તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 22, 2012

યુ.કે. બાઇટ્સઃ માણસ ઉર્ફે આળસ ઉર્ફે લાલચ ઉર્ફે આડા ફાટવાની ઘટના ઉર્ફે

          સર ડેવિડ એટનબરોની 'પ્લેનેટ અર્થ' સીરિઝમાં અને ડિસ્કવરી ચેનલ પર રેઇન ફોરેસ્ટને લગતા કાર્યક્રમમાં જોયું હતું કે ચાર્લ્સ ડાર્વિનનો 'સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ'નો સિદ્ધાંત વૃક્ષોને પણ લાગુ પડે છે. ગાઢ વર્ષાવનોમાં મહત્તમ સૂર્યપ્રકાશ મેળવવા માટે વૃક્ષો પોતાની ઊંચાઈ સતત વધારતા રહે છે. કેટલાક વૃક્ષો પર્ણોની ઘટા વધારવાના ભોગે પણ ઊંચાઈ વધારે છે કે જેથી ભવિષ્યમાં તેઓ મહત્તમ સૂર્યપ્રકાશ મેળવી શકે. સ્પર્ધાત્મક વાતાવરણ ઊંચાઈ પર પહોંચાડે છે! પણ જ્યાં સ્પર્ધા ન હોય, વધારે પડતી મોકળાશ હોય ત્યાં શું થાય? જુઓ આ રહ્યાં ઉદાહરણઃ

          યુ.કે.ની શાળાઓમાં કદાચ આ જ પરિસ્થિતિ છે. એક વખત વોટફર્ડમાં વસતી એક ૮૫ વર્ષની ઇંગ્લિશ લેડીએ વાત-વાતમાં કહ્યું હતું કે, "In our times, they used to teach. Now they allow students to learn." બધા જ બાળકોને ભણવું ગમે એવું તો હોતું નથી. માટે ભણનારા (થોડાક) ભણે અને બાકીના બધા જલસા કરે. માધ્યમિક શિક્ષણ સુધી પહોંચતા-પહોંચતા જે બાળકો ભણવા પ્રત્યે ઉદાસીન હોય, આળસુ હોય કે તેમને (વ્યસન કે કમાવાની કે ખરાબ સોબત જેવી) કોઈ લાલચ હાથ લાગી ગઈ હોય તે અધવચ્ચે જ અભ્યાસ છોડી દેતા હોય છે. આપણા વડવાઓ આવું જ કંઈક જોઈને 'આડા ફાટવું' શબ્દપ્રયોગ કર્યો હોય, તો નવાઈ નહી. (આવા કેટલાય આડા ફાટેલા કિશોરો ૬ થી ૧૦ ઓગસ્ટ ૨૦૧૧ દરમિયાન થયેલા તોફાનોમાં શામેલ હતાં.)

          એવું તો નથી જ કે સ્કૂલમાં ન જનાર બાળક જિંદગીમાં સફળ નથી થતાં પણ સિસ્ટમમાં થોડીક તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવે તો વિદ્યાર્થીના ઉર્ધ્વગમનમાં મદદ જરૂર મળે છે. સાથે-સાથે જ એ પણ નોંધવું રહ્યું કે ભારતની શિક્ષણ પધ્ધતિમાં જે ગળાકાપ સ્પર્ધા છે, તે માત્ર ક્લાસરૂમ્સ પૂરતી સીમિત ન રહેતા પેરેન્ટ્સ વચ્ચે સામાજિક સ્તરે પણ થતી હોય છે. પરીક્ષાના પરિણામ જાણે બાળકના જીવનનું એકમાત્ર ધ્યેય હોય તેમ તેમને રેસના ઘોડા બનાવી દેવામાં આવે છે. ઘણીવાર આ સ્પર્ધાઓને કારણે બાળક આત્મહત્યા પણ કરી લેતું હોય છે. માટે એવી સ્પર્ધા પણ ખોટી. આ બંનેની વચ્ચેનો કોઈ માર્ગ શોધવાનો પ્રયત્ન થવો જોઈએ.

રિલેટેડ બ્લૉગ-પોસ્ટસઃટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.