તાજેતરની પોસ્ટસ

જુલાઈ 26, 2012

યુ.કે. બાઇટ્સઃ ગુજરાતીમાં ભજવાયેલ શેક્સપિયરના નાટકની વીડિયો લિંક

          મે મહિનામાં 'ગ્લોબ ટુ ગ્લોબ' કાર્યક્રમ હેઠળ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં તેના 'All's Well That Ends Well' નું ગુજરાતી સ્વરૂપાંતર 'મારો પિયુ ગયો રંગૂન' રજૂ થયું હતું. જે ચૂકી ગયા હતા તેના માટે BBC દ્વારા અહીં વીડિયો મૂકવામાં આવ્યો છે. ૨ કલાકને ૧૫ મિનિટ સમય કાઢીને આ મનોરંજક નાટક અચૂક જોવા જેવું છે. જોકે ગુજરાત અને મુંબઈ વાળાને તો આ નાટક સ્ટેજ પર જોવાનો મોકો મળી શકે તેમ છે.

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

જુલાઈ 25, 2012

યુ.કે. બાઇટ્સઃ ઑલિમ્પિક ટોર્ચ રિલે સડબરીમાં

          અડધી દુનિયા ફરીને ૨૧મી જુલાઈએ ઑલિમ્પિક ટોર્ચ લંડનમાં પ્રવેશી ત્યારથી ઑલિમ્પિકનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચી ગયો છે.વેમ્બલી સ્ટૅડિયમ ઑલિમ્પિક વેન્યુ હોવાને કારણે બ્રેન્ટ કાઉન્સિલમાંથી આ ઑલિમ્પિક ટોર્ચ આજે પસાર થઈ ત્યારે જોવા જેવો નઝારો હતો. બુધવાર જેવો અઠવાડિયાનો ચાલુ દિવસ હોવા છતાં હજારો લોકો આ મશાલના સ્વાગત માટે ઉમટી પડ્યા હતાં. જે રસ્તા પર મશાલ આવવાની હતી તેની બંને બાજુ યુનિયન જેક, ઑલિમ્પિક ફ્લેગ્સ, સ્પોન્સર્સ દ્વારા છૂટે હાથે વહેંચવામાં આવેલ ફુગ્ગા અને પોમ-પોમ કે ઘરેથી સ્વાગત માટે લઈને આવેલ કોઈ વસ્તુ સાથે લોકો લાઈન લગાવીને ઊભા હતાં. કદી સવારે જેના દરવાજા ખુલ્લા જોવા ન મળે તે પબ 'The Swan' ખુલ્લો હતો અને મોટા અવાજે સંગીત ચાલુ હતું. ભારતીય લોકોની બહુમતી ધરાવતા આ વિસ્તારમાં ચાર યુવાનોએ ઢોલ પર ભાંગડા મ્યુઝિક વગાડીને માહોલને ભારતીય સ્પર્શ આપ્યો હતો. સવારના નવેક વાગ્યાથી સ્ટ્રીટ પાર્ટીનો માહોલ બંધાઈ ગયો હતો.
          ૧૦ વાગ્યેને ૨૦ મિનિટે સ્પોન્સર્સની ગાડીઓ આવવાની શરૂ થઈ અને બરાબર ૧૦ને ૨૫ મિનિટે ઑલિમ્પિક ટોર્ચ આવી પહોંચી અને લોકોએ હર્ષનાદોથી તેનું સ્વાગત કર્યું હતું. એકાદ મિનિટના આ દ્રશ્ય માટે લોકો બે કલાકથી ઊભા હતાં. ટોર્ચ આવવાની માત્ર બે-ત્રણ મિનિટ પહેલા જ ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો જેથી સામાન્ય વાહન વ્યવહારમાં બહુ અડચણ નહોતી ઊભી થઈ. પોલીસ દ્વારા જાળવવામાં આવેલી શિસ્ત અને તેમની વિનમ્રતા કાબિલે-દાદ હતી.
Olympic Torch Relay in Sudbury Olympic Torch Relay in Sudbury Olympic Torch Relay in Sudbury
Olympic Torch Relay in Sudbury Olympic Torch Relay in Sudbury Olympic Torch Relay in Sudbury
Olympic Torch Relay in Sudbury Olympic Torch Relay in Sudbury Olympic Torch Relay in Sudbury
          સોમવારે ઑલિમ્પિક સ્ટેડિયમની અંદરની વાત.

