તાજેતરની પોસ્ટસ

જુલાઈ 17, 2012

યુ.કે. બાઇટ્સઃ ZSL London Zoo

          મૂળે ભારત એટલે connections નો દેશ. ટ્રાફિક પોલીસ કોઈ વાહન ચાલકને ટ્રાફિક કાયદાના ભંગ માટે પકડે, અને તેનું કનેક્શન એમ.પી. સાથે નીકળે, તો એ ભારત. બસમાં કે ટ્રેનમાં બેઠા હોવ અને સહપ્રવાસી ગામનું નામ પૂછે અને પછી તેમના મોટા બાપાના બીજા દીકરાના પહેલા જમાઈના મિત્રના પાડોશીનું કનેક્શન નીકળે, તો એ ભારત. એકના એક પુત્રના અંતિમ સંસ્કાર વખતે રોતા-રોતા જ્યારે બાપ 'અમેરિકાથી ખરખરાનો ફોન આવ્યો'તો...' એમ કહી વિદેશી કનેક્શનનો છૂપો ગર્વ લે, તો એ ભારત. (ત્રણેય કનેક્શન નજરે જોયેલા છે.) મૂળે કનેક્શન શોધવા એ ભારતીય લોહીમાં રહેલ રોગ છે. ગત રવિવારે (૧૫/૦૭/૨૦૧૨) લંડનના પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેવાનો મોકો મળ્યો ત્યારે એ સંગ્રહાલયમાંથી શોધેલા કેટલાંક Indian connections. (ચિંતા ન કરશો. ત્યાં મને આપણો એક પણ રાજકારણી મળ્યો નથી.)

  • Regent Park માં થઈને જવાનું હતું માટે એ પાર્કમાં રહેલ એક ફુવારો અને તેના પર રહેલ લખાણ વાંચવા મળ્યું. સર કાવસજી જહાંગીર નામના એક પારસી વેપારીએ પારસી કૉમ્યુનિટીને મળેલા અંગ્રેજાના રક્ષણનો આભાર વ્યક્ત કરવા ઇ.સ. ૧૮૬૯ માં આ ફુવારો બનાવડાવ્યો હતો. વિકિપીડિયામાં વાંચતાં એ પણ જાણવા મળ્યું કે આ કુટુંબે Readymoney ઉપનામ મેળવ્યું હતું અને પછીની પેઢીઓએ એ જ ઉપનામને અટક તરીકે સ્વીકારી લીધું હતું.
ZSL London Zoo ZSL London Zoo

  • Zoo ની અંદર એક ભારતીય યુગલ સ્વરાજ પૉલ અને અરુણા પૉલ તથા તેમની પુત્રી અંબિકાની હ્રદયદ્રાવક વાત પણ જાણવા મળી, જે નીચેના ફોટામાં છે. (આ શ્રીમાન સ્વરાજ પૉલ રાજકીય રીતે 'મોટું માથું' ગણાય અને થોડાક વિવાદાસ્પદ પણ.)  
  • કૉલેજના દિવસોમાં એક આદત પડી હતીઃ રાત્રે બધા ઊંઘી જાય પછી મોડા સુધી ડિસ્કવરી ચેનલ પર સ્ટીવ અરવિનના (રિપીટ ટેલિકાસ્ટ થઈ રહેલા) કાર્યક્રમ જોવા. આવા જ એક કાર્યક્રમમાં પહેલી વાર Komodo  Dragon વિશે જાણ્યું હતું. (Youtube પર ખાંખાખોળા કરતાં એ ડોક્યુમેન્ટરી અહીં મળી.) પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ૨ થી ૩ મીટર જેટલી વિશાળ અને પ્રાણઘાતક ગરોળી વિશે જાણીને એટલું આશ્વર્ય થયું હતું કે ન પૂછો વાત! સાત દિવસ કોઈ વૃક્ષ નીચે બેસીને મેં વિચાર્યું હોત તો પણ મને કલ્પના ન આવત કે જીવનમાં એ સરીસૃપ જીવ ક્યારેક જોવા મળશે. [શ્રી અશ્વિની ભટ્ટની શૈલીમાં. :) ] પણ આ સંગ્રહાલયમાં તેને જોઈને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો. બીજું આશ્ચર્ય એ થયું કે લંડનમાં લાવવામાં આવેલ પ્રથમ  Komodo  Dragon નું નામ પાડવામાં આવ્યું  હતું 'રાજા'!
  • આપણું રાષ્ટ્રિય પક્ષી મોર ઘણા વર્ષે જોવા મળ્યું અને એક બીજું ભારતીય પક્ષી Great Indian Hornbill પણ જોવા મળ્યું કે જે ભારતમાં કદી જોયું નથી.
          આપણા ભારતના તો આટલા જ કનેક્શન્સ મળ્યાં પણ તેના સિવાય બીજી અમુક રસપ્રદ બાબતો છે, જે આવતી કાલે.

2 ટિપ્પણીઓ:

  1. ચાલો કંઈક તો કનેકશન મળ્યા. કાલની પોસ્ટનો ઈંતઝાર રહેશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. એક ઓર કનેક્શન , બે ત્રણ ખૂન કાર્ય બાદ તાજેતર માં જ તાજા રાજકારણી બનેલા ગુંડા સાથેનું કનેક્શન , કે જેને પોતે હવે Legally જાણે છે એમ કહી શકે !

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.