તાજેતરની પોસ્ટસ

મે 13, 2012

કિન્ડલ ટચનો પ્રથમ સ્પર્શ

          હંમેશા પુસ્તકો સાથે રાખવા અને જ્યારે પણ સમય મળે ત્યારે વાંચતા રહેવું એ વર્ષો જૂની આદત છે. પુસ્તક વાચનના સ્થળ અને પદ્ધતિઓમાં પણ ઘણા પ્રયોગ કર્યા છે. અગાથા ક્રિસ્ટીની 'મિસ્ટિરિયસ અફેર એટ સ્ટાઇલ્સ' અને ચાર્લ્સ ડિકન્સની 'ધી પિકવિક પેપર્સ' ને Dailylit.com દ્વારા ઇમેલમાં વાંચ્યા હતાં. બાળપણથી મારા પ્રિય પુસ્તકોમાંનું એક એવું આર. એલ. સ્ટીવન્સનનું 'ટ્રેઝર આઇલેન્ડ' અને વિક્ટર હ્યુગોની 'લા મિસરેબલ્સ'ને Booksinmyphone.com દ્વારા Nokia N95 માં વાંચેલા. માટે જ્યારે પાછલા છ મહિનામાં પબ્લિક ડોમેનમાં રહેલા આઠેક પુસ્તકો ખરીદવામાં લગભગ ત્રીસેક પાઉન્ડ ખર્ચ્યા, ત્યારે મારા અમદાવાદી જીવને વિચાર આવ્યો કે આ પુસ્તકો પ્રોજેક્ટ ગુટેનબર્ગ હેઠળ ઇ-બુક સ્વરૂપે વિનામૂલ્યે ઉપલબ્ધ છે, માટે આ પાઉન્ડ બચી શકત. આથી મારા Nexus One મોબાઇલ પર ગુગલ પ્લે બુક્સ માં એ પુસ્તકો વાંચવા શરૂ કર્યા. મોબિલિટીની દ્રષ્ટિએ એ સગવડ ભર્યું હતું, પરંતું તેના માઇનસ પોઈન્ટ્સ પણ ખરા. નાની સ્ક્રીન સાઈઝ, સતત એ સ્ક્રીન પર વાંચવાને કારણે આંખોને થતું નુકસાન અને જાહેરમાં મોબાઈલ સતત હાથમાં રાખીને મોબાઇલ સ્નેચર્સની નજરમાં આવવાનો ડર. માટે લગભગ બે વર્ષથી ઇ-રીડર ખરીદવાનો જે વિચાર મનમાં હતો, તેના પર ગંભીરતાથી વિચારવા લાગ્યો.

          પુસ્તકો વાંચતી વખતે મને બહુ બધા માર્કિંગ અને નોટ્સ કરતા રહેવાની આદત છે, માટે એ સગવડ તો મારી પ્રાથમિક જરૂરિયાત હતી. બીજા બધા ઇ-રીડર્સ કરતાં એ વસ્તુ કિન્ડલ ટચ અને કિન્ડલ ફાયરમાં  સરળ અને ઝડપી લાગી. પરંતું કિન્ડલ ફાયરનો માઇન્સ પોઇન્ટ એ કે તે ઇ-રીડર નહી પરંતું ટેબ્લેટ છે, માટે વાંચનમાંથી ડિસ્ટ્રેક્ટ થવાય તેવી પૂરી સંભાવના. છેવટે £૧૦૯ પાઉન્ડનું બજેટ ફાળવીને કિન્ડલ ટચની ખરીદી કરી. મને ગમતા ઓપન ડોમેનના લગભગ ૨૦૦ પુસ્તકો તેમાં ડાઉનલોડ કર્યા, મારી પાસે લેપટોપમાં જે પુસ્તકો હતા તેને કિન્ડલ ટચમાં ટ્રાન્સફર કર્યા અને કિન્ડલ ટચનો ઉપયોગ શરૂ કર્યો. આજે તેમાં પ્રથમ પુસ્તકનું વાંચન પૂરૂ થયું ત્યારે મને થયું કે આ અનુભવ આપની સાથે વહેંચવા જેવો ખરો.

