તાજેતરની પોસ્ટસ

જૂન 09, 2012

યુ.કે. બાઇટ્સઃ ‘All’s Well That Ends Well’ નું ‘મારો પિયુ ગયો રંગૂન’


        આ પહેલા બે વખત શેક્સપિયરના ગ્લોબની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે. પહેલીવાર ‘હેમ્લેટ’ જોયું હતું, જ્યારે બીજી વાર ‘મચ અડુ અબાઉટ નથિંગ’ જોયું હતું. બંને વખતે ગુજરાતી રંગભૂમિ અને જોયેલા ગુજરાતી નાટકો યાદ આવતા રહ્યાં અને ગુજરાતી રંગભૂમિની અને અંગ્રેજી રંગભૂમિની સરખામણી મનોમન થયે રાખતી. પણ મનના કોઈ અજ્ઞાત ખૂણે હંમેશા એમ જ થયે રાખતું કે ‘comparison always brings unhappiness.’ માટે મનમાં આ જે સરખામણીઓ થઈ રહી છે તે અયોગ્ય છે. (ગુજરાતી રંગભૂમિની તત્કાલીન પરિસ્થિતિ યાદ આવતા ખરેખર unhappiness જ થઈ રહી હતી.) પછી જ્યારે જાણવા મળ્યું કે ‘ગ્લોબ ટુ ગ્લોબ’ સિરીઝ હેઠળ શેક્સપિયરના ૩૭ નાટકો અલગ-અલગ ૩૭ ભાષામાં રજૂ થવાના છે અને તેમાં ‘All’s Well That Ends Well’ ગુજરાતી ભાષામાં રજૂ થવાનું છે ત્યારથી જાણે કે એ સરખામણી કરવાનું કાયદેસરનું બહાનું મળી ગયું અને તે નાટક જોવા માટે મન તલપાપડ થવા લાગ્યું.
(નાટક દરમિયાન પાડેલી, નેટ પરથી ઉઘરાવેલી અને સ્કેન કરેલી તસવીરો.)

        ૨૪ મે, ૨૦૧૨ ના દિવસે નાટક જોયા પછી કેટલીય ભાવનાઓનું ઘોડાપૂર મનમાં ધસી આવ્યું. સૌ પ્રથમ તો મારા ગુજરાતની જે સોડમ આવી તેણે ખરેખર આંખો ભીની કરી નાખી. ધાર્યું હતું કે એ મૂળ નાટકનો સમશ્લોકી અનુવાદ હશે પણ આ તો એક અલગ જ રૂપાંતર નીકળ્યું. મિહિર ભુતાએ આખા નાટકનો હાર્દ સાચવી રાખીને તેનું સંપૂર્ણ ગુજરાતીકરણ કર્યું છે. (મુંબઈમાં આ નાટક ‘મારો પિયુ ગયો રંગૂન’ના નામે રજૂ થઈ ચૂક્યું છે.)

