તાજેતરની પોસ્ટસ

જુલાઈ 21, 2012

અશ્વિની ભટ્ટની નવલકથાની સપ્તપદી - સુરેશ દલાલ

          શ્રી અશ્વિની ભટ્ટની સાતમી નવલકથા 'અંગાર' જ્યારે પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ ત્યારે તેની શરૂઆતમાં શબ્દોના જાદુગર શ્રી સુરેશ દલાલે બે પાના ભરીને અશ્વિની ભટ્ટ વિશે વાત માંડી છે, તે અહીં શબ્દશઃ રજૂ કરું છું.


ગુજરાતી લોકપ્રિય નવલકથાની બે આંખ જેવા આપણી પાસે બે લેખકો છે જેને વિવેચકનું ત્રીજું લોચન સ્પર્શી પણ ન શકે અને આ બે લેખકો તે – હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ. એમને ધંધાદારી વિવેચકોની પડી પણ નથી. સામાન્ય ગુજરાતી વાચકો – કહો કે સમગ્ર ગુજરાતી પ્રજા – એમની કલમના વશીકરણ હેઠળ છે. વિવેચકો જ્યારે આડેધડ વિધાનો કરતા હોય ત્યારે એમણે એક ક્ષણ એટલો વિચાર કરવો જોઈએ કે સમગ્ર પ્રજા આવા નવલકથાકારોના પ્રભાવ તળે એમ ને એમ તો નહિ આવતી  હોય ને? નવલકથાના સ્વરૂપની ચર્ચા કરો કે એની કલામીમાંસા કરો એની સામે વાંધો ન હોઈ શકે પણ લોકપ્રિય નવલકથામાં એવું તો શું છે કે તેનો હપતો ન આવે ત્યાં સુધી આંખ એક સપ્તાહ દરમ્યાન ટિંગાઈને, બીજા સપ્તાહની – બીજા હપતાની આતુરતાપૂર્વક રાહ જોયા કરે છે. નવલકથાનાં પાત્રો સાથે જાણે કે પોતાનાં અંગત સ્વજનો હોય તે રીતે વિચર્યા કરે છે. એના સુખદુઃખને, સાહસ-પરાક્રમને પોતાનાં કરી લે છે. ખરેખર તો આવા અનેકવિધ વાચકો જેમના વિવિધ સ્તર છે એમની મુલાકાત લઈને કોઈકે લોકપ્રિય નવલકથા વિશે તટસ્થતાપૂર્વક સંશોધન કરવું જોઈએ અને એ પણ જીવતાજાગતા વિવેચનનો રસપ્રદ વિષય બની શકે.
મેં અનુભવથી જાણ્યું છે કે એક રિક્ષાવાળો પણ અશ્વિનીની નવલકથા વાંચતો હોય છે અને પરીક્ષાવાળો – મેડિકલ વિદ્યાર્થી પણ તે વાંચતો હોય છે. મારા પોતાના એક અંગત અનુભવની વાત કહું તો ક્ષમ્ય લેખાશે. કોઈક કારણસર અમદાવાદ આવવાનું થયું હતું. સામાન્ય રીતે અમદાવાદમાં હું આશરને ત્યાં રહું. નિયમ મુજબ હું ખૂબ વહેલો જાગી ગયો. મેં અશ્વિનીની ‘લજ્જા સન્યાલ’ હાથમાં લીધી. વાંચવાનું શરૂ કર્યું. પહેલા પ્રકરણમાં જ એવી પકડ જમાવી હતી કે મને એમ થાય કે બાકીના બધા વહેલા ન જાગે તો સારું. અશ્વિની પાસે રન-વે તૈયાર કરવાની અને ટેક-ઓફ કરવાની અસાધારણ સિદ્ધિ છે.
આ નવલકથાનું કેન્દ્ર તો અવનીશ છે. કોઈ પણ માણસ એનું રજનીશજી જોડે સમીકરણ કરે તો કદાચ સાવ ખોટો ન પડે. જોકે અશ્વિનીએ મને એક વાત કહી હતી કે મેં મારી જિંદગીમાં રજનીશજીનું એકાદ વાક્ય પણ નથી વાંચ્યું અને અશ્વિનીને ખોટું બોલવાનું તો કોઈ કારણ ન હોઈ શકે. એક રીતે એમણે રજનીશજીને નથી વાંચ્યા તે સારું જ થયું છે. એમને રજનીશજીના તત્વજ્ઞાનની ચર્ચા ક્યાંય અભિપ્રેત નથી. અવનીશ અને રજનીશનું નામસામ્ય કે કેટલીક ઘટનાઓનું સામ્ય એ તો અકસ્માત માત્ર છે.
