તાજેતરની પોસ્ટસ

જૂન 29, 2012

Love & Poison

          પ્રેમ અને ઝેરમાં શું ફર્ક? કદાચ... સ્વીકૃતિનો. પ્રેમને પ્રેમ આપી શકાય છે પણ ઝેર ને ઝેર નથી આપી શકાતું. એટલે જ કદાચ કહેતા હશે કે વ્યક્તિને જેવી છે તેવી સ્વીકારી લેવી તે પ્રેમ.

જૂન 26, 2012

યુ.કે. બાઇટ્સઃ મોબાઇલ ન્યૂઝ

હમ લાઈનમે ખડે નહી રહેતે, જહાં મોબાઇલ નેટવર્ક આતા હૈ
લાઇન વહીં સે શુરુ હોતી હૈ.
૨૦૦૭ ના એક સમાચારઃ ઇંગ્લેન્ડની એક કાઉન્ટિ ડેવોનના એક નાનકડા ગામ East Prawle માં, બાજુમાં દર્શાવેલી તસવીર મુજબ, પબ્લિક ટોઇલેટ્સની બહાર આવેલા એક બાંકડા પર ચડવા માટે લાઇન લાગે છે. શા માટે? મોબાઇલ પર વાત કરવા માટે. કેમ? આ આખા ગામમાં એ એક જ જગ્યા એવી છે જ્યાં મોબાઇલ નેટવર્ક આવે છે અને તે પણ એક જ કંપનીનું. એ લાકડાના બાંકડાને પણ એટલે ઘસારો લાગ્યો કે તે તૂટવા આવ્યો. માટે તેની જગ્યાએ એક મોટા ચોતરા જેવું બનાવવામાં આવશે, તેવું સ્થાનિક કાઉન્સિલરનું કહેવું છે. આને કહેવાય હોટ-સ્પોટ! (જો વિશ્વાસ ન આવતો હોય, મૂળ સમાચારની લિંક.) પ્રશ્નઃ આને ખરેખર મોબાઇલ કહેવાય? અને શું લેન્ડ-લાઇન ફોનની સગવડ નથી?

૨૦૧૨ ના એક સમાચારઃ ગઈ કાલે (૨૫/૦૬-૨૦૧૨) સમાચાર વાંચવા મળ્યા કે ઇંગ્લેન્ડની Suffolk કાઉન્ટિના Lavenham ગામમાં એક ભાઈ મોબાઇલ નેટવર્કની ભારતીય રાજકારણી જેવી (ભાગ્યે જ દર્શન આપવાની) અદાથી બહુ જ કંટાળ્યા છે. તેમણે જે પદ્ધતિ અપનાવી છે તે પણ જાણવા જેવી છે. તેઓ પોતાના ફોનમાં મેસેજ કે ઇમેલ લખીને Send નું બટન દબાવીને એ ફોનને એક વૃક્ષની ઉપર લગભગ ૫૦ ફીટ જેટલો ઊંચે રાખે છે જેથી વ્યવસ્થિત નેટવર્ક કવરેજ મળે. વળતો સંદેશો મેળવવા માટે તેઓ એજ સ્થિતિમાં થોડીક રાહ પણ જુવે છે. અહીં પણ એજ બે પ્રશ્નો ઉદ્દભવે છેઃ આને ખરેખર મોબાઇલ કહેવાય? અને શું અહીં પણ લેન્ડ-લાઇન ફોનની સગવડ નથી?

અંગત અનુભવઃ દુનિયાના બીજા સૌથી મોટા મોબાઇલ નેટવર્ક Vodafone પર ૨૪ મહિનાના કોન્ટ્રાક્ટ હેઠળ Google Nexus One લીધો. (નવેમ્બર ૨૦૧૦) પાંચમા મહિનામાં ઘરેથી વાત કરવામાં બહુ જ તકલીફ પડવા લાગી. રીતસર બારીમાંથી ડોકુ કાઢીને વાત કરવી પડે. થોડો સમય રાહ જોઈને ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે 'તમારા વિસ્તારમાં ટેકનિકલ પ્રોબ્લેમ છે અને તેનું રિપેરિંગ ચાલું છે.' એક મહિનાથી વધારે રાહ જોઈ પણ એજ સમસ્યા. બીજી વાર ફરિયાદ કરી. એજ જવાબ મળ્યો અને આ વખતે કાયદેસર ફરિયાદ નોંધાવીને તેનો નંબર લેવામાં આવ્યો. વધુ એકાદ મહિનો રાહ જોઈ પણ કોઈ જ ફર્ક ન પડ્યો. પછી ખરેખર ગુસ્સો આવ્યો. ફોન કરીને જે  કસ્ટમર સર્વિસ ઑપરેટર હાથમાં આવ્યો, તેનો બરાબર ઉધડો લીધો. (એ ઑપરેટરનો ક્ષમાપ્રાર્થી છું.) મે એક જ રટ લગાવી કે દુનિયાનું બીજા નંબરનું મોબાઇલ નેટવર્ક જો ત્રણ મહિનામાં એક 'ટેકનિકલ પ્રોબ્લેમ'ને રિપેર ન કરી શકે તો શું કામનું? આ વાત ચાલી તે દરમિયાન પણ કૉલ બે-ત્રણ વાર ડ્રોપ થયો અને તે દરેક વખતે એ ઑપરેટરે સામેથી ફોન કરીને વાત શરૂ રાખી. છેવટે મે સવાલ પૂછ્યો કે મારી અને કંપની વચ્ચે એવો કોન્ટ્રાક્ટ થયો છે કે કંપની મને ૨૪ મહિના માટે સર્વિસ આપે અને હું તેના પાઉન્ડ ચૂકવું. પાછલા ચાર મહિનાથી કંપની મને સર્વિસ નથી આપતી માટે કંપનીએ પોતે જ એ કરારનો ભંગ કર્યો છે. માટે હવે હું કંપની સાથે રહેવા બંધાયેલો નથી. બરાબર? છેવટે એ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો. સામાન્ય રીતે તોતિંગ Early Termination Fees ભરવી પડતી હોય છે, તે ન ભરવી પડી અને આઠ જ મહિનામાં ફોન મળી ગયો. (Singh નહી પણ Customer is King.)

સારાંશઃ આપણા BSNL (Best Spoken National Language) માં કે ભારતમાં જ મોબાઇલ નેટવર્કની સમસ્યાઓ હોય છે તેવું કદીય ન માનવું. Developing Countries ની સાથે-સાથે Developed Countries માં પણ Development ની તક હોય છે. All that glitters is not gold.

જૂન 22, 2012

યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૫)

અને છેલ્લા દિવસે અમે જઈ પહોંચ્યા નોર્થ વેસ્ટ ઇંગલેન્ડના એક જાણીતા બીચ બ્લેકપૂલ. બ્લેકપૂલ પહોંચ્યા ત્યારે હવામાન ખૂબ જ હવા વાળું અને ઠંડુ હતું માટે સામાન્ય રીતે બીચ પર સમર-ટાઇમમાં જોવા મળતી ભીડ નહોતી. કેટલીક જગ્યાએ તો જાણે આખો બીચ અમારા કુટુંબ માટે જ બનાવ્યો હોય, તેમ અમે એકલા જ હતાં. અને બ્લેકપૂલ એટલે જાણે કાયમી આનંદ-મેળો. અહીં વર્ષે બે-ત્રણ વાર જોવા મળતાં ફન-ફેર બ્લેકપૂલના નોર્થ, સેન્ટ્રલ અને સાઉથ પિઅર પર કાયમી ધોરણે છે. આ ઉપરાંત બ્લેકપૂલ પ્લેઝર પાર્ક, વોટરપાર્ક, બ્લેકપૂલ ટાવર, મેડમ ટ્યુસોદ મ્યુઝિયમ, કસિનો જેવા કેટલાય બારમાસી આકર્ષણો છે એટલે લોકો તેમાં વ્યસ્ત હતાં. બપોર પછી જ્યારે દરિયામાં ઓટ આવવી શરૂ થઈ અને બીચ ખૂલતો ગયો, ત્યારે લોકો દરિયા તરફ આવવા માંડ્યા. બીચ પર એક વાત ખાસ નોંધી કે જે બેન નેવિસ પર પણ નોંધી હતી. બાળકોને મુક્ત રહેવા દેવામાં આવે છે, તેમને ગમતી વસ્તુઓ કરવા દેવામાં આવે છે. દરેક જગ્યાએ ભયસ્થાન બતાવીને તેમને ઘરકૂકડી બનાવી દેવામાં નથી આવતાં. બેન નેવિસ પર સ્પોર્ટ્સ બાઇકથી સડસડાટ નીચે ઉતરનારામાં કેટલાય કિશોરો હતાં. અહી બીચ પર પણ જોયું કે ૧૦-૧૨ વર્ષ કે તેથીય નાના કિશોર-કિશોરીઓ દરિયામાં નીડર બનીને મસ્તી કરતાં હતાં. (તેમના માતા-પિતા કિનારે બેઠા-બેઠા જોતા જરૂર હોય, પણ અવરોધતા ન હોય.) અને હું એકલો જ નહોતો કે જેણે આ નોંધ્યું હતું. કોચમાં બરાબર અમારી પાછળ બેઠેલા સન્નારીએ પણ ઊદાહરણ સાથે આજ વાત કરી હતી. તેમણે કહ્યું, “અહીંયા નાના-નાના છોકરા પણ કેવા છૂટ્ટા રમતા’તા! આપણે ત્યાં તો પંદર વર્ષનો ઘોઘો હોય તો કે’સે કે બેટા સાઇકલ સંભાળીને ચલાવજે, નઈ તો વાગસે.”