        શેક્સપિયરનું નાટક ‘All’s Well That Ends Well’ તેના બહુ ઓછા ભજવાતા નાટકમાંનું એક છે. તેને આધુનિક વર્ગીકરણ મુજબ કોમેડિ કે ટ્રેજડી ન ગણતાં ‘પ્રૉબ્લેમ પ્લે’ ગણવામાં આવે છે. (‘પ્રૉબ્લેમ પ્લે’ એટલે એવું નાટક કે જેમાં કોઈ સામાજિક સમસ્યાને નાટકની વાર્તા વસ્તુમાં ગૂંથીને રજૂ કરવામાં આવે છે. જેમકે ‘A Doll’s House’ વાળા હેન્રિક ઇબ્સન (Henrik Ibsen) ના નાટકો.) જોકે દિગ્દર્શક સુનિલ શાનબાગ અને સ્વરૂપાંતરકાર મિહિર ભુતાએ આ નાટકને મનોરંજક બનાવવામાં કોઈ જ કસર છોડી નથી માટે આ ગુજરાતી સ્વરૂપાંતરને કોમેડિની કક્ષામાં મૂકી શકાય તેમ છે.
        રોસિલોન અને ફ્રાન્સના રાજાના દરબારના બદલે અહીં સૌરાષ્ટ્રનું રસોળી ગામ અને મુંબઈ છે તથા ફ્લૉરેન્સના સૈન્યના બદલે રંગૂનનો અફીણનો વેપાર છે. (ગુજરાતને આમ પણ યુદ્ધ કરતાં વેપારમાં વધારે રસ ખરોને!) પાત્રોના નામ પણ એવી ચતુરાઈથી બદલવામાં આવ્યા છે કે મૂળ શેક્સપિરિયન નામ તરત જ યાદ આવી જાય અને છતાંય એકદમ ગુજરાતી જ લાગે. હિરોઇન હેલેના (Helena)નું  હેલી, નાયક બર્ટ્રામ (Bertram) નું ભરતરામ, કાઉન્ટેસ (Countess)નું કુંતી, પેરોલિસ (Parolles) નું પર્વત, લાફ્યુ (Lafew) નું લાફાભાઈ, કિંગ ઓફ ફ્રાન્સ (King of France) નું રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયા અને ડાયના (Diana) નું અલકિની બંધબેસતું લાગે છે. શેક્સપિયરના નાટકમાં આવતી ક્લાસ સિસ્ટમ અને જ્ઞાતિ પ્રથાની સમસ્યા તેના ભારતીય રૂપાંતરમાં વધારે પોતીકી લાગે એ કેટલું સ્વાભાવિક છે. રાજાને થયેલા રોગ Fistula ને બદલે અહીં ગોકુળદાસને થયેલ ટી.બી. છે.
        નાટકનો પ્લોટ ઘણો જ સરળ છે અને શેક્સપિયરના મૂળ નાટક સાથે પણ બહુ જ મળતો આવે છે. નિરાધાર હેલીને પોતાના પિતા પાસેથી વારસામાં વૈદકશાસ્ત્રનું જ્ઞાન મળ્યું છે. તે પોતાને આશરો આપનાર કુંતીના પુત્રના પ્રેમમાં છે પરંતું તેને પામવો કેવી રીતે? શહેરમાં જઈ, વેપાર કરીને કંઈક કરી બતાવવાના સપના સાથે નાયક ભરતરામ પોતાના મામા રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયા પાસે મુંબઈ જાય છે. તેની પાછળ-પાછળ હેલી પણ મુંબઈ જાય છે, ગોકુળદાસના ટી.બી.ની સારવાર કરે છે અને બદલામાં ભરતરામનો હાથ માંગી લે છે. મામાની આજ્ઞાને વશ થઈને ભરતરામ કમને હેલી સાથે પરણીને હેલીને તેની માતા કુંતી પાસે રસોળી મોકલી આપે છે અને પોતે વ્યાપારાર્થે રંગૂન ચાલ્યો જાય છે. ત્યાંથી તે હેલીને પત્ર લખે છે જો હેલીએ ભરતરામને પામવો હશે તો તેની બે અશક્ય શરત પાળવી પડશે. (અહીં શેક્સપિયર પહેલા ‘અભિજ્ઞાનશાકુંતલમ’માં આ વીંટી વાળી વાત રજૂ થઈ ચૂકી છે તે યાદ આવ્યા વિના રહેતું નહી.) હેલી ભરતરામની પાછળ રંગૂન પહોંચી જાય છે અને જેની પાછળ ભરતરામ મોહિત થયો છે તે અલકિનીની સહાયથી શરત કઈ રીતે પૂરી કરે છે જોવાની મજા આવે છે.