રાજકોટમાં એક વાર અશ્વિની ભટ્ટને સાંભળવાનો મોકો મળ્યો હતો. અશ્વિની ક્યાંય કશુંયે અધ્ધર લખતો નથી. જે સ્થળનું વર્ણન કરે તે સ્થળ પર નવલકથાકાર તરીકે નહિ પણ એક સંશોધક તરીકે પહોંચી જાય. એના ખૂણાં-ખાંચા જોઈ વળે અને કાગળ પર કે મન-નોંધને આધારે બધી સામગ્રી એકઠી કરે. આ સ્થળ પર પહોંચવાની વાત એણે પ્રવચનમાં ભારપૂર્વક અને ભાવપૂર્વક કહી હતી તે યાદ છે. એટેલે એનાં પાત્રો સ્થળની ચોક્સાઈને કારણે કોઈ શૂન્યાવકાશમાંથી ઊપજી આવ્યાં હોય તેમ નથી લાગતું. આ પાત્રો કયા તળાવની માછલી છે એની વાચકને ગતાગમ પડે છે અને આ રીતે પાત્રો સાથે એક પ્રકારની આત્મીયતા અનુભવાય છે.
અશ્વિની પાસે આંખ સામે ચિત્ર તાદ્રશ્ય થાય એવી વર્ણનશક્તિ છે. એનાં પાત્રો આ કારણે જ માંસલ લાગે છે. આદર્શવાદી નવલકથાકારનાં પાત્રો હંમેશાં માંસલ લાગે છે. અહીં હાડપિંજરોનો અનુભવ નથી પણ flesh and bloodનો અનુભવ આપે એવાં પાત્રો છે. એ આપણને હકીકતોમાં લઈ જઈ શકે છે. વિગતોમાં પણ ખેંચી શકે છે. અશ્વિની લાંબું લખે છે પણ લાંબું લાગતું નથી કારણ કે એમની કલમનો એક જ જાદુ છે કે He is ever interesting and never dull.
જે. કૃષ્ણમૂર્તિ હંમેશા કહેતા કે ‘રિલિજિયન’ જ્યારે ‘ઑર્ગેનાઇઝ’ થાય ત્યારે અનેક પ્રકારનાં દૂષણો પ્રગટ થાય છે. ઑર્ગેનાઇઝેશન મહત્વનું રહી જાય છે અને રિલિજિયન કોઈ પશ્ચાદભૂમાં ધકેલાઈ જાય છે. ધર્મનો પણ એક સંસાર ઊભો થાય છે. ધર્મના સંસ્કારો હીબકાં ભરતા હોય છે. અને એક વાર સંસાર ઊભો થયો એટલે ઈર્ષ્યા, સ્પર્ધા, હૂંસાતૂંસી, પ્રપંચ અને અહંની શયતાનિયત પ્રવેશે છે. સંસ્થા સાથે જેવો પૈસો સંકળાયો એટલે છૂપી અને પ્રગટ સાઠમારીઓ શરૂ થાય છે અને એક કૌભાંડ-લીલાનું કુરુક્ષેત્ર રચાય છે. આખું વૃંદાવન સળગી ઊઠે છે.
અશ્વિની પાસે મનુષ્યના મનનો તાગ લેવાની શક્તિ છે પણ એ કશું કેવળ તર્કના ચીપિયા વડે પકડતો નથી. એક વિષયની આસપાસ જે કંઈ ઘટના-દુર્ઘટના બનતી હોય તેને રેલાવવાની, ફેલાવવાની અને બહેલાવવાની કોઠા-સૂઝ છે. એ વાચકના ‘પલ્સ’ અને ‘ઇમ્પલ્સ’ બંનેને જાણે છે. નવલકથામાં વિનસનું તત્વ કેટલું મહત્વનું હોય એ સમજે છે ખરો પણ એ વિનસમાંથી ‘ઇન્ટ્રાવિનસ’ સુધી પહોંચી શકે છે. અશ્વિનીની સિદ્ધિ વાચકોને પકડવામાં અને જકડવામાં છે. ઘટનાના નિરૂપણની બાબતમાં એ સવ્યસાચી જેવો છે. ધારે ત્યારે તે વાચકને કાથીને દોરડે પણ બાંધી શકે છે અને રેશમના ધાગે પણ સાંધી શકે છે.
એની નવલકથાની યાત્રામાં ‘અંગાર’ એ સાતમી નવલકથા છે – કહો કે આ એની સપ્તપદી છે. લેખકનું અને વાચકનું સાયુજ્ય અશ્વિનીને કારણે હંમેશાં સૌભાગ્યશીલ રહેવાનું…

૧૩-૮-૯૩                                                                                      સુરેશ દલાલ


રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.