તાજેતરની પોસ્ટસ

મે 21, 2012

યુ.કે. બાઇટ્સઃ Grain Drain in India

          મને ભારતીય હોવાનો ગર્વ છે. મારા દેશ વિશે જો કોઈ ખોટી વાત કરે તો તેને ત્યાં ને ત્યાં જ સાચી વાત કહી દેવાનો નિયમ આ દેશમાં આવ્યો ત્યારથી રાખ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ સમયે મને એક બાંગ્લાદેશી સહકાર્યકરે આવીને કહ્યું, 'ખેલાડીઓના રૂમમાં કૂતરા પૂ કરી જાય છે. તેમના રૂમમાંથી સાપ મળે છે. તમારા દેશમાં સુરક્ષા વ્યવસ્થા જેવું કંઈ છે કે નહી?' આમ તો વાત સાચી હતી પણ તેની રજૂઆત વિકૃત હતી. એ અપવાદરૂપ ઘટનાને જ્યારે હાઇલાઇટ કરીને બતાવવા-કહેવામાં આવી ત્યારે મને થયું કે કંઈક તો કહેવું જ જોઈએ. મારે તેમને પૂછવું પડ્યું કે 'શું ૧૯૭૨ ની મ્યુનિક ઓલિમ્પિક્સમાં આતંકવાદી હુમલો થયો, માટે એમ કહી શકાય કે આખું જર્મની આતંકવાદીઓથી ભર્યું પડ્યું છે? શું બાંગ્લાદેશમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કાર થયો, તો એમ કહી શકાય કે તમામ ૬ વર્ષીય બાંગ્લાદેશી છોકરીઓ બળાત્કારનો ભોગ બને છે?'
          કોઈની લીટી મોટી કરીને આપણી લીટી નાની કરવાનો પ્રયત્ન નથી. તેમણે ઉઠાવેલ મુદ્દો તો સાચો જ છે અને ચૂકને સ્વીકારવી જ પડે. પણ પોતાના રાષ્ટ્રની નિષ્ફળતાઓની ભડાશ કાઢવા માટે જ્યારે મારા દેશની આવી નાનકડી અપવાદરૂપ ઘટનાને વધારીને, મીઠું-મરચું નાખીને, મજા લઈ-લઈને કહેવામાં આવે ત્યારે આંખો બંધ રાખીને એ મીઠા-મરચામાં ફૂંક મારીને તેમની મજા બગાડી નાખવા જેટલો રાષ્ટ્રવાદી તો ખરો. પણ જ્યારે એ જ વ્યક્તિએ એમ પૂછ્યું કે, 'બીજું બધું છોડો પણ કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં જે ભ્રષ્ટાચાર થયો,  તેના વિશે શું કહેવું છે?' ત્યારે મારી બોલતી બંધ થઈ ગઈ. શું જવાબ આપવો? અને આ એક જ ઘટનાની વાત નથી, આવા તો ઘણા-ઘણા પરાક્રમ થતા રહે છે 'મેરા ભારત મહાન'માં અને તેના જવાબ આપવા ભારે પડે છે.
          તાજેતરની જ વાત છે. ૧૧ મે, ૨૦૧૨ના રોજ ભારતના બધા જ અગત્યના વર્તમાનપત્રો અને ન્યૂઝ ચેનલો પર પંજાબમાં સડી રહેલ લાખો ટન ઘઉંના સમાચાર હતા. અહીંના 'ધ ગાર્ડિયન' વર્તમાનપત્રમાં પણ એજ સમાચાર વાંચવા મળ્યા અને 'મેટ્રો'માં પણ. મેટ્રો તો બધાને મફત આપવામાં આવે છે માટે બસ કે ટ્યુબમાં મુસાફરી કરનારા બધા જ એની પર નજર ફેરવી લે. પણ 'મેટ્રો'ના વાચકો 'ધ ગાર્ડિયન' જેટલા ગંભીર વાચકો નથી હોતા. મોટાભાગે તો મુસાફરી દરમિયાન સમય પસાર કરવા જ લોકો આ વર્તમાનપત્ર વાંચતા હોય છે અને તેમાંય વિદેશી સમાચાર પર રિએક્ટ કરનારા બહુ નથી હોતાં. માટે મેટ્રો આવા સમાચાર ઓછા આપે છે અને જો આપે તો લખાણ ઓછું ને ફોટા વધારે, એવો તેમનો અભિગમ હોય છે. એ મુજબ જ તેમણે એક કૉલમના સમાચાર સાથે ત્રણ કૉલમનો ફોટો આપી પતાવી નાખ્યું. જુઓઃ