નાટકનું સ્વરૂપાંતર કરતી વખતે નાટકના હાર્દને સાચવી રાખીને તેમાં કેટલીક વસ્તુ બાદ કરવામાં આવી છે અને કેટલીક વસ્તુઓ ઉમેરવામાં આવી છે. મૂળ નાટકમાં નથી તેવું લગ્નનું દ્રશ્ય ગુજરાતી દર્શકોને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવ્યું છે. હેલી અને ભરતરામ વચ્ચેની કડવી તુ-તુ-મે-મે ને પણ ઉમેરવામાં આવી છે. નાટકના મધ્યાહન પછીમાં આવતી અપહરણની આખી વાત બાદ કરવામાં આવી છે. તેમ છતાં નાટકમાં કશું ખૂટતું હોય તેમ લાગતું નથી, માટે મિહિર ભુતાની મહેનત લેખે લાગી તેમ કહી શકાય. ગુજરાતી દર્શકો નાટકમાં આકર્ષક સ્ટેજ અને બેકડ્રોપ્સ, લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ ઇફેક્ટ્સથી સર્જાતું ત્રિપરિમાણીય પોત જોવા ટેવાયેલા છે અને ગ્લોબ થિયેટરમાં આ કશીય સુવિધા ન હોવાથી ગુજરાતી દર્શકોને આકર્ષે તેવું નાટક ગ્લોબમાં રજૂ કરવું પડકારજનક વાત હતી પણ આ બધા નાના-મોટા અવરોધો પાર કરીને પણ નાટક ખૂબ જ મનોરંજક બની શક્યું છે.
જોકે ઊડીને આંખે વળગે (સોરી, કાને વળગે તેવો) તફાવત હતો નાટક દરમિયાન છૂટથી વપરાયેલા ગીતો. પારંપરિક ભવાઈને જેમ અહીં ઘણા-બધા ગીતો આવતાં રહ્યાં છે. આ ગીતોના સંદર્ભે એક બીજી વાત પણ નોંધવી રહી કે ઘણી જગ્યાએ મૂળ નાટકમાં જ્યાં સ્વગતોક્તિ (Soliloquy) આવતી હતી તેની જગ્યા અહીં ગીતોએ લીધી છે. એક તો આપણી પરંપરા છે દરેક સારા-નરસા પ્રસંગોએ ગીતો ગાવાની અને બોલિવુડ મૂવીઝે પાડેલી આદત છે કે કથાનકમાં વચ્ચે-વચ્ચે ગીતો હોવા જોઈએ – આ બંને વસ્તુઓને કારણે ઉદય મઝુમદારે સ્વરબદ્ધ કરેલા બધા ગીતો આપણને ગમે તેવા છે. આ ઉપરાંત, તે નાટકની શોભા માત્ર નથી પણ અભિન્ન અંગ સમા છે કારણે કે ઘણી જગ્યાએ તેના થકી કથાનક આગળ વધે છે. તેમાંય નાયિકા હેલીનું પાત્ર ભજવનાર માનસી પારેખ ગીતની તાલીમ પામેલ છે માટે તેના દ્વારા ગવાતા ગીતો (અને ખાસ કરીને ‘કાચી-કાચી ઇચ્છાઓના અંગારા લઈ હું ફરતી’) ને ખૂબ જ તાલીઓ મળતી હતી. આ ઉપરાંત ગોકુળદાસના મુખે ગવાતું પ્રથમ ગીત, કે ભરતરામ અને પરવતના મુખે ગવાતી મુંબઈ દર્શનની વાત કે હેલી દ્વારા અલકિનીને પોતાનો ભૂતકાળ કહેવા ગવાતું ગીત અને લાફારામના ગીતો પણ ગમે તેવા છે.
આપણા પ્રિય શેક્સપિયરની આદત છે તેની નાયિકાઓને (નાયક કરતાં પણ વધારે) પાસાદાર અને પ્રભાવક બનાવવી અને એજ પરંપરા મુજબ તેમણે હેલેનાનું પાત્ર સર્જ્યું છે અને સ્વરૂપાંતરમાં પણ હેલીનું પાત્ર (માનસી પારેખ) એવી જ રીતે રજૂ થયું છે. નાટકની શરૂઆતથી અંત સુધીમાં સૌથી વધુ સહાનુભૂતિ અને તાલીઓ હેલીને મળે છે. પણ નાટક પૂરું થયા બાદ એવો વિચાર આવે કે ભરતરામ પાછળ ઘેલી થયેલી હેલીએ ભરતરામમાં એવા તે કયા ગુણ જોયા? દર્શકોને જરા પણ પસંદ ન આવે તેવા નાયકમાં નાયિકાએ શું જોયું? હેલેનાના પાત્ર માટે જે કહેવાયું છે કે ‘a girl who loved not wisely, but well.’ એ જ હેલી માટે પણ કહી શકાય.
જ્યારે નાયક ભરતરામનું પાત્ર (ચિરાગ વોરા) મૂળ નાટક કરતાં પણ વધારે નબળું રજૂ થયું છે. મૂળ નાટકમાં Bertram ફ્લોરેન્સની સેનાનો સેનાપતિ બની તેની બહાદુરીના ડંકા જરૂર વગાડી દે છે. માટે જ્યારે તે હેલેનાને છોડીને બીજા પાત્રની પાછળ ઘેલો થાય ત્યારે તે તેની નબળાઈ નહી પણ પસંદનો પ્રશ્ન લાગે છે. જ્યારે આ સ્વરૂપાંતરમાં નાયક ભરતરામ કોઈએ બતાવેલા સ્વપ્નની પાછળ પાગલ બનીને પોતાનું શ્રેય ન સમજનાર ‘કાચા કાન’ ના પાત્ર તરીકે રજૂ થયો છે. પાત્રની મૂળભૂત નબળાઈ લંબાણપૂર્વક રજૂ કર્યા બાદ હેલીના મૃત્યુંના સમાચારથી એકદમ લાઘવમાં થતું ભરતરામનું હ્રદયપરિવર્તન અને અંતમાં સઘળો દોષ પરવત પર ઢોળીને ‘હું તો બોલ્યો ય નથી, ને હું તો ચાલ્યો ય નથી’ જેવી ચોખ્ખા થઈ જવાની ચેષ્ટા જરા પણ ગળે ઉતરતી નથી. આટલા નબળા નાયકને કારણે નાયિકાની તેની પસંદગીથી નાયિકાનું પાત્રાલેખન પણ નબળું થઈ જાય છે. ભરતરામ ઘરથી જેટલો વધારે સમય દૂર રહે, તેમ-તેમ તેના વસ્ત્રો વધારે ને વધારે વેર્સ્ટનાઇઝ્ડ થતાં જાય છે, એ વાત ઘણી સૂચક છે.
રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયાનું પાત્ર (ઉત્કર્ષ મઝુમદાર) મૂળ નાટકના King of France ના પાત્રને બરોબર ન્યાય આપે છે. રાજાનું પાત્ર ન હોવા છતાં તેઓ રાજવી અસર નીપજાવી શક્યા છે અને એટલે સુધી કે દર્શકો પણ તેમના સંવાદ ‘રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયાનો શબ્દ ઉથાપાય..’ની પૂર્ણાહુતિ ‘..નહી’ બોલીને કરે છે. આ પાત્રએ નાયિકા બાદ સૌથી વધારે તાલીઓ પડાવી છે. તેમાંય એક દ્રશ્ય તો ખાસ પસંદ આવે તેવું છે. હેલી તેમના ટી.બી.ની દવા કરે છે ત્યારે તેઓ સ્ટેજની મધ્યમાં રાખેલી ખુરશીની ફરતે ધીમે-ધીમે પાંડુના સહારે ગોળ-ગોળ ફરતા જાય છે અને જેમ-જેમ દવાની અસર થતી જાય છે તેમ-તેમ તેમની ઝડપ વધતી જાય છે. છેવટે રોગ સંપૂર્ણ મટી જતાં તેઓ જાતે જ એક ચક્કર લગાવે છે અને દર્શકો આ દ્રશ્યને તાલીઓના ગડગડાટથી વધાવી લે છે.
Lafew નું પાત્ર ભજવનાર લાફારામ (અર્ચન ત્રિવેદી) ખરેખર આ નાટકના સૂત્રધાર બનીને આવે છે અને જાનદાર અભિનય વડે દર્શકોની ખૂબ જ તાલીઓ પડાવી જાય છે. Countess of Rossillion માટે બર્નાડ શો એ લખ્યું હતું "the most beautiful old woman's part ever written" અને આ સ્વરૂપાંતરમાં કુંતી (મીનળ પટેલ) દ્વારા રજૂ થયેલું એ પાત્ર પણ એટલું જ જાજરમાન લાગે છે. આપણા માનસમાં પારંપરિક માતાની જે છબી સચવાયેલી છે તેને આ પાત્ર બરાબર ન્યાય આપે છે. ખલનાયક પેરોલિસ (Parolles) નું પર્વત (સત્ચિત પુરાણિક) ના નામે થયેલું સ્વરૂપાંતર નાયકની જેમ જ નબળું છે. મૂળ નાટકમાં રજૂ થયેલું પેરોલિસનું પાત્ર શેક્સપિયરના અન્ય નાયકો જેટલું અસરકારક નથી અને અહીં સ્વરૂપાંતર પામેલું પાત્ર તો ખૂબ જ નબળું છે. ડાયેનાનું સ્વરૂપાંતર અલકિની (નિશિ દોશી) અત્યંત આકર્ષક રીતે રજૂ થયું છે. ખરેખર તો એ પાત્ર મૂળ નાટક કરતાં પણ વધારે મજબૂત છે. રંગૂનની રમણી તરીકેની તેની રજૂઆત ગમે તેવી છે. ઉપરાંત આ નાટકમાં તે માત્ર એક પાત્ર નહી પણ હેલીની મિત્ર પણ બની જાય છે, જે આપણને ગમે તેવો ફેરફાર છે. પાંડુનું પાત્ર ભજવનાર અજય જયરામે તેના નાનકડા પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને તેના દ્વારા શેક્સપિરિઅન નાટકની જેમ comic relief મળ્યા કરે છે.
આ નાટકની રજૂઆતમાં તુલસી ક્યારો, એક ખુરસી, બે ટેબલ, થૂંકદાની, વાટકી, ચમચી, બાયોસ્કોપ, ભોંપું, વિવિધ ટોપીઓ, વીંટી, બોટલ, બે બાજઠ, પલંગ જેવા પ્રોપ્સ વપરાયા છે જે શેક્સપિરિઅન સ્ટેજ કરતાં વધું પરંતું ગુજરાતી સ્ટેજ કરતાં ઓછા છે. ઉદય મઝુમદારે ત્રણ સંગીતકારો (સદા મુલિક, વિનોદ પડગે અને જયેશ ધારગલકર) વડે હાર્મોનિયમ, તબલા અને ઢોલકનો ઉપયોગ કરીને સ્ટેજ પર જ સંગીત આપ્યું છે જે કર્ણપ્રિય છે. Bed-trick વાળું (ગુજરાતી તખ્તા માટે અઘરું) દ્રશ્ય ખૂબ જ શાલિનતાથી સ્ટેજ પર ભજવવામાં આવ્યું છે.