બીજી વસ્તુ ગમી એ ટ્રામ સર્વિસ અને તેમાં ટિકિટ આપનારા કંડક્ટર. (અસ્સલ ભારતની જેમ, પણ તેમની પાસે ઇલેકટ્રોનિક ટિકિટ ડિસ્પેન્સર હતાં.) લંડનની ટિ.એફ.એલ.માં આ બધું જ હ્યુમનલેસ મિકેનિઝમ હોય છે. ડબલ-ડેકની બસ હોય કે આખી ટ્રેન હોય, એક ડ્રાઈવર જ તે સંભાળે. પેસેન્જરો તો ઓઇસ્ટર કાર્ડ ટચ કરીને પૈસા ચૂકવે અને ટિકિટ ખરીદવી પડે તેમ હોય તો પણ મોટા ભાગે તો બહારથી જ ખરીદી લેવાની. (ડ્રાઈવર ટિકિટ આપી શકે પણ તેવું ભાગ્યે જ બને.) આ સિસ્ટમથી બને તેટલા ઓછા માણસો વડે આખી સિસ્ટમ સરળતાથી અને સમયસર ચાલે, તે વાત સાચી, પણ બે માનવ વચ્ચે જે માનવીય વ્યવહાર થવો જોઈએ, તે બિલકુલ ઓછો થઈ જાય છે.

આર્નાને બ્લેકપૂલનો દરિયો અને તેના મોજા સાથે રમત કરવાની બહુ જ મજા પડી. તેણે એ રમતને ‘લેલે’ નામ આપ્યું છે અને હજી પણ એ વીડિયો ક્લિપને બહુ જ આનંદપૂર્વક જુવે છે અને જ્યાં પણ દરિયો કે પાણી જોવા મળે ત્યાં તે બોલશે કે ‘લેલે આયુ!’


(આર્નાની પ્રિય રમત 'લેલે'.... વીડિયો ૨ મિનિટ ૨૨ સેકન્ડ્સ)

દરેક પ્રવાસ જીવનમાં કંઈક ને કંઈક શીખવતો જાય છે અને ઉમેરતો જાય છે અને દૈનિક જીવનની ઘટમાળથી ડિસ્ચાર્જ થયેલા માનવને તે ફુલી ચાર્જ્ડ કરી નાખે છે. ખાલી હાથ અને ખુલ્લા મન સાથે પ્રવાસમાં જનારો છલોછલ થઈને પાછો આવે છે!

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

જૂન 21, 2012

યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૪)

મૂળે તો આ પ્રવાસ માત્ર ત્રણ દિવસનો હતોઃ શનિવાર સવારથી સોમવારની રાત. પરંતું ક્વિનની ડાયમંડ જ્યુબિલીના ઉપક્રમે એક દિવસની વધારાની રજા મંગળવારે પણ હતી. બધાને ખૂબ જ મજા પડી રહી હતી. માટે બધાએ ભેગા થઈને ટૂર ઓપરેટર પિયુષભાઈ ગોહિલ (Dilse Tours, 07969161225) ને વિનંતી કરીને એક દિવસ અને એક સ્થળ ઉમેરાવડાવ્યું. તેમણે ઉત્સાહપૂર્વક એ જવાબદારી ઉપાડી લઈને વધારાના એક દિવસ માટે કોચ, હોટલ અને જમવાની વ્યવસ્થા કરી આપી. (તેઓ પણ તેમના પુત્ર અને પત્નિને સાથે લાવ્યા હતાં.)

માટે ત્રીજા દિવસે લેક ડિસ્ટ્રીક્ટ પછી ઇંગ્લેન્ડ તરફ પાછા ફર્યા. સ્કૉટલૅન્ડનું સૌથી દક્ષિણે આવેલું ગામ Gretna Green વટાવી અમે ઇંગ્લેન્ડમાં પ્રવેશ્યા ત્યારે પિયુષભાઈએ એક રસપ્રદ વાત જણાવી. ઇ.સ. ૧૭૫૩માં Lord Hardwicke’s Marriage Act નામનો કાયદો આવ્યો જે મુજબ યુવાન કે યુવતીની ઉંમર ૨૧ વર્ષથી ઓછૉ હોય, તો માતા-પિતાની મંજૂરી વિના લગ્ન થઈ શકે નહી. સ્કૉટલૅન્ડમાં એ સમયે ૧૪ વર્ષનો છોકરો અને ૧૨ વર્ષની છોકરી કાયદેસર લગ્ન કરી શકતાં. માટે ઇંગ્લેન્ડથી કેટલાય યુગલો ભાગી જઈને સ્કૉટલૅન્ડના (ઇંગ્લેન્ડ તરફથી આવતા) પહેલા જ ગામ Gretna Green માં લગ્ન કરી લેતાં. આ ઉપરાંત સ્કૉટલૅન્ડના કાયદા મુજબ ઇરેગ્યુલર મેરેજિસ પણ માન્ય હતાં. મતલબ કે બે વ્યક્તિની સાક્ષીમાં કોઈ પણ વ્યક્તિ (પાદરી કે પૂજારી ન હોય તો પણ) લગ્નની વિધી કરાવી શકતી. એટલે એ સમયે એક લુહાર ત્યાં લગ્ન કરાવવા માટે બહુ જ પ્રખ્યાત થયો હતો અને માટે જ ત્યાંના લુહારને Anvil Priests (એરણ વાળા પાદરી) તરીકે ઓળખવામાં આવે છે. (૧૯૨૯થી સ્કૉટલૅન્ડમાં લગ્નોત્સુક યુવક-યુવતીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષની હોવી જરૂરી છે, જ્યારે ઇંગ્લેન્ડમાં હજી ૧૬ વર્ષે લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી હોવી જરૂરી છે અને માતા-પિતાની મંજૂરી વિના ૧૮ વર્ષની ઉંમર હોવી જરૂરી છે માટે આજે પણ એવું બને છે ખરૂ.) બસ ત્યારથી Gretna Green આખી દુનિયામાં લગ્ન કરવા માટે લોકપ્રિય સ્થળ છે અને અત્યારે આ ગામમાં વર્ષે લગભગ ૫૦૦૦ જેટલા લગ્ન થાય છે. માટે એવું જરાય માનવું નહી કે પ્રેમ-લગ્નનો વિરોધ માત્ર ભારતમાં જ થાય છે. ઑર અપને વહા ભી ધીરે-ધીરે હવાકા રુખ બદલ રહા હૈ.

 ઘરે જવાના બદલે એ નવા આયોજન મુજબ અમે પ્રેસ્ટન નામના નાનકડા ટાઉનના મંદિરે પહોંચ્યા. ત્યાં આરતી કરવામાં આવી અને પછી એક લોકલ કેટરરે બનાવેલી શુદ્ધ ગુજરાતી થાળી માણવામાં આવી.

મંદિરની વાત નીકળી જ છે, તો એટલું જરૂર કહીશ કે વિદેશમાં મંદિર એટલે માત્ર મંદિર અને વૃદ્ધોનો વિસામો જ નહી પણ કમ્યુનિટિ સેન્ટર તરીકે જોવામાં આવતું હોય છે. અહીં મંદિરમાં જ લગ્ન, યજ્ઞોપવિત જેવી પારંપરીક વિધિ થઈ શકે તેવી વ્યવસ્થા હોય છે, બધા જ મુખ્ય ભારતીય તહેવારો પણ ત્યાં જ ઉજવાય, ગુજરાતી કે અન્ય ભારતીય ભાષા નવી પેઢીને શીખવવાના વર્ગો, ગીત-સંગીત-યોગાના વર્ગો કે નવી પેઢી પોતાના મૂળીયા સાથે જોડાયેલી રહે તેવી અનેકવિધ પ્રવૃત્તિઓ અને કેટલીક જગ્યાએ તો કાયદેસર ગુજરાતી કે અન્ય ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપતી ફૂલ ટાઇમ શાળા પણ હોય છે.રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

જૂન 20, 2012

યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૩)

