તાજેતરની પોસ્ટસ

જૂન 10, 2012

'ડાયસ્પોરિક વાર્તાઓ'


ડાયસ્પોરિક સાહિત્ય એટલે શું?’ એ પ્રશ્નનો જવાબ શોધવાની મથામણ બહુ જૂની છે અને છતાં તેનો સંતોષકારક જવાબ ક્યારેય મળી શકતો નથી. ‘આ ગુજરાતી સાહિત્યઅનેઆ ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યએવા હવાચુસ્ત વિભાગ પાડી શકાતા નથી અને વિચારમંથન થતું જ રહે છે. તેમ છતાં વાસ્તવિકતા એ છે કે ડાયસ્પોરિક સાહિત્ય રચાતું અને સ્વીકારાતું રહે છે. આવા જ એક મનોમંથનનું પરિણામ છે શ્રી વિપુલ કલ્યાણી અને શ્રી અનિલ વ્યાસ સંપાદિત પુસ્તક ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ જેને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
પુસ્તકની એકદમ ટૂંકી પ્રકાશકીય પ્રસ્તાવનામાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી આ મનોમંથનનો પડઘો પાડતાં કહે છે કે ‘મનુષ્યની ચેતનાનાં અમુક વલણો તો દુનિયાના કોઈ પણ ખૂણે સરખાં હોવાનાં.’ તેમ છતાં ‘અહીં જે વાર્તાઓ સંપાદિત થઈ છે તે સંપાદકોને તુષ્ટિકર લાગી છે.’ માટે તેમને આપણે ડાયસ્પોરિક સાહિત્યની પ્રતિનિધિ ગણી શકીએ.
ત્યારબાદ સંપાદકીય પ્રસ્તાવનામાં સંપાદકોએ આ પુસ્તક નિમિત્તે ડાયસ્પોરિક સાહિત્ય વિશે પોતાના વિચારો વિસ્તારથી રજૂ કર્યા છે અને સંપાદનમાં આવરી લેવાયેલી વાર્તાઓ વિશે વાત કરતા પહેલા તેમણે પસંદ કરેલી વાર્તાઓમાં ડાયસ્પોરિક સાહિત્યના જે ‘ચતુર્વિધ રૂપો’ પ્રગટ થયાં છે તેની નોંધ કરી છે.
(૧) જે સર્જકો પૂર્વે, કોઈ કાળે આફ્રિકામાં જઈ વસ્યા હતા અને રાજકીય પરિસ્થિતિ બદલાતાં, યુરોપ-અમેરિકા જઈને પુનર્વસવાટ કર્યો હતો – એ સર્જકોનાં, માદરે વતન તેમ જ આફ્રિકા-વસવાટનાં સ્મરણો-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
(૨) વિદેશવાસી થયા પછીય, મોટે ભાગે પોતાનાં દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને વતન-ઝુરાપાને જીવતાં સર્જકોનાં સ્મરણ-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
(૩) સ્વદેશ છોડીને વિદેશ વસી, સ્થિર થવા ચાહતા અને એ માટેની મજબૂત મથામણ કરતાં કરતાં વસવાટી ભૂમિ અને તેની સંસ્કૃતિનો પ્રભાવ ઝીલી-સ્વીકારીને, એ પ્રક્રિયાની પીડા અને આનંદથી સમૃદ્ધ થયેલા સર્જકનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
(૪) વસવાટી દેશ-પ્રદેશની આબોહવા, એના પરિવેશમાં પગ ખોડીને ઊભેલા અને સ્વદેશ-વિદેશની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં આદાનપ્રદાનથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