જુલાઈ 21, 2012

અશ્વિની ભટ્ટની નવલકથાની સપ્તપદી - સુરેશ દલાલ

          શ્રી અશ્વિની ભટ્ટની સાતમી નવલકથા 'અંગાર' જ્યારે પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ ત્યારે તેની શરૂઆતમાં શબ્દોના જાદુગર શ્રી સુરેશ દલાલે બે પાના ભરીને અશ્વિની ભટ્ટ વિશે વાત માંડી છે, તે અહીં શબ્દશઃ રજૂ કરું છું.


ગુજરાતી લોકપ્રિય નવલકથાની બે આંખ જેવા આપણી પાસે બે લેખકો છે જેને વિવેચકનું ત્રીજું લોચન સ્પર્શી પણ ન શકે અને આ બે લેખકો તે – હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ. એમને ધંધાદારી વિવેચકોની પડી પણ નથી. સામાન્ય ગુજરાતી વાચકો – કહો કે સમગ્ર ગુજરાતી પ્રજા – એમની કલમના વશીકરણ હેઠળ છે. વિવેચકો જ્યારે આડેધડ વિધાનો કરતા હોય ત્યારે એમણે એક ક્ષણ એટલો વિચાર કરવો જોઈએ કે સમગ્ર પ્રજા આવા નવલકથાકારોના પ્રભાવ તળે એમ ને એમ તો નહિ આવતી  હોય ને? નવલકથાના સ્વરૂપની ચર્ચા કરો કે એની કલામીમાંસા કરો એની સામે વાંધો ન હોઈ શકે પણ લોકપ્રિય નવલકથામાં એવું તો શું છે કે તેનો હપતો ન આવે ત્યાં સુધી આંખ એક સપ્તાહ દરમ્યાન ટિંગાઈને, બીજા સપ્તાહની – બીજા હપતાની આતુરતાપૂર્વક રાહ જોયા કરે છે. નવલકથાનાં પાત્રો સાથે જાણે કે પોતાનાં અંગત સ્વજનો હોય તે રીતે વિચર્યા કરે છે. એના સુખદુઃખને, સાહસ-પરાક્રમને પોતાનાં કરી લે છે. ખરેખર તો આવા અનેકવિધ વાચકો જેમના વિવિધ સ્તર છે એમની મુલાકાત લઈને કોઈકે લોકપ્રિય નવલકથા વિશે તટસ્થતાપૂર્વક સંશોધન કરવું જોઈએ અને એ પણ જીવતાજાગતા વિવેચનનો રસપ્રદ વિષય બની શકે.
મેં અનુભવથી જાણ્યું છે કે એક રિક્ષાવાળો પણ અશ્વિનીની નવલકથા વાંચતો હોય છે અને પરીક્ષાવાળો – મેડિકલ વિદ્યાર્થી પણ તે વાંચતો હોય છે. મારા પોતાના એક અંગત અનુભવની વાત કહું તો ક્ષમ્ય લેખાશે. કોઈક કારણસર અમદાવાદ આવવાનું થયું હતું. સામાન્ય રીતે અમદાવાદમાં હું આશરને ત્યાં રહું. નિયમ મુજબ હું ખૂબ વહેલો જાગી ગયો. મેં અશ્વિનીની ‘લજ્જા સન્યાલ’ હાથમાં લીધી. વાંચવાનું શરૂ કર્યું. પહેલા પ્રકરણમાં જ એવી પકડ જમાવી હતી કે મને એમ થાય કે બાકીના બધા વહેલા ન જાગે તો સારું. અશ્વિની પાસે રન-વે તૈયાર કરવાની અને ટેક-ઓફ કરવાની અસાધારણ સિદ્ધિ છે.
આ નવલકથાનું કેન્દ્ર તો અવનીશ છે. કોઈ પણ માણસ એનું રજનીશજી જોડે સમીકરણ કરે તો કદાચ સાવ ખોટો ન પડે. જોકે અશ્વિનીએ મને એક વાત કહી હતી કે મેં મારી જિંદગીમાં રજનીશજીનું એકાદ વાક્ય પણ નથી વાંચ્યું અને અશ્વિનીને ખોટું બોલવાનું તો કોઈ કારણ ન હોઈ શકે. એક રીતે એમણે રજનીશજીને નથી વાંચ્યા તે સારું જ થયું છે. એમને રજનીશજીના તત્વજ્ઞાનની ચર્ચા ક્યાંય અભિપ્રેત નથી. અવનીશ અને રજનીશનું નામસામ્ય કે કેટલીક ઘટનાઓનું સામ્ય એ તો અકસ્માત માત્ર છે.