ત્રીજા દિવસનું પ્રથમ સ્થળ હતું ગ્લાસગૉ. એ સ્થળ વિશે તો એક જ વાત કરવાની કે ત્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને સાથે-સાથે વર્તમાનમાં જીવે છે. ફ્યુચરિસ્ટિક ડિઝાઈનની ઈમારતોની સાથે-સાથે ભૂતકાળની ભવ્યતાને પણ હજું ઝનૂનથી સાચવવામાં આવે છે, તે ગમ્યું.ત્રીજા દિવસનું બીજું સ્થળ એ આ પ્રવાસનો સૌથી યાદગાર અનુભવ છે, એમ હું વિના સંકોચ કહીશ. વિલિયમ વર્ડ્‍ઝવર્થની જન્મભૂમિ, જેને ઘણાં લેક-લેન્ડના નામે પણ સંબોધે છે, તે લેક ડિસ્ટ્રિક્ટ અમારા ત્રીજા દિવસનું બીજું અને આ પ્રવાસનું અંતિમ સ્થળ હતું. અમે ક્યારે સ્કૉટલૅન્ડમાંથી નીકળીને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં પહોંચી ગયા તે પણ ખ્યાલ ન આવ્યો. નાના-મોટા ૧૯ જેટલા તળાવોથી રચાતો આ પ્રદેશ શબ્દશઃ આંખોને ઠારે એવો છે. તળાવોની સાથે-સાથે પર્વતો અને ઢોળાવો (Fells)થી ભરપૂર આ પ્રદેશ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ઇંગ્લેન્ડના ઘણા ભાગમાં વરસાદ પડતો હતો પણ લેક ડિસ્ટ્રિક્ટ પર સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન હતાં. અમારે આ બધા તળાવોમાં સૌથી મોટા લેક વિન્ડરમિઅરમાં ક્રુઝ રાઈડ કરવાની હતી. એ લેકમાં Ambleside થી Bowness ની ક્રુઝ રાઇડ બાદ લગભગ બે કલાક જેટલો સમય એ તળાવની આસપાસ જ વિતાવ્યો. તે દરમિયાન હંસો અને બતકોને શીંગદાણા ખવડાવવાની આર્નાએ ખૂબ મજા માણી અને મે તો તળાવ અને વાદળના ફોટા પાડ્યે જ રાખ્યા. આકાશમાં રમતા અસંખ્ય દૂધ જેવા સફેદ વાદળો જોઈને સમજાયું કે વર્ડ્ઝવર્થને “I wandered lonely as a cloud” લખવાની પ્રેરણા ક્યાંથી અને કેમ મળી હશે. (ક્યાંક એવું વાંચ્યું હતું કે વિલિયમ વર્ડ્ઝવર્થે પહેલા આ પંક્તિઓ “I wandered lonely as a cow” એમ લખી હતી અને પછી તેની બહેન ડૉરોથી વર્ડ્ઝવર્થના કહેવાથી ‘cow’ નું ‘cloud’ કર્યું હતું. સાચું-ખોટું તો ભગવાન જાણે.)( લેક વિન્ડરમિઅરના કિનારે હંસને શીંગ ખવડાવવાનો પ્રયત્ન કરી રહેલ આર્નાનો વીડિયો,  ૨ મિનિટ ૨ સેકન્ડ્સ)

જૂન 19, 2012

યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)


પહેલા દિવસે એડિનબરૉ કાસલ અને પેલેસ ઓફ હોલિરુડ હાઉસના દરવાજા જોઈને (અમે પહોંચ્યા ત્યારે એ પેલેસ બંધ થઈ ગયો હતો.) બીજા દિવસે સવારમાં એક વિસ્કિ ડિસ્ટિલરિની જ્ઞાનવર્ધક મુલાકાત લીધી. વિસ્કિ પીનારાને તો ત્યાં ખૂબ જ મજા આવી હશે તેમ લાગ્યું. ત્યાર બાદ અમે બેન નેવિસ નામક યુ.કે.ના સૌથી ઉંચા પર્વતના શિખરે (કેબલ કાર દ્વારા) પહોંચ્યા. અને એ શિખર પર પહોંચીને એ અજીબ લાગણી થઈ. જીવનમાં સૌ પ્રથમ વાર એવા પર્વતના શિખરે પહોંચ્યો હતો જ્યાં કોઈ માતાજી-પિતાજીનું મંદિર કે દહેરું નહોતું. આપણે ફરવા જઈએ ત્યારે ખબર નહી કેમ પણ ઉપરવાળાએ બનાવેલી પ્રાકૃતિક સુંદરતા જોવાને બદલે ઉપરવાળાને જ શોધવા માંડીએ છે. અહીં છૂટે હાથે વેરાયેલી પ્રકૃતિ અને સાઈકલિંગના ટ્રેક્સ હતાં. આઉટડોર અને એડવેંચર સ્પોર્ટ્‍સના શોખીનો જગતભરમાંથી અહીં તેમની સ્પોર્ટ્સ બાઈક્સ (સાઇકલો) લઈને આવે છે. કેબલકારની પાછળ સાઈકલ ભરાવીને તેઓ ટોચ પર પહોંચશે અને ત્યાંથી ઉબડ-ખાબડ રસ્તાઓ પર ભારે ગતિથી સરકતાં-સરકતાં નીચે જશે. Pure Adrenaline Rush!હું કૉલેજમાં હતો ત્યારે અમારા સૌના પ્રિય અધ્યાપક ઈન્દિરાબેન નિત્યનંદમે અમને તેમની વિદ્યાર્થી અવસ્થાની એક વાત કહી હતી. તેઓ તેમની શાળા/કૉલેજ તરફથી ક્યાંક પિકનિક ગયા હતાં. એક જગ્યાએ પહોંચીને ગાઈડે તે સૌને એક શિલા જોવા બોલાવ્યા. પ્રવાસે નીકળેલા બધા જ વિદ્યાર્થીઓ દોડતાં-દોડતાં ત્યાં ગયા. એ શિલા પર રંગ વડે લાલ લીટી દોરેલી હતી. ગાઈડે કહ્યું, “સીતા માતા અહીંયાથી એક વાર પસાર થયા ત્યારે તેમની સાડીનો પાલવ આ શિલાને અડ્યો હતો અને ત્યારથી આ શિલા પર લાલ લીટી થઈ ગઈ છે.” બોલો શું કહેશો?(બેન નેવિસથી નીચે કેબલ કાર દ્વારા નીચે ઉતરતી વખતે આસપાસનું સૌંદર્ય અને ખાસ કરીને સડસડાટ નીચે સરકતા બાઇકર્સની વીડિયો ક્લિપ. સાથે સાથે અમારી કૌટુંબિક ચટર-પટર પણ છે. ૮ મિનિટ ૧૫ સેકન્ડસ)

માત્ર ભારત જ નહીં, દુનિયા બધા પ્રવાસન સ્થળો સાથે આવી કોઈક નાની-મોટી કિવિદંતી જોડાયેલી હોય છે, તેનો અનુભવ મને બેન નેવિસ પછી જે સ્થળે ગયા, તે લૉક નેસ પર થયો. (Loch એટલે સ્કોટ ભાષામાં સરોવર, અખાત કે જમીનમાં ધસી ગયેલો દરિયાનો નાનકડો ફાંટો. અહીં છેલ્લો અર્થ અભિપ્રેત છે.). વિલિયમ વૉલેસ, કે જેના જીવન પરથી ૧૯૯૫માં ‘બ્રેવહાર્ટ’ નામની વિખ્યાત મૂવી બની હતી, તેના નામ પરથી એ વિસ્તારને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ ફોર્ટ વિલિયમ વિસ્તારમાં આ લૉક નેસ આવેલ છે. ત્યાં કોઈ ‘નેસી’ નામક રાક્ષસ રહે છે, એ કારણે તે જગ વિખ્યાત છે! કોણે જોયો? ખબર નહી, પણ આ કિવિદંતી પર એ આખું પ્રવાસન સ્થળ નભે છે. તે એક સુંદર પ્રાકૃતિક સ્થળ છે તેની ના નહી, પણ લોકો ત્યાં એ પ્રકૃતિને જોવા નથી જતાં. અરે, ત્યાં પનામા કેનલ જેવી લૉક સિસ્ટમ છે, તે જોવાની પણ લોકોને બિલકુસ ઉત્સુકતા નથી હોતી. પ્રવાસીઓ આવીને સીધા જ એ લૉક સિસ્ટમની વિરુદ્ધ દિશામાં, જ્યાંથી લૉક શરૂ થાય છે, ત્યાં જશે, ફોટા પડાવશે અને પાછા. સદનસીબે અમને એ લૉક સિસ્ટમ જોવા મળી, અને તેનાથી પનામા કેનલ શું ચીજ છે, તેનો કંઈક ઊડતો ખ્યાલ આવ્યો.