આ નોંધના આધારે ડાયસ્પોરિક સાહિત્યની એક વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરી શકાય તેમ છેઃ એક ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં જન્મ અને ઉછેર પામીને બીજી ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં સ્થિર થયેલા કે સ્થિર થવા મથતાં સર્જકના સંવેદનતંત્રમાં બે ભૂમિ અને/અથવા સંસ્કૃતિઓના અવનવા મિશ્રણ થકી સર્જાતી ઊથલપાથલ એટલે ડાયસ્પોરિક સાહિત્ય. જોકે સંપાદકોએ તો માત્ર એટલું જ કહ્યું છે કે તેઓએ આ ચાર પ્રકારની રચનાઓને આ સંપાદનમાં શામેલ કરી છે, તેઓએ ક્યાંય ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન નથી કર્યો. પણ ડાયસ્પોરિક ન લાગે તેવી શ્રી દીપક બારડોલીકરની વાર્તા ‘કાગળનો કટકો’ અને શ્રી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’ આ સંપાદનમાં તેઓએ શામેલ કરી છે કારણ કે એ સર્જકો પણ સંસ્કૃતિઓના અવનવા મિશ્રણથી તેમના સંવેદનતંત્રમાં થતી ઊથલપાથલને વાચા આપતું નોંધનીય સર્જન કરતાં રહે છે. માટે એવું જરૂર અનુભવી શકાય કે સંપાદકોને પણ વધતે-ઓછે અંશે ડાયસ્પોરિક સાહિત્યની આજ વ્યાખ્યા અભિપ્રેત હશે.
આ સંપાદનમાં વીસ વાર્તાઓને જગ્યા મળી છેઃ શાંતશીલા ગજ્જરની ‘અનુબંધ’, વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ પર ચોરી’, ઇબ્રાહિમ રાઠોડ ‘ખય્યામ’ની ‘ઉફીટી’, જયંત મહેતાની ‘એક ઉંદરની વાત’, પ્રીતિ સેનગુપ્તાની ‘એક જ મિનિટ’, રમણભાઈ ડી. પટેલની ‘એકલતા વેરણ થઈ’, હરનીશ જાનીની ‘એલ. રંગમ્‍’, મુસાજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ની ‘કાગળનો કટકો’, આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’, મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’, યોગેશ પટેલની ‘ગાંડું પંખી’, ડાહ્યાભાઈ પટેલની ‘ત્યાગ’, કુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’, પન્ના નાયકની ‘ફ્લૅમિંગો’, ભદ્રા વડગામાની ‘મારા અતિપ્રિય ગૌતમ’, વિનય કવિની ‘મૃગતૃષ્ણા’, બળવંત નાયકની ‘લાઇવ ક્યૂ’, અહમદ લુણાત ‘ગુલ’ની ‘લૉટરીની ટિકિટ’, ભાનુશંકર વ્યાસની ‘હું ક્યાં માનું છું ‘યુથનેસિયા’માં?’ અને રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ...’. તેમાંથી જે બહુ ગમી તે વાર્તાઓની થોડીક વાત કરીશ.
સૌથી વધારે ગમી હોય તો આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’. ‘ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર’ની જેમ રાખવામાં આવેલા ચમ્પા બાને જ્યારે અમેરિકામાં એન્ડી નામનો વૃદ્ધ સજ્જન ખરેખર એક સ્ત્રીની જેમ ટ્રીટ કરે છે ત્યારે સંબંધની એક લાગણીસભર ઋજુ કૂંપળ ફૂટે છે. આખી વાત એ બાના પુત્રના મોઢેથી કહેવાઈ છે માટે એ દ્રષ્ટિકોણ વાતને વધારે રોચક બનાવે છે.
બ્રિટનના સિદ્ધહસ્ત વાર્તાકાર વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ ઉપર ચોરી’ માર્મિક વાર્તા છે જેમા લેખકે ઇલિંગ રોડનું વાસ્તવિક વાતાવરણ, અહી વસેલા ગુજરાતીઓમાં બહુધા બોલાતી કાઠીયાવાડી લઢણવાળી ભાષા અને પતિ-પત્નિની તુ-તુ-મે-મે બહુ વાસ્તવિક રીતે ઝીલી છે. સ્થૂળની સાથે સાથે સૂક્ષ્મ પ્રકારની ચોરી શીર્ષકને સાર્થક કરે છે અને ‘ગિરધરલાલના હાથનો ઉત્સવ’ જેવી લેખકની લેખનશૈલી આપણા હોઠને મરકાવી જાય છે.