રાજકોટમાં એક વાર અશ્વિની ભટ્ટને સાંભળવાનો મોકો મળ્યો હતો. અશ્વિની ક્યાંય કશુંયે અધ્ધર લખતો નથી. જે સ્થળનું વર્ણન કરે તે સ્થળ પર નવલકથાકાર તરીકે નહિ પણ એક સંશોધક તરીકે પહોંચી જાય. એના ખૂણાં-ખાંચા જોઈ વળે અને કાગળ પર કે મન-નોંધને આધારે બધી સામગ્રી એકઠી કરે. આ સ્થળ પર પહોંચવાની વાત એણે પ્રવચનમાં ભારપૂર્વક અને ભાવપૂર્વક કહી હતી તે યાદ છે. એટેલે એનાં પાત્રો સ્થળની ચોક્સાઈને કારણે કોઈ શૂન્યાવકાશમાંથી ઊપજી આવ્યાં હોય તેમ નથી લાગતું. આ પાત્રો કયા તળાવની માછલી છે એની વાચકને ગતાગમ પડે છે અને આ રીતે પાત્રો સાથે એક પ્રકારની આત્મીયતા અનુભવાય છે.
અશ્વિની પાસે આંખ સામે ચિત્ર તાદ્રશ્ય થાય એવી વર્ણનશક્તિ છે. એનાં પાત્રો આ કારણે જ માંસલ લાગે છે. આદર્શવાદી નવલકથાકારનાં પાત્રો હંમેશાં માંસલ લાગે છે. અહીં હાડપિંજરોનો અનુભવ નથી પણ flesh and bloodનો અનુભવ આપે એવાં પાત્રો છે. એ આપણને હકીકતોમાં લઈ જઈ શકે છે. વિગતોમાં પણ ખેંચી શકે છે. અશ્વિની લાંબું લખે છે પણ લાંબું લાગતું નથી કારણ કે એમની કલમનો એક જ જાદુ છે કે He is ever interesting and never dull.
જે. કૃષ્ણમૂર્તિ હંમેશા કહેતા કે ‘રિલિજિયન’ જ્યારે ‘ઑર્ગેનાઇઝ’ થાય ત્યારે અનેક પ્રકારનાં દૂષણો પ્રગટ થાય છે. ઑર્ગેનાઇઝેશન મહત્વનું રહી જાય છે અને રિલિજિયન કોઈ પશ્ચાદભૂમાં ધકેલાઈ જાય છે. ધર્મનો પણ એક સંસાર ઊભો થાય છે. ધર્મના સંસ્કારો હીબકાં ભરતા હોય છે. અને એક વાર સંસાર ઊભો થયો એટલે ઈર્ષ્યા, સ્પર્ધા, હૂંસાતૂંસી, પ્રપંચ અને અહંની શયતાનિયત પ્રવેશે છે. સંસ્થા સાથે જેવો પૈસો સંકળાયો એટલે છૂપી અને પ્રગટ સાઠમારીઓ શરૂ થાય છે અને એક કૌભાંડ-લીલાનું કુરુક્ષેત્ર રચાય છે. આખું વૃંદાવન સળગી ઊઠે છે.
અશ્વિની પાસે મનુષ્યના મનનો તાગ લેવાની શક્તિ છે પણ એ કશું કેવળ તર્કના ચીપિયા વડે પકડતો નથી. એક વિષયની આસપાસ જે કંઈ ઘટના-દુર્ઘટના બનતી હોય તેને રેલાવવાની, ફેલાવવાની અને બહેલાવવાની કોઠા-સૂઝ છે. એ વાચકના ‘પલ્સ’ અને ‘ઇમ્પલ્સ’ બંનેને જાણે છે. નવલકથામાં વિનસનું તત્વ કેટલું મહત્વનું હોય એ સમજે છે ખરો પણ એ વિનસમાંથી ‘ઇન્ટ્રાવિનસ’ સુધી પહોંચી શકે છે. અશ્વિનીની સિદ્ધિ વાચકોને પકડવામાં અને જકડવામાં છે. ઘટનાના નિરૂપણની બાબતમાં એ સવ્યસાચી જેવો છે. ધારે ત્યારે તે વાચકને કાથીને દોરડે પણ બાંધી શકે છે અને રેશમના ધાગે પણ સાંધી શકે છે.
એની નવલકથાની યાત્રામાં ‘અંગાર’ એ સાતમી નવલકથા છે – કહો કે આ એની સપ્તપદી છે. લેખકનું અને વાચકનું સાયુજ્ય અશ્વિનીને કારણે હંમેશાં સૌભાગ્યશીલ રહેવાનું…