(લૉક નેસની લૉક સિસ્ટમનું ખૂલી રહેલું એક લૉક, ૧ મિનિટ ૪૦ સેકન્ડ્સ)
રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ


જૂન 18, 2012

યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૧)

માણસને તેના મૂળિયા સમેત ઉખેડી નાખવો બહુ અઘરું કામ છે. હું જ્યાં પણ જઉં, ત્યાં મારા મૂળિયા લઈને જ જઉં છું. એ આદત સારી કે ખરાબ એ નથી જાણતો, પણ આદત છે. હમણાં જ્યારે સ્કૉટલૅન્ડ જવાનું થયું ત્યારે પણ એમ જ બન્યું. દિલમાં હિન્દુસ્તાન સાથે-સાથે જ હતું અને તેના કારણે એ પ્રવાસ દરમિયાન કેટલાય વિચારો ફૂલમાં ઝમતી ઝાકળની જેમ વિચારપટ પર ઝમતા રહેતાં હતાં.
***
સૌ પ્રથમ તો જે પ્રકૃતિ દર્શન થયાં, તે અદ્દભુત હતાં. તેની અસંખ્ય તસવીરો લીધે રાખી પણ ધરવ નહોતો થતો. તેમાંથી ચૂંટેલા ૫૦ ફોટાનો સ્લાઈડ-શોઃબધા જ મોટર-વેની આસપાસ જે કન્ટ્રી લાઇફ જોઈ હતી, તે પણ સુંદર હતી. અસંખ્ય ચરિયાણોમાં ચરતા ઘેટા, ગાય, ઘોડા, પત્થરો ગોઠવીને બનાવેલી દિવાલો, પવનચક્કીઓ જોઈને મારું હિંદુસ્તાન યાદ આવવું સ્વાભાવિક હતું, કારણ કે અહીં સામાન્ય રીતે રસ્તામાં પ્રાણીઓ જોવા નથી મળતાં, (સિવાય કે માલિકને ફેરવવા નીકળેલા પાલતું પ્રાણીઓ!) જોકે આપણે ત્યાં પ્રકૃતિની આટલી માવજત નથી થતી એનો ખટકો લાગવો પણ એટલો જ સ્વાભાવિક હતોને!


(કોચમાંથી ઉતારેલ ચરિયાણોની ૩૧ સેકન્ડ્ઝ નાનકડી વીડિયો ક્લિપ, બેક્ગ્રાઉન્ડમાં કોચમાં ચાલી રહેલ ‘લગે રહો મુન્નાભાઈ’ ના સંવાદ સંભળાય છે.)પહેલા જ દિવસે કોચમાં અંતાક્ષરી રમાતી હતી અને તેના વડે એક પ્રશ્ન વારંવાર થયે રાખતો હતો. કોચમાં ૯૦ ના દસકમાં જન્મેલા અને ૮૦ના દસકમાં કે તેથી પહેલા જન્મેલા, એમ ઉંમરનું વૈવિધ્ય ધરાવનારા સહપ્રવાસીઓ હતાં અને તેમ છતાં મોટાભાગે લોકોને જે ગીતો ગાવા માટે યાદ આવતા હતાં તે બધા ૨૦૦૦ સુધીના જ હતાં. તેના પછી આવેલા ગીતો ભાગ્યે જ કોઈને યાદ આવતા. આમ તો કવિતા (અને ગીતો) એ કાનનો વિષય છે, આંખનો નહી. માટે એવું તો નહી હોય ને કે મ્યુઝિક ચેનલના જમાનામાં રજૂ થતા ગીતો કરતાં રેડિયોના જમાનાના ગીતો સ્મૃતિ પર વધારે અસર કરતા હશે? અથવા શું એવું હશે કે એ જમાનામાં બનતા ગીતો અત્યારે બનતા ગીતો કરતાં વધારે કર્ણપ્રિય હોય? (જોકે મને તો એવું લાગે છે કે બધા જ સમય દરમિયાન કોઈને કોઈ કલાકાર તો સારા-સારા કર્ણપ્રિય ગીતો બનાવતા જ હોય છે.) કે પછી અત્યારે એટલા બધા ગીતો એટલી ઝડપથી રજૂ થાય છે કે એ ગીતો ૫૦-૧૦૦ વાર ગુનગુનાઈને સ્મૃતિપટમાં મઢી લેવાનો મોકો જ નથી મળતો? (Abundance of Output) એક ગીત ગમ્યું, તેને પાંચ-સાત વાર સાંભળ્યું અને ત્યાં તો બીજું કોઈ ગીત ગમવા માંડે તેવું નથી બનતું?

(સ્કૉટલૅન્ડ ટુરની કેટલીક યાદોને અક્ષરમાં ઉતારી છે. તેના કુલ પાંચમાંથી બીજો ભાગ ટૂંક જ સમયમાં.)
રિલેટેડ બ્લૉગપોસ્ટઃ
યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)

જૂન 16, 2012

યુ.કે. બાઇટ્સઃ Hooliganism ને બદલે Secularism

          યુરોકપની પોલેન્ડ અને રશિયા વચ્ચેની મેચ બાદ થયેલા તોફાનોના સંદર્ભે આજે એક પોલિશ મિત્ર ફરિયાદ કરતી હતી કે જ્યારથી આ તોફાનો થયા છે ત્યારથી અહીંના (યુ.કે.ના) મિડીયામાં પોલેન્ડને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે તમે પોલેન્ડમાં પગ મૂકશોને કોઈ તમને મારવા દોડશે. મને તેની પીડા સારી રીતે સમજાતી હતી. ૨૦૦૨ના કોમી રમખાણો બાદ ગુજરાતને પણ એવી જ રીતે રજૂ કરવામાં આવતું હતું. ફર્ક ખાલી શબ્દોનો હતોઃ Hooliganism ને બદલે Secularism. ભજવનારા બદલાયા હતાં પણ નાટકનો તખ્તો અને નિર્માતા તો એના એજ હતાંને?

જૂન 13, 2012

વિજયગુપ્ત મૌર્યનું 'જિંદગી જિંદગી'

          ૧૯૭૨માં એન્ડીઝની પર્વતમાળામાં તૂટી પડેલ વિમાન Uruguayan Air Force Flight No 571 અને એ ઠંડીમાં ટાંચાના સાધન-સરંજામ હોવા છતાં, ખોરાકના અભાવમાં મૃત સાથીદારોના શરીરનું માંસ ખાઈને ૭૨ દિવસ સુધી જીવતા રહેલા ૧૬ જણાના સંઘર્ષની કહાની કાલના 'મેટ્રો'માં છાપવામાં આવી છે. (એ બે પેજ વાંચવા અહીં ક્લિક કરો.)
          આ સમાચાર વાંચીને વિજયગુપ્ત મૌર્ય દ્વારા આ દુર્ઘટના પર લખાયેલ પુસ્તક 'જિંદગી જિંદગી' યાદ આવી ગયું. હર્ષલ પબ્લિકેશનનું બેસ્ટ સેલર પુસ્તક ગુજરાતમાં ખૂબ જ વંચાયું અને વખણાયું છે. મારા પ્રિય પુસ્તકોની યાદીમાં તે અવશ્ય સ્થાન પામે છે. ન વાંચ્યું હોય તો 'Beg, Borrow or Steal', પણ અવશ્ય વાંચજો નહિતર એક ઉત્કૃષ્ટ પુસ્તકથી વંચિત રહેશો. (પુસ્તક હાથવગું નથી માટે તેના વિશે વિસ્તારે નથી લખતો.)
          આ ઘટના પર Paul Read નામના એક બ્રિટિશ લેખકે ૧૯૭૪માં Alive: The Story of Andes Survivors નામનું પુસ્તક લખ્યું છે અને ૧૯૯૩ માં Alive નામની એક મૂવી પણ બની છે.

જૂન 10, 2012

'ડાયસ્પોરિક વાર્તાઓ'


