તાજેતરની પોસ્ટસ

મે 14, 2012

જેમ્સ હેડલી ચૅઝની 'વૉટ'સ બેટર ધેન મની?'


યુરોપમાં ‘કિંગ ઓફ થ્રિલર રાઇટર્સ’ તરીકે વિખ્યાત જેમ્સ હેડલી ચૅઝ (James Hadley Chase) નું સાચું નામ હતું રેને રેમન્ડ. તેમણે બીજા ત્રણ ઉપનામે (James L. Docherty, Ambrose Grant, Raymond Marshall) પણ લખ્યું, પરંતું સફળ થયા જેમ્સ હેડલી ચૅઝના નામે. લંડનમાં જન્મેલ આ લેખકના પિતા આઝાદી પહેલા ભારત સ્થિત બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં કર્નલ હતાં. માટે જાત-ભાતના કામધંધા કરીને છેવટે લેખકનું લોહી તેમને રોયલ એર ફોર્સમાં ખેંચી ગયું અને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ સ્ક્વૉડ્રન લીડરના પદ સુધી પહોંચ્યા હતાં. તેમણે ૯૦ જેટલા પુસ્તકો લખ્યા અને તેમાંના મોટાભાગના બેસ્ટ-સેલર બન્યા હતાં. એક સમયે ગુજરાતમાં પણ તેમના પુસ્તકોના ગુજરાતી અનુવાદો પોકેટ બુક સ્વરૂપે ગરમાગરમ ભજીયાની જેમ વેચાતા હતાં.
વર્ણનોની શબ્દાળુતા વિનાનો એકદમ ઝડપી કથાપ્રવાહ, નાયકની ધનવાન બનવાની લાલસા અને તે માટે થતો કોઈ ગુનો કે ખૂન, નાયકનો ઉપયોગ કરતા ખૂબસૂરત પણ ઘાતક સ્ત્રીપાત્રો અને કથાના અંતમાં આવતો ઓચિંતો વળાંક એ જેમ્સ હેડલી ચૅઝની નવલકથાઓના ‘કોમન ફેક્ટર’ છે. (મોટાભાગની નવલકથાના મુખપૃષ્ઠ પણ આવી ખૂબસૂરત અને ઘાતક સ્ત્રીઓની તસવીરો વાળું જ રહેતું.)
‘ગુજરાત સમાચાર’ના સિનિઅર એડિટર ધૈવત ત્રિવેદી સાથે તેમની નવલકથા ‘લાઈટહાઉસ’ના સંદર્ભે ફેસબુક પર થયેલ સંવાદમાં તેમણે જેમ્સ હેડલી ચૅઝની ત્રણ નવલકથાઓનો ઉલ્લેખ કર્યો, ત્યારે અચાનક કિશોરાવસ્થામાં વાંચેલા તેમના પુસ્તકો યાદ આવી ગયા. (તે વખતે એ પોકેટ-બુક્સના એક્ઝોટિક કવરને કારણે તેની પર પૂંઠું ચડાવીને મારે વાંચવું પડતું, તે પણ મને યાદ આવી ગયુ.) તેમની આ પહેલા ન વાંચેલી નવલકથાઓમાંની એક ‘What’s Better Than Money?’ નો ઉલ્લેખ તેમણે કર્યો એટલે તેને કિન્ડલ ટચ પર ડાઉનલોડ કરી અને વાંચવી શરૂ કરી. ઉપર નોંધેલા તમામ લક્ષણો ધરાવતી ટિપિકલ આ નવલકથા સડસડાટ વંચાઈ ગઈ.
પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિ વડે કહેવાયેલી આ નવલકથાના પથમ ભાગમાં નાયક એક સ્ત્રીના અણધાર્યા પરિચયમાં આવે છે અને બીજા ભાગમાં તે સ્ત્રીના બ્લેકમેઇલિંગથી પીછો છોડાવવાનો પ્રયત્ન કરે છે. લેખકની પોતાની આગવી શૈલી છે કે જેમાં ભાગ્યે જ વર્ણનો કે બિનજરૂરી ઘટનાઓ/પાત્રો આવે છે. લેખકે જે આલેખવું હોય તેના માટે તે માપસરના પણ સચોટ શબ્દો જ વાપરે છે. મુશળધાર વરસતા વરસાદ માટે લેખકે આટલું જ લખ્યું છે, “It was raining fit to drown a