૧૩-૮-૯૩                                                                                      સુરેશ દલાલ


રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

જુલાઈ 18, 2012

યુ.કે. બાઇટ્સઃ ZSL London Zoo (Part 2)

 • અમદાવાદના પ્રાણીસંગ્રહાલય અને બાલવાટિકાના સ્થાપક રુબેન ડેવિડના ભત્રીજી મિસ સેમ્યુઅલ અમારા અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર્સમાંના એક હતાં અને મૂડમાં હોય ત્યારે રુબેન ડેવિડની વાતો કરતાં. આ સાંભળીને પ્રાણીઓ પ્રત્યે આટલો લગાવ ધરાવનાર વ્યક્તિ કેવો હશે, તેના મને હંમેશા વિચાર આવતાં. સર ડેવિડ એટનબરોને જોઈને જાણે એ વિચાર મૂર્તિમંત થતા હોય તેમ લાગે. બ્રિટનના લિવિંગ આઇકોન ગણાતા સર ડેવિડે પ્રાણીઓ અને પર્યાવરણ માટે જેટલું કામ કર્યું છે, તેની નોંધ કરવી હોય તો એક દળદાર ત્રણ ભાગનું પુસ્તક જરૂર ભરાઈ જાય. બી.બી.સી. પર આવતી તમામ પર્યાવરણ અને પ્રાણીજગતને લગતી ડોક્યુમેન્ટરીમાં તેમનો અવાજ અનિવાર્ય છે. આવા મહાન વ્યક્તિએ લંડન ઝૂ માટે કંઈ ન કર્યું હોય તેવું તો કેમ બને? ઝૂ ના એક્વેરિયમમાં તો એક આખો વિભાગ તેમણે રજૂ કરેલો છે અને પ્રથમ Komodo Dragon રાજાને આ ઝૂ માં લાવવામાં પણ તેમનો વિશેષ ફાળો છે. (તેમણે રજૂ કરેલ Life સિરિઝના દસેય ભાગ જોવા જેવા છે અને તેમણે જેમાં પોતાનો અવાજ આપ્યો છે તે Planet Earth પણ અદ્દભુત છે.)
 • એક્વેરિયમમાં વિવિધ પ્રકારની માછલીઓ ઉપરાંત જે મનમોહક કોરલ લાઇફ અને અન્ય જીવસૃષ્ટિ દર્શાવી છે, તે જોઈને પર્યાવરણની જરાય ફિકર ન કરનાર પણ એ પ્રકૃતિના પ્રેમમાં પડી જાય અને તેને બચાવવા માટે પ્રેરાય. 'આફરીન...આફરીન...આફરીન...આફરીન...'
 • મૂછો વાળા વાનર એટલે કે Emperor Tamarin અને તેમના નખરા જોઈને જોક્સની દુનિયાના બેતાજ 'બાપુ' યાદ આવ્યા હતાં.