ડાયસ્પોરિક સાહિત્ય એટલે શું?’ એ પ્રશ્નનો જવાબ શોધવાની મથામણ બહુ જૂની છે અને છતાં તેનો સંતોષકારક જવાબ ક્યારેય મળી શકતો નથી. ‘આ ગુજરાતી સાહિત્યઅનેઆ ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યએવા હવાચુસ્ત વિભાગ પાડી શકાતા નથી અને વિચારમંથન થતું જ રહે છે. તેમ છતાં વાસ્તવિકતા એ છે કે ડાયસ્પોરિક સાહિત્ય રચાતું અને સ્વીકારાતું રહે છે. આવા જ એક મનોમંથનનું પરિણામ છે શ્રી વિપુલ કલ્યાણી અને શ્રી અનિલ વ્યાસ સંપાદિત પુસ્તક ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ જેને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
પુસ્તકની એકદમ ટૂંકી પ્રકાશકીય પ્રસ્તાવનામાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી આ મનોમંથનનો પડઘો પાડતાં કહે છે કે ‘મનુષ્યની ચેતનાનાં અમુક વલણો તો દુનિયાના કોઈ પણ ખૂણે સરખાં હોવાનાં.’ તેમ છતાં ‘અહીં જે વાર્તાઓ સંપાદિત થઈ છે તે સંપાદકોને તુષ્ટિકર લાગી છે.’ માટે તેમને આપણે ડાયસ્પોરિક સાહિત્યની પ્રતિનિધિ ગણી શકીએ.
ત્યારબાદ સંપાદકીય પ્રસ્તાવનામાં સંપાદકોએ આ પુસ્તક નિમિત્તે ડાયસ્પોરિક સાહિત્ય વિશે પોતાના વિચારો વિસ્તારથી રજૂ કર્યા છે અને સંપાદનમાં આવરી લેવાયેલી વાર્તાઓ વિશે વાત કરતા પહેલા તેમણે પસંદ કરેલી વાર્તાઓમાં ડાયસ્પોરિક સાહિત્યના જે ‘ચતુર્વિધ રૂપો’ પ્રગટ થયાં છે તેની નોંધ કરી છે.
(૧) જે સર્જકો પૂર્વે, કોઈ કાળે આફ્રિકામાં જઈ વસ્યા હતા અને રાજકીય પરિસ્થિતિ બદલાતાં, યુરોપ-અમેરિકા જઈને પુનર્વસવાટ કર્યો હતો – એ સર્જકોનાં, માદરે વતન તેમ જ આફ્રિકા-વસવાટનાં સ્મરણો-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
(૨) વિદેશવાસી થયા પછીય, મોટે ભાગે પોતાનાં દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને વતન-ઝુરાપાને જીવતાં સર્જકોનાં સ્મરણ-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
(૩) સ્વદેશ છોડીને વિદેશ વસી, સ્થિર થવા ચાહતા અને એ માટેની મજબૂત મથામણ કરતાં કરતાં વસવાટી ભૂમિ અને તેની સંસ્કૃતિનો પ્રભાવ ઝીલી-સ્વીકારીને, એ પ્રક્રિયાની પીડા અને આનંદથી સમૃદ્ધ થયેલા સર્જકનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
(૪) વસવાટી દેશ-પ્રદેશની આબોહવા, એના પરિવેશમાં પગ ખોડીને ઊભેલા અને સ્વદેશ-વિદેશની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં આદાનપ્રદાનથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.
આ નોંધના આધારે ડાયસ્પોરિક સાહિત્યની એક વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરી શકાય તેમ છેઃ એક ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં જન્મ અને ઉછેર પામીને બીજી ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં સ્થિર થયેલા કે સ્થિર થવા મથતાં સર્જકના સંવેદનતંત્રમાં બે ભૂમિ અને/અથવા સંસ્કૃતિઓના અવનવા મિશ્રણ થકી સર્જાતી ઊથલપાથલ એટલે ડાયસ્પોરિક સાહિત્ય. જોકે સંપાદકોએ તો માત્ર એટલું જ કહ્યું છે કે તેઓએ આ ચાર પ્રકારની રચનાઓને આ સંપાદનમાં શામેલ કરી છે, તેઓએ ક્યાંય ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન નથી કર્યો. પણ ડાયસ્પોરિક ન લાગે તેવી શ્રી દીપક બારડોલીકરની વાર્તા ‘કાગળનો કટકો’ અને શ્રી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’ આ સંપાદનમાં તેઓએ શામેલ કરી છે કારણ કે એ સર્જકો પણ સંસ્કૃતિઓના અવનવા મિશ્રણથી તેમના સંવેદનતંત્રમાં થતી ઊથલપાથલને વાચા આપતું નોંધનીય સર્જન કરતાં રહે છે. માટે એવું જરૂર અનુભવી શકાય કે સંપાદકોને પણ વધતે-ઓછે અંશે ડાયસ્પોરિક સાહિત્યની આજ વ્યાખ્યા અભિપ્રેત હશે.
આ સંપાદનમાં વીસ વાર્તાઓને જગ્યા મળી છેઃ શાંતશીલા ગજ્જરની ‘અનુબંધ’, વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ પર ચોરી’, ઇબ્રાહિમ રાઠોડ ‘ખય્યામ’ની ‘ઉફીટી’, જયંત મહેતાની ‘એક ઉંદરની વાત’, પ્રીતિ સેનગુપ્તાની ‘એક જ મિનિટ’, રમણભાઈ ડી. પટેલની ‘એકલતા વેરણ થઈ’, હરનીશ જાનીની ‘એલ. રંગમ્‍’, મુસાજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ની ‘કાગળનો કટકો’, આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’, મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’, યોગેશ પટેલની ‘ગાંડું પંખી’, ડાહ્યાભાઈ પટેલની ‘ત્યાગ’, કુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’, પન્ના નાયકની ‘ફ્લૅમિંગો’, ભદ્રા વડગામાની ‘મારા અતિપ્રિય ગૌતમ’, વિનય કવિની ‘મૃગતૃષ્ણા’, બળવંત નાયકની ‘લાઇવ ક્યૂ’, અહમદ લુણાત ‘ગુલ’ની ‘લૉટરીની ટિકિટ’, ભાનુશંકર વ્યાસની ‘હું ક્યાં માનું છું ‘યુથનેસિયા’માં?’ અને રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ...’. તેમાંથી જે બહુ ગમી તે વાર્તાઓની થોડીક વાત કરીશ.
સૌથી વધારે ગમી હોય તો આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’. ‘ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર’ની જેમ રાખવામાં આવેલા ચમ્પા બાને જ્યારે અમેરિકામાં એન્ડી નામનો વૃદ્ધ સજ્જન ખરેખર એક સ્ત્રીની જેમ ટ્રીટ કરે છે ત્યારે સંબંધની એક લાગણીસભર ઋજુ કૂંપળ ફૂટે છે. આખી વાત એ બાના પુત્રના મોઢેથી કહેવાઈ છે માટે એ દ્રષ્ટિકોણ વાતને વધારે રોચક બનાવે છે.
બ્રિટનના સિદ્ધહસ્ત વાર્તાકાર વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ ઉપર ચોરી’ માર્મિક વાર્તા છે જેમા લેખકે ઇલિંગ રોડનું વાસ્તવિક વાતાવરણ, અહી વસેલા ગુજરાતીઓમાં બહુધા બોલાતી કાઠીયાવાડી લઢણવાળી ભાષા અને પતિ-પત્નિની તુ-તુ-મે-મે બહુ વાસ્તવિક રીતે ઝીલી છે. સ્થૂળની સાથે સાથે સૂક્ષ્મ પ્રકારની ચોરી શીર્ષકને સાર્થક કરે છે અને ‘ગિરધરલાલના હાથનો ઉત્સવ’ જેવી લેખકની લેખનશૈલી આપણા હોઠને મરકાવી જાય છે.
‘ખય્યામ’ની ‘ઉફીટી’માં જકડી રાખે તેવો વાર્તારસ છે. બાળપણમાં હરીશ નાયક કે યશવંત મહેતાની જે સાહસકથાઓ વાંચી હતી તેની આ વાર્તાએ યાદ અપાવી દીધી. (એમ પણ થયું કે આ વાર્તાનું એક કિશોર સાહસકથામાં રૂપાંતર પણ થઈ શકે તેટલો સશક્ત વાર્તારસ છે.) આફ્રિકાના મલાવી પ્રદેશમાંની આ વાર્તા હોઈ ત્યાંની સ્થાનિક ભાષાનો શબ્દોનો પણ ભરપૂર ઉપયોગ કરેલો છે.
‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ ૨૦૦૮-૨૦૦૯ ના ‘હાસ્ય વ્યંગ્ય’ વિભાગમાં પ્રથમ પારિતોષિક મેળવનાર હરનીશ જાનીની પાત્રતા વિશે જેને લેશમાત્ર પણ સંશય હોય તેમણે તેમની ‘એલ. રંગમ્‍’ વાંચવી. અમદાવાદની પોળમાંથી ભગવાનની કૃપાથી અમેરિકા પહોંચી ગયેલ કથાનાયક જેનિટરનું કામ સ્વીકારે છે. જેનિટરના કામની નાની-નાની વિગતોનું હાસ્યસભર વર્ણન અને કથાનો રમૂજી અંત કોઈને પણ ગમે તેવો છે. એક ગમી ગયેલો સંવાદઃ ‘ભગવાન પાસે કાંઈ પણ માગતાં પહેલાં વિચારવું. ભગવાન ભૂલથી આપણી માગણી મંજૂર કરી દે તો! હું રોજ પ્રાર્થના કરતો, ‘હે ભગવાન! મને અમેરિકા મોકલ!...અરે! લોકોનાં જાજરૂ ધોઈશ, પણ તું મને અમદાવાદની પોળમાંથી બહાર કાઢ!’...ભગવાને મારી અરજી મંજૂર કરી દીધી. હવે અમેરિકામાં ટૉઇલેટ સાફ કરું છું.’ આ પણ ગમે તેવો સંવાદ છેઃ ‘અમેરિકામાં કોઈ ‘લેડીઝ’ બાથરૂમ નહોતો જોયો. અમેરિકન છોકરીની વાત બાજુએ રહી, હું તો લેડીઝ-રૂમના જ પ્રેમમાં પડ્યો.’
જરા પણ ડાયસ્પોરિક ન લાગે તેવી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’માં કંકુ કુંભાર, તેની પત્નિ જંકુ અને તેમના ખર ખંકુની વાત છે. વાર્તાની શરૂઆતમાં આવતો ‘ગધેડાં સસ્તન પ્રાણી છે.....’ વાળો ગધેડાનો ટૂંકો પરિચય માણવા જેવો છે. પછી કુંભારના જીવનની નાની વિગતો સાથે વાર્તા આગળ વધે છે. તેમાં ઉફરાંટો, હાંજાગગડ, વ્રીડા જેવા શબ્દો લેખકની ભાષાને તદ્દન નોન-ડાયસ્પોરિક ઓપ આપે છે. કંકુ અને જંકુની માટલા સાથેના નાચની પળો આ સંપાદને સ્મૃતિમાં આપેલી અવિસ્મરણીય પળોમાંની એક છે. વાર્તાનો અપેક્ષિત અંત કુંભાર દંપતિની સાથે-સાથે વાચકોને પણ વ્યથિત કરી નાખે તેવો છે.
કુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’ ફરી એકવાર આફ્રિકન વાતાવરણને આ પુસ્તકમાં લઈ આવે છે. અને સાથે-સાથે એ પણ અહેસાસ કરાવે છે કે માનવ જીવનના મૂળભુત સંવેગો તો સમાન જ રહેવાના પછી તે આફ્રિકા હોય કે ભારત કે દુનિયાનો કોઈ પણ ખૂણો.
આ પુસ્તકનો અંત રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ....’ જેવી સશક્ત વાર્તાથી આવે છે. પરદેશમાં જઈ વસેલ કોઈ પણ વ્યક્તિ પોતાને જાતને બાલુભાઈમાં જોઈ શકશે. ગુજરાતી માઇગ્રન્ટની તમામ લાક્ષણિકતાઓનો સંગમ એટલે બાલુભાઈ. પુસ્તકની છેલ્લી વાર્તાનો છેલ્લો ફકરો ઘણા માટે દીવાદાંડીની ગરજ સારે તેમ છેઃ ‘આજથી લગભગ ત્રીસેક વરસ પહેલાં બાલુભાઈ પોતાનું ગામ છોડીને અમેરિકા આવ્યા ત્યારે ડૉલરનો ભાવ પાંચ રૂપિયા હતો અને ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પાંચેક વરસ રહીને તનતોડ મહેનત કરીને લાખ-બે-લાખ રૂપિયા બનાવીને પાછા ઇન્ડિયા જતા રહેવું. અમેરિકામાં તેમને અલીબાબાની ગુફા મળી ગઈ. ડૉલરનો ભાવ હવે આજે લગભગ ૪૫ રૂપિયા થઈ ગયો. લાખ-બે-લાખ નહીં પણ લાખ્ખો રૂપિયા બચાવ્યા છે. ગુફાનો દરવાજો બંધ છે. બાલુભાઈ મંત્ર ભૂલી ગયા છે અને ગુફાનો દરવાજો ખૂલતો નથી.’
સંપાદકોને એક પ્રશ્ન પૂછવો છેઃ આજના ઇન્ટરનેટ, મોબાઈલ અને જેટ-પ્લેનના જમાનામાં વિદેશ વસવાટની વ્યાખ્યા બદલાઈ છે. પહેલા વહાણમાં બેસી વિદેશ જનાર વ્યક્તિના ખબર ચાર-છ મહિને મળતાં અને તે ભાગ્યે જ પાછો આવતો અને આવે તો પણ વર્ષો બાદ. આજે ચિત્ર અલગ છે. દેશ-વિદેશ વચ્ચે જીવંત સંપર્ક શક્ય છે અને પ્રશાસન દ્વારા સતત બદલાતા જતાં નિયમોને કારણે એક એવો મોટો વર્ગ છે કે જે બે-ચાર-પાંચ કે દસ વર્ષ રહીને ભારત પાછો જતો રહે છે. તેમને બંને સંસ્કૃતિનો અનુભવ થાય છે. તેઓ જ્યારે ભારતમાં બેઠા-બેઠા તેમની વાર્તા માંડે, તો તેને ડાયસ્પોરિક વાર્તા કહી શકાય? આ પ્રશ્નનો જવાબ કદાચ ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં મદદરૂપ બને.
સંપાદકનું કાર્ય શબરી જેવું હોય છે અને આ શબરીકાર્યમાં બંને સંપાદકોએ ખૂબ જ મહેનત કરીને આ પુસ્તકને માણવા જેવું બનાવ્યું છે. માટે બીજો પ્રશ્ન એ કે આવું જ બીજું પુસ્તક ક્યારે મળશે?
(આ લેખને 'ઓપિનિયન' મેગેઝિનના મે-૨૦૧૨ ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું.)