તેમાં શું ગમ્યું?
 • નાનકડું ખિસ્સામાં મૂકી શકાય તેવું કદ અને વજન.
 • બેટરી લાઈફ (એમેઝોને એમ દાવો કર્યો છે કે વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેક્શન બંધ રાખીને જો રોજ અર્ધો કલાક વાંચવામાં આવે તો બેટરી મહિના ઉપરાંત ચાલશે. મારે રોજ ત્રણેક કલાક વાંચન થતું માટે બેટરી એકાદ અઠવાડિયા બાદ ૮૦% વપરાઈ હતી.)
 • આંખોને પુસ્તક જેવો જ આભાસ કરાવતી અને તડકામાં સરળતાથી વાંચી શકાય તેવી e ink ટેક્નોલોજી વાળી સ્ક્રીન.
 • કોઈ શબ્દનો અર્થ ખબર ન હોય, તો તેની પર એક લોંગ-પ્રેસ કરતા જ ઓક્સફર્ડ ડિક્શનરીની વ્યાખ્યા તરત જ દર્શાવે, તે સુવિધા.
 • હાઇલાઈટ અને નોટ કરવાની સુવિધા.
 • પબ્લિક ડોમેનમાં વિનામૂલ્યે ઉપલબ્ધ હજારો પુસ્તકો.
 • Whispersync ટેક્નોલોજી કે જેના વડે કિન્ડલમાં કોઈ પણ વાયર જોડ્યા વિના વાઇ-ફાઇ કનેક્શન દ્વારા જ ૬૦ સેકન્ડમાં આખે-આખા પુસ્તકો ટ્રાન્સફર કરી શકાય અને કિન્ડલ ટચમાં કરેલી નોટ્સ અને હાઇલાઇટ્સ પણ એમેઝોન ક્લાઉડમાં સિન્ક થાય.
 • કિન્ડલની Personal Document Service. આ સર્વિસમાં સપોર્ટેડ ડોક્યુમેન્ટ ટાઇપ્સ બહુ નથી પણ જે છે તે ઉપયોગી છે. કોઈ પણ સપોર્ટેડ ટાઇપ વાળી ફાઈલ ઇમેલ કરો અને થોડી જ વારમાં એ કિન્ડલના ફોરમેટમાં કન્વર્ટ થઈ જાય અને તમારા કિન્ડલ પર વાંચવા માટે હાજર.
 • Google Chrome નું એક extension  છે 'Send To Kindle' (એવા બીજા પણ extension છે.) આ extension ને ઇન્સ્ટોલ કર્યા બાદ કોઈ પણ ગમી ગયેલા આટિકલને નિરાંતે વાંચવા માટે માત્ર બે ક્લિક કરવાની અને તે કિન્ડલ પર વાંચવા માટે હાજર થઈ જાય.
 • ગુજરાતી યુનિકોડ ફોન્ટનો સપોર્ટ.
 • એન્ડ્રોઈડ માર્કેટમાં ઉપલબ્ધ કિન્ડ્લ એપ્લિકેશન કે જેમાં એમેઝોન પરથી કિન્ડલમાં ડાઉનલોડ કરેલા પુસ્તકો વાંચી શકાય અને તેમાં પણ Whispersync ટેક્નોલોજી ઉપલબ્ધ છે. માટે મોબાઇલમાં ૧૦ પેજીસ વાંચીને પછી કિન્ડલ ટચમાં એ પુસ્તક ખોલો, તો તમે જે પાના પર મોબાઇલમાં વાંચવાનું બંધ કર્યું હોય, ત્યાંથી જ કિન્ડલ ટચમાં એ પુસ્તક ખુલે.
તેમાં શું ન ગમ્યું?
 • ટચ સ્ક્રિનની responsiveness માટે ૧૦ માંથી ૮ ગુણ જ મળે તેમ છે. થોડુંક ધીમું લાગે છે અને તેમાં સુધારાનો અવકાશ છે.
 • ગુજરાતી પુસ્તકોની ગેરહાજરી (પણ તેમાં એમેઝોન નહી, આપણા પ્રકાશકો-લેખકોએ કંઈક કરવાનું છે.)
 • ગુજરાતી યુનિકોડ ફોન્ટ રેન્ડરિંગમાં દેખાતી ગડબડ. (જેમ કે તેમાં 'નર્મદ' નહિં પણ 'નમ્રદ' વંચાશે.)
 • Personal Document Service માં મોકલેલી PDF ફાઇલનું conversion સંતોષકારક નથી.
 • Experimental Features હેઠળ રજૂ કરવામાં આવેલું વેબ બ્રાઉઝર, પણ તે હજી  Experimental Feature છે  અને આ ડિવાઇસ વેબ-સર્ફિંગ માટે નથી. આથી 'સાત ખૂન માફ'!
 • એન્ડ્રોઈડ માર્કેટમાં ઉપલબ્ધ કિન્ડ્લ એપ્લિકેશનમાં માત્ર એમેઝોન પરથી ડાઉનલોડ કરેલા પુસ્તકો જ વાંચી શકાય છે. તમે  Personal Document Service ની મદદથી જે વસ્તુઓ કિન્ડલ પર ટ્રાન્સફર કરી છે, તેને આ એપ્લિકેશન વાંચવા દેતુ નથી.
 • કિન્ડલને ચાર્જ કરવા માટે તેને કોમ્પ્યુટરના USB port સાથે જોડવું પડે છે, કારણ કે મેઇન્સ ચાર્જર પ્રોવાઇડ કરવામાં નથી આવતું. (અલગથી ખરીદી શકાય છે.)
          અંગત રીતે તો એમ જ માનું છું કે છાપેલા પુસ્તકોનો કોઈ જ પર્યાય નથી, પણ આ અનુભવ પણ લેવા જેવા ખરો. ખર્ચેલા પૈસા વસૂલ જરૂર થશે. તેના પર વાંચેલા પુસ્તક વિશે થોડાક જ સમયમાં વાત કરીશું.