 • 'Finding Nemo' વાળી ક્લાઉન ફિશ જોવા મળી પણે તેણે કોઈ જોક ન કહ્યો! ઃ)

 • 'Harry Potter' મૂવીના પહેલા જ ભાગની શરૂઆતમાં હેરીના કઝિનના જન્મદિવસે બધા ઝૂ માં જાય છે અને ત્યાં હેરી એક Burmese Python સાથે વાત કરે છે તે આખું દ્રશ્ય આજ ઝૂ માં ફિલ્માવવામાં આવ્યું હતું, અને એવી નોંધ પણ ત્યાં મૂકેલ છે.
અહીં જ 'હેરી પોટર'નું એ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું

 • અહીં બિનહાનિકારક પક્ષીઓ અને પ્રાણીઓના પિંજરા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તેમાં આપણે અંદર જવાનું અને તેમને એકદમ નજીકથી જોવાના. ઘણા બધા પક્ષીઓ, વાનરો, બકરીઓ વગેરે નજીકથી જોયા. આર્નાના જીવનમાં આ પહેલો અનુભવ હતો. બકરી પર હાથ ફેરવી તેણે નીચે પડેલી બકરીની ઢગલાબંધ લીંડી જોઈને પોતાનું લોજીક વાપરીને કહ્યું કે 'આ તો બ્લેકબેરી છે.' અને તેને સાંભળીને આજુબાજુ બધા ખડખડાટ હસી પડ્યાં! પતંગિયાના વિશાળકાય પિંજરામાં મને ખૂબ જ મજા આવી. (નીચે તેનો વીડિયો છે.)
 • પ્રવેશ વખતે બધાને આખા ઝૂ નો એક નકશો આપવામાં આવે છે, જેના કારણે અમે બધું જ શોધી-શોધીને જોઈ શક્યા. એ ઉપરાંત ZSL (Zoological Society of London) દ્વારા iPhone અને Android માટે એવી ફ્રી App પણ બનાવવામાં આવી છે કે જે GPS નો ઉપયોગ કરીને ઝૂ ના નકશામાં તમે ક્યાં છો, કયું પ્રાણી ક્યાં જોવા મળશે તેની દિશા અને તે પ્રાણી વિશેની માહિતી દર્શાવે. Software Developers ની ભરમાર વાળા આપણા દેશમાં ખબર નહી આવો દિવસ ક્યારે આવશે?
 • છેલ્લે થોડું મરક-મરક. આપણે બધાએ ચાંચમાં ચાંચ પરોવીને બેઠેલા Love Birds એટલે કે મુનિયાના ફોટા તો જોયા જ હશે. એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાંચ રાખીને બેઠેલા આ  Love Birds વિશે શું કહેશો? એજ કે તેમના લગ્ન થઈ ગયા હશે! ઃ)
રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

