાસાહેબ નું હિમાલય પ્રવાસ વાંચ્યા પછી, ઘણી વાર આવી theme based યાત્રા કરવાનું વિચાર્યું છે. જેમકે "1857 વિપ્લવ મહાયાત્રા" - થોડા પુસ્તકો નો અભ્યાસ કરી એક પ્રોગ્રામ ઘડી ૮-૧૦ મિત્રો એ નીકળી પડવાનું. એકાદ પખવાડિયા ના પ્રોગ્રામ માં એ વખતના સ્થળો ની મુલાકાત લેવાની, અને બધા પોતાના અનુભવો, વાંચન માંથી વાતો share કરે. જાણે કે ઈતિહાસ નું એક પાનું પીવાનું.

  By the way, ફોટા જોઈ ને આંખો ધન્ય થઇ!

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.