નાટકના મંચન દરમિયાન બિનગુજરાતીઓ અને બિનભારતીઓની બહોળા પ્રમાણમાં હાજરી આનંદદાયક હતી. તેમને સ્ટેજ પર શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે સ્ટેજની બંને બાજુ ઇલેકટ્રોનિક ડિસ્પ્લે પર દરેક દ્રશ્યની અગત્યની વાતો સારાંશ રૂપે રજૂ થતી હતી. આ ઉપરાંત તાલીઓમાં ઉદાર દર્શકગણે જે શિસ્ત જાળવી હતી, તે પણ નોંધનીય હતી. જોકે એ જોયા બાદ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે કરેલી ટિપ્પણી જરૂર યાદ આવી હતી. તેમણે કહ્યું હતું કે આપણા ભારતીયો વિદેશમાં જઈને ત્યાંના નીતિ-નિયમોનું પાલન કરશે અને કચરો કચરાપેટીમાં નાખશે પણ તેજ લોકો ભારતમાં એમ નહી કરે, એ આશ્ચર્ય અને દુખની વાત છે. આપણા સમાજમાં રુઢ થયેલી ‘અરેંજ મેરેજ’ની સમસ્યાને આ નાટક દ્વારા વાચા અપાઈ હોય તેમ લાગે, પણ છેવટે ‘All’s Well That Ends Well’ છે માટે એ સમસ્યાને અસરકારક રીતે રજૂ નથી થઈ શકી, અને આપણે તો આ નાટકને કોમેડિ જ ગણવું રહ્યું.
શેક્સપિયરના હોલમાર્ક સમા wit and wisdom વાળા સંવાદો આ નાટકમાં ઠેર-ઠેર છે. કેટલાક ઉદાહરણઃ
·         બાપાના જોડા પહેરવાથી બાપાની ચાલ ન આવડે.
·         લગન એ બેડી નહી લગામ છે.
·         જે મુખ જોઈને હરખાય તે નાર, અને હરખાતું મુખ જોઈને જે યાદ આવે તે સગુણા નાર.
·         જેવી હરજીની મરજી.
·         ભરત નામનું ગાડું હજી તો ભાગોળે ય પહોંચ્યું નથીને રુંવે-રુંવે ઝુરાપો આવી ગયો.
·         વાડામાં છીંડું પાડીને ચોર ઘૂસે તેમ સપના નિંદરમાં છીંડું પાડીને ઘૂસી ગયા.
·         વાયુ, પિત્ત અને કફ ત્રણેય છાતીમાં હુલ્લડ મચાવે છે.
·         સુખ તો કોઈ સ્વજનની સાથે રહીને ભોગવીએ તોજ સાર્થક થાય.
·         દિવસની સાક્ષીએ તું મારી પત્નિ છે પણ રાતની સાક્ષીએ મારી પત્નિ કોઈ દિવસ નહીં બને.
·         અંધારામાં આંગળીઓને પણ આંખ ઊગે છે.
·         પ્રેમ શોધવાનો ન હોય, ઓળખવાનો હોય.
·         સુખ એ પામવાની મિલકત નથી, માણવાની વાત છે.
મૂળ નાટકના ગમતા સંવાદોઃ
·         Our remedies oft in ourselves do lie,/Which we ascribe to heaven.
·         Oft expectation fails, and most oft there/Where most it promises.
·         It is like a barber’s chair that fits all buttocks.
·         They say miracles are past.
·         A young man married is a man that’s marred.
·         No legacy is so reach as honesty.
·         The web of our life is of a mingled yarn, good and ill together:/Our virtues would be proud if our faults whipped them not;/And our crimes would despair if they were not cherished our own virtues.
·         The inaudible and noiseless foot of time.
·         Simply the thing I am/Shall make me live.
·         Praising what is lost/ Makes the remembrance dear.
ટૂંકમાં જોવા જેવું રંગીન આનંદદાયક નાટક.
(BBC દ્વારા નાટકના રિહર્સલ દરમિયાન લેવાયેલ ઇન્ટર્વ્યુ)(નાટકના દિગ્દર્શક અને નિર્માતા સુનિલ શાનબાગનો ઇન્ટર્વ્યુ)