જુલાઈ 17, 2012

યુ.કે. બાઇટ્સઃ ZSL London Zoo

          મૂળે ભારત એટલે connections નો દેશ. ટ્રાફિક પોલીસ કોઈ વાહન ચાલકને ટ્રાફિક કાયદાના ભંગ માટે પકડે, અને તેનું કનેક્શન એમ.પી. સાથે નીકળે, તો એ ભારત. બસમાં કે ટ્રેનમાં બેઠા હોવ અને સહપ્રવાસી ગામનું નામ પૂછે અને પછી તેમના મોટા બાપાના બીજા દીકરાના પહેલા જમાઈના મિત્રના પાડોશીનું કનેક્શન નીકળે, તો એ ભારત. એકના એક પુત્રના અંતિમ સંસ્કાર વખતે રોતા-રોતા જ્યારે બાપ 'અમેરિકાથી ખરખરાનો ફોન આવ્યો'તો...' એમ કહી વિદેશી કનેક્શનનો છૂપો ગર્વ લે, તો એ ભારત. (ત્રણેય કનેક્શન નજરે જોયેલા છે.) મૂળે કનેક્શન શોધવા એ ભારતીય લોહીમાં રહેલ રોગ છે. ગત રવિવારે (૧૫/૦૭/૨૦૧૨) લંડનના પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેવાનો મોકો મળ્યો ત્યારે એ સંગ્રહાલયમાંથી શોધેલા કેટલાંક Indian connections. (ચિંતા ન કરશો. ત્યાં મને આપણો એક પણ રાજકારણી મળ્યો નથી.)

 • Regent Park માં થઈને જવાનું હતું માટે એ પાર્કમાં રહેલ એક ફુવારો અને તેના પર રહેલ લખાણ વાંચવા મળ્યું. સર કાવસજી જહાંગીર નામના એક પારસી વેપારીએ પારસી કૉમ્યુનિટીને મળેલા અંગ્રેજાના રક્ષણનો આભાર વ્યક્ત કરવા ઇ.સ. ૧૮૬૯ માં આ ફુવારો બનાવડાવ્યો હતો. વિકિપીડિયામાં વાંચતાં એ પણ જાણવા મળ્યું કે આ કુટુંબે Readymoney ઉપનામ મેળવ્યું હતું અને પછીની પેઢીઓએ એ જ ઉપનામને અટક તરીકે સ્વીકારી લીધું હતું.
ZSL London Zoo ZSL London Zoo

 • Zoo ની અંદર એક ભારતીય યુગલ સ્વરાજ પૉલ અને અરુણા પૉલ તથા તેમની પુત્રી અંબિકાની હ્રદયદ્રાવક વાત પણ જાણવા મળી, જે નીચેના ફોટામાં છે. (આ શ્રીમાન સ્વરાજ પૉલ રાજકીય રીતે 'મોટું માથું' ગણાય અને થોડાક વિવાદાસ્પદ પણ.)  
 • કૉલેજના દિવસોમાં એક આદત પડી હતીઃ રાત્રે બધા ઊંઘી જાય પછી મોડા સુધી ડિસ્કવરી ચેનલ પર સ્ટીવ અરવિનના (રિપીટ ટેલિકાસ્ટ થઈ રહેલા) કાર્યક્રમ જોવા. આવા જ એક કાર્યક્રમમાં પહેલી વાર Komodo  Dragon વિશે જાણ્યું હતું. (Youtube પર ખાંખાખોળા કરતાં એ ડોક્યુમેન્ટરી અહીં મળી.) પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ૨ થી ૩ મીટર જેટલી વિશાળ અને પ્રાણઘાતક ગરોળી વિશે જાણીને એટલું આશ્વર્ય થયું હતું કે ન પૂછો વાત! સાત દિવસ કોઈ વૃક્ષ નીચે બેસીને મેં વિચાર્યું હોત તો પણ મને કલ્પના ન આવત કે જીવનમાં એ સરીસૃપ જીવ ક્યારેક જોવા મળશે. [શ્રી અશ્વિની ભટ્ટની શૈલીમાં. :) ] પણ આ સંગ્રહાલયમાં તેને જોઈને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો. બીજું આશ્ચર્ય એ થયું કે લંડનમાં લાવવામાં આવેલ પ્રથમ  Komodo  Dragon નું નામ પાડવામાં આવ્યું  હતું 'રાજા'!
 • આપણું રાષ્ટ્રિય પક્ષી મોર ઘણા વર્ષે જોવા મળ્યું અને એક બીજું ભારતીય પક્ષી Great Indian Hornbill પણ જોવા મળ્યું કે જે ભારતમાં કદી જોયું નથી.
          આપણા ભારતના તો આટલા જ કનેક્શન્સ મળ્યાં પણ તેના સિવાય બીજી અમુક રસપ્રદ બાબતો છે, જે આવતી કાલે.