જૂન 09, 2012

યુ.કે. બાઇટ્સઃ ‘All’s Well That Ends Well’ નું ‘મારો પિયુ ગયો રંગૂન’


        આ પહેલા બે વખત શેક્સપિયરના ગ્લોબની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે. પહેલીવાર ‘હેમ્લેટ’ જોયું હતું, જ્યારે બીજી વાર ‘મચ અડુ અબાઉટ નથિંગ’ જોયું હતું. બંને વખતે ગુજરાતી રંગભૂમિ અને જોયેલા ગુજરાતી નાટકો યાદ આવતા રહ્યાં અને ગુજરાતી રંગભૂમિની અને અંગ્રેજી રંગભૂમિની સરખામણી મનોમન થયે રાખતી. પણ મનના કોઈ અજ્ઞાત ખૂણે હંમેશા એમ જ થયે રાખતું કે ‘comparison always brings unhappiness.’ માટે મનમાં આ જે સરખામણીઓ થઈ રહી છે તે અયોગ્ય છે. (ગુજરાતી રંગભૂમિની તત્કાલીન પરિસ્થિતિ યાદ આવતા ખરેખર unhappiness જ થઈ રહી હતી.) પછી જ્યારે જાણવા મળ્યું કે ‘ગ્લોબ ટુ ગ્લોબ’ સિરીઝ હેઠળ શેક્સપિયરના ૩૭ નાટકો અલગ-અલગ ૩૭ ભાષામાં રજૂ થવાના છે અને તેમાં ‘All’s Well That Ends Well’ ગુજરાતી ભાષામાં રજૂ થવાનું છે ત્યારથી જાણે કે એ સરખામણી કરવાનું કાયદેસરનું બહાનું મળી ગયું અને તે નાટક જોવા માટે મન તલપાપડ થવા લાગ્યું.
(નાટક દરમિયાન પાડેલી, નેટ પરથી ઉઘરાવેલી અને સ્કેન કરેલી તસવીરો.)

        ૨૪ મે, ૨૦૧૨ ના દિવસે નાટક જોયા પછી કેટલીય ભાવનાઓનું ઘોડાપૂર મનમાં ધસી આવ્યું. સૌ પ્રથમ તો મારા ગુજરાતની જે સોડમ આવી તેણે ખરેખર આંખો ભીની કરી નાખી. ધાર્યું હતું કે એ મૂળ નાટકનો સમશ્લોકી અનુવાદ હશે પણ આ તો એક અલગ જ રૂપાંતર નીકળ્યું. મિહિર ભુતાએ આખા નાટકનો હાર્દ સાચવી રાખીને તેનું સંપૂર્ણ ગુજરાતીકરણ કર્યું છે. (મુંબઈમાં આ નાટક ‘મારો પિયુ ગયો રંગૂન’ના નામે રજૂ થઈ ચૂક્યું છે.)