          પણ કહે છે ને કે 'A picture is worth a thousand words.' આ સમાચાર વાંચીને કે જોઈને મારી જેમ જ કેટલાય હલબલી ગયા હશે. તેમાં સમાચારના છેલ્લા બે વાક્યોની તો ખાસ નોંધ લેવાઈઃ 'About 42 per cent of Indians under the age of five are malnourished. Selling the grain at subsidised prize is not possible because it will expand the fiscal deficit, economists say.' અને ઘણા લોકોએ પછીના જ દિવસે તેના પર જે રિએક્શન આપ્યા તે વાંચવા જેવા છેઃ


          એકનો એક મુદ્દો 'મેટ્રો'માં બે દિવસથી વધારે ચાલે તો એ ફૂટબોલ કે યુ.કે./યુ.એસ.ના સેલિબ્રિટી સ્કેન્ડલ જ હોય એવો સામાન્ય નિયમ છે પણ આ સમાચાર પર ત્રીજે દિવસે પણ વાચકોના રિએક્શન આવતા રહ્યાં. જુઓઃ


          હવે આવા મુદ્દા પર આપણા દેશનો બચાવ કેવી રીતે કરવો? અને એ પણ જો પહેલીવાર એવું બન્યું હોય તો ઠીક છે. હમણાં ૨૦૧૦માં જ તો આવું બન્યું હતું! જનતાનો તમાચો ખાનાર એગ્રિકલ્ચર મિનિસ્ટર શરદ પવારે તો એવું વચન પણ આપ્યું હતું કે આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન શોધવામાં આવશે. યુ.કે.માં ૯.૮ પ્રતિશત બાળકો કુપોષણનો ભોગ બને છે અને યુ.કે.માં પણ ફૂડ વેસ્ટ એક મોટી સમસ્યા છે એમ કહીને આવા સવાલોના જવાબ આપવામાંથી જરૂર છટકી શકાશે. પણ શું તેનાથી એક પણ સમસ્યાનો ઉકેલ આવશે?

રિલેટેડ બ્લૉગ પોસ્ટઃ

2 ટિપ્પણીઓ:

 1. તમારી વાત સાથે સહમત. ઘણા મુદ્દે આપડે ભરતીયો,વિદેશ માં શરમજનક સ્થિતિ માં મુકાઈ જઈએ છીએ.
  -
  અહી ૨ વર્ષ પહેલા દિવાળી ટાણે પ્રોગ્રામ રાખ્યો ભારતીયો ના ગ્રુપે. પૈસા આપીને હું જોડાયો. સમયસર પહોચી ગયો. ઘણા કોરીયન પણ આવેલા. પ્રોગ્રામ ૩૦ મીનીટ મોડો શરુ થયો. અને ત્યાર બાદ ૨૦ મીનીટે મુખ્ય મહેમાન આવ્યા, કોણ? ભારતીય કોન્સ્યુલેટ ના એક અધિકારી!!!
  -
  પ્રોગ્રામ દરમ્યાન, સંચાલક ભદ્દી રીતે ચીસો પાડી પાડી ને સંચાલન કરતા રહ્યા. વારે વારે જાહેરાત કરવા છતાં કે - દરેક ભાગ લેનાર કલાકાર ને ફોટા મોકલવા માં આવશે કોઈએ આગળ આવી ફોટા પાડી ખલેલ પાડવી નહિ...લોકો પોતાના બાળકો, પત્ની વગેરે ના પ્રોગ્રામ વખતે સતેજ પાસે જઈને ફોટા લીધે રાખે, બેશરમ બની ને.
  -
  ત્યાર બાદ હું ક્યારેય આવા મેળાવડા માં જતો નથી.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.