(ગ્લોબ થિયેટરની અંદરની વિડીયો ક્લિપ)

6 ટિપ્પણીઓ:

 1. ચિરાગભાઈ,
  અવલોકન ગમ્યું. ખૂબ જ સરસ રજૂઆત. નાની નાની વાતોની પણ નોંધ લીધી છે. ખૂબીઓની સાથે સાથે ખામીઓ પણ જણાવી છે. એ પરથી ખ્યાલ આવે છે કે - લેખ માત્ર લખવા ખાતર નથી લખ્યો. ધન્યવાદ.
  જુન ૨૦૧૨નાં નવનીત-સમર્પણનાં અંકમાં આપનો લેખ "ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન" પણ પસંદ પડ્યો. હકીકતની વાતો જણાવી છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. યશવંતભાઈ, તમે આવે એ બહુ ગમે છે. આમ જ મળતા રહેજો.

   કાઢી નાખો
 2. પ્રિય ચિરાગભાઈ,
  આટલી સવિસ્તાર અને છણાવટ ભરી આ નાટકની સમીક્ષા પહેલી જ . તે માટે તમને અભિનંદન. મેં ઘણાબધાને આ લીંક મોકલી છે. ફેસ બુક ઉપર થીએટર અર્પનાના પગે પર પણ આ લીંક મૂકી છે. અમને આશંકા હતી કે ગ્લોબ માં નાટક ભજવવાનું કેવું રહેશે? પણ પ્રેક્ષકોનો પ્રથમ ગીત થીજ જે પ્રતિસાદ સાંપડ્યો તેનાથી પાનો ચઢ્યો. ગ્લોબમાં આવા રસિક પ્રેક્ષકો સમક્ષ નાટક ભજવવાનો અવસર સાંપડ્યો એને માટે મારી જાત ને બડભાગી માનું છું. આવા લેખો લખતા રહો એવી શુભકામનાઓ.
  સસ્નેહ, ઉત્કર્ષ મઝુમદાર

  જવાબ આપોકાઢી નાખો
 3. Dear Chiragbhai,

  Thank you for an elaborate review of the Globe performance. Though, I had not been there, but after reading your piece of writing it seemed like I was there. I am glad that a whole lot of people have liked our efforts.

  Thanking you,

  Uday Mazumdar

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.