duck.” નાયકે પોતાનો વ્યવસાય જમાવવા માટે કરેલો લાંબો સંઘર્ષ વર્ણવવા માટે આવે છે ચાર વાક્યોઃ “Slowly we began to get other jobs, not as cut-throat but nearly as bad. It took us two more years to crawl out of the red into the black. Don’t imagine it was easy. It was tooth, claw and no holds barred, but we came out of it, and finally into the open.” નાયકના પત્નિ સાથેના અબોલાનું વર્ણનઃ “Sarita had been quiet during breakfast. We had said little to each other. Nothing was said about the bungalow, but it was there, between us like a ten-foot wall.” નશામાં ચૂર માણસ વિશે એક જ વાક્યમાં પતાવ્યું છેઃ “He took four plunging steps into the bar, the way a man walks on a rolling ship, and then came to an abrupt standstill.”
આટલી નાની નવલકથામાં લેખકે વધારે પાત્રોને સ્થાન આપ્યું નથી અને ઉંદર-બિલાડીની રમતમાં એ બે સિવાય બીજા કોની જરૂર હોય? અહીં પણ નાયક જેફ અને તેને બ્લેકમેઈલ કરનારી સ્ત્રી રિમા- એમ બે પાત્રો જ મુખ્ય છે અને બીજા પાત્રોની આવન-જાવન શરૂ રહે છે. હા, જેફની પત્નિ સેરિટા (કે સરિતા!) અગત્યનું પાત્ર ખરૂ પણ તે પરોક્ષ રીતે. તેને કારણે નવલકથામાં અગત્યની ઘટના આકાર લે છે, પણ એ ઘટનાને તેણી આકાર નથી આપતી. જેફનો અંતરાત્મા તેને પ્રશ્ન પૂછતો રહે છે અને માટે જ રિમાનું ખૂન કરવાને બદલે તે કામ બીજાના હાથે થાય તેવો તેનો પ્રયત્ન કરે છે. જોકે એવી ગોઠવણ થયા બાદ પણ તેનો આત્મા તો તેને ડંખતો જ રહે છે. તે પોતાની જાતને જ પ્રશ્ન કરે છેઃ “Would I be able to live with myself if I were the direct cause of her death? This was a problem of conscience and it tormented me.” જ્યારે જેફને ખ્યાલ આવે છે કે રિમાના ખૂનની તેની યોજના નિષ્ફળ થઈ છે ત્યારે તે વિચારે છેઃ “I was glad my plan to get rid of Rima had failed. I knew I couldn’t have looked at Sarita the way I was looking at her now if I had been guilty of murder.” અને તેના આ સ્વભાવને કારણે જ તે ફરી વાર એવા જ સંક્ટમાં સપડાય છે. તેમાંથી બહાર નીકળવા જેફ શું કરે છે, તે જાણવા તો આ નવલકથા વાંચવી જ રહી.
ટૂંકમાં નાનકડી અને સડસડાટ વંચાઈ જાય તેવી જેમ્સ હેડલી ચૅઝની ‘What’s Better Than Money?’ એક વાર વાંચવા જેવી ખરી. અને જો તમારે શેક્સપિયરના જાણીતા વાક્ય “brevity is the soul of wit” વાક્યનો સાચો અર્થ સમજવો હોય, તો અચૂક વાંચવી.
(જેમ્સ હેડલી ચૅઝની તસવીર wikipedia.com પરથી.)