જુલાઈ 13, 2012

યુ.કે. બાઇટ્સઃ મે કહ્યું'તુ ને?

          ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ મે આ બ્લૉગ પર 'યુ.કે. બાઇટ્સઃ વિન્ડો એડ્વર્ટાઇઝ્મેન્ટ' પોસ્ટમાં લખ્યું હતું:

          ૨૦૦૯ અને ૨૦૧૦ માં સ્ટુડન્ટ વિઝા પર ઉતરી આવેલા ધાડા પછી આ વિન્ડો એડ્વર્ટાઇઝ્મેન્ટમાં 'Massage Indian Gujarati Girls' જેવી જાહેરાત પણ નિયમિત જોવા મળે છે. પહેલા Indian Massage ની જાહેરાત જોવા મળતી પણ તેમાં 'Gujarati' કે 'ગુજરાતી' શબ્દ હવે ઉમેરાયેલા જોવા મળે છે. જુઓ નીચેનો ફોટોઃ

          આ નિરીક્ષણને પુષ્ટિ આપતા સમાચાર આજના (૧૩ જુલાઇ, ૨૦૧૨) 'દિવ્ય ભાસ્કર'માં આવ્યા છે. આ રહી તેની લિંકઃ http://goo.gl/YhFPy

જુલાઈ 10, 2012

'કેટલાં પાકિસ્તાન' માંથી પ્રગટેલા સમ્રાટ ગિલગમેશ

          કમલેશ્વરના ચર્ચાસ્પદ પુસ્તક 'કિતને પાકિસ્તાન'નો મોહન દાંડીકરે ગુજરાતીમાં સુંદર અનુવાદ કર્યો છે - 'કેટલાં પાકિસ્તાન'. એ પુસ્તકના કેટલાંક પાના ગઝલના એક ચૂંટેલા શેરની જેમ માણવા જેવા છે.

Kitne Pakistan Kitne Pakistan
Kitne Pakistan Kitne Pakistan
Kitne Pakistan Kitne Pakistan
Kitne Pakistan Kitne Pakistan


          આજના સમયમાં પણ સમ્રાટ ગિલગમેશની આ વાત એટલી જ પ્રાસ્તાવિક લાગે છે, માટે તેને વહેંચવાનું મન થયું. એ પુસ્તક વિશે ફરી ક્યારેક. કોઈના કૉપી-રાઇટ્સ ભંગ કરવાનો ઈરાદો નથી, તે તો આપ જાણો જ છો.

જુલાઈ 08, 2012

યુ.કે. બાઇટ્સઃ Play Me, I'm Yours

          City of London Festival ની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે સેન્ટ્રલ લંડનમાં જાહેર જગ્યાઓમાં કુલ ૫૦ પિઆનો મૂકવામાં આવ્યા છે જેને કોઈ પણ વગાડી શકે છે. આજે ત્રણ જગ્યાએ તે જોવા મળ્યા અને દરેક પિઆનો કોઈને કોઈ વગાડી રહ્યું હતું અને આજુબાજુ લોકો શાંતિથી સાંભળી રહ્યા હતા. અને એ પિઆનો વગાડવા માટે આમંત્રણ પણ આપેલું હતું - "Play Me, I'm Yours." આ સંગીતમય વિચાર ગમ્યો.
          બસ એક જ સવાલઃ આપણે ત્યાં આવી રીતે જાહેરમાં પિઆનો પડ્યા રહેતા હોય તો શું થાય?