        શેક્સપિયરનું નાટક ‘All’s Well That Ends Well’ તેના બહુ ઓછા ભજવાતા નાટકમાંનું એક છે. તેને આધુનિક વર્ગીકરણ મુજબ કોમેડિ કે ટ્રેજડી ન ગણતાં ‘પ્રૉબ્લેમ પ્લે’ ગણવામાં આવે છે. (‘પ્રૉબ્લેમ પ્લે’ એટલે એવું નાટક કે જેમાં કોઈ સામાજિક સમસ્યાને નાટકની વાર્તા વસ્તુમાં ગૂંથીને રજૂ કરવામાં આવે છે. જેમકે ‘A Doll’s House’ વાળા હેન્રિક ઇબ્સન (Henrik Ibsen) ના નાટકો.) જોકે દિગ્દર્શક સુનિલ શાનબાગ અને સ્વરૂપાંતરકાર મિહિર ભુતાએ આ નાટકને મનોરંજક બનાવવામાં કોઈ જ કસર છોડી નથી માટે આ ગુજરાતી સ્વરૂપાંતરને કોમેડિની કક્ષામાં મૂકી શકાય તેમ છે.
        રોસિલોન અને ફ્રાન્સના રાજાના દરબારના બદલે અહીં સૌરાષ્ટ્રનું રસોળી ગામ અને મુંબઈ છે તથા ફ્લૉરેન્સના સૈન્યના બદલે રંગૂનનો અફીણનો વેપાર છે. (ગુજરાતને આમ પણ યુદ્ધ કરતાં વેપારમાં વધારે રસ ખરોને!) પાત્રોના નામ પણ એવી ચતુરાઈથી બદલવામાં આવ્યા છે કે મૂળ શેક્સપિરિયન નામ તરત જ યાદ આવી જાય અને છતાંય એકદમ ગુજરાતી જ લાગે. હિરોઇન હેલેના (Helena)નું  હેલી, નાયક બર્ટ્રામ (Bertram) નું ભરતરામ, કાઉન્ટેસ (Countess)નું કુંતી, પેરોલિસ (Parolles) નું પર્વત, લાફ્યુ (Lafew) નું લાફાભાઈ, કિંગ ઓફ ફ્રાન્સ (King of France) નું રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયા અને ડાયના (Diana) નું અલકિની બંધબેસતું લાગે છે. શેક્સપિયરના નાટકમાં આવતી ક્લાસ સિસ્ટમ અને જ્ઞાતિ પ્રથાની સમસ્યા તેના ભારતીય રૂપાંતરમાં વધારે પોતીકી લાગે એ કેટલું સ્વાભાવિક છે. રાજાને થયેલા રોગ Fistula ને બદલે અહીં ગોકુળદાસને થયેલ ટી.બી. છે.
        નાટકનો પ્લોટ ઘણો જ સરળ છે અને શેક્સપિયરના મૂળ નાટક સાથે પણ બહુ જ મળતો આવે છે. નિરાધાર હેલીને પોતાના પિતા પાસેથી વારસામાં વૈદકશાસ્ત્રનું જ્ઞાન મળ્યું છે. તે પોતાને આશરો આપનાર કુંતીના પુત્રના પ્રેમમાં છે પરંતું તેને પામવો કેવી રીતે? શહેરમાં જઈ, વેપાર કરીને કંઈક કરી બતાવવાના સપના સાથે નાયક ભરતરામ પોતાના મામા રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયા પાસે મુંબઈ જાય છે. તેની પાછળ-પાછળ હેલી પણ મુંબઈ જાય છે, ગોકુળદાસના ટી.બી.ની સારવાર કરે છે અને બદલામાં ભરતરામનો હાથ માંગી લે છે. મામાની આજ્ઞાને વશ થઈને ભરતરામ કમને હેલી સાથે પરણીને હેલીને તેની માતા કુંતી પાસે રસોળી મોકલી આપે છે અને પોતે વ્યાપારાર્થે રંગૂન ચાલ્યો જાય છે. ત્યાંથી તે હેલીને પત્ર લખે છે જો હેલીએ ભરતરામને પામવો હશે તો તેની બે અશક્ય શરત પાળવી પડશે. (અહીં શેક્સપિયર પહેલા ‘અભિજ્ઞાનશાકુંતલમ’માં આ વીંટી વાળી વાત રજૂ થઈ ચૂકી છે તે યાદ આવ્યા વિના રહેતું નહી.) હેલી ભરતરામની પાછળ રંગૂન પહોંચી જાય છે અને જેની પાછળ ભરતરામ મોહિત થયો છે તે અલકિનીની સહાયથી શરત કઈ રીતે પૂરી કરે છે જોવાની મજા આવે છે.
નાટકનું સ્વરૂપાંતર કરતી વખતે નાટકના હાર્દને સાચવી રાખીને તેમાં કેટલીક વસ્તુ બાદ કરવામાં આવી છે અને કેટલીક વસ્તુઓ ઉમેરવામાં આવી છે. મૂળ નાટકમાં નથી તેવું લગ્નનું દ્રશ્ય ગુજરાતી દર્શકોને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવ્યું છે. હેલી અને ભરતરામ વચ્ચેની કડવી તુ-તુ-મે-મે ને પણ ઉમેરવામાં આવી છે. નાટકના મધ્યાહન પછીમાં આવતી અપહરણની આખી વાત બાદ કરવામાં આવી છે. તેમ છતાં નાટકમાં કશું ખૂટતું હોય તેમ લાગતું નથી, માટે મિહિર ભુતાની મહેનત લેખે લાગી તેમ કહી શકાય. ગુજરાતી દર્શકો નાટકમાં આકર્ષક સ્ટેજ અને બેકડ્રોપ્સ, લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ ઇફેક્ટ્સથી સર્જાતું ત્રિપરિમાણીય પોત જોવા ટેવાયેલા છે અને ગ્લોબ થિયેટરમાં આ કશીય સુવિધા ન હોવાથી ગુજરાતી દર્શકોને આકર્ષે તેવું નાટક ગ્લોબમાં રજૂ કરવું પડકારજનક વાત હતી પણ આ બધા નાના-મોટા અવરોધો પાર કરીને પણ નાટક ખૂબ જ મનોરંજક બની શક્યું છે.
જોકે ઊડીને આંખે વળગે (સોરી, કાને વળગે તેવો) તફાવત હતો નાટક દરમિયાન છૂટથી વપરાયેલા ગીતો. પારંપરિક ભવાઈને જેમ અહીં ઘણા-બધા ગીતો આવતાં રહ્યાં છે. આ ગીતોના સંદર્ભે એક બીજી વાત પણ નોંધવી રહી કે ઘણી જગ્યાએ મૂળ નાટકમાં જ્યાં સ્વગતોક્તિ (Soliloquy) આવતી હતી તેની જગ્યા અહીં ગીતોએ લીધી છે. એક તો આપણી પરંપરા છે દરેક સારા-નરસા પ્રસંગોએ ગીતો ગાવાની અને બોલિવુડ મૂવીઝે પાડેલી આદત છે કે કથાનકમાં વચ્ચે-વચ્ચે ગીતો હોવા જોઈએ – આ બંને વસ્તુઓને કારણે ઉદય મઝુમદારે સ્વરબદ્ધ કરેલા બધા ગીતો આપણને ગમે તેવા છે. આ ઉપરાંત, તે નાટકની શોભા માત્ર નથી પણ અભિન્ન અંગ સમા છે કારણે કે ઘણી જગ્યાએ તેના થકી કથાનક આગળ વધે છે. તેમાંય નાયિકા હેલીનું પાત્ર ભજવનાર માનસી પારેખ ગીતની તાલીમ પામેલ છે માટે તેના દ્વારા ગવાતા ગીતો (અને ખાસ કરીને ‘કાચી-કાચી ઇચ્છાઓના અંગારા લઈ હું ફરતી’) ને ખૂબ જ તાલીઓ મળતી હતી. આ ઉપરાંત ગોકુળદાસના મુખે ગવાતું પ્રથમ ગીત, કે ભરતરામ અને પરવતના મુખે ગવાતી મુંબઈ દર્શનની વાત કે હેલી દ્વારા અલકિનીને પોતાનો ભૂતકાળ કહેવા ગવાતું ગીત અને લાફારામના ગીતો પણ ગમે તેવા છે.
આપણા પ્રિય શેક્સપિયરની આદત છે તેની નાયિકાઓને (નાયક કરતાં પણ વધારે) પાસાદાર અને પ્રભાવક બનાવવી અને એજ પરંપરા મુજબ તેમણે હેલેનાનું પાત્ર સર્જ્યું છે અને સ્વરૂપાંતરમાં પણ હેલીનું પાત્ર (માનસી પારેખ) એવી જ રીતે રજૂ થયું છે. નાટકની શરૂઆતથી અંત સુધીમાં સૌથી વધુ સહાનુભૂતિ અને તાલીઓ હેલીને મળે છે. પણ નાટક પૂરું થયા બાદ એવો વિચાર આવે કે ભરતરામ પાછળ ઘેલી થયેલી હેલીએ ભરતરામમાં એવા તે કયા ગુણ જોયા? દર્શકોને જરા પણ પસંદ ન આવે તેવા નાયકમાં નાયિકાએ શું જોયું? હેલેનાના પાત્ર માટે જે કહેવાયું છે કે ‘a girl who loved not wisely, but well.’ એ જ હેલી માટે પણ કહી શકાય.
જ્યારે નાયક ભરતરામનું પાત્ર (ચિરાગ વોરા) મૂળ નાટક કરતાં પણ વધારે નબળું રજૂ થયું છે. મૂળ નાટકમાં Bertram ફ્લોરેન્સની સેનાનો સેનાપતિ બની તેની બહાદુરીના ડંકા જરૂર વગાડી દે છે. માટે જ્યારે તે હેલેનાને છોડીને બીજા પાત્રની પાછળ ઘેલો થાય ત્યારે તે તેની નબળાઈ નહી પણ પસંદનો પ્રશ્ન લાગે છે. જ્યારે આ સ્વરૂપાંતરમાં નાયક ભરતરામ કોઈએ બતાવેલા સ્વપ્નની પાછળ પાગલ બનીને પોતાનું શ્રેય ન સમજનાર ‘કાચા કાન’ ના પાત્ર તરીકે રજૂ થયો છે. પાત્રની મૂળભૂત નબળાઈ લંબાણપૂર્વક રજૂ કર્યા બાદ હેલીના મૃત્યુંના સમાચારથી એકદમ લાઘવમાં થતું ભરતરામનું હ્રદયપરિવર્તન અને અંતમાં સઘળો દોષ પરવત પર ઢોળીને ‘હું તો બોલ્યો ય નથી, ને હું તો ચાલ્યો ય નથી’ જેવી ચોખ્ખા થઈ જવાની ચેષ્ટા જરા પણ ગળે ઉતરતી નથી. આટલા નબળા નાયકને કારણે નાયિકાની તેની પસંદગીથી નાયિકાનું પાત્રાલેખન પણ નબળું થઈ જાય છે. ભરતરામ ઘરથી જેટલો વધારે સમય દૂર રહે, તેમ-તેમ તેના વસ્ત્રો વધારે ને વધારે વેર્સ્ટનાઇઝ્ડ થતાં જાય છે, એ વાત ઘણી સૂચક છે.
રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયાનું પાત્ર (ઉત્કર્ષ મઝુમદાર) મૂળ નાટકના King of France ના પાત્રને બરોબર ન્યાય આપે છે. રાજાનું પાત્ર ન હોવા છતાં તેઓ રાજવી અસર નીપજાવી શક્યા છે અને એટલે સુધી કે દર્શકો પણ તેમના સંવાદ ‘રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયાનો શબ્દ ઉથાપાય..’ની પૂર્ણાહુતિ ‘..નહી’ બોલીને કરે છે. આ પાત્રએ નાયિકા બાદ સૌથી વધારે તાલીઓ પડાવી છે. તેમાંય એક દ્રશ્ય તો ખાસ પસંદ આવે તેવું છે. હેલી તેમના ટી.બી.ની દવા કરે છે ત્યારે તેઓ સ્ટેજની મધ્યમાં રાખેલી ખુરશીની ફરતે ધીમે-ધીમે પાંડુના સહારે ગોળ-ગોળ ફરતા જાય છે અને જેમ-જેમ દવાની અસર થતી જાય છે તેમ-તેમ તેમની ઝડપ વધતી જાય છે. છેવટે રોગ સંપૂર્ણ મટી જતાં તેઓ જાતે જ એક ચક્કર લગાવે છે અને દર્શકો આ દ્રશ્યને તાલીઓના ગડગડાટથી વધાવી લે છે.
Lafew નું પાત્ર ભજવનાર લાફારામ (અર્ચન ત્રિવેદી) ખરેખર આ નાટકના સૂત્રધાર બનીને આવે છે અને જાનદાર અભિનય વડે દર્શકોની ખૂબ જ તાલીઓ પડાવી જાય છે. Countess of Rossillion માટે બર્નાડ શો એ લખ્યું હતું "the most beautiful old woman's part ever written" અને આ સ્વરૂપાંતરમાં કુંતી (મીનળ પટેલ) દ્વારા રજૂ થયેલું એ પાત્ર પણ એટલું જ જાજરમાન લાગે છે. આપણા માનસમાં પારંપરિક માતાની જે છબી સચવાયેલી છે તેને આ પાત્ર બરાબર ન્યાય આપે છે. ખલનાયક પેરોલિસ (Parolles) નું પર્વત (સત્ચિત પુરાણિક) ના નામે થયેલું સ્વરૂપાંતર નાયકની જેમ જ નબળું છે. મૂળ નાટકમાં રજૂ થયેલું પેરોલિસનું પાત્ર શેક્સપિયરના અન્ય નાયકો જેટલું અસરકારક નથી અને અહીં સ્વરૂપાંતર પામેલું પાત્ર તો ખૂબ જ નબળું છે. ડાયેનાનું સ્વરૂપાંતર અલકિની (નિશિ દોશી) અત્યંત આકર્ષક રીતે રજૂ થયું છે. ખરેખર તો એ પાત્ર મૂળ નાટક કરતાં પણ વધારે મજબૂત છે. રંગૂનની રમણી તરીકેની તેની રજૂઆત ગમે તેવી છે. ઉપરાંત આ નાટકમાં તે માત્ર એક પાત્ર નહી પણ હેલીની મિત્ર પણ બની જાય છે, જે આપણને ગમે તેવો ફેરફાર છે. પાંડુનું પાત્ર ભજવનાર અજય જયરામે તેના નાનકડા પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને તેના દ્વારા શેક્સપિરિઅન નાટકની જેમ comic relief મળ્યા કરે છે.
આ નાટકની રજૂઆતમાં તુલસી ક્યારો, એક ખુરસી, બે ટેબલ, થૂંકદાની, વાટકી, ચમચી, બાયોસ્કોપ, ભોંપું, વિવિધ ટોપીઓ, વીંટી, બોટલ, બે બાજઠ, પલંગ જેવા પ્રોપ્સ વપરાયા છે જે શેક્સપિરિઅન સ્ટેજ કરતાં વધું પરંતું ગુજરાતી સ્ટેજ કરતાં ઓછા છે. ઉદય મઝુમદારે ત્રણ સંગીતકારો (સદા મુલિક, વિનોદ પડગે અને જયેશ ધારગલકર) વડે હાર્મોનિયમ, તબલા અને ઢોલકનો ઉપયોગ કરીને સ્ટેજ પર જ સંગીત આપ્યું છે જે કર્ણપ્રિય છે. Bed-trick વાળું (ગુજરાતી તખ્તા માટે અઘરું) દ્રશ્ય ખૂબ જ શાલિનતાથી સ્ટેજ પર ભજવવામાં આવ્યું છે.
નાટકના મંચન દરમિયાન બિનગુજરાતીઓ અને બિનભારતીઓની બહોળા પ્રમાણમાં હાજરી આનંદદાયક હતી. તેમને સ્ટેજ પર શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે સ્ટેજની બંને બાજુ ઇલેકટ્રોનિક ડિસ્પ્લે પર દરેક દ્રશ્યની અગત્યની વાતો સારાંશ રૂપે રજૂ થતી હતી. આ ઉપરાંત તાલીઓમાં ઉદાર દર્શકગણે જે શિસ્ત જાળવી હતી, તે પણ નોંધનીય હતી. જોકે એ જોયા બાદ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે કરેલી ટિપ્પણી જરૂર યાદ આવી હતી. તેમણે કહ્યું હતું કે આપણા ભારતીયો વિદેશમાં જઈને ત્યાંના નીતિ-નિયમોનું પાલન કરશે અને કચરો કચરાપેટીમાં નાખશે પણ તેજ લોકો ભારતમાં એમ નહી કરે, એ આશ્ચર્ય અને દુખની વાત છે. આપણા સમાજમાં રુઢ થયેલી ‘અરેંજ મેરેજ’ની સમસ્યાને આ નાટક દ્વારા વાચા અપાઈ હોય તેમ લાગે, પણ છેવટે ‘All’s Well That Ends Well’ છે માટે એ સમસ્યાને અસરકારક રીતે રજૂ નથી થઈ શકી, અને આપણે તો આ નાટકને કોમેડિ જ ગણવું રહ્યું.
શેક્સપિયરના હોલમાર્ક સમા wit and wisdom વાળા સંવાદો આ નાટકમાં ઠેર-ઠેર છે. કેટલાક ઉદાહરણઃ
·         બાપાના જોડા પહેરવાથી બાપાની ચાલ ન આવડે.
·         લગન એ બેડી નહી લગામ છે.
·         જે મુખ જોઈને હરખાય તે નાર, અને હરખાતું મુખ જોઈને જે યાદ આવે તે સગુણા નાર.
·         જેવી હરજીની મરજી.
·         ભરત નામનું ગાડું હજી તો ભાગોળે ય પહોંચ્યું નથીને રુંવે-રુંવે ઝુરાપો આવી ગયો.
·         વાડામાં છીંડું પાડીને ચોર ઘૂસે તેમ સપના નિંદરમાં છીંડું પાડીને ઘૂસી ગયા.
·         વાયુ, પિત્ત અને કફ ત્રણેય છાતીમાં હુલ્લડ મચાવે છે.
·         સુખ તો કોઈ સ્વજનની સાથે રહીને ભોગવીએ તોજ સાર્થક થાય.
·         દિવસની સાક્ષીએ તું મારી પત્નિ છે પણ રાતની સાક્ષીએ મારી પત્નિ કોઈ દિવસ નહીં બને.
·         અંધારામાં આંગળીઓને પણ આંખ ઊગે છે.
·         પ્રેમ શોધવાનો ન હોય, ઓળખવાનો હોય.
·         સુખ એ પામવાની મિલકત નથી, માણવાની વાત છે.
મૂળ નાટકના ગમતા સંવાદોઃ
·         Our remedies oft in ourselves do lie,/Which we ascribe to heaven.
·         Oft expectation fails, and most oft there/Where most it promises.
·         It is like a barber’s chair that fits all buttocks.
·         They say miracles are past.
·         A young man married is a man that’s marred.
·         No legacy is so reach as honesty.
·         The web of our life is of a mingled yarn, good and ill together:/Our virtues would be proud if our faults whipped them not;/And our crimes would despair if they were not cherished our own virtues.
·         The inaudible and noiseless foot of time.
·         Simply the thing I am/Shall make me live.
·         Praising what is lost/ Makes the remembrance dear.
ટૂંકમાં જોવા જેવું રંગીન આનંદદાયક નાટક.
(BBC દ્વારા નાટકના રિહર્સલ દરમિયાન લેવાયેલ ઇન્ટર્વ્યુ)(નાટકના દિગ્દર્શક અને નિર્માતા સુનિલ શાનબાગનો ઇન્ટર્વ્યુ)


(ગ્લોબ થિયેટરની અંદરની વિડીયો ક્લિપ)

જૂન 01, 2012

મારિઓ પુઝોની 'ધ ગોડફાધર'માંથી એક અંશ

          મારિઓ પુઝો (Mario Puzo) ની જગવિખ્યાત નવલકથા 'ધ ગોડફારધર' (The Godfather) માં ડોનના ત્રીજા પુત્ર માઇકલ (Michael) ની ગર્લફ્રેન્ડ કે (Kay) 'માઇકલના પિતા બધાને મદદ કરતાં રહે છે.' તે જાણ્યા પછીમાઇકલને પ્રશ્ન કરે છેઃ "Are you sure you're not jealous of your father?" તેના જવાબમાં માઇકલ કહે છેઃ "You know those Arctic explorers who leave caches of food scattered on the route to the North Pole? Just in case they may need them someday? That's my father's favours."