3 ટિપ્પણીઓ:

 1. ચિરાગ ભાઈ ખુબ માહિતી પ્રદ પોસ્ટ. હું પણ કીન્દલ લેવાનું વિચારું છુ, આપની પોસ્ટ કીન્દલ લેવા ને પસંદ કરવા ખુબ કામ લાગશે ! આભાર !

  જવાબ આપોકાઢી નાખો
 2. ચિરાગ ભાઈ,
  તમારા Kindle Touch માં ગુજરાતી અક્ષરો જોઈ ને મારી આંખો દસ થઇ ગઈ. હું પણ Send To Kindle નો ખુબ મોટા પ્રમાણ માં ઉપયોગ કરું છું પણ મારા Kindle 3 માં ગુજરાતી અક્ષરો ને બદલે ચોરસ આવે છે. આના વિષે કઈ વધારે માહિતી આપશો એવી વિનંતી.

  આભાર.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. ધનંજયભાઈ,
   મે કોઈ વિશેષ પ્રયત્ન નથી કર્યો. મારે તો પહેલેથી જ ગુજરાતી ફોન્ટનો સપોર્ટ છે. જોકે હજી ફોન્ટ રેન્ડરિંગમાં ભૂલો છેઃ જેમ કે 'ફર્ક'નું 'ફક્ર' થઈ જાય છે. પણ ગુજરાતી વાંચી શકાય છે તેનો આનંદ છે. Kindle 3 માં એ હશે કે કેમ તેના વિશે મને માહિતી નથી.
   અહીં મળતા રહેજો.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.