‘ખય્યામ’ની ‘ઉફીટી’માં જકડી રાખે તેવો વાર્તારસ છે. બાળપણમાં હરીશ નાયક કે યશવંત મહેતાની જે સાહસકથાઓ વાંચી હતી તેની આ વાર્તાએ યાદ અપાવી દીધી. (એમ પણ થયું કે આ વાર્તાનું એક કિશોર સાહસકથામાં રૂપાંતર પણ થઈ શકે તેટલો સશક્ત વાર્તારસ છે.) આફ્રિકાના મલાવી પ્રદેશમાંની આ વાર્તા હોઈ ત્યાંની સ્થાનિક ભાષાનો શબ્દોનો પણ ભરપૂર ઉપયોગ કરેલો છે.
‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ ૨૦૦૮-૨૦૦૯ ના ‘હાસ્ય વ્યંગ્ય’ વિભાગમાં પ્રથમ પારિતોષિક મેળવનાર હરનીશ જાનીની પાત્રતા વિશે જેને લેશમાત્ર પણ સંશય હોય તેમણે તેમની ‘એલ. રંગમ્‍’ વાંચવી. અમદાવાદની પોળમાંથી ભગવાનની કૃપાથી અમેરિકા પહોંચી ગયેલ કથાનાયક જેનિટરનું કામ સ્વીકારે છે. જેનિટરના કામની નાની-નાની વિગતોનું હાસ્યસભર વર્ણન અને કથાનો રમૂજી અંત કોઈને પણ ગમે તેવો છે. એક ગમી ગયેલો સંવાદઃ ‘ભગવાન પાસે કાંઈ પણ માગતાં પહેલાં વિચારવું. ભગવાન ભૂલથી આપણી માગણી મંજૂર કરી દે તો! હું રોજ પ્રાર્થના કરતો, ‘હે ભગવાન! મને અમેરિકા મોકલ!...અરે! લોકોનાં જાજરૂ ધોઈશ, પણ તું મને અમદાવાદની પોળમાંથી બહાર કાઢ!’...ભગવાને મારી અરજી મંજૂર કરી દીધી. હવે અમેરિકામાં ટૉઇલેટ સાફ કરું છું.’ આ પણ ગમે તેવો સંવાદ છેઃ ‘અમેરિકામાં કોઈ ‘લેડીઝ’ બાથરૂમ નહોતો જોયો. અમેરિકન છોકરીની વાત બાજુએ રહી, હું તો લેડીઝ-રૂમના જ પ્રેમમાં પડ્યો.’
જરા પણ ડાયસ્પોરિક ન લાગે તેવી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’માં કંકુ કુંભાર, તેની પત્નિ જંકુ અને તેમના ખર ખંકુની વાત છે. વાર્તાની શરૂઆતમાં આવતો ‘ગધેડાં સસ્તન પ્રાણી છે.....’ વાળો ગધેડાનો ટૂંકો પરિચય માણવા જેવો છે. પછી કુંભારના જીવનની નાની વિગતો સાથે વાર્તા આગળ વધે છે. તેમાં ઉફરાંટો, હાંજાગગડ, વ્રીડા જેવા શબ્દો લેખકની ભાષાને તદ્દન નોન-ડાયસ્પોરિક ઓપ આપે છે. કંકુ અને જંકુની માટલા સાથેના નાચની પળો આ સંપાદને સ્મૃતિમાં આપેલી અવિસ્મરણીય પળોમાંની એક છે. વાર્તાનો અપેક્ષિત અંત કુંભાર દંપતિની સાથે-સાથે વાચકોને પણ વ્યથિત કરી નાખે તેવો છે.
કુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’ ફરી એકવાર આફ્રિકન વાતાવરણને આ પુસ્તકમાં લઈ આવે છે. અને સાથે-સાથે એ પણ અહેસાસ કરાવે છે કે માનવ જીવનના મૂળભુત સંવેગો તો સમાન જ રહેવાના પછી તે આફ્રિકા હોય કે ભારત કે દુનિયાનો કોઈ પણ ખૂણો.
આ પુસ્તકનો અંત રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ....’ જેવી સશક્ત વાર્તાથી આવે છે. પરદેશમાં જઈ વસેલ કોઈ પણ વ્યક્તિ પોતાને જાતને બાલુભાઈમાં જોઈ શકશે. ગુજરાતી માઇગ્રન્ટની તમામ લાક્ષણિકતાઓનો સંગમ એટલે બાલુભાઈ. પુસ્તકની છેલ્લી વાર્તાનો છેલ્લો ફકરો ઘણા માટે દીવાદાંડીની ગરજ સારે તેમ છેઃ ‘આજથી લગભગ ત્રીસેક વરસ પહેલાં બાલુભાઈ પોતાનું ગામ છોડીને અમેરિકા આવ્યા ત્યારે ડૉલરનો ભાવ પાંચ રૂપિયા હતો અને ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પાંચેક વરસ રહીને તનતોડ મહેનત કરીને લાખ-બે-લાખ રૂપિયા બનાવીને પાછા ઇન્ડિયા જતા રહેવું. અમેરિકામાં તેમને અલીબાબાની ગુફા મળી ગઈ. ડૉલરનો ભાવ હવે આજે લગભગ ૪૫ રૂપિયા થઈ ગયો. લાખ-બે-લાખ નહીં પણ લાખ્ખો રૂપિયા બચાવ્યા છે. ગુફાનો દરવાજો બંધ છે. બાલુભાઈ મંત્ર ભૂલી ગયા છે અને ગુફાનો દરવાજો ખૂલતો નથી.’
સંપાદકોને એક પ્રશ્ન પૂછવો છેઃ આજના ઇન્ટરનેટ, મોબાઈલ અને જેટ-પ્લેનના જમાનામાં વિદેશ વસવાટની વ્યાખ્યા બદલાઈ છે. પહેલા વહાણમાં બેસી વિદેશ જનાર વ્યક્તિના ખબર ચાર-છ મહિને મળતાં અને તે ભાગ્યે જ પાછો આવતો અને આવે તો પણ વર્ષો બાદ. આજે ચિત્ર અલગ છે. દેશ-વિદેશ વચ્ચે જીવંત સંપર્ક શક્ય છે અને પ્રશાસન દ્વારા સતત બદલાતા જતાં નિયમોને કારણે એક એવો મોટો વર્ગ છે કે જે બે-ચાર-પાંચ કે દસ વર્ષ રહીને ભારત પાછો જતો રહે છે. તેમને બંને સંસ્કૃતિનો અનુભવ થાય છે. તેઓ જ્યારે ભારતમાં બેઠા-બેઠા તેમની વાર્તા માંડે, તો તેને ડાયસ્પોરિક વાર્તા કહી શકાય? આ પ્રશ્નનો જવાબ કદાચ ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં મદદરૂપ બને.
સંપાદકનું કાર્ય શબરી જેવું હોય છે અને આ શબરીકાર્યમાં બંને સંપાદકોએ ખૂબ જ મહેનત કરીને આ પુસ્તકને માણવા જેવું બનાવ્યું છે. માટે બીજો પ્રશ્ન એ કે આવું જ બીજું પુસ્તક ક્યારે મળશે?
(આ લેખને 'ઓપિનિયન' મેગેઝિનના મે-૨૦૧૨ ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.