4 ટિપ્પણીઓ:

 1. એક સમય હતો જ્યારે જેમ્સ હૅડલી ચૅઝ વાંચવામાટે જ હું રાતે વાંચતો.
  હમણાં પૅરી મૅસન ફરીથી વાંચવાનું થયું છે, લગભગ ૪૦ વર્ષ પહેલાં આવતી હતી તેટલી જ મજા આવે છે. જો કે એ સમય જેટલી ઉત્કટતા નથી અનુભવાતી.
  જેમ્સ હૅડળી ચૅઝ વાંચવામાં જેટલી ઉત્કટ મજા પડતી એટલી જ અને એવી જ મજા અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચવાની આવી હતી.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અશોક્ભાઈ,
   અભિપ્રાય માટે આભાર. જોકે અશ્વિની ભટ્ટની નવલકથાઓમાં પાત્રો અને વાર્તાતત્વમાં જેમ્સ હેડલી ચેઝ કરતાં અનેકગણું વધારે વૈવિધ્ય જોવા મળે છે.
   સસ્નેહ,
   ચિરાગ ઠક્કર 'જય'

   કાઢી નાખો
 2. ક્યા બાત હૈ યાર... તમે તો વાંચી પણ લીધી.. ?!!!
  મેં પણ રસ્તાની કિનારે સાંકડી કેબિનમાં ચાલતી ઘરઘરાઉ ધોરણની લાઈબ્રેરીમાંથી જેમ્સ હેડલી ચેઈઝની નવલકથાઓ વાંચી છે. ચેઈઝને હું કથાવસ્તુનો બાપ માનું છું. તમે જો એની આઠ-દસ નોવલે વાંચી હોય તો પાત્રોમાં સમાનતા લાગશે પણ પ્લોટની ગૂંથણીમાં તો એ એક્કો હતો.
  પાત્રોની સમાનતા તો જોકે દર્શકથી માંડીને હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટથી માંડીને મુનશી સુધીના સમર્થોમાં લાગી છે. કદાચ લેખકનો ઓલ્ટર ઈગો કે આત્મવૃત્તિનો પડછાયો એમાં પડતો હશે. શાના કારણે એવું થાય છે એ તો હું બીજી નોવેલ લખું ત્યારે ખબર પડે :-)
  વાર્તાતત્વ કરતાં ય સ્થળોના વર્ણન, પાત્રોની સુરેખ આંકણી અને ભાષાના જોમ સંદર્ભે મને ગુજરાતી તો ઠીક, વિદેશી લેખકોના મેળામાં ય અશ્વિની મુઠ્ઠી ઊંચેરા લાગે. એલિસ્ટર મેક્લિનની બેઠી અસર તેમની દરેક નવલકથામાં વર્તાય તો પણ એ મેક્લિનની મૂળ કથા કરતાં ય પોતાની કૃતિને ચાર ચાસણી ચઢાવી શક્યા છે. મેકેનાઝ ગોલ્ડ નોવેલ વાંચો, એ જ નામથી બનેલી ગ્રેગરી પેક અભિનિત ફિલ્મ જુઓ અને દાદાની આશકા માંડલ વાંચો... એ બંને કરતાં આશકાની ઝાળ અનેકગણી તીવ્રતાથી ન લાગે તો મૂંછ મૂંડાવું.
  - અમસ્તા કંઈ આપણે એમના ઓશિંગણ છીએ, શું કહો છો.. ??
  આકસ્મિક રીતે જ તમારા બ્લોગની મુલાકાત લીધી પણ સાચે જ ગમ્યું. ફરી-ફરી આવતો રહીશ.
  ધન્યવાદ.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. ધૈવતબાબુ,
   સાચી વાત છે. અશ્વિની ભટ્ટની નવલકથાઓ આરપાર વીંધી નાખે તેવી હોય છે, unputdownable!
   અહીં આમ જ આવતા રહેજો.
   સસ્નેહ,
   ચિરાગ ઠક્કર 'જય'

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.