જુલાઈ 04, 2012

યુ.કે. બાઇટ્સઃ પ્રથમ બ્રિટિશ ફિમેલ ડૉકટર અને વર્જિનિઆ વુલ્ફ

          ભારતના પ્રથમ બે ફીમેલ ડૉકટર્સમાંની એક આનંદી ગોપાલ વિશે દૂરદર્શન પર એક ધારાવાહિક સિરિઅલ જોયાનું યાદ છે. અને તેના પરથી લાગે છે કે તેમના વિષેની માહિતી બરાબર સચવાઈ હશે.  બ્રિટનમાં આ સન્માન Louisa Aldrich-Blake ને મળે છે. તેમની યાદમાં તેમનું એક સ્ટેચ્યુ ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં છેઃ

Tavistock Square Garden Tavistock Square Garden

          અંગ્રેજી સાહિત્યમાં રસ ધરાવનારા મિત્રોથી વર્જિનિઆ વુલ્ફ (Virginia Woolfe) નું નામ અજાણ્યું નહીં જ હોય. એ ઉત્તમ કોટિના નવલકથાકાર ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનની એકદમ નજીકમાં જ રહેતા હતાં અને અહીં ફરતાં-ફરતાં તેમની પ્રખ્યાત નવલકથા 'To the Lighthouse' ની રચના કરી હોવાનું તેમણે પોતે જ આ શબ્દોમાં નોંધ્યું છેઃ "Then one day walking round Tavistock Square I made up, as I sometimes make up my books, 'To the Lighthouse'; in a great, apparently involuntary, rush." (મારે ગ્રેજ્યુએશનના ફાઈનલ યરમાં આ નવલકથા ભણવાની હતી.)

Tavistock Square Garden Tavistock Square Garden


રિલેટેડ બ્લૉગપોસ્ટઃ

જુલાઈ 03, 2012

યુ.કે. બાઇટ્સઃ ગાંધીજી

          કેમડન વિસ્તારમાં આવેલા ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં આપણા રાષ્ટ્રપિતાની કારુણ્યસભર મૂર્તિ છે. તે જોવાનો ગત શનિવાર (૩૦/૬/૨૦૧૨) ના રોજ મોકો મળ્યો.

Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens
Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens

          એજ બગીચામાં પંડિત  નહેરુએ ૧૩ જૂન ૧૯૫૩ ના રોજ ભેટમાં આપેલું કોપર બીચ ટ્રી પણ વાવેલું છેઃ

Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens


          શાંતિદૂત અને પંચશીલ પ્રણેતાની આસપાસ શાંતિની જ વાત હોય ને! ત્યાં હિરોશિમા પર ફેંકાયેલા અણુબોમ્બના પીડિતોની યાદમાં પણ એક વૃક્ષ વાવવામાં આવ્યું છે અને સાથે-સાથે પ્રતિ વર્ષ મે મહિનાની ૧૫મી તારીખે ઉજવાતા International Conscientious Objectors Day ના પ્રતિક રૂપે એક પ્રતિમા પણ મૂકવામાં આવી છેઃ

Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens
Mahatma Gandhi at Tavistock Square Gardens Mahatma Gandhi at Tavistock Square Gardens

          અને હા, અમારા બ્રેન્ટ કાઉન્સિલની ઇમારતનું નામ પણ મહાત્મા ગાંધી હાઉસ જ રાખવામાં આવેલ છેઃ
          એ જ ગાર્ડનમાં બીજી બે રસપ્રદ વ્યક્તિઓ પણ હાજર હતી, જેની વાત કાલે.

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